ચેતનાનો ધોધ જે મારી નસેનસને રોમાંચિત કરીને મને સતત જાતને તપાસવાની, તપાવવાની અને તંતોતંત સમજવાની ચાવી પૂરી પાડે છે, તે છે ગાંધીજીનું જીવન. ૨૧મી સદીના પ્રવેશને ૧૯ વર્ષ વીતી ગયાં છે. તેમના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં છે અને છતાં એવું લાગે છે કે આજે પણ એમના વિચારોને સમયની ધૂળ નથી ચડી. અનેક પુસ્તકો તેમના વિશે લખાઈ ગયાં છે અને હજી લખાઈ રહ્યાં છે. કેટલાક લોકોએ વસ્ત્રમાં, કેટલાકે વિચારોમાં, કેટલીક સંસ્થાઓએ નામોમાં, તો વળી કેટલાક લોકોએ નાટક-ફિલ્મ-ચિત્રોમાં દેશના રાષ્ટ્રપિતાને જીવંત રાખ્યા છે. પણ બહુ થોડા લોકોે મૌન રહીને એમને પોતાનાં હૃદયમાં ગોપિત રાખી શક્યા છે. હમણાં હમણાં એક સંદેશ વોટ્સએપ પર ફરી રહ્યો છે. તે પ્રમાણે ગાંધીજીને કેટલાક લોકો પોતાનાં પર્સમાં જોવા ઇચ્છે છે, ચલણી નોટોના રૂપે. તેમની અન્ય પ્રકારની હાજરીથી કદાચ એ પ્રજાને ફરક નથી પડતો. આ પ્રજાએ ક્યાં ગાંધીજીને જીવંત રાખ્યા છે? ગાંધીજીના જીવનની મોટા ભાગની વિગતથી પ્રજા પરિચિત છે. તેઓ જેટલું સહજ જીવ્યા એટલું જ પારદર્શી. જે વિચારોમાં તેમને શ્રદ્ધા હતી તેમને એમણે પોતાના જીવનમાં આદર્શ રૂપે જીવ્યા. તેઓ વિચારને જીવ્યા અને એટલે જ અનેક વ્યક્તિ તેમના અનુયાયી બન્યા, તેમના જીવન જેવું પોતાનું જીવન બનાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સદીના આ વિરાટ વ્યક્તિત્વને આજે આપણે સીમામાં બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ એમના વિશે બોલતી વખતે એવું જ ધારીને બોલે છે કે જાણે એમના અંતિમ શબ્દો પર અધિકાર હોય. વ્યાખ્યા, વિચાર, ધર્મ, રાજનીતિ જેવી જેની સગવડ, પણ ગાંધીજી સંકુચિત વિચારખંડના માણસ નથી, તેઓ તો વિસ્તારના માણસ છે.
પ્રખ્યાત હોવું, લોકપ્રિય હોવું, અને સંત હોવું એ ક્યારેક અભિશાપ પણ બની શકે. અજાણતા જ અનેક વ્યક્તિના તાબામાં તમે આવી જાઓ છો. જે તમને પૂજે છે, તે જ તમને પોતાના મંદિરના વરંડામાં બાંધી દે છે. એમની શ્રદ્ધાનો પુરાવો તમારે બનવું પડે છે. ગાંધીજી જીવતા હોત તો કેટલો અફસોસ કરત! દેશની પરિસ્થિતિ જોઈને દુ :ખી થયા હોત, વગેરે. પણ આવું બોલનાર દરેક વ્યક્તિને પૂછવાનું મન થાય છે કે તમે ગાંધીજીને કેટલા વાંચ્યા છે. આપણી માફક માત્ર અફસોસમાં સમય વ્યતીત કરનાર એવા મહાત્મા તો નહોતા જ. પોતાની લાગણી વ્યક્ત કરીને એ દિશામાં કાર્ય કરતા રહીને પણ પોતાના પ્રદાનને એમણે કદી નબળું બનાવ્યું નહીં. કોઈ એવી તાકાત ન હતી કે જે એમને મોહમાં પાડીને કામ કરતાં રોકી શકે. કોઈ સમૂહના સાથ વગર એકલે હાથે કામ કરતાં તેમના હાથને થાક લાગતો નહીં. મન ખૂબ વ્યથિત હોય ત્યારે પ્રવચન કે લેખ દ્વારા વ્યક્ત થતા જ. પોતાના મતને દબાવતાં કે કોઈની કોઈ તાકાતથી દબાતાં તેમને આવડ્યું જ નહીં.
કોઈ સત્તાને શરણે થતાં તેમને ન આવડ્યું. કોઈ લાગણીના આવેશમાં આવી જઈને સ્વજનમાં ખેંચાઈ જતાં તેમને ન આવડ્યું. મહાત્મા માટે નિર્લેપ થવું સરળ નથી હોતું. સહુની સાથે રહીને જાતને અળગી રાખવી કેટલી અઘરી છે, એ તો વીત્યું હોય તે જ જાણે. ગાંધીજી નિરંતર છે. એમનામાં એવું કોઈ તત્ત્વ છે કે જે સહુની અંદર જીવી શકે છે. ગાંધીને બાહ્ય રીતે પામવા જઈએ તો આપણે જ ભોંઠા પડીએ. કારણ કે એ માત્ર અનુસરવા માટે નથી, એમને સમજીને પામવા માટે આંતરિક રીતે સજ્જ થવું પડે. આજે આ નામને ચલણી કરવાના અનેકાનેક રસ્તાઓ પર લોકો નિર્વિઘ્ને પસાર થઈ રહ્યા છે. સારું છે કે એક વ્યક્તિનું સત્ય અનેકને ભૌતિક રીતે સુખી કરવાનું કારણ બની શકે છે. મૃત્યુના ઓછાયાથી મુક્ત થઈને તેઓ વિહરી રહ્યા છે, સમગ્ર દુનિયામાં ચારે તરફ એમના નામની નાવમાં મોક્ષ પામવાની ઇચ્છા ધરાવનારા લોકોની સંખ્યા પણ નાનીસૂની નથી. આ જોઈને હસવું કે રડવું એ સમજવું અઘરું છે. વાસ્તવિકતા અને આદર્શાેની ક્ષિતિજો વચ્ચે ઝૂલા ઝૂલતો માણસ સુખ અને સંતોષ ઇચ્છે છે. ગાંધીજી પોતે કશું ઇચ્છતા ન હતા, એવું નથી. પરંતુ એમની અપેક્ષામાં અનેકની પ્રગતિ, સામૂહિક સુખોની ધૂન રહેતી. એમને જેમ અન્યાય સહન નહોતો કરવો તેમ જ જો કોઈ અન્યાય સહન કરે એ પણ ગમતું નહીં. માણસે પોતે અંદરથી અડગ બનવું જોઈએ, નિશ્ચયાત્મક બનવું જોઈએ અને પોતાના માટે લડવું જોઈએ.
ગાંધીજીની અહિંસાને સમજવા માટે, એ માટેની એમની શ્રદ્ધા સમજવી જોઈએ. વ્યાવહારિકતાનું સત્ય સ્વાર્થી ન બને, સત્ય સામૂહિક સમુદાયનું હોય, છતાં સામાન્યથી ઉપર હોય છે. એને સમજવા માટે કડકડતી ઠંડીમાં ધ્રૂજતાં ધ્રૂજતાં રાત ગાળવી પડે અને એ સમયને મંથનના સમયમાં રૂપાંતરિત કરવો પડે; પછી તેમાં નહીં ફરિયાદ કે ન જાત પ્રત્યેની દયા. પોતાના સ્વમાનમાં અને સ્વાભિમાનમાંથી સત્ય સાંપડી ગયા પછી એના ચમકતા પ્રવાહમાં વહી ન જવું અને એના પ્રકાશને માંજતા રહેવું. એને લીધે સત્યાર્થ વધુ ને વધુ પ્રગટે. એ પ્રકાશ સમય પર આધારિત ન બને અને ૧૨૩ વર્ષે પણ તાજોતરામ લાગે, એવું થવું જોઈએ.
૨૪ વર્ષની ઉંમરે ૧૮૯૩માં આફ્રિકાના સ્ટેશન પિટમેરિટ્સબર્ગ પર ઠંડીમાં રાત ગાળતી વખતે જન્મેલા આક્રોશને મહાત્મામાં રૂપાંતરિત કરવાની તાકાત આજે કેટલામાં છે. આજે ૧૨૩મા વર્ષે પણ આ ઘટના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ ત્યાં લઈ જવા પ્રેરે છે. એવી કઈ શક્તિનું બીજારોપણ અનુભવવા આપણા વડાપ્રધાન ત્યાં ગયા હશે ? બહુ ઓછા સમજી શકે કે એ મહાત્માને અનુભવવા, પોતાની અંદર એમને આરોપિત કરવા એ તે સ્થળનું આગવું મહત્ત્વ છે અને એટલે ત્યાં ગયા પછી ત્યાંના ફોટા ખેંચી તે ફોટાને ફેસબૂક પર પોસ્ટ કરવાનું મહત્ત્વ નથી રહેતું.
પરંતુ ગાંધીજીના કદને અનુભવવા, એમના પ્રેમની વિશાળતા અને જનસેવાને આરોપિત કરવા એક સાચો નેતા જ ત્યાં જાય. એમાં કોઈ રાજનીતિ નથી હોતી. ચશ્માનાં ગ્લાસ પર પડેલા ડાઘને દૂર કરવા સામેના આઈનાને લૂછવાથી કંઈ નહીં મળે. જોવાની દૃષ્ટિ શુદ્ધ અને સાત્ત્વિક હોય તો ત્યાં દૃશ્યની સુંદરતા આપોઆપ જ છલકે. પરંતુ ‘સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’ એમ જાતને એ કક્ષાએ પહોંચાડવી પડે.
૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના દિવસે જ્યારે કાઠિયાવાડી વેશમાં ગાંધીજી કસ્તુરબા સાથે ભારત પાછા ફરે છે ત્યારે તેઓ એક સફળ નેતાના રૂપમાં સ્થાયી થઈ ચૂક્યા હતા અને છતાં એ સફળતા માથે રાખીને ચાલવાને બદલે આખા દેશમાં પરિભ્રમણ કરવા નીકળી પડે છે. એટલે દેશને, ભૂમિને, પ્રજાજીવનને તેઓ સમજે છે. ત્યારે તેમની ઉંમર હતી ૪૬-૪૭ વર્ષ.
માનવતા કે સ્વાધીનતાના ગુણ રાતોરાત તો કેળવાતા નથી, એનું સિંચન થાય છે અને તે પણ એક જાત-તપસ્યાથી. આ જાત-તપને ગાંધીજીએ કેળવી લીધું હતું, તેથી ખૂબ જ તીવ્રતા અને સજાગતા સાથે સાબરમતી આશ્રમ અને ચંપારણથી આંદોલનની શરૂઆત થઈ શકી. દેશને સ્વતંત્રતા માત્ર ગાંધીજી દ્વારા નથી મળી, પરંતુ એમણે વાતાવરણમાં જે સંચાર જન્માવ્યો, અનેક સ્ત્રીઓને ઘરના ઉંબરામાંથી બહાર લાવીને સ્વ-શક્તિમાન બનાવી, સ્ત્રીની શક્તિનો ઉપયોગ કરીને તેને આઝાદીની ભાગીદાર બનાવી, એ મહત્ત્વનું છે. આમ છતાં કોઈ કહે કે ગાંધીજીની અહિંસાની રાજનીતિ બહુ કામની નથી, તો એને શું કહેવું ?
સમય પોતાના નેતાના પ્રદાનને ભૂલી જાય તો કંઈ નહીં, પરંતુ એ નેતાના વિચારો અને આદર્શાે સામે પ્રશ્ન ઉઠાવે ત્યારે શું કરવું ? દરેક નિર્ણય પર આવવાની માત્ર ઉતાવળ જ નથી, પરંતુ તેની સાથે પોતાનો જ નિર્ણય સાચો છે, એ પણ સાબિત કરી જ લેવું છે અને એ અંગેનો વિશ્વાસ પણ આઘાતજનક છે !
મુક્તતા કે નિખાલસતા એ કોઈ એક મત વિશેનો ઉદાર મતવાદી અભિગમ કેવો છે અને કઈ રીતે પ્રગટ થાય છે, એ સમજી લેવું જરૂરી છે. એક તરફ પ્રચલિત ખુલ્લા મોઢે, વગર વિચાર્યે બોલતા લોકોનો સમૂહ છે, બીજી તરફ વિરોધ માત્ર કરીને ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતા લોકોનો સમૂહ છે.
આની વચ્ચે પોતાની વાતને સંતુલિત કરનાર વિરલા કેટલા ? અને હોય તોય એમની પિપૂડી કેટલી વાગે અને વાગે તો સાંભળે કેટલા ? આવા મહત્ત્વના તબક્કે એકલા પડી જવાનો ડર લાગે છે, છૂટા પડી જવાનો ડર લાગે છે. પરંતુ હવે એ ડરને ઓળંગી જવાનો સમય પાકે ત્યારે જ કદાચ મોક્ષ મળે છે.
આજે અહિંસા વિશેના વિચારો વિશે શું કહેવું? થોડા દિવસ પહેલાં કાશ્મીર બેઝલાઈન પર ૧૭ વીર ભારતીય જવાનોનું મૃત્યુ એક હુમલા દ્વારા થયું. સ્વાભાવિક રીતે આખો દેશ હલી ઊઠ્યો. ચારે તરફ એક જ અવાજ ઊઠ્યો કે હુમલો કરીને પાડોશી દેશને પાઠ ભણાવવો જોઈએ. પરંતુ શું એ એકમાત્ર માર્ગ છે? આપણા વડીલોએ કહ્યું છે કે ડંખ ન મારો, પરંતુ જીવ બચાવવા ફૂંફાડા મારતાં રહેવું, નહીં તો સામેના તમને ગણકારે જ નહીં અને તમને ખાઈ જ જાય. આ બે પરિસ્થિતિ વચ્ચે અહિંસાના પાઠ કોને ભણાવવા ?
અહિંસા લાંબાગાળાનાં પરિણામ આપે છે. તમને અંદરથી બદલી નાખે છે. પ્રતિકાર રૂપે કરેલી હિંસા અને એ દ્વારા મળેલો વિજય ટૂંકાગાળાનાં પરિણામ આપે છે. પરંતુ એની સાથે શરૂ થાય છે એક લાંબી યાત્રા. એમાં એકબીજા પર હુમલા કરી શકાય એવા સમયની રાહ જોવાય છે. આવી ક્ષણિક જીત લાંબાગાળાના અજંપાનું વરદાન આપે છે. આવા સમયે અહિંસાને વખોડવાને બદલે એના અર્થને સમજવો જોઈએ અને એના લાંબા ઇતિહાસને. આ દેશને સ્વતંત્રતા સમયે લોહિયાળ ક્રાંતિને બદલે એક અહિંસક ઇતિહાસ મળ્યો અને એના પ્રભાવથી સુસમૃદ્ધ સમાજ મળ્યો છે.
એક પ્રસ્થાપિત સમાજ માટે કશું મેળવવું બહુ સરળ હોય છે. પરંતુ નવેસરથી જેને આખો પહાડ ખોદવાનો છે તેને માટે આવશ્યક છે પરંપરાના પાઠોને શ્રદ્ધાપૂર્વક પામી લેતાં પહેલાં જાતને અને પરંપરાને પણ પ્રશ્ન પૂછી લેવા. ગાંધીજીના આદર્શને પણ સવાલ પૂછી શકાય, અહિંસા કે રાજનીતિ વિશે કે ગાંધીજીના અન્ય અભિગમ વિશે પ્રશ્ન પૂછનારે પણ વિદુર જેવા સમજુ અને તીક્ષ્ણ બનવું પડે. પ્રશ્ન સાચો હોય તો જવાબ પણ સાચો મળે, પરંતુ અન્યથી પ્રભાવિત થયેલા પ્રશ્નમાં પોકળતા, દંભ અને દેખાડો વધુ હોય છે, તો પછી એમાં કઈ સંભાવના પ્રગટી શકે ?
ગાંધીજી આટલાં વર્ષે જો મને સ્પર્શી શકે, મને વિચારવા મજબૂર કરે છે, તો ગાંધીજી અર્થાત્ મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક માણસ કે જેઓ પોરબંદરમાં જન્મ્યા હતા અને ત્યાંથી દિલ્હી સુધી પોતાના નિર્ણય પ્રમાણે બધું કરાવી શક્યા, એ વ્યક્તિ-વિભૂતિ, ઊંડા ચિંતનના અધિકારી બને તેમાં એમની સમૃદ્ધિ છે, નહીં કે આપણી.
એમની આ સમૃદ્ધિને આપણે સમજીએ, તેમના આરંભના દિવસોથી લઈને અંત સમય સુધીના મંથનને સમજીએ, એમની વ્યથાને સમજીએ અને એમને નિરાશ કરતી આપણી રાજકીય વ્યવસ્થાનાં ગાબડાંને પણ સમજીએ. વિશ્વકક્ષાની એ વ્યક્તિ પણ પ્રાર્થનાની શક્તિને સમજે છે. તેમની પ્રાર્થનામાં શક્તિ અને શાંતિ તેમજ સર્વધર્મની વાતો તો છે જ. પરંતુ પ્રાર્થના પછીનાં એમનાં પ્રવચન વધુ મહત્ત્વનાં છે. ગાંધીજીએ ભાષા, સાહિત્યની અભિવ્યક્તિમાં જેટલી સરળતાની અપેક્ષા રાખી હતી તેટલી જ સરળતા સત્તા સાથે પણ જોડી. પરંતુ એમની આજુબાજુના લોકો સામાન્ય હતા અને તેઓ ગાંધીજીની જેમ સત્તાને પચાવી શક્યા નહીં. જ્યારે સત્તા તેમને ગેરમાર્ગે દોરે છે, ત્યારે ગાંધીજી કોંગ્રેસ છોડી દે છે. તેઓ કોંગ્રેસને વિખેરી દેવાનું કહે છે, કારણ કે ઉદ્દેશ્ય પૂરો થઈ ગયા પછી સત્તાની છત્રીને પકડી રાખવાથી સત્તાનો નશો ચડી જાય છે અને તેમાં ગેરઉપયોગની શક્યતા પણ વધે છે. બહુ વિચારીને ગાંધીજીએ જે સૂચવ્યું છે તેમાં માત્ર તેમના નામને કારણે કે કેટલાક અન્ય મતોને કારણે સહમત ન હોય તો એવી વ્યક્તિને આપણે મૂંગું વંદન જ કરી શકીએ.
બાપુ, અંજલિ આપ્યા સિવાય આમ તો કશું આવડતું નથી, પણ આજે તમારા વિચાર સાથે સંવાદ કરીને અંજલિ આપીએ તો કેવું ?
Your Content Goes Here