લોસ એન્જલિસમાં આગમન, ડિસેમ્બર ૧૮૯૯

પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવની આજ્ઞા શીરોધાર્ય કરીને સ્વામી વિવેકાનંદે વિશ્વમાં વેદાંત પ્રચારનું બીડું ઝડપ્યું. જુલાઈ ૧૮૯૦માં સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના નિધન બાદ સ્થાપિત વરાહનગર મઠનો ત્યાગ કર્યો. ૧૮૯૦થી લઈ ૧૮૯૬ સુધી સતત સાત વર્ષ તેઓએ ખ્રિસ્તી પાદરીગણોના ઘોર વિરોધને અવગણીને ભારત, અમેરિકા, અને યુરોપમાં ઉપનિષદ તેમજ શ્રીરામકૃષ્ણદેવના અમર આધ્યાત્મિક વારસાનો સંદેશ આપ્યો.

જાન્યુઆરી ૧૮૯૭માં સ્વામીજી ભારત પાછા આવ્યા અને લાંબી ગુલામીથી ત્રસ્ત ભારતીય જનસમુદાયમાં પાશ્ચાત્ય વિજ્ઞાન અને ભારતીય આધ્યાત્મિકતાની કેળવણીનો પ્રચાર કરવા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. મે ૧૮૯૯ સુધીમાં સ્વામીજીને ૩૭ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. શ્રીરામકૃષ્ણદેવ આદેશિત તેમનું જીવનકાર્ય લગભગ સમાપ્ત થઈ ચૂક્યું હતું.
પરંતુ આ કઠોર સાધના તેમજ જનકલ્યાણ યજ્ઞના અનુષ્ઠાને તેઓનું શરીર ભાંગી પાડ્યું હતું. જુલાઈ, ૧૯૦૨માં સ્વામીજી તેમના ગુરુભાઈ તેમજ વિશાળ ભકતસમુદાયને રોવડાવીને શ્રીરામકૃષ્ણલોકમાં પાછા ફરી ગયા. એનો અર્થ કે મે ૧૮૯૯માં તેમની પાસે પૃથ્વી પર માત્ર ત્રણ જ વર્ષ બાકી હતાં. ડાૅક્ટરો તેમજ પોતાના ગુરુભાઈઓના આગ્રહને માન આપીને પોતાની સ્વાસ્થ્ય-સુધારણા માટે ગુરુભાઈ સ્વામી તુરીયાનંદ તેમજ શિષ્યા ભગિની નિવેદિતા સહિત તેઓ પુન : પાશ્ચાત્ય દેશોની મુલાકાતે રવાના થયા. જૂનથી નવેમ્બર ૧૮૯૯ દરમિયાન છ માસ તેઓએ બ્રિટન અને અમેરિકાનિવાસી મિત્રોની સ્નેહછાયામાં વિતાવ્યા.

પરંતુ કોઈને ખબર હતી નહીં કે શ્રીરામકૃષ્ણ સ્વામીજીને એક વિશેષ કાર્ય માટે જ ફરીથી અમેરિકા લાવ્યા છે. ૧૮૯૯ના નવેમ્બર માસમાં સ્વામીજી પોતાના ઘનિષ્ઠ મિત્રો સહિત ન્યૂયોર્કના એક ઉદ્યાનગૃહમાં નિવાસ કરી રહ્યા હતા. અચાનક સમાચાર આવ્યા કે તેમનાં શિષ્યા મિસ જોસેફાઈન મેકલાઉડના ભાઈનું સ્વાસ્થ્ય કથળી ગયું છે અને તેમની સારવાર કરવા માટે મિસ મેકલાઉડે કેલિફોર્નિયા જવું પડશે. વિદાય લેવાના સમયે ઉદાસ મિસ મેકલાઉડને સ્વામીજીએ વચન આપ્યું કે ‘જો તું કેલિફોર્નિયામાં મારાં પ્રવચનો ગોઠવી શકે તો હું અવશ્ય ત્યાં આવીશ.’

સ્વામીજીને આવકારવા ઉત્સુક મિસ મેકલાઉડે પ્રવચનો ગોઠવ્યાં અને સ્વામીજીને કેલિફોર્નિયા આવવા આમંત્રણ આપ્યું. આમંત્રણ સ્વીકારીને સ્વામીજી ડિસેમ્બર ૧૮૯૯ થી મે ૧૯૦૦ દરમિયાન છ મહિના કેલિફોર્નિયામાં રોકાયા. પ્રથમ વિદેશયાત્રાના પ્રચારકાર્ય તેમજ ભારતમાં સંગઠનની સ્થાપના જેવા કર્મ-ઝંઝાવાતથી મુક્ત થઈ તેઓ આ સમયે દિવ્ય ચેતનાના શાશ્વત જગતમાં વિચરણ કરી રહ્યા હતા. અંતર્જગતના આ ઉચ્ચ શિખરે સર સ્વામીજીએ કેલિફોર્નિયામાં આધુનિક જગતને સુસંગત એક નવો જ સંદેશ આપ્યો.

આજે કેલિફોર્નિયા રાજ્યનું વાર્ષિક ઉત્પાદન (GDP) પૂરા ભારતના વાર્ષિક ઉત્પાદન કરતાં વધુ છે. વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓ જેમ કે ગુગલ, એપલ, ફેસબૂક, હોલીવૂડનો ફિલ્મ ઉદ્યોગ, તેમજ કેલટેક (caltech) અને સ્ટેનફોર્ડ જેવાં સૌથી ખ્યાતનામ વિશ્વવિદ્યાલયો આ રાજ્યમાં આવેલાં છે. કમ્પ્યૂટર ઉદ્યોગની શરૂઆત આ જ રાજ્યમાં થઈ હતી. વિજ્ઞાન, ટેકનોલોજી, અને સૃજનાત્મક કળાઓનો (Creative Arts) સૌથી વધુ આદરસત્કાર કેલિફોર્નિયામાં છે.

ડિસેમ્બર ૧૮૯૯માં જ્યારે સ્વામીજી કેલિફોર્નિયા આવ્યા ત્યારે આ બધાની તો હજી શરૂઆત માત્ર હતી. ફિલ્મનગરી હોલીવૂડ ધાર્મિક અને સંયમી મેથોડિસ્ટ (methodist) ખ્રિસ્તી લોકોનું એક શાંત નાનકડું ગામડું હતું. સર્વપ્રથમ સ્વામીજી લોસ એન્જલિસ (Los Angeles) શહેરમાં પધાર્યા.

આજના કેલિફોર્નિયાના પ્રથમ નંબરનું આ વિરાટ અને વિસ્તૃત મહાનગર એ સમયે ૧,૦૨,૫૦૦ની વસતી ધરાવતું હરિયાળું નગર હતું. કેટલાક છૂટાછવાયા ભવ્ય બંગલાઓ સિવાય બાકી બધાં રહેઠાણો વિક્ટોરિયાના જમાનાનાં હતાં અને એક જ જેવાં દેખાતાં હતાં. પાકા રસ્તાઓનું અસ્તિત્વ હતું નહીં અને મોટરગાડીને લોકો ‘શેતાનના ગાડા’ તરીકે ઓળખતા. પરંતુ આ નાનકડા નગરનું હૃદય મહત્ત્વાકાંક્ષાથી ઊછળી રહ્યું હતું. લોસ એન્જલિસ નદી નગરમાં પાણીની બધી જરૂરિયાત પૂરી પાડતી અને નગરની આસપાસ આવેલ વિસ્તૃત ખેતરોમાં લોકો ભ્રમણ માટે અને શુદ્ધ સુગંધિત હવા મેળવવા જતા.

૧૮૯૯, ૩ ડિસેમ્બરનો રળિયામણો દિવસ હતો. સૂર્યથી પ્રકાશિત આ સવારે માત્ર થોડાં જ વાદળાઓ આકાશમાં રમી રહ્યાં હતાં. ૧૫ ડિગ્રીની આસપાસના તાપમાનમાં હળવો પવન વહી રહ્યો હતો. વહેલી સવારે સ્વામી વિવેકાનંદ અમેરિકાના આ નંદનવનમાં આવી પહોંચ્યા. આતુરહૃદયે સ્વામીજીની રાહ જોતાં શિષ્યા મિસ મેકલાઉડે એમનું રેલવે સ્ટેશને સ્વાગત કર્યું અને એક મિત્રના ઘરે લઈ ગયાં.

સ્વામીજીના આવતા પહેલાં જ એમના આગમનને વધાવતો આ લેખ ૨ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ ‘લોસ એન્જલિસ સાપ્તાહિક’માં પ્રકાશિત થયો :

ભારતના એક રાજકુમાર

ટૂંક સમયમાં સ્વામી વિવેકાનંદને વધાવવાનો લ્હાવો લોસ એન્જલિસ નગરને પ્રાપ્ત થશે. બૌદ્ધિક ક્ષમતા, જ્ઞાનની વિશાળતા, અને જેને આપણે સામાન્ય રીતે આધ્યાત્મિક જગત કહીએ છીએ એ બધાં ક્ષેત્રોમાં તેઓ હકીકતમાં એક ભારતીય રાજકુમાર છે…

એક ખ્યાતનામ વિદ્વાન અનુસાર સંસ્કૃતની શોધે ઇન્ડો-યુરોપિયન દેશો પર એક અદ્‌ભુત અસર કરી છે. જે દિવસથી સર વિલિયમ જોન્સે શોધી કાઢ્યું કે સંસ્કૃત નાટકોનું ભાષાંતર પહેલાં લેટિન અને પછી અંગ્રેજીમાં કરવું વધુ આસાન છે, તે દિવસથી આપણી ધારણા દૃઢ બની રહી છે કે એક જ પૂર્વજમાંથી હિંદુ, પર્શિયન, ગ્રીક, રોમન, અને ટ્યુટન (જર્મન અને બ્રિટીશ) પ્રજાતિઓ અવતરી છે. આપણે બધા જ આર્ય છીએ. સહુના ભલા માટે એક જ પરિવારના વિવિધ સદસ્યોએ રોમન કાયદો, બ્રિટીશ શાસનશક્તિ, ગ્રીક સાહિત્ય, પર્શિયન કળા અને ભારતીય જ્ઞાનનો વિકાસ કર્યો છે – જેમાંનાં એકેય લુપ્ત થયાં નથી, ભલે તે આપણને મૃત :પ્રાય દેખાય. મ્યૂઝિયમની મૂર્તિઓની જેમ તેઓ માત્ર સમયની તકમાં છે – જ્યારે કાળનું આહ્‌વાન થશે ત્યારે તેઓમાં પ્રાણનો સંચાર થશે અને તેઓ જીવંત બની આગળ આવશે.

એક વિદ્વાન જ પુરાતન સંસ્કૃતિઓનો અભ્યાસ કરે છે. એ જ પ્લેટોનો અનુવાદ કરે છે, પર્શિયાની કવિતાઓ પર ટીકાઓ લખે છે અને રોમન કાયદાનો આધુનિક કાયદાઓ સાથે શું સંબંધ છે એનું વિશ્લેષણ કરે છે. પરંતુ ભારતીયો આમાં અપવાદરૂપ છે. તેઓના રાષ્ટ્રિય ચરિત્રમાં કોઈક અદ્‌ભુત શક્તિ છે કે જેથી તેઓ પોતે વિકસાવેલ કોઈ પણ વિજ્ઞાનને ક્યારેય ભૂલી જતા નથી…

ભારતીય જ્ઞાનમાં શંકા કરવી વ્યર્થ છે. આ જ્ઞાન પર જો આપણે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભાં કરીશું તો શોપેનહવર, એમરસન, બ્યુરન્યૂફ, ડાૅયસન, મેક્સમૂલર જેવા વિદ્વાનોનાં જીવનકાર્યો વ્યર્થ લેખાશે…

જેઓએ સ્વામી વિવેકાનંદને ૧૮૯૩ની વિશ્વ ધર્મ પરિષદમાં જોયા છે તેઓ તેમનું ૩૦ વર્ષની આસપાસના યુવાન અને વેદાંતદર્શનથી પરિપૂર્ણ એક જન્મજાત વક્તાના રૂપમાં વર્ણન કરે છે. તેઓ સંસ્કૃતના અભ્યાસમાં ગળાડૂબ હતા. ત્યારબાદ તેઓએ મહાન ઋષિઓના સાંનિધ્યમાં લાંબો સમય વિતાવ્યો અને છેલ્લે તેઓએ પોતાના દેશમાં હજારો કિલોમીટર પદયાત્રા કરી અધ્યાત્મ જગતની પ્રત્યેક અભિવ્યક્તિનું અવલોકન કર્યું અને એક આધ્યાત્મિક ગુરુ માટે જરૂરી મનુષ્યસ્વભાવમાં ગહન આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરી.

વિશ્વ ધર્મ પરિષદને છ વર્ષ પૂરાં થઈ ગયાં છે અને એ સ્વાભાવિક છે કે સ્વામીજીના વ્યક્તિત્વમાં કેટલુંક પરિવર્તન આવ્યું હશે. દા.ત. તેઓએ આ દરમિયાન ઘણા દેશોની મુલાકાત લીધી છે અને પૃથ્વીનું એક સંપૂર્ણ ચક્ર પૂરું કર્યું છે. શું તેઓ હજુ પણ પોતાના વિચારોમાં એટલા જ ભારતીય છે કે તેઓ હવે થોડા વિશ્વ-નાગરિક બની ગયા છે? એમના અધ્યયનશીલ મને આપણી પશ્ચિમી સભ્યતામાંથી શું ગ્રહણ કર્યું છે એ જાણવું રસપ્રદ રહેશે. એથી વધુ, ‘આ જીવનમાં સંપૂર્ણતા’રૂપી પાશ્ચાત્ય જીવનહેતુ અને ‘ત્યાગ અને મુક્તિ’રૂપી પ્રાચ્ય જીવનહેતુ – આ બંનેને તેઓ કેવી રીતે સરખાવે છે એ જાણવાની આપણને તક મળશે.

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.