બાપુ દરિદ્રનારાયણના પૂજારી હતા. બાપુ પોતાના એકેએક કામમાં દરિદ્ર એટલે કે નીચામાં નીચા માણસનો પ્રથમ વિચાર કરતા. બાપુનો ધ્યાનમંત્ર હતો પછાતમાં પછાતની સેવા. બાપુને દેશની પરાધીનતા, અર્ધગુલામી અને જનતાની લાચારીનો દુ :ખભર્યો અનુભવ દક્ષિણ આફ્રિકામાં થયો.

વળી આ દિવસોમાં રમેશચંદ્ર દત્તના આર્થિક ઇતિહાસના અધ્યયનથી બાપુનું હૃદય દ્રવી ઊઠ્યું. હિન્દની ગરીબ, બેકાર અને પરાધીન પ્રજાનું કરુણ ચિત્ર બાપુની નજર સામે તરવરવા લાગ્યું. આવી કારમી દશામાંથી આપણા દેશને મુક્ત કરવા બાપુએ મનોમન દૃઢ નિર્ણય કરી લીધો અને પોતાનું જીવન એ કાર્ય માટે અર્પણ કરી લીધું. એ જ અરસામાં મહાત્મા ટાૅલ્સટોય અને રસ્કિનનાં લખાણો તેમના વાંચવામાં આવ્યાં. એની બાપુના જીવન પર ક્રાંતિકારી અસર પડી.

ખાસ કરીને રસ્કિનના ‘અનટુ ધીસ લાસ્ટ’ પુસ્તકે તેમના વિચારોમાં ઘણું મોટું પરિવર્તન કર્યું. સમાજના પછાતમાં પછાત માણસ સુધી પહોંચીને તેને ઉપર લાવવા પ્રયાસ કરવો જોઈએ.

સમાજના ભદ્ર લોકોનો ઉદ્ધાર થયો એટલે બધું પતી ગયું એમ નહીં, પણ છેક છેવટના માણસ સુધીના સૌનો ઉદય થવો જોઈએ અને તે માટે પ્રયત્ન કરવો જોઈએ.

બાપુએ આ ભાવના અને તે માટેની વિચારસરણી તેમજ કાર્યપદ્ધતિ પોતાના ભાવિ કાર્ય માટે અપનાવી લીધી અને તેને ‘સર્વોદય’ નામ આપ્યું. આ સર્વોદયની, છેક છેવટના માણસ સુધીના સૌના ઉદયની ભાવનાને મૂર્તિમંત કરવા બાપુએ જીવનભર પ્રયત્નો કર્યા.

આ જ બાબતને લક્ષમાં રાખીને પોતાના સ્વપ્નના સ્વરાજ વિશે બાપુએ આમ કહ્યું છે, ‘મારા સ્વપ્નનું સ્વરાજ એ ગરીબનું સ્વરાજ છે. રાજા અને ધનિકવર્ગ જીવનની જે જરૂરિયાતોનો ઉપયોગ કરે છે, તે ગરીબોને પણ સુલભ હોવી જોઈએ. પણ એનો અર્થ એ નથી કે તેઓની માફક ગરીબોને પણ મહેલો હોવા જોઈએ. સુખને માટે તેની જરૂર નથી. તમે કે હું એમાં ભૂલા પડીએ. પણ સૌને ધનિક ભોગવતો હોય એવી જીવનની બધી સામાન્ય સગવડો મળવી જોઈએ. એ બાબતમાં મને સહેજ શંકા નથી કે જ્યાં સુધી સ્વરાજમાં આ સગવડોની ખાતરી આપવામાં નથી આવતી ત્યાં સુધી એ પૂર્ણ સ્વરાજ નથી.’

વળી બાપુએ કહ્યું છે કે માનવજીવનનો અંતિમ હેતુ તો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો છે અને એ માટેનો સાચો માર્ગ ઈશ્વરે સર્જેલ બધાં પ્રાણીઓની સેવા કરવાનો તથા એમની સાથે એકાત્મકતા સાધવાનો છે. એટલે બાપુ કહેતા કે આપણે પણ સ્વેચ્છાએ ગરીબાઈ સ્વીકારી લઈને આપણા કરોડો દરિદ્રનારાયણોની ઉપાસના-સેવા કરવાને લાયક બનવું જોઈએ.

આપણાં એ ભૂખે મરતાં, દરિદ્રતામાં પીડાતાં ભાઈબહેનોને – એમનાં હાડપિંજરોને આપણે આપણી નજર સમક્ષ સદા રાખતા રહીશું તો સહજ રીતે આપણને સમજાશે કે માનવજીવનનું ધ્યેય જીવમાત્રનું કલ્યાણ જ હોઈ શકે. સાથે ને સાથે માનવમાત્ર વચ્ચે પ્રેમ સ્થપાય તથા એકબીજાનાં સુખદુ :ખમાં સમજણપૂર્વક સક્રિય ભાગ લેતા આપણે થઈએ તો એનો થોડોઘણો પણ અનુભવ આપણને થયા વિના રહે નહીં. એ જ કારણે બાપુએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી, પોતાના આચારવિચારમાં એને સાકાર પણ કરી બતાવી. તેથી જ બાપુ કહી શકતા, ‘હું તો દરિદ્રનારાયણનો પોતે જ નિમાયેલો વાણોતર છું, આડતિયો છું. મારી પાસે પ્રમાણપત્ર મારી સેવાનું છે.’

રસ્કિન અને ગાંધીજી

મહાન કલાવિવેચક અને ચિંતક જ્હાૅન રસ્કિન (૧૮૧૯-૧૯૦૦) શ્રીમંત પણ કડક શિસ્તનાં આગ્રહી માતાપિતાને ત્યાં ઊછર્યા હતા. એમનાં વિવેચનોની ભારે અસર વિક્ટોરિયન કાળના ઇંગ્લેન્ડની કળા પર પડેલી. મુક્ત વ્યાપારના વિરોધીઓને પણ તેમણે ઠીક ઠીક પ્રેરેલા. કળામાં (સાહિત્ય, સંગીત, સ્થાપત્ય વગેરેમાં) કળાકારે સત્ય અને પ્રકૃતિને હંમેશાં વફાદાર રહેવું જોઈએ, એવો એમનો આગ્રહ રહેતો. પહેલી વાર લગ્નજીવનની નિષ્ફળતા પછી એમનું ચિંતન આર્થિક પ્રશ્નો તરફ વળ્યું અને શ્રમિકોને ઉચિત ન્યાય આપવો એમાં તેમને નીતિનો પ્રત્યક્ષ અમલ દેખાયો. દર માસે તેઓ મજૂરોને ઉદ્દેશીને પત્રો લખતા અને પોતાની આવકમાંથી દસમો ભાગ તે શ્રમિકોના હિત સારુ ‘સેંટ જ્યોર્જ ગિલ્ડ’ નામના પોતાના સર્જનમાં વાપરતા. એ ગિલ્ડ પાછળ રસ્કિને પોતાને વારસામાં મળેલી ઘણીખરી સંપત્તિ વાપરી નાખી હતી. પોતે પોતાની ચોપડીઓની આવકમાંથી સુખી જીવન ગાળતા, કારણ કે એ કમાણી પણ નાખી દેવા જેવી ન હતી. ઢળતી ઉંમરે એમને અવારનવાર હતોત્સાહ અને ઘેલછાના હુમલા આવતા. તેથી તેમણે જીવનના અંતિમ દિવસો જાહેર પ્રવૃત્તિઓ અને લખાણ વગેરેથી નિવૃત્ત થઈને ઇંગ્લેન્ડના વાયવ્ય ખૂણામાં આવેલ લેઈક ડિસ્ટ્રિક્ટ નામના અતિરમ્ય ક્ષેત્રમાં પોતાના બાપદાદાની માલિકીની જમીન ઉપર ગાળેલા. એમણે લખવા માંડેલી આત્મકથા તેઓ પૂરી નહોતી કરી શક્યા. મોટી ઉંમરે માના મરણ પછી રસ્કિને એક આઈરિશ યુવતી જોડે લગ્નનો પ્રસ્તાવ મૂકેલો પણ એણે સ્વીકાર્યો નહીં. છતાં બંનેનો સ્નેહ ચાલુ રહ્યો. દુર્ભાગ્યે ત્રણેક વર્ષ પછી એ તરુણી ગુજરી ગઈ, તેથી રસ્કિનને બેવડું દુ :ખ થયું.

ઠેઠ સાત વર્ષની બાલવયથી રસ્કિને પોતાની કવિતાલેખની પ્રવૃત્તિ શરૂ કરેલી. અવારનવાર ઉનાળાના દિવસોમાં એ યુરોપના સૌથી ઊંચા હિમાચ્છાદિત આલ્પ્સ પર્વતની સહેલગાહે જતા. પણ એમની સહેલગાહ ઊંડા અભ્યાસનો વિષય બની રહેતી. પંદર વર્ષની ઉંમરે એમણે આલ્પ્સ પર્વતના ભૂસ્તરશાસ્ત્ર પર આધારિત બે નિબંધો લખ્યા હતા. સત્તરમે વર્ષે એમણે કાવ્યોનાં વિવેચનો લખવા માંડ્યાં. ત્રેવીસમે વર્ષે ‘ધ કિંગ આૅફ ધ ગોલ્ડન રિવર’ (સોનેરી નદીનો રાજા) નામની પરીકથા લખી. ૧૮૪૩માં ‘મોડર્ન પેઈન્ટર્સ’નો પહેલો ભાગ લખ્યો ને ત્યાર બાદ સત્તર વર્ષે એનો પાંચમો ભાગ લખ્યો. એમના જીવનની સૌથી વધુ જાણીતી પ્રવૃત્તિ કળા વિશેની એમની નીતિવાદી આલોચના જ થઈ ગઈ. રસ્કિન મોટામાં મોટા કલાકારોની નિર્ભયતાથી આલોચના કરતા અને તે કાળના સૌ કલાકારો એમની ટીકા પ્રત્યે માનપૂર્વક ધ્યાન આપતા. એકાતાળીસમે વર્ષે, એટલે કે ૧૮૬૮માં એમનું ‘અનટુ ધીસ લાસ્ટ’ પુસ્તક ‘કોર્નહિલ’ મૅગેઝિનમાં હપ્તાવાર છપાવા લાગ્યું, પણ તેમાં તત્કાલીન અર્થશાસ્ત્રની એટલી કડક ટીકા આવતી કે વાચકો એને જીરવી શક્યા નહીં અને એનું પ્રકાશન અધવચથી બંધ કરવું પડેલું. બે વર્ષ પછી તે પુસ્તકાકારે છપાયું હતું. પચાસ વર્ષની ઉંમરે તેમને આૅક્સફર્ડ યુનિવર્સિટીમાં લલિતકળાના પ્રાધ્યાપક તરીકે કામ મળ્યું. દુર્ભાગ્યે એના પછીના વર્ષે એમને જબરી માનસિક બીમારી આવી. પછી તરત તેઓ પોતાની નોકરીમાંથી રાજીનામું આપીને છૂટા થયા હતા. એક બીજી માનસિક બીમારી પછી તેમણે દસ વર્ષ સુધી જાહેર કામમાંથી સંન્યાસ લઈ લીધો હતો અને ૮૧ વર્ષની ઉંમરે ઈન્ફ્લુએન્ઝાથી મરણ પામ્યા હતા.

‘અનટુ ધીસ લાસ્ટ’ની ગાંધીજી ઉપર તો જાદુઈ અસર થઈ જ હતી, પણ રસ્કિન જાતે પણ એને પોતાનું ઉત્તમ પુસ્તક માનતા હતા. ‘ક્રાૅનિકલ’ મૅગેઝિનમાં ચાર નિબંધો રૂપે પ્રથમ પ્રગટ થયેલા પુસ્તક વિશે રસ્કિન પુસ્તકની પ્રસ્તાવનામાં કહે છે :

‘રજમાત્ર શંકા વગર હું કહીશ કે આ ચાર નિબંધો મારાં આજ સુધીનાં તમામ લખાણમાં સૌથી વધુ ઉત્તમ છે. તેનો શબ્દેશબ્દ સાચો છે અને સર્વોત્કૃષ્ટ સત્યને જ આ નિબંધો રજૂ કરે છે. આના જેટલું પ્રસ્તુત અને સુસંગત મારે હાથે હજી સુધી બીજું લખાયું નથી કે આની પાછળની મહેનત જોતાં તો હવે પછી ભાગ્યે જ ફરી કદી આવું મારાથી લખાશે, એમ કહું તો ખોટું નથી.’

‘અનટુ ધીસ લાસ્ટ’ પુસ્તકનો પૂરો પરિચય આપવાનું અહીં શક્ય નથી. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’માં એનો પોતાનો આગવી રીતે સંક્ષેપ કરીને અનુવાદ છાપ્યો હતો.

આ ગ્રંથની ગાંધીજી ઉપર પડેલી અસરને તેમણે ‘જાદુઈ અસર’ કહી છે. એ વાંચીને તેમના જીવનમાં નવો વળાંક આવ્યો હતો. વાંચ્યા પછી તરત જ એનો અમલ કરવાના પ્રયત્નો તેમણે શરૂ કર્યા હતા. તેમાંથી જ શરૂ થયો ‘ફિનિક્સ’ જેવી અપૂર્વ વસાહતનો આરંભ. ‘અનટુ ધીસ લાસ્ટ’ના સંક્ષિપ્ત રૂપાંતરને તેમણે ‘સર્વોદય’ એવું સૂચક શીર્ષક આપ્યું. એ શબ્દ હવે તો ગાંધીદર્શનનો પર્યાયવાચી બની ગયો છે. ‘સર્વોદય’ના સિદ્ધાંતોને ગાંધીજીએ નીચેની સૂત્રત્રયીમાં આપ્યા છે.

૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.

૨) વકીલ તેમજ વાળંદ બંનેના કામની કિંમત એક સરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે.

૩) સાદું, મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું છે.

ગાંધીજીએ એ પણ ચોખવટ કરી છે કે આમાંથી પહેલું તેઓ જાણતા હતા. બીજું તેઓ ઝાંખું જોતા હતા. ત્રીજાનો એમણે વિચાર જ નહોતો કર્યો, પણ પહેલામાં બીજી બેઉ વાતો તેમને સમાયેલી લાગતી હતી. એક રીતે જોતાં આ ત્રણ સિદ્ધાંતોમાં ગાંધીદર્શનનો પાયો આવે છે. એનું વિવેચન ‘હિંદ સ્વરાજ’માં થયેલું જણાય છે.

ટોલ્સ્ટાૅય અને ગાંધીજી

લેવ નિકોલ્યેવિચ કાઉન્ટ ટોલ્સ્ટાૅય (૧૮૨૮ થી ૧૯૧૦) વિશ્વના સૌથી મહાન નવલકથાકારોમાંના એક હતા. તેઓ રસ્કિનથી નવેક વર્ષ નાના હતા અને રશિયાના તુલા પ્રાંતના યાસ્નાયા પોલ્યાના ગામમાં જન્મ્યા હતા. ગાંધીજી ઇંગ્લેન્ડમાં ભણ્યા હતા અને કદી રશિયા ગયા નહોતા, પરંતુ તેઓ પત્રવ્યવહાર દ્વારા ટોલ્સ્ટાૅયના સંપર્કમાં આવ્યા હતા. રસ્કિનના સીધા સંપર્કમાં તો કદી આવ્યા જ નહોતા. મહાત્મા લીઓ ટોલ્સ્ટાૅયનો જન્મ એક સંપન્ન કુટુંબમાં થયો હતો. એમની પાસે સારી એવી જમીનની સંપત્તિ હતી. ટોલ્સ્ટાૅયનું શિક્ષણ કઝાન યુનિવર્સિટીમાં થયું હતું. પણ એ યુનિવર્સિટીનું શિક્ષણ તેમને ન ગમ્યું એટલે ત્યાંથી પોતાને ગામ યાસ્નાયા પોલ્યાના આવી ગયા હતા. ૧૮૫૧માં તેઓ પોતાના સોલ્જર ભાઈની સાથે લશ્કરમાં જતા થયા અને બીજા વર્ષે સેનામાં વિધિસર ભરતી થયા.

રશિયાના ઝારની પહાડીલોકો સાથેની લડાઈ અને સેવાસ્તપોલના ઘેરા વખતે તેમને પ્રત્યક્ષ યુદ્ધ જોવાનું મળ્યું. ૧૮૫૭માં ટોલ્સ્ટાૅયે ફ્રાંસ, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીની મુલાકાત લીધી અને ત્યાંથી પાછા ફર્યા પછી યાસ્નાયા પોલ્યાનાની આસપાસનાં ગામડાંનાં બાળકો સારુ તેમણે એક નિશાળ ખોલી. ૧૮૬૨માં તેમનાં લગ્ન સોનિયા યેન્દ્રેયેના બર્સ નામની મધ્યમ વર્ગની ભણેલીગણેલી અને નાનાવિધ વિષયોમાં રસ લેતી એક કન્યા સાથે થયાં. ત્યાર બાદનાં વર્ષોમાં એમણે પોતાની મહાન નવલકથાઓ ‘વાૅર અૅન્ડ પીસ’ અને ‘અૅના કેરેનિના’ લખી. ‘કન્ફેશન’ (એકરાર ૧૮૮૨માં પ્રકાશિત) નામના ગ્રંથમાં જીવનના અર્થની ખોજ કરવા જતાં અનુભવેલી કટોકટીની તેમણે કબૂલાત કરી. ત્યાર બાદ એમના જીવનમાં મોટા પલટા આવ્યા. તેઓ એક પ્રકારના ખ્રિસ્તી અરાજકતાવાદ તરફ ઢળ્યા અને અનીતિને નાકબૂલ કરીને તેમણે સમાજસુધારણાના વિષયો હાથ ધર્યા. ‘વાૅટ ઇઝ આર્ટ?’ (કલા શું છે?)માં તેમણે એક એવી સૌંદર્યરસ-મીમાંસા પ્રસ્થાપિત કરી જેમાં કળાનો ધર્મ, નીતિ અને સમાજ જોડે અનુબંધ બંધાયો. પછી એમણે ‘રીસરેક્શન’ (પુનરુત્થાન) નામની નવલકથા મારફત સામાજિક પ્રશ્નોની ચર્ચા કરી.

છેવટનાં વર્ષોમાં તેમણે પોતાના જીવનમાં મસમોટા ફેરફારો કરી નાખ્યા. અમીરીવાળા જીવનને બાજુએ રાખી તેમણે જાતે ખેતી કરવી શરૂ કરી. શ્રીમતી ટોલ્સ્ટાૅયને આ નવું જીવન માફક ન આવ્યું. લાંબા મતભેદો અને ક્લેશો પછી કંટાળીને ટોલ્સ્ટાૅય એક દિવસે અચાનક ઘર છોડીને એકાંતવાસ શોધવા નીકળી પડ્યા. ત્રણ દિવસ બાદ દૂરના એક રેલવે સ્ટેશનમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. જીવનના ઉત્તરકાળમાં ટોલ્સ્ટાૅયે પોતાનું સાહેબી જીવન છોડીને શ્રમિકનું જીવન સ્વીકાર્યું હતું અને પોતાના પરસેવાની કમાણી વડે જ જીવવાના આદર્શાે સેવ્યા હતા.

ટોલ્સ્ટાૅયને એમના મરણ બાદ ગાંધીજીએ આપેલી શ્રદ્ધાંજલિનો કેટલોક ભાગ એમનાં જીવન અને દર્શનને સમજવામાં મદદ કરે તેમ છે : ‘ટોલ્સ્ટાૅયનું નામ આખી દુનિયા જાણે છે, પણ તે કંઈ લડવૈયા તરીકે નહીં, જો કે તેની ખ્યાતિ લેખક તરીકે મોટી ગણાય. ઉમરાવ તરીકે નહીં, જો કે તેની પાસે અઢળક ધન હતું. તે એક ભલા માણસ તરીકે દુનિયામાં જણાયો હતો. તેને હિન્દુસ્તાનમાં આપણે મહર્ષિ કે ફકીર કહીશું. તેણે પોતાની દોલત છોડી, સાહેબી છોડીને એક ગરીબડા ખેડૂતની જિંદગી ધારણ કરી. ટોલ્સ્ટાૅયનો મોટો ગુણ એ હતો કે તેણે જે શીખવ્યું તે પોતે જાતે અમલમાં મૂકવા પ્રયત્ન કર્યોે. આથી તેના વચનને-તેના લખાણને હજારો માણસો વળગી રહેલા….તેના શિક્ષણનો પાયો ધર્મ ઉપર હતો. પોતે ખ્રિસ્તી હોઈ હંમેશાં તે માનતા કે ખ્રિસ્તી એ સરસમાં સરસ ધર્મ છે. છતાં બીજા ધર્મનું તેણે ખંડન નથી કર્યું. તેણે તો એમ બતાવેલું કે બધા ધર્મોમાં સત્ય તો રહેલું છે. તેની સાથે તેણે એમ પણ બતાવ્યું કે ખ્રિસ્તી તેમજ બીજા ધર્મોને સ્વાર્થી પાદરી, સ્વાર્થી બ્રાહ્મણ, સ્વાર્થી મુલ્લાઓએ ખોટું રૂપ આપેલું છે અને માણસોને ભરમાવ્યા છે.’

ગાંધીજી ૧૯૦૯માં જ્યારે આફ્રિકાના હિન્દીઓના પ્રતિનિધિ તરીકે ઇંગ્લેન્ડ ગયા, ત્યારે ટોલ્સ્ટાૅયનો ‘એક હિન્દુને પત્ર’ પ્રગટ થયેલ અને તે ગાંધીજીના જોવામાં આવેલ. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં તેને છાપવાની રજા ગાંધીજીએ ટોલ્સ્ટાૅય પાસેથી મેળવેલી. એની પ્રસ્તાવનામાં ગાંધીજી પોતાના વાચકોને ટોલ્સ્ટાૅયનું થોડું ગુણદર્શન કરાવે છે : ‘કાઉન્ટ તોલ્સટોય એ રશિયાનો ઉમરાવ છે. તેણે દુનિયાના બહુ ભોગ ભોગવ્યા છે. પોતે બહાદુર લડવૈયો હતો. યુરોપના લોકોમાં લખનાર તરીકે તેની બરોબરી કરનાર કોઈ જોવામાં આવતું નથી. પોતે ઘણો અનુભવ મેળવ્યા પછી, ઘણું વાંચ્યા પછી એવા વિચાર ઉપર આવેલ છે કે દુનિયામાં જે સાધારણ રાજનીતિ જોવામાં આવે છે તે ભૂલભરેલી છે. તેનું મુખ્ય કારણ તે એમ જાણે કે આપણામાં વેર લેવાની ટેવ છે. તે આપણને ન છાજતી અને બધા ધર્મની વિરુદ્ધ છે. આપણને નુકસાન પહોંચાડનારને આપણે નુકસાન પહોંચાડવું એ બન્નેને નુકસાન કરનારું છે…. તેના વિચાર પ્રમાણે તો આપણને મારે તેનો માર સહન કરવો ને તેનો બદલો આપણે તે માણસની પર પ્રેમ બતાવીને લેવો. અવગુણ ઉપર ગુણ કરવો એ કાયદાને તે બહુ દૃઢતાથી વળગી રહેલ છે.’

‘આવું કહીને તે એમ નથી બતાવતો કે જેઓની ઉપર દુ :ખ પડે તેઓએ કંઈ ઇલાજ ન કરવો. તેની માન્યતા આવી છે કે આપણે પોતે હાથે કરીને દુ :ખ ઓઢી લઈએ છીએ. જુલમગારના જુલમને આપણે તાબે ન થઈએ તો તે જુલમ કરી નથી શકતો…. ગુલામી અન્યાયી હુકમ ઉઠાવવામાં છે….. પાટુ ખાઈને સામે ન મારવું એ ખરી બહાદુરી છે અને એ ખરી માણસાઈ છે….. આ તોલ્સટોયના શિક્ષણની ચાવી છે.’

દક્ષિણ આફ્રિકામાં પહોંચ્યા તે અરસામાં જ જે પુસ્તકની અસરે ગાંધીજીને ઘેર્યા હતા તે પુસ્તક તો ગાંધીજીના હૃદયમાં કાયમને માટે વસી ગયું. એમના જીવનમાં મહાન પલટા લાવનાર પુસ્તકો પૈકી એક બની ગયું. ટોલ્સ્ટાૅયના ‘એક હિન્દુને પત્ર’ને ‘ઇન્ડિયન ઓપિનિયન’માં છાપતાં એની પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે, ‘આ મહાન ગુરુ જેમનો હું અનુયાયી છું અને જેમને લાંબા વખતથી મારા માર્ગદર્શક માનું છું તેમના પત્ર સાથે તે જ્યારે જગત સમક્ષ મૂકવામાં આવે છે, ત્યારે મારું નામ સંકળાય એ મારા માટે ગૌરવની વાત છે.’

એમ તો રસ્કિન સને ૧૯૦૦ સુધી હયાત હતા. પણ ગાંધીજીને એમના વિચારોનો પરિચય એમના મરણ બાદ જ થયો હતો. ટોલ્સ્ટાૅયના જીવનના મહાન પલટાની વાત જાણીને રસ્કિને ટોલ્સ્ટાૅયની પ્રશંસામાં એ મતલબના ઉદ્ગાર કાઢ્યા હતા કે એમની માફક હું કાંઈ મારી બધી સંપત્તિનું વિસર્જન કરી શક્યો નથી. જ્યારે ટોલ્સ્ટાૅયે રસ્કિન વિશે લખ્યું હતું, ‘જવલ્લે જ જોવા મળે તેવા એ માનવી હતા. તેઓ હૃદયથી વિચારનારા વિચારક હતા. તેમણે પોતાને દેખાય કે અનુભવાય તેટલા પૂરતો જ વિચાર નથી કર્યો, પણ આવનારા ભાવિમાં દરેકેદરેક વ્યક્તિએ જેનો વિચાર કરવાનો છે અને એ જે કહેવાની છે, તે જ વાત રસ્કિને કરી છે.’

ટોલ્સ્ટાૅયનાં અહિંસા, પ્રેમ, અહિંસક પ્રતિકાર વગેરેની તો ગાંધીજી પર ખૂબ અસર પડી હતી, તે આપણે જોયું. ટોલ્સ્ટાૅય પાસેથી ગાંધીજીએ જાતમહેનતનો પણ વિચાર ઝીલ્યો છે. આ વિચાર મૂળ તો ટી. એમ. બોન્ડારેટ નામના એક ખેડૂતે શ્રમના કાનૂન વિશે પોતાના પુસ્તકમાં રજૂ કર્યો છે. બ્રેડ લેબર એટલે કે પરસેવો પાડીને રોટલો રળો, એ વિચાર બોન્ડારેટે પાછો બાઇબલના એ મતલબના વાક્ય પરથી ઝીલ્યો છે. એમાં કહેવાયું છે કે ‘તું તારી ભ્રમર પરના પરસેવા વડે તારો રોટલો રળજે.’ ટોલ્સ્ટાૅય બોન્ડારેટને અંગત રીતે ઓળખતા હતા. સાઇબિરિયાથી એમણે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં ટોલ્સ્ટાૅયે લખ્યું હતું કે પરસેવાની રોજીનો આ નિયમ કદી ન ફેરવી શકાય તેવો અવ્યય દૈવીકાનૂન છે. અને ટોલ્સ્ટાૅયે તો એટલે સુધી કહ્યું હતું કે જેમ દરેક સ્ત્રીએ બાળકને જન્મ આપતાં પહેલાં અનિવાર્યપણે પ્રસવપીડામાંથી ગુજરવું પડે છે, તેમ દરેક પુરુષને પોતાની રોટી રળવા માટે શ્રમ કરવો પડે એટલો જ એ અપરિવર્તનીય કાનૂન છે. જો માણસ પોતાની મહેનતની રોટી ન ખાય તો એ શ્રમનો આનંદ ભોગવવાનું ગુમાવે છે. ગાંધીજીએ રસ્કિનના વિચારોથી પ્રભાવિત થઈને ‘ફિનિક્સ સેટલમેન્ટ’ સ્થાપ્યું. ટ્રાન્સવાલના આશ્રમને ‘ટોલ્સ્ટાૅય ફાર્મ’ એવું નામ આપ્યું. સાબરમતી આશ્રમનાં એકાદશ વ્રતોમાં શરીરશ્રમને અવિચળ પદે સ્થાપ્યું.

ટોલ્સ્ટાૅયે ‘હિન્દ સ્વરાજ’ની નકલ વાંચીને ગાંધીજીને લખ્યું હતું, ‘મેં તમારું પુસ્તક રસથી વાંચ્યું છે, કેમ કે હું માનું છું કે તેમાં ચર્ચવામાં આવેલો વિષય-સત્યાગ્રહ તે હિન્દુસ્તાન માટે જ નહીં પણ પૂરી આદમજાત માટે સૌથી વધારે અગત્યનો છે…. હું તમારા પુસ્તકને બહુ કીમતી ગણું છું.’

‘ઇન્ડિયન ઓપિનિયન’ વાંચીને ટોલ્સ્ટાૅયે નાજુક તબિયતે પણ લખ્યું : ‘તમારું છાપું મને મળ્યું છે. સત્યાગ્રહીઓ વિશે તેમાં જે લખ્યું છે તે વાંચી રાજી થયો છું… જેમ જેમ હું બુઢ્ઢો થતો જાઉં છું તેમ તેમ (ખાસ કરીને જ્યારે મારું મૃત્યુ નજીક છે એમ મને ચોખ્ખેચોખ્ખું દેખાય છે ત્યારે) મારા મનમાં જે દીવા જેવી અને બહુ અગત્યની વાત રમી રહી છે તે બીજાઓને કહેવાની મને ઇચ્છા થાય છે. આ વાત જે ‘સત્યાગ્રહ’ એ નામથી ઓળખાય છે તે જ છે.’

આમ ગાંધીજી પર રસ્કિન અને ટોલ્સ્ટાૅયનો ઘેરો જીવનપ્રભાવ હતો અને તેના દ્વારા ગાંધીવિચારનું ઘડતર થયું હતું. પોતાને દરિદ્રનારાયણનો વાણોતર ગણાવનાર બાપુ આ પ્રભાવ હેઠળ જ હતા, તેમ ગૌરવ અને આદરથી કહી શકાય.

Total Views: 425

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.