સમગ્ર વિશ્વ ગાંધીજન્મની સાર્ધશતાબ્દી ઊજવી રહ્યું છે, ત્યારે જે વિષય મને સૂચવાયો છે તેનાં ત્રણ પાસાં છે.

પ્રથમ સાંપ્રત સમાજનું સ્વરૂપ સમજવું પડે અને તે માટે માતપિતાની ભૂમિકા ગાંધીજીવનના સંદર્ભમાં વિચારવાની છે. ૨૧મી સદીમાં ટેકનોલોજીનો અદ્‌ભુત વિકાસ થયો છે. સમગ્ર દુનિયાનાં રહેણીકરણીમાં, વિચારમાં, વર્તનમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. આધુનિકયુગમાં ટેકનોલોજીને કારણે વિશ્વભરની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. શિક્ષણ અને માતપિતાનું કાર્ય આ માહિતીનો ઉપયોગ પોતાનાં સંતાનો જ્ઞાનપ્રાપ્તિમાં કઈ રીતે કરી શકે તે શીખવવાનો છે. અને જ્ઞાનપ્રાપ્તિ કર્યા પછી અંતિમ ધ્યેય ડહાપણ, વિવેક (wisdom) પ્રતિ લઈ જવાનું છે. શિક્ષણનું ધ્યેય તો છે – ૧. સારો માણસ બનાવવો. ૨. સારો નાગરિક બનાવવો. ૩. સારો ભાવક બનાવવો. ૪. સારો સર્જક બનાવવો.

સાંપ્રત સમાજમાં શિક્ષણની શી પરિસ્થિતિ છે ? અત્યારે તો શિક્ષણ એટલે કોઈપણ પ્રકારે ડીગ્રી પ્રાપ્ત કરવી, ખૂબ પૈસા કમાવા અને બીજાની ખેવના કર્યા વિના ઉપભોગ કરવો. પરીક્ષા એ માત્ર સ્મૃતિની કસોટી થઈ ગઈ છે. તેમાં પણ પારાવાર ગેરરીતિ થાય અને માતપિતા તેમાં સહભાગી પણ બને. દુનિયાના કોઈ દેશમાં નથી એવું અંગ્રેજી માધ્યમનું ઘેલું આપણા દેશમાં જોવા મળે છે. શિક્ષણનું આજે મહદ્અંશે વ્યાપારીકરણ થઈ ગયું છે. મેકોલેએ અંગ્રેજી સામ્રાજ્યને ટકાવી રાખવા જે શિક્ષણપ્રથા આપણા દેશમાં સ્થાપી તેમાં આઝાદીનાં ૭૨ વર્ષ પછી પણ કોઈ સુધારો થયો નથી. એ એક દુ :ખદ વાત છે.

સ્વામી વિવેકાનંદના મતે “Every child is potentially divine.” બાળકમાં રહેલી આ દિવ્યતાને મહોરાવવી એ શિક્ષણનું ધ્યેય છે. સિસ્ટર નિવેદિતાના મતે, ‘શિક્ષણ ! અરે એ જ તો ભારતની સમસ્યા છે. સાચું શિક્ષણ, રાષ્ટ્રિય શિક્ષણ કેવી રીતે આપવું ? તમને યુરોપની નબળી નકલોને બદલે પૂર્ણમાનવ, ભારતવર્ષના સાચા પુત્રો કેવી રીતે બનાવવા ? તમારું શિક્ષણ હૃદય, આત્મા અને મસ્તિષ્કને ઉન્નત કરનાર સાધન રૂપ બનવું જોઈએ… શિક્ષણનો અર્થ બાહ્યજ્ઞાન તથા શક્તિસંચય કરવો એવો નથી, પણ તે પોતાની આંતરિક શક્તિને સમ્યક્ રૂપે વિકસિત કરવાની સાધના છે.’

મહાત્મા ગાંધીજી એક લોકોત્તર પુરુષ હતા. અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિથ વિશે કહેવાયું છે “He touched nothing that he did not adorn.” ગાંધીજી માટે પણ આમ કહી શકાય. તેમનું વ્યક્તિત્વ બહુઆયામી હતું. હજારો વર્ષની ભારતીય સંસ્કૃતિના અને ભારતીય પુરુષાર્થના તેઓ પ્રતિનિધિ હતા. તેથી લોકો તેમની પાછળ જઈ શકતા. એમના ઉજ્જવળ ચારિત્ર્યને લીધે સંકટ ભરેલો માર્ગ હોવા છતાં લોકોને એમની પાસે જવામાં બીક કે સંકોચ થયો નહીં.

ગાંધીજીના મતે શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તનની જરૂર છે. તેમણે એ માટે ગુજરાત વિદ્યાપીઠ તથા કાશી વિદ્યાપીઠની સ્થાપના કરી. રાષ્ટ્રિયશાળાની સ્થાપના કરી અને વિદ્યાર્થીઓને મેકોલે મોડેલની શિક્ષણસંસ્થાઓનો બહિષ્કાર કરીને રાષ્ટ્રિયશિક્ષણ પ્રાપ્ત કરવાનો અનુરોધ કર્યોે. એ સમયમાં અનેક યુવા લોકો ચીલાચાલુ શિક્ષણની કાૅલેજો છોડીને રાષ્ટ્રિયશિક્ષણ આપતી સંસ્થાઓમાં જોડાયા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ માટે ‘બુનિયાદી કેળવણી’નો ખ્યાલ આપ્યો. ડૉ. ઝાકીર હુસૈન તથા આર્યનાયકમ્ જેવા શિક્ષણવિદોના માર્ગદર્શનથી એ ખ્યાલને પ્રસરાવવાનો પ્રયત્ન કર્યો.
શિક્ષણમાં શ્રમનું મહત્ત્વ, સ્વદેશીનું મહત્ત્વ, ચારિત્ર્યઘડતર, સર્વધર્મસમન્વય, ભ્રાતૃભાવ, વૈશ્વિક દૃષ્ટિકોણને એમણે પ્રાધાન્ય આપ્યું. મહાત્મા ગાંધીના મતે સાત મહાપાપ છે :

૧. સિદ્ધાંતવિહોણી રાજનીતિ.

૨. શ્રમવિહીન સંપત્તિ.

૩. નીતિવિહીન વ્યાપાર.

૪. ચારિત્ર્યવિહીન શિક્ષણ.

૫. વિવેકહીન આનંદ.

૬. માનવતાવિહીન વિશ્રામ.

૭. ત્યાગવિહીન પૂજા.

આનાથી બચવું હોય તો શિક્ષણ એકમાત્ર ઇલાજ છે. તેમણે આ માટે અગિયાર મહાવ્રત આપ્યાં :
સત્ય, અહિંસા, ચોરી ન કરવી;
વણ જોતું નવ સંઘરવું.

બ્રહ્મચર્ય ને જાતે મહેનત,
કોઈ અડે ન અભડાવું.

અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને,
સર્વધર્મ સરખા ગણવા
આ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણે દૃઢ આચરવાં.

ગાંધીજી ભારતના પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણને કેટલું મહત્ત્વ આપતા હતા, તેનો ખ્યાલ તેમણે જ્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, ત્યારે ઉચ્ચારેલા આ શબ્દોમાં પ્રગટ થાય છે, ‘આજે એક વણિકના હસ્તે ઉત્તમ બ્રહ્મકાર્ય થયું છે.’

ગાંધીજીએ આફ્રિકામાં સ્થાપેલા બે આશ્રમો-ફિનિક્સ આશ્રમ અને ટોલસ્ટોયફાર્મમાં બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી હતી અને સમય મળ્યે પોતે બાળકોને શીખવવા જતા હતા.

આજે સાંપ્રત સમયમાં શી પરિસ્થિતિ છે તે આપણે આગળ જોયું. હાલમાં શિક્ષણની મૂળભૂત વિભાવના જ લુપ્ત થતી જણાય છે. શિક્ષણનું વ્યાપારીકરણ થાય એટલે ગંગોત્રી જ મેલી થઈ કહેવાય. વાલીઓ આજે પ્રચારથી દોરવાય છે. ગાંધીજીના આદર્શાેની હાંસી ઉડાવાય છે. આવા સમયે ખરી જરૂર છે ‘વાલી-શિક્ષણની’. વાલીઓને સાચી સમજ આપવા તાલીમવર્ગાેની આવશ્યકતા છે. બાળ-ઉછેરનું શાસ્ત્ર સમજ્યા વિના મા-બાપ થવું એ ગુનો છે.

ગાંધીજીના વિચારોનું સત્ત્વ સમજવા જેવું છે. વિનોબા કહે છે તેમ ‘આજે ગાંધીજી એવા ને એવા ન ચાલે.’ યુગ બદલાય તે પ્રમાણે તે સિદ્ધાંતોમાં કેટલાંક પરિવર્તનો જરૂરી છે, પરંતુ મૂળભૂત બાબતો સનાતન હોય છે. સાદગી, સ્વચ્છતા, વિનય-વિવેક, જ્ઞાનપ્રાપ્તિ માટે મહેનત, કોઈકને નિ :સ્વાર્થભાવે મદદ કરવી, આ બધું સર્વકાળમાં સાચું છે.

ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ એમાં જે લક્ષણો બતાવ્યાં છે, તે સમગ્ર માનવજાતને લાગુ પડે છે. ગાંધીજી ગુણ (સદ્ગુણ) પર ભાર મૂકતા હતા. આજે ગુણ (માર્ક્સ)ને પ્રાધાન્ય અપાય છે. એના પરિણામે સંવેદનહીન સમાજનું નિર્માણ થાય છે. એ દેશ અને દુનિયા માટે જોખમરૂપ છે.

ગાંધીજીની વિશિષ્ટતા એ છે કે વ્યક્તિગત ગુણોને સામાજિક મૂલ્યોમાં પલટાવીને ક્રાંતિની માનવીય પ્રક્રિયા એમણે યોજી. સંસ્થાની નીતિ જુદી, સાર્વજનિક નીતિ જુદી અને વ્યક્તિગત નીતિ જુદી, એ ગાંધીજીના પહેલાંની સ્થિતિ હતી. એને લીધે એ નૈતિક્તા સામાજિક મૂલ્યો બની ન શકે. ગાંધીજીએ આ તમામ નૈતિક ગુણોને સામાજિક વૃત્તિમાં પલટી નાખ્યા. વૃત્તિના આધારે ગુણોનો વિકાસ એ ગાંધીજીની પ્રક્રિયા હતી. એમણે વ્રતો માટે પાયો લીધો સત્ય અને અહિંસાનો.

આ રીતે ગાંધીજીએ આજનો જે સામુદાયિક ધર્મ છે, તેને પ્રાચીનકાળના બધા સિદ્ધાંતો સાથે સાંકળી લીધો. નૈતિક મૂલ્યોને ક્રાંતિકારી બનાવવાનું અદ્‌ભુત પરાક્રમ અને રોમહર્ષણ પુરુુષાર્થ જો કોઈએ કરી જોયાં હોય તો તે ગાંધીજીએ કરી જોયાં. એમના પહેલાં આવી વસ્તુ થઈ ન હતી.

જગતને પોતાના જેટલી ઉચ્ચ સપાટી પર લાવવા પયગંબરો અને જ્ઞાનીઓ પ્રયત્ન કરી રહ્યા છે, પણ જગત એમને સદા નાસીપાસ કરતું આવ્યું છે, તેમ લાગે છે. પણ સત્ય કદી નિરર્થક નિવડ્યું નથી. વિશ્વનો ઇતિહાસ કહે છે કે દરેક પયગંબરના મૃત્યુ પછી જગત થોડુંક ઉન્નત થયું છે.

Total Views: 445

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.