ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિયુગને નવું ધ્યેય અને નવી દિશા અર્પવા મથવું જોઈએ. ક્રાંતિ જડતા કે ઉદાસીનતામાંથી નથી જન્મતી, પણ ધ્યેય માટેની તીવ્ર લાગણીમાંથી જન્મે છે. આપણે ઇતિહાસને ત્રિભેટે ઊભા છીએ અને અણુશસ્ત્રો યુદ્ધને સમયે સંસ્કૃતિનો નાશ કરવાની ભયંકર શક્તિ ધરાવે છે. ગાંધીજી આપણને શસ્ત્ર વગરની દુનિયામાં રહેવા લાયક બનાવવા માગતા હતા. ઝઘડા અને વેરઝેરની દુનિયામાંથી બહાર નીકળીને સહકાર અને સુમેળથી કામ કરવા એમણે યુદ્ધની અવેજીમાં સત્યાગ્રહ રજૂ કર્યો…. જ્યારે પરિસ્થિતિ ખરાબમાં ખરાબ હોય છે, ત્યારે ક્રાંતિ માટેની ઇચ્છા સૌથી પ્રબળ હોય છે….. અણુયુદ્ધ એ માનવના અસ્તિત્વ માટે મોટામાં મોટું જોખમ છે…. આજે વિનાશક શસ્ત્રોની હોડ ઓછી થવાને બદલે આગળ ને આગળ વધી રહી છે. જ્યાં સુધી આપણે અણુશસ્ત્ર્રોનો પૂરેપૂરો ત્યાગ નહીં કરીએ, ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું પ્રલોભન રહેવાનું જ…. આપણે ઉઘાડી આંખે અને કાનને સત્યના અવાજ પ્રત્યે બહેરા બનાવીને વિશ્વના વિનાશ તરફ આગળ વધી રહ્યા હોઈએ એમ લાગે છે.

पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः ।
न पापफलमिच्छन्ति पापं कुर्वन्ति यत्नतः।।

માણસોને પુણ્યનું ફળ જોઈએ છે, પણ તેઓ પુણ્ય કરતા નથી. તેમને પાપનું ફળ નથી જોઈતું, છતાં તેઓ પ્રયત્નપૂર્વક પાપ જ કર્યા કરે છે.

કાવૂરે કહ્યું છે, ‘આપણે આપણા દેશ માટે જે બધું કરીએ છીએ એ જો આપણી જાત માટે કરીએ તો આપણે કેવા બદમાશ ગણાઈએ !’ અંતરનો અજંપો અને અંતરાત્માના ડંખ આપણને પીડી રહ્યા છે…. આપણા જીવનમાં ચોમેર ફેલાયેલા અહંભર્યા સંકલ્પને, અહંકારના અભિમાનને તોડવું જોઈએ… આપણા અંતરનો વિસંવાદ જ જગતમાં અશાંતિરૂપે પ્રતિબિંબિત થાય છે. કોઈપણ પ્રજાનો ઉદ્ધાર તેના અનવદ્ય ચારિત્ર્યબળવાળા સંતોથી થાય છે. આપણા સ્વભાવમાં રહેલા વિસંવાદને જીતવામાં અને વ્યક્તિત્વને અખંડ એકીકૃત કરવામાં મદદરૂપ થનાર તાલીમ તો ધર્મની છે. ગાંધીજી પ્રધાનપણે ધર્મપરાયણ પુરુષ હતા. આધ્યાત્મિક તાલીમ, ઉપવાસ અને પ્રાર્થના દ્વારા તેઓ એક નવા જ પ્રકારનો માનવ સર્જવા ઇચ્છતા હતા કે જેને ભય, લોભ, દ્વેષ ન હોય. માણસનો વિકાસ હજી પૂરો નથી થયો. તે હજુ ચાલુ જ છે.

ઈશ્વર આગળ કોઈ ગ્રીક નથી કે બર્બર નથી, રાય નથી કે રંક નથી, માલિક નથી કે ગુલામ નથી. બધા જ એક પ્રભુના રાજ્યના નાગરિકો છે, એક જ કુટુંબના કુટુંબીઓ છે. ગાંધીજીને મન ધર્મ એટલે વ્યક્તિનો ઈશ્વર સાથેનો વ્યવહાર. તેમણે ચાલીસ વર્ષો સુધી એ તત્ત્વના હૃદયમાં પ્રવેશવાનો અને તેનું રહસ્ય પામવાનો પ્રયત્ન કર્યો. હિન્દુ ધર્મની ભાવનાને અનુરૂપ તેઓ પરમેશ્વરને પરાત્પર નિર્ગુણતત્ત્વ રૂપે નહીં, પણ સગુણ ઈશ્વર રૂપે જોતા. તેઓ સાચા ભક્ત હતા અને તેમને ઈશ્વર પર અડગ શ્રદ્ધા હતી. સત્યનો પ્રકાશ પવિત્ર જીવનરૂપે પ્રગટ થાય છે. એટલે સાચા ધર્મપરાયણ પુરુષે આગેવાની લેવી જ પડે. બોલવાને પ્રસંગે તે મૂંગો ન રહી શકે, મક્કમ રહેવાની જરૂર વખતે તેનાથી બાંધછોડ ન જ થાય. ગાંધીજીની શ્રદ્ધા અલૌકિક અને અમૂર્ત તત્ત્વ ન હતું. પણ એને જીવનમાં મૂર્ત કરવાની હાકલ હતી. એમણે જે માગણી કરી હતી એ હારેલા કે નિરાશ થયેલાની સલાહ ન હતી. આપણે પાપ, અભિમાન અને લોભ જેવાં અણગમતાં અનિષ્ટોનો સામનો કરવો જોઈએ. ગાંધીજી માણસોનાં હૃદયને અપીલ કરીને ભય, અપરાધ અને હિંસા વિશેની શ્રદ્ધાને જડમૂળથી ઉખેડી નાખવા માગે છે. તેઓ ધર્મને જીવનનો જીવંત અંશ બનાવવા મથ્યા. પોતે જે પ્રશ્નોનો સામનો કર્યો તેનો તેમણે ધર્મદૃષ્ટિએ વિચાર કર્યો હતો. આપણને પરંપરાથી મળેલી સહિષ્ણુતા અભાવાત્મક નથી, એ ભાવાત્મક છે. બીજા ધર્મોનું ગુણદર્શન એ એનું સ્વરૂપ છે.

આજની દુનિયાનાં મોટા ભાગનાં વૈમનસ્યો સ્વાર્થની અથડામણોમાંથી જ જન્મે છે. શાંતિ એટલે અથડામણનો અભાવ નહીં, પણ અથડામણને પહોંચી વળવાની શક્તિ છે. સત્યાગ્રહનો પાયો પ્રેમ છે, દ્વેષ નહીં; વિરોધીઓ પ્રત્યેનો પ્રેમ અને તેમનો હૃદયપલટો કરવા સહન કરવાની ભાવના છે. સત્યાગ્રહ એટલે પાપનો પ્રતિકાર, પાપીનો નહીં. યુયુત્સાનું સ્થાન નમ્રતા અને કોમળતા લઈ શકે છે. સત્યાગ્રહ શિસ્ત માગી લે છે, કદાચ એમાં આત્મભોગ, સહન કરવું, ઉપવાસ, કારાવાસ અને મૃત્યુને વહોરવાનો પ્રસંગ પણ આવે. એનો મોટો ગુણ એ છે કે એ સર્વોચ્ચ ધ્યેયને સુસંગત સાધન પૂરાં પાડે છે. ક્રૂસનો અર્થ જ એ છે કે સહન કરનારો પ્રેમ દુ :ખ લાદનાર શક્તિ કરતાં વધારે બળવાન છે.

મોટામાં મોટી સમસ્યા જાતિ-જાતિ વચ્ચેના દ્વેષની છે. ગાંધીજીએ પોતાની કારકિર્દીની શરૂઆત દક્ષિણ આફ્રિકામાં જાતિદ્વેષના પ્રતિકારથી કરી હતી. આ સત્યાગ્રહમાં તેમણે પૂર્વગ્રહોને પરાસ્ત કરવાનો પ્રયાસ કર્યો, વિશેષાધિકારોને જતા કરવાની માગણી કરી. ભારતમાં પણ જાતિભેદ, અસ્પૃશ્યતા, કોમ-કોમ વચ્ચે વિસંવાદ અને સંઘર્ષ હતાં. ગાંધીજીએ કોમી એખલાસ સિદ્ધ કરવા જિંદગીભર જહેમત ઉઠાવી. તેમણે સાચા દિલથી પ્રયત્નો કર્યા, પણ ધારી સફળતા ન મળી. કોમી એખલાસ સ્થાપવામાં તેમને મળેલી નિષ્ફળતાની કબૂલાત પણ કરી હતી. ૧૯૪૭ના ડિસેમ્બરમાં જ્યારે હું ગાંધીજીને છેલ્લે મળ્યો ત્યારે મેં તેમને પૂછ્યું કે દેશના ભાગલા પડ્યા એ વિશે આપની લાગણી શી છે ? ત્યારે તેમણે એ બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને કહ્યું, ‘આ કંઈ વિગતોનો સવાલ નથી, પણ સિદ્ધાંતનો સવાલ છે. પાયાના સિદ્ધાંતોની બાબતમાં કોઈ બાંધછોડ કરી શકાય જ નહીં.’ તેમનો જવાબ એ હતો કે હું એટલો ઘરડો થયો છું ‘અત્યારે લડત ઉપાડી ન શકું અને મારા વિશ્વસ્ત સાથીઓેએ એનો (ભારતના ભાગલાનો) સ્વીકાર કરી લીધો છે.’ એમના જીવનના અંતિમ દિવસોમાં તેઓ સાવ એકલવાયા અને હતાશ બની ગયા હતા. હત્યારાની ગોળી તેમના શરીરમાં દાખલ થઈ તે પહેલાં પોતાનો ભ્રમ ભાંગી ગયાની ઊંડી લાગણી તેમના અંતરમાં પ્રવેશી ચૂકી હતી.

તવંગર અને ગરીબ રાષ્ટ્રો વચ્ચેની વિષમતામાંથી અજંપો જન્મે છે. ગરીબ રાષ્ટ્રમાં વ્યાપેલાં દારિદ્ર્ય, રોગ, અજ્ઞાન, નિરક્ષરતા સતત અસંતોષ જગાડ્યા કરે છે. આવા ગરીબોએ અન્નના અભાવે મરવું ન હોય, તો તેમણે બીજાઓ પાસેથી એ બળજબરીપૂર્વક ઝૂંટવી લેવું પડે. આ હિંસામાંથી પ્રતિહિંસા જાગે. એટલે ગાંધીજીએ ભારતના ભૂખે મરતા કરોડો લોકો માટે સ્વતંત્રતા માગી. તેમનું ધ્યેય ગરીબમાં ગરીબ માણસોની વચ્ચે એકતા સાધવાનું હતું અને પોતે ગરીબની જેમ જ જીવવા માગતા હતા. તેમણે લગારેય સારી રીતે જીવવાની ઝંખના ન કરી.

રાજકીય ઝઘડા કપરામાં કપરા હોય છે. ગાંધીજીએ સત્યાગ્રહના માર્ગે બ્રિટિશ સરકારને સમજાવવાનો પ્રયત્ન કર્યોે. રાષ્ટ્રપૂજાવૃત્તિ બુદ્ધિગમ્ય વિચાર નથી, પણ એક પ્રકારની સદ્ભાવના ભરી લાગણી છે. એટલે જ ગાંધીજીએ ૧૯૨૫ના ઓગસ્ટની ૧૮મી તારીખે કલકત્તાની રોટરી ક્લબને સંબોધતાં કહ્યું હતું કે અમને અમારા દેશનું સ્વાતંત્ર્ય જોઈએ છે, પણ તે બીજાને ભોગે કે કોઈનું શોષણ કરીને કે બીજા દેશોને હલકા પાડીને નહીં. ભારતના સ્વાતંત્ર્યનો અર્થ જો એવો થતો હોય કે ઇંગ્લેન્ડ ભુંસાઈ જાય અને અંગ્રેજોનું અસ્તિત્વ રહે જ નહીં, તો મારે એવી સ્વતંત્રતા નથી જોઈતી. રાષ્ટ્રપૂજાનો ધર્મ આપણને શીખવે છે કે વ્યક્તિએ ગામ ખાતર, ગામે જિલ્લા ખાતર ખપી જવાનું છે. એટલે કોઈ દેશ સ્વતંત્ર થાય તો તેણે જરૂર પડ્યે જગતના હિત ખાતર ખપી જવું જોઈએ. મારો દેશ એટલા માટે સ્વતંત્ર થાય કે જેથી જરૂર પડે તો માનવજાતના સુખ ખાતર આખો દેશ ખપી જાય.

ગાંધીજીએ હરિજનો અને ગરીબોનો દરજ્જો ઊંચો કરીને અને પુરુષો અને સ્ત્રીઓને સરખાં ગણીને ભારતમાં એકીભૂત સમાજ રચવાનો પ્રયત્ન કર્યો. આ એકીકરણની પ્રક્રિયા હજી ચાલુ છે, સંપૂર્ણપણે પૂરી થઈ નથી. નિષ્પાપ ભોળા લોકો ક્યારેક પરસ્પર અવિશ્વાસ રાખે. પરિણામે લૂંટફાટ, બાળઝાળ અને મિલકતને નુકસાન પણ પહોંચે છે. આ મુશ્કેલી ઊભી કરે છે – અજ્ઞાન, અફવા, અવિશ્વાસ, ભેદભાવ અને બેકારી. પરિસ્થિતિ સુધારવી હોય તો આ પ્રશ્નો હલ કરવા પડે. હિંસાનો આશરો લઈને ઘણી વખત લોકો પોતાને જ હાનિ પહોંચાડે છે. ટોળાંશાહી કે ગેરકાયદે વર્તવાના વાતાવરણમાં સ્વતંત્રતા, સમાન તક કે સામાજિક ન્યાય હોઈ શકે જ નહીં. દુર્ભાગ્યે કહેવાતાં આંદોલનો, યુવક આંદોલનો, વિદ્યાર્થીઓની વર્તણૂક, હડતાલો અને અવારનવાર યોજાતા દેખાવો આત્મસંયમ ઉપર પૂરતો ભાર મૂકતાં નથી. ફરિયાદોને નામે એમાં તો કેટલાકને આનંદ આવતો લાગે છે ! એવા લોકો સ્વેચ્છાચારને અને સ્થાપિત વ્યવસ્થાના ઉલ્લંઘનને ઉત્તેજન આપે છે. જાગેલા રાષ્ટ્રમાં જુદા પડવાની જે વૃત્તિ હોય છે, તેનાં આ એંધાણ છે. જો આપણે આધ્યાત્મિક સ્વાસ્થ્ય સાચવવા માગતા હોઈએ, તો જાહેરજીવન અને વ્યાપાર-ધંધામાં અપ્રમાણિકતાને રોકવી રહી. ‘ત્યાગીને ભોગવી જાણો, વાંચ્છો મા ધન અન્યનું,’ ઉપનિષદનો આ સમર્પણભાવ સાચી ઉત્ક્રાંતિ સર્જી શકે.

આજે ઝડપથી બદલાતી દુનિયામાં વાહન-સંદેશ વ્યવહાર, અવકાશયાત્રામાં પલટા આવતા જાય છે અને માણસ પોતાનું સ્થાન ગુમાવી રહ્યો છે. તે એક વસ્તુ કે પદાર્થ જ બનતો જાય છે. એની આશાઓ, એનાં સ્વપ્નો વધુ ને વધુ ઉત્પાદન અને ઉપભોક્તાના ભૌતિક ધ્યેય આગળ પરાસ્ત થતાં જાય છે. સ્વાધીન નિર્ણયશક્તિનો ઉપયોગ અશક્ય નહીં, પણ મુશ્કેલ બનતો જાય છે. આપણા વ્યક્તિત્વ જેવું કંઈ રહ્યું જ નથી. અંગત જીવનની આપણી ઇચ્છા જ મરી પરવારી છે.

ગાંધીજીની અહિંસાના પાયામાં માનવપ્રકૃતિના ઉચ્ચતર અંશો રહેલા છે. એ જુલમ, અન્યાય અને એકહથ્થુ સત્તા સામે બળવો પોકારે છે. મૂલ્યોનો ઉદય માણસોનાં હૃદયમાંથી અને ઇચ્છાશક્તિમાંથી થાય છે. માનવપ્રકૃતિમાં રહેલ શાંતિ અને સ્વાતંત્ર્યની તીવ્ર ઝંખના ઉપર ગાંધીજીને વિશ્વાસ છે. તેઓ જે સમાજ રચવા માગે છે, તે આખી દુનિયાના માણસોમાં રહેલો જ છે, પછી ભલે એ ભગ્નરૂપે હોય. આપણે એને રાજકીય, સામાજિક અને માનસિક અનિષ્ટ પરિબળો સામે ઝઘડીને ઉપર લાવવાનો છે. ગાંધીજીને મન અહિંસામાં એક પ્રકારનું આંતરયુદ્ધ રહેલું છે. એમાં આપણે ભય, ક્રોધ, લોભ અને અપરાધની વૃત્તિઓને પરાસ્ત કરવાની છે. જ્યારે કોઈ મહાન વિભૂતિ ઉદય પામે છે, ત્યારે તે આપણા આત્માને પડકાર ફેંકે છે અને આપણે કેવળ પશુ નથી, માનવ છીએ એની યાદ અપાવે છે. ગાંધીજીનો હેતુ બુદ્ધિપૂર્વક ચાલતી વિશ્વવ્યવસ્થા તરફ માણસની પ્રગતિને આગળ ધપાવવાનો હતો. આપણે જો જગતમાં લોકશાહી સમાજની સ્થાપના કરવી હોય તો કેળવણી એ જ એનો ઉપાય છે. આપણે વિકાસની પ્રક્રિયાને એવે રસ્તે વાળવાની છે કે જેથી અંતે જે જગત પ્રગટે તેમાં ભય, દ્વેષ કે યુદ્ધ ન જ હોય. ગીતામાં ભગવાન કહે છે, ‘તમારા પરાજયો મને ધરી દો.’ અને ‘તારો અધિકાર કર્મ કરવામાં છે, ફળ મેળવવામાં નહીં.’ ઈસુને ક્રૂસ પર મરવું પડ્યું એના ઉપરથી જ જો આ મૂલવીએ તો તો ઈસુનું જીવનકાર્ય નિષ્ફળ ગયું, પણ એણે ઇતિહાસને પલટી નાખ્યો છે.

આપણે તો આદર્શ સિદ્ધ થઈ શકે એમ છે, એમ માનીને જ ચાલવું રહ્યું. શક્ય માટે મથવું કે જેથી જે શક્ય છે તે સિદ્ધ કરી શકાય. શાંતિ કોઈ એક વાર મેળવીને બેસી જવાની વસ્તુ નથી, એને મેળવવા અને જાળવવા સતત મથવું પડે. ઘણી વાર ઊલટું જ દેખાય છે, તેમ છતાં ગાંધીજીને એવી ભારે શ્રદ્ધા હતી કે શાંતિ અને સ્વાતંત્ર્યનો યુગ અસંભવિત નથી અને આપણે એને સિદ્ધ કરી શકીએ એમ છીએ. ઈશ્વરનું રાજ્ય હાથવેંતમાં છે. જે માણસોને શ્રદ્ધા છે, સ્વાર્પણની ભાવનાથી પ્રેરાયેલા છે અને પોતાની માન્યતાઓમાં દૃઢ છે તેમજ સમજદારીપૂર્વક જેઓ વર્તે છે, તેઓ જ ગાંધીજીના આદર્શના અનુયાયીઓ છે અને તેઓ જ ભાવિના ઘડવૈયા છે, તેઓ જ જગતની આશા અને તેની સિદ્ધિની ખાતરીનાં પ્રતીક છે. આપણે નવી સમાજરચનાની સિદ્ધિ માટે કામ કરવાનું છે. દ્વેષથી ગાંડી બનેલી અને ગેરસમજોથી છિન્નભિન્ન થયેલી દુનિયામાં ગાંધીજી જ પ્રેમ અને સમજદારીના શાશ્વત પ્રતીક છે. યુગો સુધી ઇતિહાસમાં તેમનું નામ કાયમ રહેશે.

Total Views: 325

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.