જે દિવસે બેલુર મઠની સ્થાપના થઈ હતી એ દિવસે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘૧૦ વર્ષથી મારા માથા ઉપર (મઠ સ્થાપનનો) જે ભાર હતો તે આજે ઊતર્યો.’

મઠ સ્થાપનાના દિવસે સ્વામીજીએ (આ લેખમાં સ્વામીજી એટલે સ્વામી વિવેકાનંદ) એક પરીક્ષા કરી હતી. તેમણે શ્રીરામકૃષ્ણદેવને ઉદ્દેશીને કહ્યું : ‘ઠાકુર! તમે અહીં છો એ તો જ પ્રમાણિત થશે કે જો કોઈ રાજા આજે મઠનાં દર્શને આવે.’

સ્વામીજી સવારથી રાહ જોવા લાગ્યા, કોઈ આવ્યું નહીં. સ્વામીજીને થોડું દુ :ખ થયું. સાંજે તેઓ કલકત્તા જતા રહ્યા. પાછા આવીને એમણે સાંભળ્યું કે એમની ગેરહાજરીમાં અલવરના રાજા એમને મળવા આવ્યા હતા અને એમનાં દર્શન ન થવાથી પાછા ફરી ગયા હતા. આ સાંભળીને સ્વામીજી આનંદ પ્રગટ કરવા લાગ્યા.

સ્વામીજીએ કહ્યું હતું કે આ મઠ ૭૦૦-૮૦૦ વર્ષ કામ કરશે. એક દિવસ શ્રીરામકૃષ્ણદેવના મંદિરમાંથી બહાર આવીને તેઓએ બાબુરામ મહારાજને આ વાત કહી હતી. સ્વામીજી મહાયોગી, એમની વાત ફળવાની જ.

૧૮૯૮માં આ મઠની શરૂઆત થઈ હતી, ત્યારે જ સ્થાનિક નગરપાલિકાએ મઠ ઉપર ટેક્સ લગાવી દીધો. તેઓનું કહેવું હતું કે આ મઠ નથી, પણ શેઠ લોકોનું ઉદ્યાનગૃહ છે. અહીં અમેરિકા-યુરોપથી ગોરા સાહેબ અને મેમસાહેબ મુલાકાતે આવે છે. અહીં સોફા, પલંગ, ખુરશી, ટેબલ વગેરે પશ્ચિમી સભ્યતાનું ફર્નિચર રહેલું છે. આ લોકો યુરોપ-અમેરિકા આવજા કરતા રહે છે. આ બધું ભારતીય પ્રાચીન મઠની સંસ્કૃતિ અનુસાર નથી. એટલા માટે ટેક્સ આપવો જ પડશે.

આ ટેક્સના વિરોધમાં આપણે પ્રથમ હાવડા કોર્ટમાં કેસ કર્યો. આપણે કહ્યું કે : ‘આ મઠમાં સર્વત્યાગી સંન્યાસી અને બ્રહ્મચારીઓ રહે છે. ભારતીય વૈદિક પરંપરાથી એમણે સંન્યાસ-સંસ્કાર ગ્રહણ કર્યો છે. આ બધા જ નવશિક્ષિત યુવકો પિતા, માતા અને ઘર-પરિવાર છોડીને ઈશ્વરદર્શન માટે અહીં રહે છે. તેઓ યથાસાધ્ય સાધન-ભજન કરે છે. એમાં કેટલાક શ્રીમંત ઘરના અતિ ઉચ્ચ શિક્ષિત નવયુવકો પણ છે. એ સિવાય આ નવયુવકો ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ આદર્શને અનુસરી દરિદ્રનારાયણ, દુ :ખીનારાયણની સેવા પણ કરે છે.

આ મઠના પ્રતિષ્ઠાતા સ્વામી વિવેકાનંદ પ્રાચીન યુગની પ્રથા અનુસરી યુરોપ-અમેરિકામાં ભારતીય વેદાંતધર્મનો પ્રચાર કરે છે. એથી ભારતનું લુપ્ત ગૌરવ ફરીથી જાગૃત થયું છે. … આ બધાં કારણોથી આ સર્વ પ્રકારે ભારતીય મઠ છે. અહીં નિત્ય પ્રાચીન સભ્યતા અનુસારે દેવસેવા, ગુરુસેવા, સાધુસેવા વગેરે થાય છે.’

આપણા વિરોધમાં હતા બેલુર પરગણાના એક પ્રતિષ્ઠિત સજ્જન. કોઈ કહેતું કે એ સજ્જનને વિરોધ કરવાનું કહેનાર હતા ભારતની બ્રિટિશ સરકારના એજન્ટ.

એક દિવસ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી, સ્વામી બ્રહ્માનંદને સાક્ષી આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. બ્રહ્માનંદજી આપણા સંઘાધ્યક્ષ. એમને પણ વિરોધપક્ષના વકીલે બે કલાક સુધી કઠેરામાં ઊભા રખાવીને ઊલટતપાસ કરી. એમના પછી વારો આવ્યો સાંન્યાલ મહાશયનો. વિરોધપક્ષના વકીલે તેઓની ઊલટતપાસ ચાલુ કરી. વકીલ જે જે કહે છે, સાંન્યાલ મહાશય એ સ્વીકાર કરી લેવા લાગ્યા. અમે બધા નિરુપાય થઈ ઠાકુરને પ્રાર્થના કરવા લાગ્યા : ‘રક્ષા કરો પ્રભુ, તમારો જ મઠ છે.’

લાંબા સમય સુધી ઊલટતપાસ કરીને વકીલે સાંન્યાલ મહાશયના મુખે વિરોધપક્ષને અનુકૂળ બધી વાતો કઢાવી લીધી. એકાએક ‘હાય.. હાય’ કહેતાં કહેતાં સાંન્યાલ મહાશય બેહોશ થઈ ગયા. બધા મળી એમને ઊભા કરી કઠેરાની બહાર લઈ આવ્યા. આ ઘટનાનું શુભ પરિણામ આવ્યું કે આપણા વકીલના અનુરોધે સાંન્યાલ મહાશયની સાક્ષી રદબાતલ થઈ ગઈ. આ ઘટનાથી અમને સ્પષ્ટ અનુભવ થયો કે ઠાકુર જ મઠની પાછળ રહીને બધું કરાવે છે.

આ મુકદ્દમા દરમિયાન જ એક દિવસ હાવડા જિલ્લાના બ્રિટિશ ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ) જજ બેલુર મઠના ઇન્સ્પેક્શન માટે આવ્યા. સ્વામીજી એ વખતે અસ્વસ્થ હતા. તેઓ બહાર આવીને બ્રિટિશ જજને મળ્યા તેવા જ, જજ નિર્વાક્ થઈ પડ્યા. સ્વામીજી જે કહે છે એ બધું જ તેઓ સ્વીકારી લેવા લાગ્યા. સ્વામીજીનો ઉત્તેજનાપૂર્ણ ભાવ જોઈને સ્વામી બ્રહ્માનંદ ચિંતિત થઈ પડ્યા – પાછું સ્વામીજીની બીમારી વધી જાય તો! તેથી તેઓ સ્વામીજીનો હાથ પકડીને બીજા માળે એમના ઓરડામાં લઈ ગયા અને કહ્યું, ‘સ્વામીજી, તમે વિશ્રામ કરો, અમે બધું સંભાળી લઈએ છીએ.’

એ વખતે કલકત્તામાં અમેરિકાના રાજદૂત હતા મિસ્ટર પિયરસન. એમનાં પત્ની સ્વામીજીનાં ભક્ત હતાં. તેઓએ ભારત સરકારને જણાવ્યું કે, ‘સોફા, ખુરશી વગેરે ફર્નિચર તેઓએ સ્વામીજીને ઉપહારના રૂપમાં આપ્યું છે. અમેરિકામાં સ્વામીજીએ આ બધું ઉપયોગમાં લીધું હતું. તેથી એ ફર્નિચર અમારા માટે પવિત્ર બની ગયું છે, અને અમે જ એને મઠમાં લાવીને રાખ્યું છે. સ્વામીજી છે સંન્યાસીશ્રેષ્ઠ. તેમના દ્વારા પ્રતિષ્ઠિત આ મઠ સાચે જ સાધુઓનો મઠ છે. અમે આ મઠનાં ઘણાં કૃતજ્ઞ છીએ.’ એમના કહેવાથી આખરે ટેક્સ માફ થયો.

સ્વામીજી કેટલા ઉચ્ચભાવમાં રહેતા! મને તો એમની પાસે જતાં જ ભય લાગતો. હું તેમને પિતાતુલ્ય ગણતો. તેઓએ પ્રેમ દ્વારા મને અભિભૂત કરી રાખ્યો હતો.

એક દિવસ મેં સ્વામીજીને ચરણસ્પર્શ કરીને પ્રણામ કર્યા. સ્પર્શ કરવાથી જ એક તીવ્ર shock (ઝટકો) લાગ્યો. ચમકીને મેં હાથ પાછા ખેંચી લીધા. સ્વામીજી હસવા લાગ્યા અને પૂછ્યું : ‘શું થયું પેશન?’ મેં વિસ્મિત થઈને કહ્યું : ‘મહાશય, આ તો જાણે કે ઇલેક્ટ્રિક શોક.’ સ્વામીજીએ કહ્યું : ‘અમેરિકામાં બધી શક્તિ ખર્ચ થઈ ગઈ છે. ત્યાં તો હજુ ઘણી ઉજ્જ્વલ શક્તિ હતી.’

Total Views: 163
By Published On: November 2, 2019Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram