૧૨૫ વર્ષ પૂર્વેનું સ્વામી વિવેકાનંદનું શિકાગો પ્રવચન આજે પણ પ્રાસંગિક છે

સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલાં ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મપરિષદમાં આપેલા સુવિખ્યાત પ્રવચનના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રિયકક્ષાના એક સેમિનારનું આયોજન ૪ આૅગસ્ટ, ૨૦૧૯ના રોજ આશ્રમના વિવેક હાૅલમાં થયું હતું.

પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમના અંતેવાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. પછી મંચ પર બિરાજમાન મહાનુભાવો સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આૅફ બરોડાના ચાન્સેલર વડોદરાનાં રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડે સેમિનારનું દીપ પ્રકટાવીને ઉદ્‌ઘાટન કર્યું હતું. આ સેમિનારને જબરો પ્રતિસાદ મળ્યો હતો. એને પરિણામે સેમિનારમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યોમાંથી ૭૦૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે ઉપસ્થિત વ્યાખ્યાતાઓના પરિચય સાથે સ્વાગત કર્યું અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંદેશનું વાચન કર્યું હતું. રામકૃષ્ણ સંઘના આસિ. જનરલ સેક્રેટરી સ્વામી બલભદ્રાનંદજીએ ઉદ્‌ઘાટન સમારંભમાં મુખ્ય પ્રવચન આપ્યું હતું. ૧૨૫ વર્ષ પછી પણ સ્વામી વિવેકાનંદનાં પ્રવચનો અને તેમના ઉદાત્ત વિચારો તેમજ આદર્શાે આજે કેટલા પ્રાસંગિક છે, એ વાત રાજમાતાએ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિ.ના વાઈસ ચાન્સેલર ડૉ. નીતિનકુમાર પેથાણીએ સ્વામીજીનાં પ્રવચનોના સંદેશની વાત કરી હતી.

બીજા સત્રનો પ્રારંભ ભજનસંગીતથી થયો હતો. રાયપુરના ડૉ. ઓમપ્રકાશ વર્માએ ‘સ્વામી વિવેકાનંદના શિકાગો સંભાષણનો પ્રભાવ’ વિશે વાત કરી. ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક માયાવતી અદ્વૈત આશ્રમના સ્વામી નરસિંહાનંદજીએ વિશ્વધર્મપરિષદમાં ‘સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ વૈશ્વિક ધર્મની વિભાવના’ વિશે પ્રવચન આપ્યું હતું. ‘સ્વામી વિવેકાનંદના શિકાગો સંભાષણના નવીન સૂચિતાર્થાે’ વિશે રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ સ્વામી આત્મશ્રદ્ધાનંદજીએ મનનીય પ્રવચન આપ્યું હતું. મેનેજમેન્ટ સ્ટડિઝ ફેકલ્ટી, દિલ્હી યુનિવર્સિટીનાં અધ્યક્ષ અને ડીન ડૉ. સુનિતા સિંઘ સેનગુપ્તાએ ‘સ્વામીજીના પગલે પગલે’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. ભોજનવિરામ પછીના દૃશ્યશ્રાવ્ય સત્રમાં ‘સ્વામી વિવેકાનંદ કી આત્મકથા’ (હિન્દી) ફિલ્મમાંથી કેટલાક પ્રસંગો પ્રતિનિધિઓએ નિહાળ્યા હતા.

ત્રીજા સત્રનો પ્રારંભ ભજનસંગીતથી થયો. યુવાનોના આદર્શ શરદ સાગરે શિકાગો સંભાષણને અનુલક્ષીને ‘સ્વામી વિવેકાનંદ વિશ્વ સંસ્કૃતિના વૈશ્વિક નેતા’ વિશે પ્રેરક વિચારો રજૂ કર્યા. વિશ્વધર્મપરિષદના એમ્બેસેડર વડોદરાના ડૉ. જયેશ શાહે ‘વિશ્વધર્મપરિષદનો ઇતિહાસ’ વિશે વક્તવ્ય આપ્યું હતું. ‘પરિવાર’ના સ્થાપક શ્રી વિનાયક લોહાણીએ ‘સ્વામી વિવેકાનંદનો અમરવારસો’ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં પૂર્વ પરામર્શક અને જાણીતાં લેખિકા જ્યોતિબહેન થાનકીએ ‘સ્વામી વિવેકાનંદ શિકાગોમાં-એક દિવ્ય યોજના’ એ વિશે વિગતો સાથે પ્રકાશ પાડ્યો હતો.

સમાપન સમારંભમાં સ્વામી વેદનિષ્ઠાનંદની નિશ્રામાં સ્વામી વિવેકાનંદ વિશે એક સમૂહગાન રજૂ થયું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સમાપન ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. થોડા પ્રતિનિધિઓએ પોતાના પ્રતિભાવો આપ્યા અને ત્યાર પછી સ્વામી પ્રભુસેવાનંદે આભારવિધિ કર્યો હતો. બધા પ્રતિનિધિઓને એક બેગ, ફોલ્ડર અને સ્વામી વિવેકાનંદ વિશે અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો તેમજ પ્રમાણપત્રો અપાયાં હતાં. બધા જ પ્રતિનિધિઓએ ફીડબેક ફોર્મમાં સુંદર પ્રતિભાવ આપ્યા હતા.

નેત્ર ચિકિત્સા કેમ્પ : શુક્રવાર, ૯ ઓગસ્ટના રોજ રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૮૮ દર્દીઓ માટે આ કેમ્પ યોજાયો હતો. તેમાંથી ૪૧ દર્દીઓના મોતિયાનાં ઓપરેશન ડૉ. કે. એ. ગજેરાની ઓજસ્ હાૅસ્પિટલમાં થયાં હતાં.

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.