મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી. તે વખતે ઉપસ્થિત લોકોએ ગાંધીજીને વિનંતી કરતાં એમણે થોડી મિનિટ તેમને સંબોધ્યા હતા. તેમણે સ્વામી વિવેકાનંદનું ઋણ સ્વીકાર્યું હતું અને યુવાનોને આ મહાન સંન્યાસીના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ કરી હતી. એમની આ સ્મરણીય મુલાકાતની વિગતો જૂનાં સામયિકો અને પુસ્તકોમાંથી એકઠી કરી છે. આ સંદર્ભમાં ગાંધીજીએ ૨૨-૦૭-૧૯૪૧ના રોજ સેવાગ્રામ (વર્ધા)થી સ્વામી વિવેકાનંદના કેળવણી વિશેના વિચારોના સંકલનની ભૂમિકામાં અહીં આપેલાં બે વાક્યો યાદ રાખવાં જેવાં છે : ‘સ્વામી વિવેકાનંદનાં લખાણોને કોઈની પણ ૫રિચયાત્મક નોંધની આવશ્યકતા નથી. એ લખાણો પોતાની અબાધ્ય અપીલ કરે છે.’

સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતી રવિવાર, ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ હતી. આ દિવસની વિશિષ્ટ ઘટના દરિદ્રનારાયણની સેવા (દરિદ્રમાં રહેલા નારાયણને ભોગ ધરાવીને) હતી. આ દરિદ્રનારાયણ પર સ્વામીજીની વિશિષ્ટ માનભાવની દૃષ્ટિ હતી. આ દિવસે ગાંધીજી અને એમના સભ્યોનું અણધાર્યું આગમન થયું હતું. તેઓ સ્વામી વિવેકાનંદને, સ્વદેશ ભક્ત સંન્યાસીને ભાવાંજલિ અર્પવા આવ્યા હતા. ગાંધીજીની સાથે તેમનાં પત્ની (કસ્તુરબા), શ્રી મોતીલાલ નહેરુ, શ્રીમાન મહમદ અલી અને કેટલાક એમના અગ્રણી સાથીઓ હતા. સ્વામી શિવાનંદજીએ (મહાપુરુષ મહારાજ) તેમનું આદરપૂર્વક સન્માન કર્યું અને એમની સાથે ઘણી રસપ્રદ ચર્ચા પણ થઈ. તેઓ તેમને શ્રીરામકૃષ્ણ મંદિરમાં અને સ્વામી વિવેકાનંદના ખંડમાં લઈ ગયા. મહાત્માજીએ દરેક બાબતમાં ગહન રસ દાખવ્યો અને ત્યાં મંદિરમાં રાખેલ અમૂલ્ય ભસ્માવશેષ, શ્રીરામકૃષ્ણે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ અને તેમના હસ્તાક્ષરનો નમૂનો વગેરેનું ભાવપૂર્વક નિરીક્ષણ કર્યું. અત્યંત ભક્તિભાવથી તેમણે શ્રીરામકૃષ્ણદેવે વાપરેલા ગાદલાને સ્પર્શ કર્યો. મહાત્માજીએ અને એમના સાથી મિત્રોએ રામકૃષ્ણ મિશનની કેટલી શાખાઓ છે, કેટલા કાર્યકરો છે, હિમાલયમાં આવેલા માયાવતી આશ્રમ વિશે તેમજ ત્યાં કેવી રીતે જઈ શકાય તે વિશે ઘણી પૂછપરછ કરી. તેમણે શ્રીમંદિરમાં મહાવીરની છબીની પૂજાપદ્ધતિ વિશે પણ પૂછ્યું. ત્યાર પછી મહાત્માજીનું ધ્યાન શ્રીરામકૃષ્ણનાં સહધર્મચારિણીની છબી પર ગયું અને તેના વિશે પૂછતાં તેમને કહેવામાં આવ્યું કે તેમણે માતૃત્વભાવથી જીવન ગાળ્યું અને જીવનભર પવિત્રતા જાળવી રાખી.

તે દિવસ ભવ્ય ઉજવણીનો દિવસ હોવાથી વિવિધ જ્ઞાતિનાં સ્ત્રીપુરુષો બહોળી સંખ્યામાં મઠના મેદાનમાં એકઠાં થયાં હતાં. ત્યાં એકત્રિત લોકોની વિનંતીથી મહાત્માજી મઠના ગંગા સામેના મકાનના પ્રથમ માળે ઊભા રહ્યા અને ત્યાં એકઠા થયેલા લોકોને સંબોધન કર્યું. તેમણે હિન્દી ભાષામાં વક્તવ્ય આપ્યું હતું, ‘મહેરબાની કરીને એક ક્ષણ માટે પણ એવું ન માનતા કે હું અહીં મારા ‘અસહકાર-આંદોલન’ની કે ‘રેંટિયો કાંતવા’ની વાત કરવા આવ્યો છું. હું તો અહીં સ્વામી વિવેકાનંદની પવિત્ર સ્મૃતિને ભાવપૂર્વક અંજલિ અર્પવા આવ્યો છું અને આજે એમની જન્મજયંતી ઉજવાઈ રહી છે. મેં એમનાં લખાણો સાંગોપાંગ વાંચ્યાં છે અને એ વાંચીને મારો દેશ પ્રત્યેનો જે પ્રેમભાવ હતો તે હજાર ગણો વધ્યો છે. હું યુવાનોને વિનંતી કરું છું કે જ્યાં સ્વામી વિવેકાનંદ જીવ્યા અને મૃત્યુ પામ્યા એ સ્થળના પવિત્રભાવ અને જુસ્સામાંથી કંઈક પ્રેરણા મેળવ્યા વિના ખાલી હાથે અહીંથી ન જતા.’

પશ્ચિમ બંગાળની ઇન્ટેલીજન્સ શાખાના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના રેકોર્ડમાં ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ ગાંધીજીની બેલુર મઠની મુલાકાતનો અહેવાલ નોંધાયેલો છે. બીજા મુદ્દાઓ વિશે લખતાં આ અહેવાલ જણાવે છે : ‘તેમણે (મહાત્મા ગાંધી) એમ કહેવાનું શરૂ કર્યું કે સ્વર્ગસ્થ સ્વામી વિવેકાનંદ માટે તેમને ઘણો આદરભાવ છે. તેમણે એમનાં ઘણાં પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. અને પોતાના આદર્શાે અને વિચારો સાથે આ મહામાનવના કેટલાય આદર્શાે અને વિચારો મળતા આવે છે. જો આજે સ્વામી વિવેકાનંદ જીવતા હોત તો તેમના રાષ્ટ્રજાગરણના કાર્યમાં તેઓ ઘણા મદદગાર બન્યા હોત. આમ છતાં પણ એમનો જુસ્સો અને એમના આદર્શાે સ્વાતંત્ર્ય-સંગ્રામના આગેવાનોમાં છે અને તેમણે સ્વરાજની સ્થાપના માટે સર્વોત્કૃષ્ટ કાર્ય કરવું જોઈએ. તેમણે કહ્યું કે એ બધાએ કોઈપણ બાબત કરતાં પોતાના દેશને વધારે ચાહતાં શીખવું જોઈએ અને બધાએ એક-મના બનવું જોઈએ.’

Total Views: 216
By Published On: October 2, 2019Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram