‘કેળવણી એટલે બાળકનાં મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધી તેને બહાર આણવા.’ – મહાત્મા ગાંધી

શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન નહીં, શિક્ષણ એટલે પાઠ્યપુસ્તકોમાં આપેલા પાઠોની માહિતીનો સંચય નહીં, શિક્ષણ એટલે માત્ર વાંચવું, લખવું અને ગણવું નહીં. પણ શિક્ષણ એટલે ચારિત્ર્યની ખીલવણી, ધર્મભાવનાનું ભાન, જીવનમાં ઉચ્ચ મૂલ્યોનું સ્થાપન, સારાંનરસાંનો ભેદ પારખવાની વિવેકદૃષ્ટિ તેમજ સંસ્કારિતા અને આત્મવિકાસની ક્ડી. મહાત્મા ગાંધીજીની દૃષ્ટિએ શિક્ષણ એ માત્ર વર્ગખંડોની ચાર દીવાલો અને પાઠ્યપુસ્તકોનાં પાનાં પૂરતું સીમિત નથી, પણ શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. પ્રકૃતિની મહાશાળામાં બાળક જ્ઞાન, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની જે સમજ મેળવે છે, જે તેના વિકાસમાં જીવનભર સહાયક બની રહે છે, એ શિક્ષણ છે.

મહાત્મા ગાંધીનું શિક્ષણદર્શન આગવું છે. પરંતુ આ શિક્ષણ એ કોઈ વિચારપ્રક્રિયામાંથી ઉદ્ભવેલું સૈદ્ધાન્તિક દર્શન નથી. પરંતુ એમણે જાતે કરેલા પ્રયોગોમાંથી, પોતાના જીવનના પ્રત્યક્ષ અનુભવોમાંથી સર્જાયેલું દર્શન છે. દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટાૅય આશ્રમમાં પોતાના આશ્રમવાસી બાળકોને ભણાવવા માટે એમણે જે જે પ્રયોગો કર્યા, તેના નિષ્કર્ષરૂપે એમણે બાળશિક્ષણ અંગે જે દર્શન મેળવ્યું તેને આપણે આ રીતે મૂલવી શકીએ.

૧. નાનાં બાળકોને માતાપિતા પાસે જ રહીને ભણાવવાં :

૧૮૯૭ જાન્યુઆરીમાં જ્યારે તેઓ ડરબન ઊતર્યા, ત્યારે તેમની સાથે ત્રણ બાળકો હતાં. મોટો દીકરો નવ વર્ષનો, નાનો પાંચ વર્ષનો અને ભાણેજ દશ વર્ષનો. આ બાળકોને ભણાવવાનો પ્રશ્ન ઊભો થયો. ત્યાં ચાલતી ગોરાઓની શાળામાં વિનંતી કરવાથી અપવાદ રૂપ પ્રવેશ મળી શકે તેમ હતો, પરંતુ ગાંધીજીને તે મંજૂર નહોતું. ત્યાં ખ્રિસ્તી મિશનરીઓની શાળાઓ ચાલતી હતી, પરંતુ આ શાળાઓમાં પણ તેઓ બાળકોને મોકલવા ઇચ્છતા નહોતા. ત્યાં ગુજરાતી શાળા તો હતી જ નહીં. બાળકોને ભણવા માટે દેશમાં પાછાં મોકલી દેવા પણ તેઓ તૈયાર નહોતા, કેમ કે તેઓ એવું દૃઢપણે માનતા હતા કે ‘બાળકોને માબાપથી વિખૂટાં પાડવાં ન જોઈએ. જે કેળવણી બાળકો સુવ્યવસ્થિત ઘરમાં સહેજે ય પામે છે, તે છાત્રાલયોમાં ન જ પામી શકે.’ આથી તેમની પાસે એક જ વિકલ્પ હતો કે બાળકોને પોતાની પાસે રાખીને પોતે જ ભણાવવાં. તેમણે પોતે જ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. આ રીતે તેમની બાળશિક્ષણની શરૂઆત થઈ. ગાંધીજીના ત્રણેય પુત્રો કદી નિશાળે ગયા જ નથી. ગાંધીજી તેમને જે કંઈ અભ્યાસ કરાવી શક્યા, એ જ તેમનું શિક્ષણ. સમયના અભાવે ગાંધીજી પોતાની ઇચ્છા પ્રમાણેનું શિક્ષણ આ બાળકોને આપી શક્યા નહીં. પરંતુ તેઓ કહે છે કે માતાપિતાનો સહવાસ, અનુભવજ્ઞાન અને સ્વતંત્રતાનો જે પદાર્થપાઠ તેમને મળ્યો તે જો ગંાધીજીએ તેમને નિશાળેમોકલવાનો આગ્રહ રાખ્યો હોત તો ન મળત. ઉપરાંત તેઓ જે સાદાઈ અને સેવાભાવ શીખ્યા તે તેમનાથી વિખૂટા પડીને કૃત્રિમ કેળવણી દ્વારા ન મેળવી શક્યા હોત.

૨. બાળકોને ઘણાં પાઠ્યપુસ્તકો જરૂર નથી :

ટોલ્સ્ટાૅય ફાર્મમાં બાળકો માટેની ગાંધીજીની અનોખી શાળા ચાલતી હતી. ગાંધીજી અને તેમના થોડા મિત્રો બાળકોને ભણાવતા હતા. પાઠ્યપુસ્તકો તો તે વખતે ખાસ હતાં જ નહીં. તેઓ લખે છે, ‘મને પાઠ્યપુસ્તકોની કદી જરૂર લાગી ન હતી, જે હતાં તેનો પણ ઓછો ઉપયોગ થતો હતો. દરેક બાળકને ઘણાં પુસ્તકો આપવાની જરૂરિયાત નહોતી. જો શિક્ષક પોતે જ વિદ્યાર્થીનું પાઠ્યપુસ્તક હોય તો બાળક બહુ જ ઝડપથી યાદ રાખી શકે છે અને શીખે છે.’ પાઠ્યપુસ્તકના પાઠોને યાદ રાખવાના પોતાના અનુભવોની વાત કરતાં તેઓ કહે છે, ‘પુસ્તકોમાંથી શીખવેલું મને બહુ જ ઓછું યાદ છે, પરંતુ શિક્ષકોએ પોતાના મુખેથી જે શીખવેલું તેનું સ્મરણ મને આજેપણ છે.’

વર્તમાન સમયમાં બાળકોને પોતાના વજન કરતાં પણ વધારે પાઠ્યપુસ્તકોનો ભાર પીઠ પર ઉપાડવો પડે છે. પછી પાઠ્યપુસ્તકોના પાઠોનો ભાર મગજમાં વેંઢારવો પડે છે. ગાંધીજી કહે છે, ‘આજના વિદ્યાર્થીઓને પુસ્તકોના ઢગલામાં એવું મચ્યા રહેવું પડે છે કે તેમનો શ્વાસ રુંધાવા લાગે છે. જો મારું ચાલે તો હું તેમાંથી મોટાભાગનાં પાઠ્યપુસ્તકો રદ કરી નાખંુ અને એવાં પાઠ્યપુસ્તકો લખાવડાવું કે જેમનો એમના ગૃહસ્થ જીવન સાથે સંબંધ હોય, મેળ હોય કે જેમ જેમ બાળક શીખતું જાય તેમ તેમ આસપાસના વાતાવરણમાં ઓતપ્રોત થતું જાય, સક્રિય ભાગ લેતું થાય.’ નાનાં બાળકોને પાઠ્યપુસ્તકોમાં આવતા પાઠો અઘરા લાગતા હોય છે, તેઓ આ પાઠો સહેલાઈથી યાદ રાખી શકતા નથી, તેમના મગજને એનો ભાર લાગે છે. બાળકો આંખેથી ગ્રહણ કરે છે, તેના કરતાં સાંભળેલું ઓછા પરિશ્રમે ગ્રહણ કરે છે. આથી ગાંધીજી બાળકોને પોતે વાંચેલાં પુસ્તકોમાંથી, પોતાના અનુભવોમાંથી મોઢે શીખવતા અને બાળકોને એ બધું યાદ પણ રહી જતું. આપણા ઋષિઓ પણ આ જ રીતે ભણાવતા હતા ને?

૩. બાળકેળવણીમાં શિક્ષકના આચરણનું મહત્ત્વ :

ગાંધીજી કેળવણીમાં શરીર, બુદ્ધિ અને આત્માની કેળવણીનો સમાવેશ કરે છે. તેઓ કહે છે, ‘શરીરની કેળવણી મળે વ્યાયામ અને શ્રમથી, બુદ્ધિની કેળવણી મળે બુદ્ધિની કસોટીઓથી, જ્યારે આત્માની કેળવણી તો શિક્ષકના વર્તન દ્વારા પ્રાપ્ત થાય છે. જો શિક્ષકનું વર્તન આદર્શરૂપ હોય તો તેના વિદ્યાર્થી-બાળકોમાં પણ એ આદર્શાે સહજપણે સંક્રમિત થતા હોય છે.’ તેઓ કહે છે, ‘જુઠ્ઠું બોલનારો શિક્ષક શિષ્યોને સત્યનું આચરણ કરતાં ન શીખવી શકે. ડરપોક શિક્ષક વીરતા ન શીખવી શકે. વ્યભિચારી શિક્ષક સંયમ કેવી રીતી શીખવી શકે? મને ટોલ્સ્ટાૅય શાળાના વિદ્યાર્થીઓએ શીખવ્યું કે મારે મારા માટે નહીં પણ મારે તેમના માટે સારા થવું ને રહેવું જોઈએ. બાળકોની સાથે જો એક શિક્ષક કામ કરતો હોય તો બાળકો તે ઝડપથી શીખે છે અને તેને રસ પડે છે.’

૪. વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા :

ઘણાં તોફાની અને ઉદ્દંડ બાળકો ભણતાં હોતાં નથી. ત્યારે તેમનાં માતાપિતા કે શિક્ષક સોટી કે આંકણી મારીને પરાણે ભણાવવા બેસાડતાં હોય છે. ગાંધીજી કહે છે, ‘બાળકોને માર મારીને શીખવવાની વિરુદ્ધમાં હું હંમેશાં રહ્યો છું. એક જ પ્રસંગ મને યાદ છે કે મારા દીકરાને મેં માર્યો હતો. એ મારવામાં મેં યોગ્ય કર્યું કે નહીં એ નિર્ણય હું આજ દિવસ સુધી કરી શક્યો નથી.’

બીજા એક પ્રસંગમાં પણ તેમણે એક તોફાની ઉચ્છૃંખલ છોકરાને માર્યો હતો. તે ઘણો જ તોફાની હતો. કોઈનું ય માનતો નહીં. તેણે ગાંધીજીને પણ છેતરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી ગાંધીજીએ તેને આંકણી ઉપાડીને માર્યો, પરંતુ મારતી વખતે ગાંધીજીનો હાથ ધ્રૂજી ઊઠ્યો, કેમ કે આવો અનુભવ પહેલાં ક્યારેય થયો ન હતો. તે વિદ્યાર્થી રડી પડ્યો. માફી માગી, પરંતુ તે આંકણીના મારથી નહીં, પણ મારતી વખતે ગાંધીજીને થયેલા દુ :ખથી તે રડી પડ્યો હતો. આ વિષે ગાંધીજી લખે છે,

‘એ પછી એ કદી મારી સામે થયો નહીં, પણ મને તે આંકણી મારવાનો પશ્ચાત્તાપ આજ લગી રહ્યો છે. મને ભય છે કે મેં તેને મારીને મારા આત્માનું નહીં, પણ મારી પશુતાનું દર્શન કરાવ્યું હતું. એ પછી મેં એવા જ દોષ યુવકોમાં જોયા, પણ મેં દંડનીતિ ન જ વાપરી. આમ આત્મિક જ્ઞાન આપવાના પ્રયત્નમાં હું પોતે આત્માના ગુણને વધારે સમજવા લાગ્યો.’ દંડ નીતિ કરતાં પ્રેમ અને હૂંફના વાતાવરણમાં બાળકો વધારે ખીલે છે અને ગ્રહણ કરે છે. બાળકેળવણીનું આ હાર્દ આ અનુભવથી તેમને સમજાયું.

૫. બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ :

બાળકનું મન જ્યારે વિકાસ પામી રહ્યું હોય, ત્યારે તેના કુમળા મગજ પર પરભાષાના શબ્દોનું ભારે વજન પડતું હોય છે. તે બોજો એટલો અસહ્ય થઈ પડે છે કે તેની અન્ય શક્તિઓના વિકાસને કોઈ અવકાશ રહેતો નથી. ગાંધીજી કહે છે, ‘પરભાષા મારફતે શિક્ષણ લેવામાં જે બોજો મગજ પર પડે છે, તે અસહ્ય છે. આથી આપણા ગ્રેજ્યુએટ ઘણે ભાગે નિ :સત્ત્વ, નબળા, નિરુત્સાહી, .. રોગી અને કેવળ નકલી બને છે. શોધશક્તિ, વિચારશક્તિ, સાહસ, ધૈર્ય, વીરતા, નિર્ભયતા વગેરે ગુણો ક્ષીણ થઈ જાય છે, તેથી આપણે નવી યોજનાઓ રચી શકતા નથી.’ ગાંધીજી માતૃભાષાના યોગ્ય શિક્ષણને સઘળી કેળવણીનો પાયો માને છે. ટોલ્સ્ટાૅય આશ્રમની શાળામાં તેઓ પોતે બાળકોને માતૃભાષાનું શિક્ષણ આપતા હતા. તેમણે કહ્યું હતું, ‘મેં અસલથી જ માનેલું કે જે હિંદી માબાપો પોતાનાં બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતાં કરી મૂકે છે, તેઓ તેમનો અને દેશનો દ્રોહ કરે છે. આથી બાળકો પોતાના દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે અને તેટલે અંશે દેશની અને જગતની સેવા કરવા ઓછાં લાયક બને છે.’

૬. બાળકેળવણી અને શારીરિકશ્રમ :

ગાંધીજી સમક્ષ બાળકેળવણીનો પ્રશ્ન દક્ષિણ આફ્રિકામાં જ ઊભો થયો અને એમને એ દિશામાં કાર્યરત થવાની ફરજ પડી. ટોલ્સટોેય આશ્રમની વ્યવસ્થા અલગ પ્રકારની હતી. એ વિષે ગાંધીજી લખે છે, ‘આશ્રમમાં નોકરો તો નહોતા જ. પાયખાનાથી માંડીને રસોઈ સુધીનાં બધાં જ કામો આશ્રમવાસીઓએ જ કરવાનાં હતાં. નવું જ વાવેતર કરવાનું હતું. રોજ અમુક સમય નાનાં મોટાં, જેઓ રસોડાના કામમાં ન રોકાયાં હોય, તેમને બગીચામાં કામ કરવું પડતું. આમાં બાળકોનો મોટો હિસ્સો હતો.’ બાળકો સફાઈકામમાં, બગીચામાં, લોટ દળવામાં, વસ્તુઓ લાવવા-મૂકવામાં-વગેરે એમનાથી થઈ શકે તેવાં અનેક કામોમાં સહાયરૂપ થતાં. આ બધાં કાર્યો દ્વારા એમનું જીવનઘડતર થતું હતું. ગાંધીજી કહે છે, ‘કેળવણીમાં મન, હૃદય અને શરીરની ભાવનાઓનો એક સાથે વિકાસ થવો જોઈએ.’ તેમના મંતવ્ય અનુસાર જ્ઞાન કર્મથી વિખૂટું પડી ગયેલું ન હોવું જોઈએ. વિદ્યાર્થી કર્મ કરે, શ્રમ કરે, એમાંથી જે અનુભવ મળે, એ જ એના જ્ઞાનસંપાદનનો સ્ત્રોત બની રહેવો જોઈએ.

૭. જીવન માટેની કેળવણી જીવન દ્વારા :

કેળવણીમાં બાળકના મનનો જ વિકાસ નહીં, પણ હૃદયનો વિકાસ પણ થવો જોઈએ. બાળકની લાગણીઓ, આવેગો પણ નાનપણથી જ કેળવાવાં જોઈએ. ગાંધીજી કહે છે, ‘લાગણીઓની કેળવણીમાં કુટુંબપ્રથા અગત્યનો ભાગ ભજવે છે. બાળકની લાગણીઓનું ઘડતર અને સંસ્કારિતાનું સિંચન કુટુંબમાંથી જ થાય છે. આ ઘડતર આગળ જતાં કુટુંબને અને સમાજને ઉપયોગી થાય છે.’ તેઓ કહેે છે, ‘અત્યારે પણ ગરીબ લોકોનાં બાળકો આપોઆપ તેમનાં માતાપિતાને મદદ કરે છે. એમના મનમાં લાગણી હોય છે કે જો હું મારાં માબાપની સાથે કામ નહીં કરું તો માબાપ ખાશે શું અને ખવડાવશે શું?’ તેમનામાં સ્વાવલંબન અને કામની ભાવના નાનપણથી જ જાગ્રત થઈ જાય છે. આમ બાળકો કામ કરતાં શીખે છે. તેઓ કહે છે, ‘બાળકે શીખવા માટે કામ કરવાનું છે, અવલોકન કરવાનું છે, આસપાસનાં બળોનો ઉપયોગ કરવાનો છે. એ જ રીતે પુસ્તકનાં પાનાં દ્વારા કે શિક્ષકના વ્યાખ્યાન દ્વારા નહીં, પણ શાળાના સમયનું જીવન ખરેખર જીવીને વિવિધ પ્રકારની કુશળતા પ્રાપ્ત કરવાની છે અને વૃત્તિઓને કેળવવાની છે.’ આ જ જીવન દ્વારા જીવન માટેની કેળવણી છે.

૮. કેળવણીથી બાળકોની સર્જનશીલતા :

તેઓ કહે છે, ‘હિન્દુસ્તાનની શાળાઓમાં જે પદ્ધતિ ચાલે છે, તેને હું કેળવણી એટલે કે મનુષ્યમાં રહેલું હીર બહાર લાવવું એ કહેતો નથી, એ તો બુદ્ધિનો વ્યભિચાર છે. બાળકોનાં મગજમાં ગમે તેમ હકીકતો ઠાંસવામાં આવે છે. જ્યારે આરંભથી જ ગ્રામોદ્યોગને કેન્દ્રમાં રાખીને મનને કેળવવાની પદ્ધતિ મનનો સીધો અને વ્યવસ્થિત વિકાસ સાધે છે અને તેની બુદ્ધિશક્તિ અને પરોક્ષ રીતે તેની આત્મશક્તિને એળે જતી અટકાવે છે. એ શક્તિમાં વધારો કરે છે.’
ગાંધીજી માને છે કે જે ક્ષણથી બાળકની કેળવણીનો આરંભ થાય એ ક્ષણથી જ તેને નવું શીખવવું જોઈએ. બાળકમાં રહેલી સર્જનશક્તિ બહાર આવે તેવું વાતાવરણ આપવું જોઈએ. એની સર્જનશીલતાના પ્રાગટ્યમાં તેનાં મન અને આત્માનો ઊંચો વિકાસ સાધવો શક્ય છે. બાળકને જ્યારે કંઈ પણ નવું શીખવવામાં આવે તે યંત્રવત્ નહીં, પણ દરેક ક્રિયા શા માટે કરવામાં આવે છે, તેની સમજ આપીને શિખવાડાય એ મહત્ત્વનું છે. તેથી એ કર્મ અને તેના જ્ઞાનની સમજથી તેનામાં શાણપણ આવે છે.

૯. કેળવણી દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ :

જે કેળવણી દ્વારા બાળકનાં મન, બુદ્ધિ, હૃદય અને આત્માનો વિકાસ થાય તથા તેનામાં રહેલાં ઉત્તમ તત્ત્વો પ્રગટ થાય, એ જ ગાંધીજીના મતે ખરી કેળવણી છે. માત્ર વાંચવું, લખવું, ગણિત ગણવું – વગેરેની કેળવણી કરતાં તેઓ હાથ, હૈયું અને મસ્તિષ્કની કેળવણીને વધારે મહત્ત્વ આપે છે. આ પ્રકારની કેળવણી બાળકના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. આ સંદર્ભમાં તેઓ કહે છે, ‘બાળકના હાથને તાલીમ આપવાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર તેના કંઠને કેળવવાની છે. છોકરા-છોકરીઓમાં રહેલો ઉત્તમ અંશ બહાર પ્રગટ થાય અને તેમને ભણવામાં સાચો રસ પેદા થાય એટલા માટે કવાયત, ઉદ્યોગ, આલેખન અને સંગીત સાથે સાથે શીખવવાં જોઈએ.

૧૦. કેળવણીનો પાયો છે, ચારિત્ર્ય ઘડતર :

કેળવણીનું મુખ્ય કાર્ય છે : ઉત્તમ મનુષ્યોનું નિર્માણ કરવાનું. ગાંધીજી કહે છે, ‘સાચી કેળવણી તો એને કહેવાય, જે બાળકોની આધ્યાત્મિક, બૌદ્ધિક અને શારીરિક શક્તિઓને બહાર આણે અને ખીલવે.’ આ શક્તિઓના વિકાસ દ્વારા ઉત્તમ ચારિત્ર્યવાન મનુષ્ય બને છે. ટોલ્સ્ટાૅય આશ્રમમાં તેમણે બાળકોની કેળવણીના પોતાના પ્રયોગોમાં ચારિત્ર્યનિર્માણને પ્રથમ સ્થાને મૂક્યું હતું. તેઓ કહે છે, ‘ચારિત્ર્યને મેં બાળકોની કેળવણીના પાયા રૂપે માન્યું છે. જો પાયો પાકો થાય તો બીજું બધું તો બાળકો અવકાશ મળ્યે મદદ લઈને કે આપબળે પણ મેળવી લે.’ જો બાળકોનું ચારિત્ર્ય ઘડતર ઉત્તમ રીતે થયું હોય તો એ બાળકો ભલે કદાચ વિદ્વાન ન હોય, તોપણ તેઓ પોતાના જીવનનાં ક્ષેત્રોમાં અગ્રેસર રહેવાનાં.

‘હિંદ સ્વતંત્ર થાય ત્યારે આપનું કેળવણીનું લક્ષ્ય શું હશે?’ આ પ્રશ્નના ઉત્તરમાં ગાંધીજીએ જણાવ્યું હતું કે ‘ચારિત્ર્ય ઘડતર. કેળવણીમાં હું ધૈર્ય, તાકાત, સદ્ગુણો, મહાન ઉદ્દેશો સિદ્ધ કરવાની દિશામાં પોતાની જાતને ભૂલી જવાની શક્તિ વગેરે ખીલવવાનો પ્રયત્ન કરું.’

આ ઉપરાંત અંગત જીવનની શુદ્ધિને પણ ગાંધીજી સંગીન કેળવણીની અનિવાર્ય શરત માને છે. તેઓ કહે છે, ‘ચારિત્ર્ય વિનાની કેળવણી શાની? અને શુદ્ધતા વગરનું ચારિત્ર્ય શાનું?’ ગાંધીજીને મન શાળાઓ અને કોલેજો તો ચારિત્ર્ય ઘડતર કરવાનાં મુખ્ય સ્થાનોે છે. આમ શાળા-કોલેજોમાંથી ઉત્તમ ચારિત્ર્ય પ્રાપ્ત કરીને સમાજમાં આવેલાં યુવાન-યુવતિઓ પોતાનું, પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રનું અવશ્ય કલ્યાણ કરી શકે.

આ રીતે પાયાની, સંસ્કારઘડતરની, સદાચારના બીજારોપણની અને ઉત્તમ મનુષ્યોનાં નિર્માણકાર્યના શુભારંભની કેળવણી એટલે બાળકેળવણી. આ અતિ મહત્ત્વની પાયાની કેળવણી અંગે મહાત્મા ગાંધીજીએ જાતે પ્રયોગો કરીને પ્રાપ્ત કરેલા અદ્‌ભુત જ્ઞાન દ્વારા જે માર્ગદર્શન આપ્યું છે, તે કેવળ બાળકેળવણીકારોને જ નહીં, શિક્ષણવિદોને જ નહીં, પણ માતાપિતાને, શિક્ષકોને, આચાર્યોને અને સમાજના સર્વ હિતચિંતકોને આજે પણ ખૂબ જ ઉપયોગી છે.

Total Views: 235
By Published On: October 2, 2019Categories: Jyotiben Thanki0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram