કીર્તિમંદિર પાછળની ભૂમિકા

મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન મહેલમાંની નજરકેદમાંથી મુક્ત કર્યા, એ વખતે પોરબંદરના શહેરીજનોએ મહાત્મા ગાંધીના જન્મસ્થળે એમનું આદર્શ સ્મારક રચવાનું નક્કી કર્યું. એ સમયે આ પ્રકલ્પના સંવાહકો મહારાજા નટવરસિંહજી, મહારાણા આૅફ પોરબંદર; રાજરત્ન શ્રી નાનજી કાલીદાસ મહેતા અને તેમનાં પત્ની સંતોકબહેન મહેતાના સઘન પ્રયાસોથી આ પ્રકલ્પનું આયોજન પૂર્ણ થયું. કીર્તિમંદિરના શિલાન્યાસ પહેલાં તેને અડીને જ આવેલ એમનું પૈતૃક મકાન કે જેમાં ગાંધીકુટુંબના સભ્યો રહેતા હતા, તેમની પાસેથી તે મકાન ખરીદી લીધું. સમગ્ર મકાનના લીગલ ડોક્યુમેન્ટ સાથેના વેચાણખત સહિત ગાંધીજીએ પોતાના લખાણમાં નાનજીભાઈને આ સ્મારક રચવા પોતાની લેખિત સંમતિ આપી હતી. તેમણે પોતે રજિસ્ટ્રેશન પેપર પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા. આ ડોક્યુમેન્ટ્સ કીર્તિમંદિરના સંગ્રહાલય ખંડમાં રાખવામાં આવ્યા છે. આ રીતે ગાંધીજીનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરનો એક ભાગ બની ગયું.

ઇતિહાસ

પૈતૃક નિવાસસ્થાન પર એક મોટી હવેલીની જેમ ત્રણ માળનું મકાન હતું. આ મકાન ૧૭મી સદીમાં આશરે ૩૦૦ વર્ષ પહેલાં એક સ્થાનિક બહેન પાસેથી ગાંધીજીના પ્રપિતામહ શ્રી હરજીવન રાયદાસ ગાંધીએ ૨૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું, અને થોડાં વર્ષોમાં તેના પર ત્રણ માળનું બાંધકામ થયું હતું. આ એ જ મકાન છે કે જ્યાં ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી, તેમના કાકા તુલસીદાસ ગાંધી અને તેમના દાદા ઉત્તમચંદ ગાંધી રહેતા હતા. ત્યારે તેઓ પોરબંદર રાજ્યના જેઠવા રાજપૂત શાસકોના દીવાન હતા.

ગાંધીજી જીવતા હતા ત્યારે આ આકર્ષક કીર્તિમંદિરના બાંધકામનો શિલાન્યાસ દરબારશ્રી ગોપાળદાસ દેસાઈના વરદ હસ્તે થયો હતો. મહાત્મા ગાંધીના આ ભવ્ય રાષ્ટ્રિય સ્મારકના બાંધકામનો પૂરેપૂરો યશ જાણીતા ઉદ્યોગપતિ શ્રીનાનજીભાઈ કાલીદાસ મહેતાને ફાળે જાય છે. તેમણે આવું સ્મારક રચવાનો વિચાર આપ્યો, એટલું જ નહીં પણ ગાંધીજીના પૈતૃક નિવાસસ્થાનની ખરીદીની બધી જ રકમ દાનરૂપે આપી હતી અને કીર્તિમંદિરના નવીન સંકુલનું બાંધકામ કરવાનો ખર્ચ પણ તેમણે ઉપાડ્યો હતો.

૧૯૫૦માં જ્યારે કીર્તિમંદિરનું બાંધકામ પૂર્ણ થયું, ત્યારે ગાંધીજી હયાત ન હતા. ૨૭મી મે, ૧૯૫૦ના રોજ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન શ્રી વલ્લભભાઈ પટેલે આ કીર્તિમંદિરનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને જાહેર જનતાને સમર્પિત કર્યું. ત્યાર પછી કેન્દ્ર સરકારને આ અનન્ય અને સુંદર સ્મારક સોંપવામાં આવ્યું.

ગાંધીજીના ૭૯ વર્ષના જીવનકાળના પ્રતીકરૂપે ૭૯ ફૂટ ઊંચું મંદિર છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી અને ઇસ્લામ – આ છ ધર્મનાં તત્ત્વો આ મંદિરના બાંધકામમાં જોવા મળે છે, જે ગાંધીજીનો બધા ધર્મ પ્રત્યેનો આદર બતાવે છે.

આ સમગ્ર કીર્તિમંદિરનું બાંધકામ પોરબંદર નિવાસી પુરુષોત્તમભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. તેમણે આ સમગ્ર કાર્ય દિવસ-રાત કામ કરીને બે વર્ષમાં પૂર્ણ કર્યું હતું. કીર્તિમંદિરના મધ્યમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાનાં પૂરા કદનાં ઓઈલ પેઇન્ટીંગ્સ બાજુબાજુમાં રાખવામાં આવ્યાં છે. ગાંધીજી ઇચ્છતા હતા કે લોકો એને ઈશ્વર ન બનાવી દે એટલે તેના પર હારતોરા રાખવામાં આવ્યા નથી. એમના બન્ને પગની નજીક ‘સત્ય’ અને ‘અહિંસા’ નામના બે પવિત્ર શબ્દો તેમના ઉપદેશના પ્રતીક રૂપે રાખવામાં આવ્યા છે.

નવા મકાનના વિશાળ ચોકમાં આરસના સ્તંભો પર ગાંધીજીની અલૌકિક અને પ્રતિભાશાળી વાણીમાંથી થોડાં પસંદગીનાં સુવાક્યો કોતરાયાં છે. કેટલાક સ્તંભ પર ગાંધીજીનાં પ્રિય ભજન અને શ્લોક અંકિત થયાં છે. જ્યાં ગાંધીજીનું પૂરા કદનું ચિત્ર રાખવામાં આવ્યું છે તેની પાસેના બે સ્તંભ પર ગાંધીજીના જીવનના મુખ્ય પ્રસંગો તારીખ સાથે અંકિત થયા છે. જમણી બાજુએ બે ખંડ મગનલાલ ગાંધી અને મહાદેવ દેસાઈની સ્મૃતિરૂપે આવેલા છે અને ડાબી બાજુનો ખંડ સંગ્રહાલયના પ્રદર્શન માટે રાખ્યો છે. આ ત્રણેય ખંડમાં ખાદીભંડાર તેમજ હસ્તકલાની ચીજવસ્તુઓ, પુસ્તક વેચાણ કેન્દ્ર, કાર્યાલય, સ્વાગત ખંડનો સમાવેશ થાય છે. કીર્તિમંદિરમાં કસ્તુરબા મહિલા પુસ્તકાલય પણ છે.

પોરબંદરમાં કીર્તિમંદિર પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. વિદેશી રાજનીતિજ્ઞો, પ્રવાસીઓ અને ભારતના રાજનીતિજ્ઞો માટે આ એક અનન્ય યાત્રાધામ બની ગયું છે. જ્યાં ગાંધીજી જન્મ્યા હતા એ સ્થળે સ્વસ્તિક-સાથિયાનું પ્રતીક છે.

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.