માનવ-ઇતિહાસની ક્રૂર, કરુણ ઘટનાઓ તેમજ રાષ્ટ્રિય સંસ્કૃતિના વિકાસની મધ્યમાં શ્રેયને કાજે એક થઈ જતા હોવાના માનવ-આત્માના પ્રબળ ઉદ્રેકના પ્રેરણાસભર પુરાવા મળી આવે છે. રાષ્ટ્રોના ભાગ્યનિર્માણની તવારીખનાં, દેશોના ઇતિહાસનાં ઉત્કૃષ્ટ પ્રકરણો પ્રગતિ, મુક્તિ અને સુખદ ભાવિ માટેના સંગ્રામને અર્પિત થયેલાં છે.
પ્રત્યેક રાષ્ટ્ર આ સંગ્રામ ખેલે છે, ભવિષ્ય ઘડે છે અને વિવિધ પરિસ્થિતિઓમાં પોતાની રાષ્ટ્રિય સંસ્કૃતિ વિકસાવે છે. એટલે સાવ સ્વાભાવિક છે કે જેનાં સુફળો વિપુલ પ્રમાણમાં મળતાં રહ્યાં છે તે એકબીજાને સમજવાની આપણા સમયમાં તીવ્રતર બનતી જતી રાષ્ટ્રોની ઇચ્છાનું પ્રકટીકરણ થતું રહે છે.
પોતાના સ્વાર્થલોલુપ ઉદ્દેશોને ખાતર રાષ્ટ્રોને વિભક્ત રાખવાની ઇચ્છા ધરાવનારાં પરિબળોની ખટપટો અને દબાણો છતાં વેગથી આગળ ધપતો આપણો યુગ પ્રત્યેક ગતિવિધિ ભિન્ન ભિન્ન હોવા છતાં સઘળાં રાષ્ટ્રોનાં સહિયારાં હિતોને આગળ કરી રહ્યો છે, અને તેમના ઉન્નત પુરુષાર્થાેને એકત્ર તેમજ સુગ્રથિત કરવામાં સહાય કરી રહ્યો છે.
પ્રત્યેક રાષ્ટ્રને માટે તેના મહાન સપૂતોએ જે કંઈ કર્યું હોય, જે આદર્શાેએ તેમને અને તેમની જીવનસિદ્ધિઓને પ્રેરણા આપી હોય તેનું માનવ-ચિન્તન બહુમાન કરે છે. માણસજાતના ઇતિહાસમાંની આવી ઉન્નત વિભૂતિઓ પૈકીની એક તે મોહનદાસ કરમચંદ ગાંધી છે.
ભારતના રાષ્ટ્રિય મુક્તિસંગ્રામના આ અસાધારણ નેતાની જન્મશતાબ્દીને અર્પિત થયેેલા ગ્રંથમાં હું, એક સોવિયેત લેખક અને આ ગ્રંથમાં ફાળો આપનાર લેખકમંડળીમાંનો એક, દેખીતી રીતે જ ભારતીય વાચકને ગાંધીના જીવન તથા તેમના વિશાળ સાહિત્યિક વારસા વિશે, એમની ચાલુ શોધ કે એમની વિચારધારાના સંકુલ વિકાસ વિશે કહેવા ઇચ્છતો નથી – આ બધાની છણાવટ તો જેમણે એ વિશે ખાસ અભ્યાસ કર્યો હશે તેવા બીજા લેખકોએ કરી જ હશે. ભારતીય વાચકને જે વાત કહેવાની મને ગમે એ તો મારા હૃદયમાં કે સોવિયેત પ્રજામાંના અનેકોનાં હૃદયમાં ગાંધીની સામાજિક-રાજકીય નેતા તરીકેની જે મૂર્તિ મહત્તમ પ્રતિભા જગવે છે તેને લગતી છે. આમ આ કોઈ સુવાંગ છબી થવાની નથી, એ આલેખવાનું હું કદાપિ માથે પણ ન લઈ શક્યો હોત, પણ ગાંધીની બહુમુખી પ્રવૃત્તિઓનાં થોડાંક પાસાં અંગેના વિચારો અત્રે રજૂ કરું છું.
ગાંધી અને મહાન રશિયન લેખક લિયો ટોલ્સ્ટાૅય વચ્ચે વિચારવિનિમયનો સંબંધ હતો એ હકીકતને કોઈ અવગણી શકે એમ નથી. જે ઐતિહાસિક પરિસ્થિતિમાં ભારત અને રશિયાના લોકો જીવતા હતા તેમાં ભારે મોટો ફરક રહેલો હોવા છતાં, એ વર્ષોમાં પણ પ્રગતિ માટે સમજદારી અને એકવાક્યતા સાધવાની કેવી શક્યતાઓ પડેલી હતી, તેનું એ સચોટ દૃષ્ટાંત છે. હું માત્ર ગાંધીએ જેને ખૂબ વખાણ્યો હતો, એ ટોલ્સ્ટાૅયના ‘હિંદુને પત્ર’નો જ ઉલ્લેખ કરીશ. ગાંધી અને ટોલ્સ્ટાૅયના તત્ત્વદર્શન અને વ્યાવહારિક પ્રવૃત્તિઓ ઉભયમાં લડત આપવાનાં ઉપાયો અને સાધનોની શોધમાં શાના પ્રેર્યા ઉત્કટપણે લાગી ગયેલા, તેની ઉપર ભાર દેવા માગું છું.
દમન સામેનો વિરોધ અને પોતાની તેમજ બીજી પ્રજાઓની વેદના અને યાતના અનુભવવાની શક્તિ, એ એમની શોધના મૂળમાં પડેલાં તત્ત્વો હતાં અને આ બે દિગ્ગજો – એક ભારતની મુક્તિને જીવન અર્પી ચૂકેલો મહારથી અને બીજો મહાન રશિયન લેખક અને માનવતાવાદી – એ બેને જોડવાનું નિમિત્ત બન્યાં.
મને આશા છે કે ભારતનો વાચક એમ માનીને મારે વિશે ગેરસમજ નહીં સેવે કે આ એક એવો લેખક અને સામ્યવાદી છે જે પોતાનાં દૃષ્ટિકોણ અને હકીકતોનું પોતાની રીતનું અર્થઘટન લાદવા બેઠો છે. હું કશું પણ લાદવાનો પ્રયત્ન કરતો નથી, માત્ર ધ્યાનથી નિહાળું છું, ચિંતવન કરું છું અને મારા વિચારોમાં બીજાનો ભાગ રાખું છું.
આજની તાકીદની જરૂરિયાતો મારી જાણમાં હોવાથી ગાંધીનાં સ્પષ્ટ લક્ષણો જેવાં કે જાતિદ્વેષ સામેની તેમજ એક રાષ્ટ્રની બીજા ઉપરના વર્ચસ્વ સામેની શત્રુવટ અને જાતિવાદી તેમજ વસાહતવાદી દમન સામેની અભિજાત અસહિષ્ણુતા પ્રત્યે ઊંડું ધ્યાન આપવાની હું મારી ફરજ સમજું છું. ગાંધીનું કથન છે, ‘જે સ્વદેશાભિમાન બીજાં રાષ્ટ્રોનાં દુ :ખ અને શોષણ ઉપર આસન માંડીને પોતાનો ઉદય સાધવા મથે છે તેને હું નકારું છું.’ તે આપણા માનધ્યાનનું અધિકારી છે.
ઘણાં વર્ષો સુધી ગાંધીએ જુદા જુદા ધર્મસંપ્રદાયોએ ઊભી કરેલી દુશ્મનાવટ અને અથડામણોનો સામનો કરેલો. દેખીતી રીતે જ ગાંધીની નૈતિક વિભાવનાઓ જે પાયા ઉપર રચાઈ હતી તેની અને સદાચારનાં સામાન્ય અનુશાસનો વિશેના એમના જે ખ્યાલો હતા તેની પ્રેરણા એ લડતની પાછળ હતી. પણ વ્યવહારમાં એણે એક નવો, વિશાળ, પ્રાણવાન, સ્વદેશાભિમાની અને રાજકીય ભાવ સિદ્ધ કર્યો : વસાહતવાદીઓની પોતાના દૂરના પુરોગામીઓની, બીજી પ્રજાઓને ગુલામ બનાવનારા પ્રાચીન રોમનોની સલાહ એવી ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિને અનુસરવાની ઇચ્છાનો એણે વિરોધ કર્યો.
ગાંધી પોતે જેને ‘અસ્પૃશ્યતાનું કલંક’ કહેતા હતા તેને, ભારતીય જીવનની એક દારુણ દુર્ઘટનાને, જન્મ આપનાર જુગજૂના પરંપરાગત મૂઢગ્રાહોને ધ્વસ્ત કરવા, એ પોતાનો એક મુખ્ય જીવિતહેતુ છે, એમ ગાંધી માનતા હતા. અસ્પૃશ્યોની, પારિયાની એક નાતની વસ્તી દેશની વસ્તીના લગભગ વીસ ટકા જેટલી હતી તે આપણે યાદ રાખીએ. જો ગાંધી આ નાગરિક ધર્મ અદા કરવાનું ચૂક્યા હોત તો વસાહતવાદી જુલમમાંથી દેશની મુક્તિ કાજેના રાષ્ટ્રિય સંગ્રામમાંથી એક મોટો સામાજિક સ્તર સાવ બાજુએ રહી ગયો હોત. જો એમ બન્યું હોત તો જે ઊજળા લક્ષ્યને ગાંધી સ્વરાજ્યને નામે ઓળખાવતા હતા તે – સ્વાધીન માતૃભૂમિ – સિદ્ધ થઈ શકત નહીં, એની એમને પૂરી જાણકારી હતી.
પછી આપણે લઈએ ભારતની મહિલાઓની મુક્તિ માટેનું ગાંધીનું આંદોલન, એમને નોખાં રાખવા સામેનું એમનું આંદોલન. પોતાના લોકોની આ અર્ધી વસ્તીને મોટી શક્યતાઓથી ભરેલા સામાજિક બળ તરીકે એમણે પારખી લીધી હતી. લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે ‘સ્વરાજ’ના લક્ષ્યને વાસ્તવિકતામાં પલટવાની લડતમાં રાષ્ટ્રનાં બધાં બળોને એકત્ર કરવાનું એ તાકતા હતા. એટલે જવાહરલાલ નેહરુએ ગાંધીને ‘સ્વાધીનતા પ્રાપ્ત કરવાના ભારતના સંકલ્પનું પ્રતીક’ એવું ગરવું અભિધાન આપેલું, અને કહેલું કે, ‘રાષ્ટ્રના હૈયાના ધબકારા એ સહજભાવે પામી જતા હતા’ તેથી આશ્ચર્ય થતું નથી.
પ્રત્યેક ભારતીય ઘરમાં ‘હાથસાળનું સંગીત’ ગુંજતું હોય એ માટેની ગાંધીની લડત પ્રત્યેકને રોજી આપવા માટેની એમની ઇચ્છાનો પુરાવો હતો અને સંભવત : ઔદ્યોગિક વિકાસના મહત્ત્વનું એ ઓછું મૂલ્ય આંકતા હતા, તેનો પણ પુરાવો હતો. પણ કોઈએ આ હકીકત ભૂલવાની નથી કે આ એક અપૂર્વ શોધ હતી, કેમ કે એ માનતા હતા કે ભારતના લાખ્ખો માણસોના હાથે વણાયેલાં વસ્ત્રો વસાહતવાદીઓ મિલકાપડના આક્રમણ દ્વારા પોતાના શાસનને મજબૂત કરવાનો પ્રયત્ન કરે તેને ‘નનૈયો’ પરખાવવાનું શક્ય બનાવશે.
આમ ગાંધીની પ્રવૃત્તિઓનો દરેક અંશ વસાહતવાદી પદ્ધતિના એક ખંતીલા અને પોતાની રીતે સુસંગત એવા, વિરોધી તરીકેનું એમનું સ્વરૂપ દર્શાવે છે; એક એવા માણસનું સ્વરૂપ, જે પોતાના દેશને ઉમળકાથી ચાહતો હતો અને એની મુક્તિ અને સ્વાધીનતા ઝંખતો હતો.
હા, ગાંધી ‘અહિંસા’ દ્વારા ‘શાન્તિમય ક્રાન્તિ’ માટેની મથામણ કરતા હતા. એ જ પ્રમાણે અમે અમારા દેશમાં શક્ય તેટલા ઓછા રક્તપાતથી તેમજ આંતરવિગ્રહ ટાળીને ક્રાન્તિ સિદ્ધ કરવા મથ્યા હતા.
અમારી ક્રાન્તિનો અશાન્તિમય વિકાસ થાય એવું આંતરિક પ્રતિક્રાન્તિએ તેમજ જેઓ અમારી મુક્તિને કચડી નાખવા માગતા હતા અને અમારી ક્રાન્તિની જ્વાળા બુઝાવી દેવા માગતા હતા એવાં ચૌદ સામ્રાજ્યવાદી રાજ્યોની સશસ્ત્ર દરમ્યાનગીરીએ અમારા શ્રમજીવી લોકો ઉપર ઠોકી બેસાડ્યું હતું.
આ માર્ગાે નોખા નોખા છે પણ આમસમુદાયોની શક્તિ વિશેની ગાંધીની શ્રદ્ધાની કદર કર્યા વિના અમે રહી શકતા નથી, કેમ કે ક્રાન્તિ એ હંમેશાં લોકોના વિશાળ સમુદાયોનું આંદોલન હોય છે. તદુપરાંત અમે એ વાતની ક્દર કર્યા વિના પણ રહી શકતા નથી કે લડતે તાર્કિક ક્રમે ગાંધીને ‘હિંદ છોડો’ એ સૂત્ર સુધી પહોંચાડી દીધા, જેણે વસાહતવાદીઓ ઉપર ઘા કર્યો.
બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું તે વર્ષોમાં ગાંધીએ નાઝીવાદ સામે વિરોધ પોકાર્યો અને સોવિયેત પ્રજા પ્રત્યે ઊંડી હમદર્દી પ્રગટ કરી, તેને કોઈ ભૂલી શકશે નહીં. જેમણે હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબાૅમ્બ નાખવાનો વિરોધ કર્યો હતો, આણવિક શસ્ત્રો ઉપર પ્રતિબંધ મૂકવાનો તેમજ રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે ઊભા થતા તકરારી મુદ્દાઓના શાન્તિભર્યા સમાધાન માટેનો જેમણે આગ્રહ સેવ્યો હતો અને વ્યાપક નિ :શસ્ત્રીકરણની જેમણે હાકલ કરી હતી તેઓમાંના ગાંધી એક હતા.
ગાંધીનું જીવન અને કાર્ય એક અવિરામ શોધ હતી : સત્ય માટેની શોધ, સદાચારની પોતાની વિભાવના માટેની, રાજકીય લડતની વિશિષ્ટ પદ્ધતિઓ માટેની, અને દાર્શનિક સિદ્ધાન્તો માટેની એ શોધ હતી. આ શોધની જટિલતા તથા અનેક-દેશીયતા ભારતના વિકાસની વિશેષતા તથા જટિલતાનું પ્રતિબિંબ પાડતી.
ભારતના પ્રજાજનોએ સદાને માટે ગાંધીના નામની આગળ પેલો અદ્ભુત શબ્દ ઉમેર્યો છે : મહાત્મા – વિશાળ હૃદય. હું એમ કહીશ કે પ્રજાના આ મહાન સપૂતનું હૃદય જ્યારે ભારતની પ્રજાની પોતાની અવિરત શોધોને – એમની સ્વદેશભક્તિને અને એમની મુક્તિ અને સ્વાધીનતા માટેની ઝંખનાને પોતામાં સમાવી દેતું હતું અને પ્રતિબિંબિત કરતું હતું ત્યારે તે ખૂબ જ પ્રભાવશાળી બનતું હતું.
આવું હૃદય ખરેખર વિશાળ છે.
Your Content Goes Here