સ્વામી વિવેકાનંદ : શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવા માટે હું મારી જાતને સદ્ભાગી માનું છું. મને કહેવામાં આવ્યું છે કે યુવાનો અને વૃદ્ધો મળીને ૪૦૦૦ સુહૃદજનો ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ની એ વિશ્વધર્મ પરિષદમાં ૧૨૫ વર્ષ પહેલાં ઉપસ્થિત હતા અને આજે પણ એટલા જ સુહૃદજનો ઉપસ્થિત છે.

આવા પ્રેરક અને મહાન સંબોધનની ઉજવણી જેવા બીજા કોઈ દૃષ્ટાંત વિશે હું જાણતો નથી. કદાચ આવું ઉદાહરણ નહિ પણ હોય. આ ઉજવણી એ દર્શાવે છે કે સ્વામીજીના એ ઐતિહાસિક સંબોધનના પ્રભાવથી પશ્ચિમના લોકોની જીવનરીતિમાં કેવું મહાન પરિવર્તન આવ્યું અને ભારતીય આધ્યાત્મિક વિચારો અને વેદાંતદર્શનને કેવું સુયોગ્ય સ્થાન સમગ્ર વિશ્વમાં સાંપડ્યું.

આપે શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીનું કરેલું આયોજન પણ એ દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. રામકૃષ્ણ મઠ અને મિશન સાથે સંલગ્ન ભાવિકજનો, તામિલનાડુની રાજ્યસરકાર તેમજ અહીં ઉપસ્થિત આ સ્મૃતિસભાના શ્રોતાઓને મારા હાર્દિક અભિનંદન. સંતોની અનન્ય સાત્ત્વિક ગુણવત્તા અને અહીં ઉપસ્થિત યુવાનોનાં ઊર્જા અને ઉત્સાહ એ ખરેખર ભારતના સાચા સામર્થ્યનું પ્રતીક છે.

હું આપ સૌથી દૂર હોવા છતાં પણ એક અનોખી ઊર્જા અનુભવું છું. આપ સૌ આ દિવસને માત્ર સંભાષણો સુધી જ સીમિત રાખશો નહીં. સ્વામીજીના શબ્દોને પ્રસારિત કરવા રામકૃષ્ણ મઠ અને મિશને અનેક કાર્યક્રમો આરંભ્યા છે. શાળા અને કોલેજોમાં સ્પર્ધાઓનું આયોજન થયું છે. આપણા યુવાનો મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશે અને આજના ભારત સામેના પડકારોનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે. લોકભાગીદારીની આ ભાવના અને દેશના પડકારો સામે ઝઝૂમવાનો આ સંકલ્પ તેમજ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું દર્શન સ્વામી વિવેકાનંદના સંદેશનો સારાંશ છે.

મિત્રો, સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણ દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની સંસ્કૃતિ, દર્શન અને પ્રાચીન આધ્યાત્મિક, સાંસ્કૃતિક પરંપરાઓ પર પ્રકાશ ફેંક્યો છે. શિકાગો ભાષણ વિશે અનેક લોકોએ લખ્યું છે. આપણે પણ આજની ચર્ચા દરમિયાન એમના ભાષણના મહત્ત્વપૂર્ણ અંશોની વાત કરી છે. આપણે સ્વામીજીના શબ્દોની વાત દોહરાવતા રહીશું અને એમાંથી નવી નવી વાતો શીખીશું.

હું સ્વામીજીનાં ભાષણોનો પ્રભાવ દર્શાવવા એમના જ શબ્દોનો ઉપયોગ કરીશ. ચેન્નઈમાં એક પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે શિકાગો વિશ્વધર્મ પરિષદ ભારત અને ભારતીય વિચારો માટે અપાર સફળતા રૂપ હતી. એથી વેદાંતને એક ભરતી જેવી સહાય મળી અને સમગ્ર વિશ્વમાં વેદાંતના વિચારો પ્રવાહિત થઈ રહ્યા છે.

મિત્રો, જો આપ સૌ સ્વામીજીના સમયકાળને યાદ કરો તો એમની ઉપલબ્ધિઓની સીમાઓ વધારે વ્યાપક દેખાશે. આપણો દેશ એ સમયે વિદેશી શાસન હેઠળ હતો. આપણે ગરીબ હતા. આપણા સમાજને પછાતરૂપે જોવાતો હતો. વાસ્તવમાં આપણા સમાજમાં અનેક પ્રકારની ખરાબી હતી. અને એ બધી ખરાબીઓ આપણા સામાજિક તાણાવાણાનો એક અંગ બની ગઈ હતી. વિદેશી શાસકો, એમના ન્યાયાધીશો, એમના ઉપદેશકો આપણાં હજારો વર્ષનાં જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને નિમ્નકક્ષાનો ગણાવવામાં જરાય ચૂક ન કરતા. આપણા લોકોને પોતાના પ્રાચીન વારસા પ્રત્યે હલકી નજરે જોવાનું શિક્ષણ અપાયું. આપણને પ્રાચીન સંસ્કૃતિ અને અધ્યાત્મનાં મૂળિયાંથી દૂર કરી દીધા. સ્વામીજીએ આવી દૃષ્ટિ સામે પડકાર ફેંક્યો. તેમણે શતાબ્દીઓથી આપણી સંસ્કૃતિ પર છવાયેલી ધૂળને ખંખેરવાનું બીડું ઊઠાવ્યું. એમણે વિશ્વને વૈદિક દર્શનની શ્રેષ્ઠતા બતાવી. એમણે શિકાગોમાં સમગ્ર વિશ્વને વેદાંતદર્શનનું જ્ઞાન આપ્યું અને દેશના સમૃદ્ધ ભૂતકાળ અને તેની અપાર ક્ષમતાની પણ યાદ અપાવી. એમણે આપણને ગુમાવેલી શ્રદ્ધા, પોતાનું ગૌરવ અને મૂળ સ્રોત સાથે જોડી દીધા. સ્વામીજીએ આપણને સૌને એ યાદ અપાવ્યું કે આ ધરતી એ જ ધરતી છે કે જ્યાંથી આધ્યાત્મિકતા અને દર્શન સાગરની ભરતીની જેમ વારંવાર એનાં મોજાં ઊમટતાં રહે છે અને સમગ્ર વિશ્વને પરિપ્લાવિત કરતાં રહ્યાં છે. આ ધરતી એ જ ધરતી છે કે જ્યાં માનવતાની પતિત પ્રજાતિઓમાં જીવન અને શક્તિ લાવવાની ભરતી ઊઠતી રહી છે.

સ્વામી વિવેકાનંદે માત્ર સમગ્ર વિશ્વ પર પોતાનો પ્રભાવ પાડ્યો ન હતો, પરંતુ દેશના સ્વાતંત્ર્ય આંદોલનને એક નવી ઊર્જા અને એક નવો વિશ્વાસ પણ આપ્યાં હતાં. એમણે દેશના લોકોમાં ‘આપણે કરી શકીએ છીએ’, ‘આપણે સક્ષમ છીએ’ ની ભાવના જાગ્રત કરી. આવો અડગ આત્મવિશ્વાસ આ યુવા સંન્યાસીના લોહીના કણેકણમાં હતો. એમણે દેશને આવો આત્મવિશ્વાસ પ્રદાન કર્યો. એમનો મંત્ર હતો ‘પોતાનામાં શ્રદ્ધા રાખો અને દેશને ચાહો’.

મિત્રો, સ્વામી વિવેકાનંદના ભાવિ દૃષ્ટિકોણ સાથે ભારત પૂર્ણ શ્રદ્ધાથી આગળ ધપી રહ્યું છે. જો આપણે પોતાના પર વિશ્વાસ રાખીએ, પોતાનામાં આત્મશ્રદ્ધા કેળવીએ અને કઠિન પરિશ્રમ કરવાની પ્રતિજ્ઞા લઈએ તો આપણે શું પ્રાપ્ત ન કરી શકીએ ? બધું પ્રાપ્ત કરી શકીએ.

આજે સમગ્ર વિશ્વ માને છે કે ભારત પાસે યોગ અને સ્વાસ્થ્ય માટે આયુર્વેદની સદીઓ જૂની પરંપરા છે. એની સાથે ભારત આધુનિક ટેકનોલોજીની શક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે. આજે ભારત એકી સાથે સો ઉપગ્રહો લોંચ કરી રહ્યું છે. વિશ્વ સમુદાય મંગળયાન અને ગગનયાનની વાતો કરે છે. બીજું, આ દેશ ભીમ જેવી ‘એપ’ને વિકસાવી રહ્યો છે. એનાથી આ દેશનો આત્મવિશ્વાસ વધ્યો છે. આપણે ગરીબો અને વંચિતોમાં આત્મવિશ્વાસ વધારવાનો કઠિન પરિશ્રમ કરી રહ્યા છીએ. આ પ્રયાસનો પ્રભાવ આજના આપણા યુવાનો અને દીકરીઓના આત્મવિશ્વાસમાં જોઈ શકાય છે.

હમણાં જ એશિયાઈ રમતગમતમાં આપણે જોયું કે આપણે કેટલા ગરીબ છીએ અને ક્યા પરિવારમાંથી આવીએ છીએ, એનો કશોય પ્રભાવ પડતો નથી. પોતાના આત્મવિશ્વાસ અને કઠિન પરિશ્રમની મદદથી તમે પોતાના દેશને ગૌરવ પ્રદાન કરી શકો છો. આજે કૃષિ ઉત્પાદન પોતાના રેકોર્ડ સ્તર પર છે. એમાં આપણા ખેડૂતભાઈઓનો સમાન દૃષ્ટિકોણ જોવા મળે છે. સમગ્ર ઉદ્યોગજગતના સંવાહકો અને આપણા કામદારો ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ કરી રહ્યા છે. યુવાન ઇજનેરો, ઉદ્યમીઓ અને વૈજ્ઞાનિકો દેશને નવી ક્રાંતિ તરફ લઈ જઈ રહ્યા છે.

મિત્રો, ભારતનું ભવિષ્ય યુવાનો પર નિર્ભર છે એવો સ્વામીજીને પૂર્ણ વિશ્વાસ હતો. વેદોને ટાંકીને એમણે કહ્યું હતું કે શક્તિશાળી, સ્વસ્થ, તીક્ષ્ણબુદ્ધિવાળો યુવાન પ્રભુ સમક્ષ પહોંચી શકે. આજનો યુવાન આ સંકલ્પ સાથે આગળ ધપી રહ્યો છે, એ હકીકતથી હું પ્રસન્નતા અનુભવું છું. યુવાનોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને સરકારે એક નવી કાર્યપ્રણાલી અને એક નવો દૃષ્ટિકોણ પોતાની સામે રાખ્યો છે. સ્વતંત્રતાનાં ૭૦ વર્ષ પછી આપણા યુવાનોમાંના અનેક એવા છે કે જેમની પાસે રોજગાર મેળવવા માટે યોગ્ય કૌશલ નથી. આમ જોઈએ તો સાક્ષરતામાં વૃદ્ધિ થઈ છે, પરંતુ આપણી કેળવણીમાં કૌશલવિકાસ પર વધારે ધ્યાન અપાયું નથી.

યુવાનો માટે કૌશલવિકાસના મહત્ત્વને સમજીને સરકારે તેના માટે એક અલગ મંત્રાલયની સંરચના કરી છે. આ ઉપરાંત આપણી સરકારે એ યુવાનો માટે બેંકના દરવાજા ખોલી નાખ્યા છે. એનાથી તેઓ પોતાની તાકાત પર પોતાનાં સપનાંને સાકાર કરી શકે છે. મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૩ કરોડ લોકોએ બેંકો પાસેથી ઋણ લીધું છે. આ યોજનાએ દેશનાં ગામડાં અને શહેરોમાં સ્વરોજગારને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અભિયાન હેઠળ નવા ઉન્મેષ અને વિચારો માટે સરકારે એક ઉપયોગી મંચ ઊભો કર્યો છે. એના પરિણામે ગયા વર્ષે ૮૦૦૦ સ્ટાર્ટઅપને માન્યતાનું પ્રમાણપત્ર અપાયું છે. ૨૦૧૬માં આ સંખ્યા ૮૦૦ની હતી. એનો અર્થ એ છે કે એક વર્ષમાં જ દશગણો વધારો થયો છે. વિદ્યાલયોમાં આ માટે વાતાવરણ ઊભું કરવા ‘અટલ ઇનોવેશન મિશન’ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ હવે પછીનાં પ વર્ષોમાં સમગ્ર દેશમાં ૫૦૦૦ ‘અટલ થિંકિંગ લેબ’ની સ્થાપના થઈ જશે. નવોન્મેષી વિચારોને આગળ ધપાવવા ‘સ્માર્ટ ઇન્ડિયા’ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મિત્રો, સ્વામી વિવેકાનંદે આપણી સામાજિક, આર્થિક સમસ્યાઓ વિશે પણ વિચારો વ્યક્ત કર્યા છેે. એમણે કહ્યું હતું કે જ્યારે આપણે ગરીબમાં ગરીબને સર્વોચ્ચ સ્થાન પર બેઠેલ વ્યક્તિની સમકક્ષ બેસાડી શકીશું ત્યારે સમાજમાં સમાનતા આવશે. છેલ્લાં ૪ વર્ષોથી અમે આ કાર્ય કરીએ છીએ. ‘જનધન ખાતાં અને ઇન્ડિયા પોસ્ટ પેય્મેન્ટ’ બેંક દ્વારા બેંકોને દેશના ગરીબોના ઘરના દરવાજા સુધી પહોંચાડી દીધી છે. ગરીબોમાં સર્વાધિક ગરીબને સહાય કરવા આવાસ, ગેસ, વીજળી જોડાણ, સ્વાસ્થ્ય અને જીવનવીમા જેવી યોજના દાખલ કરી છે.

આ સપ્ટેમ્બરની ૨૫મી તારીખે અમે સમગ્ર દેશમાં ‘આયુષ્યમાન ભારત યોજના’નો આરંભ કરી રહ્યા છીએ. આ યોજના હેઠળ ૧૦ કરોડથી વધારે ગરીબ પરિવારોને ગંભીર માંદગીના નિ :શુલ્ક ઇલાજ માટે રૂા. ૫,૦૦,૦૦૦/- સુધીની આર્થિક સહાય નિશ્ચિત કરવામાં આવશે. હું તામિલનાડુ સરકાર અને અહીંના લોકોને આ યોજનામાં જોડાવા બદલ હાર્દિક ધન્યવાદ પાઠવું છું. અમારો દૃષ્ટિકોણ માત્ર ગરીબીને હટાવવાનો નથી, પરંતુ ગરીબીનાં મૂળ કારણોને જડથી દૂર કરવાનો છે.

હું આપને એ વાતની યાદ અપાવવા ઇચ્છું છું કે આજનો દિવસ એક બીજા પ્રકારની ઘટનાને પણ તાજી કરાવે છે, અને તે છે ૧૧ સપ્ટેમ્બરની અમેરિકામાં ઘટેલી આતંકવાદી ઘટના. આ ઘટનાએ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું હતું. રાષ્ટ્રસંઘ આ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે. ખરેખર તો આ સમસ્યાનો હલ સ્વામીજીએ શિકાગોમાં દર્શાવેલ માર્ગ સહિષ્ણુતા અને સર્વસ્વીકાર્યતામાં રહેલો છે. સ્વામીજી કહેતા હતા કે હું એ વાતનો ગર્વ અનુભવું છું કે હું એક એવા ધર્મનો અનુયાયી છું કે જેણે સમગ્ર વિશ્વને સહિષ્ણુતા અને સર્વકાલીન સ્વીકાર્યતાનો સંદેશ આપ્યો છે.

મિત્રો, આપણો દેશ સ્વતંત્ર વિચારોનો દેશ છે. સદીઓથી આપણી ભૂમિ વિભિન્ન વિચારધારાઓ અને સંસ્કૃતિઓની ભૂમિ રહી છે. પરસ્પર વિચારવિમર્શ કરવો અને નિર્ણય લેવો એ આપણી પરંપરા રહી છે. લોકતંત્ર અને વિચારવિમર્શ આપણાં મૂલ્યો રહ્યાં છે. પરંતુ એનો અર્થ એ નથી કે આપણો સમાજ બધી બુરાઈઓથી મુક્ત થઈ ગયો છે. અનોખી વિભિન્નતાવાળા આ દેશની સમક્ષ કેટલાયે મોટા પડકારો છે.

સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે બધા યુગોમાં ઓછાવત્તા પ્રમાણમાં બધાં સ્થળે દુષ્ટ વ્યક્તિઓ હોય છે. આપણે સમાજની આ દુષ્ટ વ્યક્તિઓથી સાવધાન રહેવાનું છે અને એમને પરાજિત કરવાની છે.

આપણે એ યાદ રાખવું જોઈએ કે બધાં સંસાધનો હોવા છતાં પણ ભારતીય સમાજમાં વિભાજન થયું છેે, આંતરિક સંઘર્ષ ઉદ્ભવ્યો છે અને બહારના દુશ્મનોએ આ પરિસ્થિતિનો લાભ લીધો છે. આ સંઘર્ષો દરમિયાન આપણા સંતો અને સમાજસુધારકોએ આપણને સાચો રાહ ચીંધ્યો છે. અને આ રાહ આપણને એક સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપે છે. સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી આપણે એક નવા ભારતનું નિર્માણ કરવાનું છે.

આપ સૌને ધન્યવાદ આપીને હું મારું સંબોધન પૂર્ણ કરું છું. આપે મને આ ઐતિહાસિક કાર્યક્રમમાં સામેલ થવાનો સુઅવસર આપ્યો, તે બદલ હું આપનો આભારી છું. સ્વામીજીના સંદેશને જે વાંચે છે, સમજે છે તથા સ્પર્ધાઓમાં ભાગ લે છે અને પારિતોષિકો જીતે છે તેવા સ્કૂલ અને કોલેજના એ હજારો મિત્રોને પણ ધન્યવાદ. આપ સૌને ફરી એક વાર મારા ધન્યવાદ.

Total Views: 443

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.