ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ મેળવી આપનાર રાજનીતિજ્ઞ રૂપે પણ જાણીતી છે. ભારતના જ નહીં, પણ વિશ્વના અગોચર ખૂણે પડેલા હતાશ માનવીના હૃદયમાં ગાંધીજીએ આશાનો સંચાર વણનિરખ્યે ને વણસંપર્કે કર્યો હતો.

ગાંધીજીનું જીવન એકસૂત્રી અને સળંગ હતું. એમની સૂઝ અને સમજમાં એક મહત્ત્વનું તત્ત્વ હતું, વૈજ્ઞાનિક દૃષ્ટિનું; પછી ભલે એ રાજકારણ, ધર્મ કે ફિલસૂફીની વાત હોય કે પછાત, ગરીબ દુ :ખીજનોની સમસ્યાઓ દૂર કરવાની બાબત હોય ! ગાંધીજીનાં અર્થકારણ, રાજકારણ, ધર્મ, સ્વરાજ માટેની લડત આ બધાં પાસાં ચોક્કસ વૈજ્ઞાનિક દૃષ્ટિ ઉપર નિર્ભર હતાં.જીવનની દરેક પ્રવૃત્તિમાં ગાંધીજીની દૃષ્ટિ વૈજ્ઞાનિક રહેતી. ગમે તે પ્રવૃત્તિમાં તેઓ લાગેલા હોય, ત્યારે એમની ચિત્તવૃત્તિ સંપૂર્ણપણે એ કામમાં ગહન રીતે પરોવાયેલી રહેતી.

કોઈપણ ક્ષેત્રમાં આગળ આવવાની એક લાયકાત હોય છે. કોઈપણ કાર્યને તેના નિશ્ચિત સ્થાન સુધી પહોંચાડવા આયોજનબદ્ધ પદ્ધતિ અમલમાં મૂકવી પડે છે. વ્યવસ્થિત વિચાર દ્વારા અને તેને અનુરૂપ કાર્ય દ્વારા કોઈપણ માણસ ઝડપથી કાર્ય નિપટાવી શકે છે. રોજિંદા કામમાં જેને વ્યવસ્થિત અને નિયમિત કામ કરવાની ટેવ નથી હોતી, તેમનાં સમય અને શક્તિ કેટલાં અવળાં ખર્ચાઈ જાય છે, તેનો અનુભવ આપણને સૌને છે. સંશોધન આખરે તો સત્યની ખોજ છે. આ કામ પદ્ધતિસરનાં નિરીક્ષણ, ચોક્કસાઈ, નિયમિતતા, ચોખ્ખાઈ, સૂઝ અને સમજ જેવા ગુણો માગી લે છે. ગાંધીજી સત્યની શોધ પાછળ લાગેલ વ્યક્તિ હતી. તેમણે કહ્યું છે, ‘અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે, જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ છે. તેમાં ઊલટી કઈ અને સૂલટી કઈ ! છતાં અહિંસાને સાધન ગણીએ અને સત્યને સાધ્ય ગણીએ.’

ગાંધીજી ખૂબ સારા લેખક હતા. લખવા પાછળનો ઉદ્દેશ કાનને સાંભળવી ગમે તેવી છટાદાર ભાષામાં લખવાનો ક્યારેય ન હતો. તેમણે લેખનની એક આગવી અસરકારક શૈલી કેળવી હતી. જેમ ગાંધીજીના જીવનમાં કૃત્રિમતાને સ્થાન નથી, તેમ એમનાં લખાણોમાં પણ કૃત્રિમતા જોવા ન મળતી. કેટલાક ઉચ્ચ અંગ્રેજી અધિકારીઓ કહેતા કે વાઇસરોય સાથે ગાંધીજી સરળ અંગ્રેજી ભાષામાં પોતાની વાત રજૂ કરતા. પોતે જે શબ્દો વાપરતા તેના અર્થમાં રહેલી સૂક્ષ્મતા તેઓ સમજતા. તેમના મુખમાંથી કે તેમની કલમમાંથી વગર વિચાર્યો એકપણ શબ્દ બહાર ન આવતો. ગાંધીજીનું વાંચન વિશાળ હતું અને તેઓ જેટલું વાંચતા તેટલું પચાવતા પણ ખરા.

જ્યારે કોઈપણ વિચાર તેમના મનમાં દૃઢ બનીને ગોઠવાઈ જતો, ત્યારે તેઓ વિશ્વાસપૂર્વક લખતા. પોતાના લખાણની કોઈ મશ્કરી કરશે, તેવો ભય તેમને કદી લાગતો નહીં. તેઓ ચાલુ ટ્રેને તથા દરિયામાં ઉછાળા મારતી સ્ટીમરમાં બેસીને પણ સ્વસ્થાપૂર્વક લખતા. લખતાં લખતાં જમણો હાથ થાકી જાય ત્યારે ડાબે હાથે લખવાનું શરૂ કરતા.

તેમનાં બધાં લખાણોમાં સત્ય તથા નૈતિક મૂલ્યો માટેની તાલાવેલી જોવા મળે છે. તેઓ માનતા કે દરેક કળા સત્ય પર આધારિત હોવી જોઈએ અને સાહિત્યની કિંમત પણ માણસને ઊર્ધ્વગામી બનવામાં મદદ કરે તે પરથી જ અંકાવી જોઈએ. ‘સત્યનો આદર મહદ્અંશે પશ્ચિમનો વિચાર છે,’ આવા વાઇસરાૅય લાૅર્ડ કર્ઝનના જવાબમાં ગાંધીજીએ રામાયણ, મહાભારત, વેદ વગેરેમાંથી ભારતમાં સત્યની પૂજા કેટલા પ્રાચીનકાળથી થઈ રહી છે તેનાં અસંખ્ય ઉદાહરણો ટાંક્યાં હતાં.

ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવ્યા તે પછીથી પાંત્રીસ વર્ષની વયે, એટલે કે ઈ.સ. ૧૯૦૪માં ‘ઇન્ડિયન ઓપિનિયન’ સમાચાર પત્ર તેમણે પોતાના હસ્તક લીધું. એના દ્વારા તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોને સંગઠિત કર્યા. અંગ્રેજીની સાથે આ સાપ્તાહિકની ગુજરાતી આવૃત્તિ પણ પ્રસિદ્ધ થતી. ગુજરાતી ‘ઇન્ડિયન ઓપિનિયન’માં શરીરને કઈ જાતનો અને કેટલો ખોરાક જોઈએ એ વિષય ઉપર લેખમાળા તથા મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્રો ગાંધીજી લખતા. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિગતવાર અહેવાલ ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’માં સૌ પ્રથમ પ્રસિદ્ધ કરેલો. પાછળથી એ પુસ્તક સ્વરૂપે સુલભ બન્યો હતો. ભારતમાં ગોપાલકૃષ્ણ ગોખલે અને રશિયામાં ટોલ્સ્ટાૅય જેવા મહામાનવો ‘ઇન્ડિયન ઓપિનિયન’ના મહત્ત્વના વાચકો હતા.

વિચારોને ફેલાવવા માટે વર્તમાનપત્રો ઘણું અસરકારક માધ્યમ હોવાનું ગાંધીજી જાણતા હતા. તેઓ એક સફળ પત્રકાર હતા. પત્રકાર રૂપે તેમનું લક્ષ્ય સેવાનું હતું. દસ વર્ષ સુધી ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. જે સમયે તેમણે આ અખબાર હાથમાં લીધું, ત્યારે તે ખોટમાં ચાલતું હતું. ગાંધીજીએ ખોટ સરભર કરવા અથવા પોતાનાં સાપ્તાહિકોને આર્થિક દૃષ્ટિએ સંપન્ન બનાવવા ક્યારેય જાહેરાતનો આશરો લીધો ન હતો. તેમના સંચાલન હેઠળનાં સાપ્તાહિકોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં ન આવતી. એ ગાંધીજીના પત્રકારત્વનું સૌથી પ્રબળ પાસું હતું.

તેઓ કહેતા, ‘સ્વાર્થી હેતુઓ માટે અથવા જીવનનિર્વાહ માટે પત્રકારત્વનો દુરુપયોગ કદાપિ થવો ન જોઈએ. તંત્રીઓએ કે છાપાંએ ગમે તે થાય તોપણ પરિણામોની પરવા કર્યા સિવાય, દેશહિત માટે પોતાના વિચારોને રજૂ કરવા જોઈએ.’ અખબારોમાં જાહેરખબર અંગે એવું સૂચન હતું કે દરેક પ્રાંતમાં જાહેરાત આપનાર એક જ સામયિક હોવું જોઈએ અને તેમાં લોકોને ઉપયોગી એવી વસ્તુઓનું વર્ણન સારી ભાષામાં આપવું જોઈએ.

ભારતમાં આવીને ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૯ના વર્ષથી ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને તે પછી ‘હરિજનબંધુ’ સાપ્તાહિકો શરૂ કર્યાં. જીવનના અંત સુધી તેમણે આ સામયિકો ચલાવ્યાં, તેમાં લેખો લખ્યા અને પત્રકારત્વની ઉચ્ચ પરંપરાનું જતન કર્યું. આ સાપ્તાહિકોએ ભારતમાં ગાંધીજીની સ્વરાજ માટેની જુદી જુદી લડતો શક્ય બનાવી, તેમને શોભાવી અને બળવત્તર બનાવી. વર્તમાનપત્રના કાર્યક્ષેત્ર વિશે ગાંધીજીની સ્પષ્ટ કલ્પના હતી : ‘છાપાંનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી તે છે. બીજું કામ લોકોમાં જે કામ જરૂરી હોય તેવી લાગણી પેદા કરવી અને ત્રીજું કામ લોકોની ભૂલ હોય તો ગમે તેટલી મુસીબતો આવે તોપણ બેધડક કહી બતાવવી એ છે.’

વર્તમાનપત્રો બેધારી તલવાર છે, એ મુદ્દા પર ગાંધીજી લખે છે, ‘વર્તમાનપત્ર એક ભારે શક્તિ છે, પરંતુ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે અને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. આ માટે બહારનો નહીં, પણ અંદરનો અંકુશ લાભદાયી હોઈ શકે.’

ગાંધીજી ઈ.સ. ૧૯૧૫ની સાલમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા અને ભારતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. એ વખતે સામુદાયિક તથા આધ્યાત્મિક સાધાનાનાં બે સાધનો- આશ્રમ તેમજ અખબાર એ બન્ને વિશે તેઓ પરિપક્વ વિચારો ધરાવતા હતા. દક્ષિણ આફ્રિકાના નિવાસનો તેમની પાસે બહોળો અનુભવ હતો. ઉપરોક્ત અનુભવના આધારે ગાંધીજીએ ‘સત્યાગ્રહ આશ્રમ’નું તથા ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’નું ઘડતર કર્યું. ભારતના જાહેરજીવનમાં ૧૯૧૯ થી ૧૯૪૮ના ત્રણ દાયકા સુધી આ સાપ્તાહિકો અને તેના તંત્રીરૂપે ગાંધીજીએ આપેલું પ્રદાન અવિસ્મરણીય બની રહ્યું છે.

ભારતની પ્રજાનો અવાજ રજૂ કરવા તથા તેને યોગ્ય દોરવણી આપવા ગાંધીજીએ ૧૯૧૯માં ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ સાપ્તાહિકોનું સંચાલન અને સંપાદન સ્વીકાર્યું. ‘ઇન્ડિયન ઓપિનિયન’ની જેમ જ આ બન્ને સાપ્તાહિકો મૂળ તેમણે નહીં પણ અન્યોએ શરૂ કર્યાં હતાં. ગાંધીજીના સંપાદન હેઠળ આ બન્ને સાપ્તાહિકો સત્યાગ્રહની લડતમાં માર્ગદર્શક બન્યાં.

‘ઇન્ડિયન ઓપિનિયન’, ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’, ‘હરિજનબંધુ’- એ ચાર સાપ્તાહિકોના ગાંધીજી તંત્રી રહ્યા હતા. ‘યંગ ઇન્ડિયા’ના તંત્રીની જવાબદારી સંભાળ્યા પછી, ગુજરાતી ભાષામાં એક વિચારપત્ર હોવું જોઈએ, એમ તેમને લાગતું હતું. આ વિચારમંથનમાંથી હિન્દી અને ગુજરાતીમાં ‘નવજીવન’ સાપ્તાહિકની ૧૯૧૯માં તેમણે જવાબદારી સંભાળી. લોકો માત્ર આનંદ ખાતર નહીં, પરંતુ કંઈક વિચાર મેળવવા માટે આ સાપ્તાહિકો વાંચતા. તેનો ફેલાવો ૩૦,૦૦૦ નકલ સુધી પહોંચેલો.

ગાંધીજીનાં સામયિકોમાં સનસનાટીભર્યા વિષયોને બિલકુલ સ્થાન ન હતું. તેઓ રચનાત્મક કાર્યક્રમ, સત્યાગ્રહ, અહિંસા, ખોરાક, નિસર્ગાેપચાર, કોમી-એખલાસ, અસ્પૃશ્યતા, ખાદી, સ્વદેશી, ગ્રામોદ્યોગ, દારૂબંધી જેવા અનેક વિષયો પર લખતા. ખોરાકની ટેવો સુધારીને આરોગ્યની જાળવણી કરવા ઉપર તેઓ ભાર મૂકતા. ભારતની રાષ્ટ્રિય ખામીઓના ગાંધીજી કડક ટીકાકાર હતા. ‘નવજીવન’ના ૭મી સપ્ટેમ્બર, ૧૯૧૯ના પહેલા અંકમાં ગાંધીજીએ આમ લખ્યું હતું, ‘પ્રજાજીવનના દરેક ક્ષેત્રમાં અમે ભાગ આપવા ઇચ્છીએ છીએ. એ અમારી ઇચ્છા વાંચનારની સહાય વિના કદી ફળીભૂત ન થઈ શકે. ગુજરાતની લગભગ ૮૦ લાખની વસ્તીની શી શી ટેવો છે, તેનાં કયાં કયાં દુ :ખો છે, એ ગમે તેટલી કાળજી રાખીએ તે છતાં કેવળ અમારા જ પ્રયત્નોથી અમે જાણી શકવાના નથી. તેથી વાંચનારને અમારી વિનંતી છે કે જો તેનામાં લખવાની શક્તિ હોય તો તે પ્રજાની ઉપર જ્યાં જ્યાં હરકોઈ પ્રકારનું દુ :ખ જોવામાં આવે, તેનું વર્ણન અમને મોકલે. વાચકવર્ગનો અમારી સાથેનો સંબંધ વ્યાપારી નથી, પરંતુ ઘણો નિકટ અને નીતિમય છે, એમ અમે ધારીએ છીએ.’

સત્યાગ્રહની લડત દરમિયાન ‘નવજીવન’ અનેક પડકારોમાંથી પસાર થયું. અંગ્રેજ સરકારે તેને બંધ કરવાના ઇલાજો અજમાવ્યા. તેના તંત્રી તરીકે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી, તો નવા તંત્રી નીમીને ‘નવજીવન’ પત્ર ચાલુ રહ્યું. સરકારે પ્રેસ પર દરોડો પાડ્યો, તો ‘નવજીવને’ ભૂગર્ભવાસ સ્વીકાર્યો. ગાંધીજીની ગેરહાજરીમાં, તેઓ જ્યારે જેલમાં હોય ત્યારે ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ની જવાબદારી સ્વામી આનંદ, કાકા સાહેબ કાલેલકર, રામદાસ ગાંધી, મહાદેવભાઈ દેસાઈ, પ્યારેલાલજી, કિશોરલાલ મશરૂવાળા, રાજાજી જેવા ખ્યાતનામ વ્યક્તિઓએ સંભાળી હતી. ઉપરોક્ત વ્યક્તિઓએ આ વિચારપત્રોને યશસ્વી બનાવવામાં પોતાનું કિંમતી પ્રદાન આપ્યું હતું.

ગાંધીજી લેખકોને જે સૂચનો કરતા તેમાંનાં કેટલાંક જાણવા જેવાં છે, ‘લેખો જેમ બને તેમ ટૂંકા લખવા. તેમાં માત્ર હકીકત જ આપવી. દલીલ કે વિશેષણની મુદ્દલ જરૂર નથી. લખાણમાં ક્યાંય અતિશયોક્તિ ન હોવી જોઈએ. પોતે જોયેલું હોય તેનો જ પુરાવો આપવાથી અસર થઈ શકે, તેથી સાંભળેલી વાત કદી ન લખવી. જેઓ લખી શકતા ન હોય તેઓ બીજાની પાસે લખાવીને અમને લખાણ મોકલી શકે છે.’

ગાંધીજીની આત્મકથા સૌ પ્રથમ આ સાપ્તાહિકોમાં પ્રસિદ્ધ થઈ હતી. હિન્દની આઝાદી માટેની લડતોનો સમગ્ર ઇતિહાસ આ સાપ્તાહિકોમાં સંગ્રહાયો છે. ઉપરોક્ત સામયિકો અને હિન્દની અહિંસક લડત પરસ્પર એકબીજાં સાથે તાણાવાણાની જેમ સંકળાયેલાં છે. ‘યંગ ઇન્ડિયા’ પહેલાં મુંબઈથી પ્રસિદ્ધ થતું હતું. ૧૯૧૯ના ઓક્ટોબરની ૮મી તારીખે તેનો અંક અમદાવાદથી પ્રસિદ્ધ થયો અને છેક સુધી ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’ અને ‘હરિજન બંધુ’ અમદાવાથી જ પ્રસિદ્ધ થતાં રહ્યાં. પોતે અંગ્રેજી સાપ્તાહિકના તંત્રી હોવા છતાં ગાંધીજી લખે છે, ‘હિન્દની વસ્તીમાં ખેડૂતો અને કામદારો એંસી ટકા જેટલા છેે. અંગ્રેજી વર્તમાનપત્રો એ માનવસમુદાયના બહુ નાનકડા અંશને સ્પર્શે છે.’

વર્તમાનપત્રના કાર્ય વિશે ગાંધીજી કહે છે, ‘પ્રજાનું સ્થાયી સુખ શેમાં છે એ પ્રવૃત્તિ શોધી, એ ચલાવવામાં પ્રજાને મદદ કરવી, પ્રજાને દોરવી, એ વર્તમાનપત્રોનું કાર્ય છે.’

પોતાના સંપાદન હેઠળનાં સાપ્તાહિકો અન્ય પ્રેસમાં છપાય તો વિચારો રજૂ કરવાની પૂરતી મોકળાશ ન રહે, એ વાસ્તવિકતાથી ગાંધીજી સભાન હતા. આથી તેમણે અમદાવાદમાં ‘નવજીવન’ પ્રેસની સ્થાપના કરેલી. ખરાબ છાપકામને તેઓ હિંસાનું કામ ગણતા. સુઘડ છપાઈ, ટકાઉ કાગળ તથા સાદા અને વ્યવસ્થિત ટાઈટલનો તેઓ આગ્રહ રાખતા. તંત્રી તરીકે તેમજ સંપાદક રૂપે પણ ગાંધીજી અતિશય કડક તથા આગ્રહી હતા. તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેનાં લેખો અને ભાષણોનો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થવાનો હતો. પુસ્તક છપાઈને તૈયાર થઈ ગયા પછી ગાંધીજી પાસે તેની પ્રસ્તાવના લખવા માટે મોકલાયું. ગાંધીજી પુસ્તક વાંચી ગયા. તેમને અનુવાદ નબળો અને વાંચવામાં અઘરો લાગ્યો. છપાયેલ પુસ્તક ગાંધીજીએ રદ કરાવ્યું ! નબળું લખાણ લોકો પાસે ન જવું જોઈએ, તેના તેઓ ચુસ્ત હિમાયતી હતા.

અખબારી સ્વાતંત્ર્યના ગાંધીજી પુરસ્કર્તા હતા. લેખન-સ્વાતંત્ર્ય માટે ‘નવજીવન’ જપ્ત કરાયું હતું, પ્રેસને સીલ મારવામાં આવ્યું હતું, ગાંધીજી અને તેમના સહાયકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેનાથી તેઓ ક્યારેય નાહિંમત થયા ન હતા. તેમનાં અનેક લખાણોમાંથી ‘હરિજનબંધુ’ના તા.૩૦-૦૪-૧૯૩૩ના અંકનું લખાણ વાંચીએ, ‘મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમજ તેમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે અને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં ભલે હું વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે છે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા. તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય, ત્યારે જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.’

લેખક અને પત્રકાર રૂપે ગાંધીજી સફળ રહ્યા તેની પાછળ તેમની સત્યનિષ્ઠા, પારદર્શિતા અને સરળ ભાષામાં લખાણ મુખ્ય પરિબળો હતાં. ગુજરાતી સાહિત્ય તથા પત્રકારત્વને આમજનતા સુધી પહોંચાડવાનો તેમનો નોંધપાત્ર ફાળો છે.

Total Views: 733

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.