મીડ ભગિનીઓ (Mead Sisters)

સપ્ટેમ્બર, ૨૦૧૯ ના અંકમાં આપણે જોયું કે ૩ ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના સૌથી સમૃદ્ધ રાજ્ય કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. સર્વ પ્રથમ તેઓ લોસ એન્જેલસ નગરમાં રોકાયા. તેમનાં શિષ્યા મિસ મેકલાઉડે તેમના માટે પ્રવચનો ગોઠવી દીધાં હતાં. પ્રથમ પ્રવચન ૮ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ બ્લેન્કાર્ડ ભવનમાં (Blanchard Building) હતું.

સ્વામીજીના આગમન પહેલાં જ તેમના આધ્યાત્મિક સંદેશનાં બીજ કેલિફોર્નિયામાં રોપાઈ ચૂક્યાં હતાં અને ઉચ્ચ આધ્યાત્મિક માર્ગના પથિકો તેમને આવકારવા ઉત્સુક હતા. એમનાં કેલિફોર્નિયા સ્થિત શિષ્યોમાં પ્રધાન હતાં ત્રણ મીડ ભગિનીઓ. ચાલો, આપણે એમનો પરિચય મેળવીએ. તેઓ સ્વામીજી સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યાં અને સ્વામીજીના કેલિફોર્નિયામાં ૬ માસના નિવાસ દરમિયાન અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમનાં નામ હતાં મિસિસ કેરી મીડ વાઈકોફ (Mrs. Carrie Mead Wyckoff), મિસિસ એલિસ મીડ હેન્સબ્રો (Mrs. Alice Mead Hansbrough), અને મિસ હેલન મીડ (Ms. Hele Mead). તેઓ કેલિફોર્નિયાના સાઉથ પેસેડિના (South Pasadena) નગરનાં રહેવાસી હતાં.

મિસિસ હેન્સબ્રો પહેલેથી જ સ્વામીજીના ઉપદેશોથી પ્રભાવિત હતાં. તેઓએ બે વર્ષ અમેરિકાના એક અતિ શીત, બર્ફિલા, અને ખૂબ ઓછી વસ્તી વાળા રાજ્ય અલાસ્કામાં વિતાવ્યા હતા. કેલિફોર્નિયાથી વિદાય લેવાના સમયે તેઓએ પોતાના મિત્રો પાસે સ્વામીજીનાં બે પુસ્તકો ‘રાજયોગ’ અને ‘કર્મયોગ’ ભેટમાં માગ્યાં. અલાસ્કા સુધીની લાંબી જહાજયાત્રા અને નિર્જન અલાસ્કાવાસ દરમિયાન તેઓએ સ્વામીજીનાં આ બે પુસ્તકોનું ગહન અધ્યયન કર્યું. સ્વામીજીના ઉપદેશોના ચિંતન સાથે જ તેઓ સ્વામીજીની મહાનતા વિશે પણ વિચારતાં.

એમના પોતાના જ શબ્દોમાં કહીએ તો : ‘હું થોડો સમય વાંચતી અને ત્યારબાદ મારા મનમાં વિચાર આવતો કે, આ કેવા અદ્‌ભુત વિચારો છે! મેં ક્યાં સુધી વાંચ્યું છે એ ચિહ્નિત કરવા હું પુસ્તકમાં મારી આંગળી રાખતી અને પુસ્તક બંધ કરી આંખો મીંચી વિચારતી કે, જેમણે આ શબ્દો લખ્યા છે તેઓ કેવા અદ્‌ભુત મહાપુરુષ હશે! અને હું મનમાં તેઓનું રેખાચિત્ર આંકવાનો પ્રયત્ન કરતી, કે તેઓ કેવા દેખાતા હશે… એમને રૂબરૂ મળવાની મેં ક્યારેય કલ્પના કરી ન હતી.’

અને જુઓ ઈશ્વરની કૃપા : અલાસ્કાથી મિસિસ હેન્સબ્રો કેલિફોર્નિયા પાછાં ફર્યાં તેનાં બે અઠવાડિયાં બાદ જ સ્વામી વિવેકાનંદનું આગમન થયું. ૮ ડિસેમ્બરના રોજ સ્વામીજીના પ્રથમ પ્રવચનના દિવસે ત્રણે ભગિનીઓમાં સૌથી નાનાં મિસ હેલન મીડ લોસે એન્જેલસના સમાચારપત્રોમાં વ્યાખ્યાનના ખબર વાંચ્યા. સમય હતો રાત્રીના ૮.૦૦ વાગ્યાનો. બપોરે પોતાના કામથી પાછા આવીને તેઓએ મિસિસ હેન્સબ્રોને આ સમાચાર આપ્યા. અચંબિત મિસિસ હેન્સબ્રોએ અતિ ઉત્સાહમાં પ્રવચનમાં જવાની તૈયારી આરંભી. ફરીથી તેમના જ શબ્દોમાં કહીએ તો : ‘ઝડપથી રાત્રિભોજન સમાપ્ત કરી અમે ત્રણેય બહેનો લોસ એન્જેલસ પહોંચ્યાં.’

સ્વામીજીનાં દર્શન કરીને મિસિસ હેન્સબ્રો અતિ પ્રભાવિત થયાં. તેઓ કહે છે : ‘મેં સ્વામીજી વિશે જે ધારણા કરી હતી તે સાચી જ પડી. તેઓ અતિ પ્રભાવશાળી વ્યક્તિત્વવાન હતા. તેઓએ કેસરી રંગનાં કપડાં અને પાઘડી પહેરી હતી. તેઓના શરીરનો વાન ઉજ્જવળ હતો અને વાળ કાળા હતા – એક પણ વાળ સફેદ હતો નહીં. તેમનો સ્વર અતિ સુરીલો હતો. તેઓએ પ્રવચનનો અંત સંસ્કૃતમાં મંત્રોચ્ચાર કરીને કર્યો હતો : હું સત્ સ્વરૂપ, ચિદાકાર, અને આનંદમય છું.’

કેલિફોર્નિયામાં પ્રથમ પ્રવચન

‘લોસ એન્જેલસ ટાઇમ્સ’માં સ્વામીજીના પ્રવચનનો સારાંશ આ પ્રમાણે આપવામાં આવ્યો હતો :

‘અમેરિકામાં ખૂબ ઓછા લોકો ભારતને સમજે છે. અમેરિકાથી અડધા ક્ષેત્રફળવાળા, ૩૦ કરોડની વસ્તી ધરાવતા, અને વિભિન્ન ભાષાઓવાળા આ દેશમાં ધર્મના કેટલાક સામાન્ય આદર્શાેએ એકતા જાળવી રાખી છે. આ આદર્શાે દ્વારા હિન્દુઓએ યુગયુગાંતરથી પોતાનો પ્રભાવ વિસ્તારિત કર્યો છે. જ્યારે પશ્ચિમી સભ્યતાઓ શસ્ત્રશક્તિથી વિજય પ્રાપ્ત કરી રહી હતી ત્યારે હિંદુઓ નમ્રતા, સહિષ્ણુતા, અને નીરવતાથી મહેનત કરી રહ્યા હતા. ભવિષ્ય કહેશે કે કોણ વધુ પ્રભાવક છે – શારીરિક બળ કે આદર્શાેની શક્તિ.

હિન્દુઓનાં કળા અને વિજ્ઞાન – જેમ કે દશાંશ આંકડાપદ્ધતિ, ગણિતના સિદ્ધાંતો, અને નીતિશાસ્ત્ર – સંપૂર્ણ પૃથ્વી ઉપર વિસ્તર્યાં છે. ભારત અને માત્ર ભારતમાં જ સર્વ પ્રથમ પ્રેમનો ઉપદેશ અપાયો હતો. અને આ પ્રેમ માત્ર પોતાના સાથી મનુષ્યો પ્રત્યે જ નહિ પણ પ્રત્યેક જીવિત પ્રાણી પ્રત્યે – અરે, આપણા પગ નીચે ફરતા કીડા પ્રત્યે સુધ્ધાં. જ્યારે તમે ભારતીય કળા અને સંસ્થાઓનો અભ્યાસ શરૂ કરશો ત્યારે તમે મુગ્ધ થઈ જશો અને તેને છોડી નહિ શકો.

ઇતિહાસમાં ડોકિયું કરતાં જણાશે કે શરૂઆતમાં બાકી બધા દેશોની જેમ ભારત પણ વિભિન્ન આદિજાતિઓમાં વિભાજિત હતો. આ બધી આદિજાતિઓ પોતપોતાના ઈશ્વરની પૂજા કરતી. જેમ જેમ પશ્ચિમી આદિજાતિઓ એકબીજાના સંપર્કમાં આવતી ગઈ તેમ તેમ તેઓ પોતાનાથી અલગ માન્યતાઓ ધરાવતી જાતિઓ પર અત્યાચાર કરતી ગઈ. પરંતુ ભારતીય આદિજાતિઓએ વિભિન્ન ધર્મોમાં નિહિત સહિયારા આદર્શાેને શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો. અને આ પ્રયત્નોના પરિણામે ભારતીય ધર્મના આધારસ્તંભરૂપ સહિષ્ણુતાનો જન્મ થયો. સત્ય એક છે, અને એ માત્ર એક જ હોઈ શકે છે, ભલે પછી એ વિભિન્ન ભાષાઓમાં વ્યક્ત થયું હોય.

આધુનિક વિજ્ઞાન અને દર્શને બ્રહ્માંડ વિશે ઘણી નવી શોધખોળ કરી છે. પ્રાચ્ય અને પાશ્ચાત્ય ધર્મો વચ્ચે બીજો એક મોટો તફાવત છે કે કેવી રીતે તેઓ આ શોધખોળોને વધાવે છે. પશ્ચિમમાં છેલ્લાં કેટલાક વર્ષોથી નાસ્તિકતા વધી રહી છે. પશ્ચિમી લોકો હંમેશાંથી વ્યક્તિગત અમરત્વની ઝંખના રાખનારા છે પરંતુ નાસ્તિકતાના પરિણામે તેઓ અમરત્વમાંથી શ્રદ્ધા ગુમાવી બેઠા છે અને એક પ્રકારની હતાશા તેમના વિચારોમાં પ્રવેશી ગઈ છે. પરંતુ હિન્દુઓએ યુગો પહેલાં શોધી કાઢ્યું હતું કે બ્રહ્માંડ કેટલાક પ્રાકૃતિક નિયમો પર ચાલે છે અને આ નિયમો અનુસાર બધું જ પરિવર્તનશીલ છે. માટે જ અપરિવર્તનશીલ અમરત્વ અહીં શક્ય નથી.

પરંતુ હિંદુ આથી હતાશ નથી થઈ પડતો. ઊલટાનો એ ઝંખના કરે છે મુક્તિની : ઇન્દ્રિયોની ગુલામીથી મુક્તિ, દુ :ખની ગુલામીથી મુક્તિ, અને સુખની ગુલામીથી મુક્તિ. અમેરિકા અને યુરોપવાસીઓ આ વિચાર બિલકુલ સમજી શક્યા નથી.

પશ્ચિમી સભ્યતાએ એક વ્યક્તિગત ઈશ્વરની શોધ કરી છે અને એ ન મળવાથી હતાશ થઈ પડી છે. આ શોધ હિન્દુએ પણ કરી હતી. પરંતુ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા ઈશ્વર તો જાણી શકાય નહિ. બાહ્ય ઇન્દ્રિયો દ્વારા અનંત અને શાશ્વત પકડી શકાય નહિ. ઈશ્વર આપણને હાથતાળી દઈ દે છે એનો અર્થ ઈશ્વર નથી એમ પણ ન કહી શકાય. ઈશ્વર છે.

આપણી આંખ દ્વારા ન જોઈ શકીએ એવું શું છે? આપણી આંખ પોતે. એ બધાને જોઈ શકે છે પરંતુ પોતાને જોઈ શકતી નથી. એ બધી વસ્તુઓનું નિરીક્ષણ કરી શકે છે પરંતુ પોતાને પ્રતિબિંબિત કરી શકતી નથી. તો આ છે ઉકેલ : જો ઈશ્વર બાહ્ય દૃષ્ટિથી ન જોઈ શકાય તો તમારી દૃષ્ટિ અંદર તરફ વાળો અને બધા આત્માઓના આત્મા સ્વરૂપ પરમેશ્વરને તમારી અંદરમાં નિહાળો. મનુષ્ય પોતે જ સર્વ-સ્વરૂપ છે. હું જગતના મૂળ સત્યને જોઈ શકું નહિ કારણ કે હું જ જગતનું મૂળ સત્ય છું. મારા સિવાય બીજું કાંઈ જ નથી. દર્શન અને નીતિશાસ્ત્રના અટપટા પ્રશ્નોનું આ જ નિરાકરણ છે.

પશ્ચિમી સભ્યતાએ ‘દાન શું કામ કરવું’ એ પ્રશ્નનો ઉત્તર મેળવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા છે. એનો સાચો ઉત્તર આમ છે. હું મારો ભાઈ છું, અને એનું દુ :ખ મારું દુ :ખ છે. હું એને કષ્ટ આપીશ તો મને પણ કષ્ટ મળશે જ. જો હું બીજા કોઈ પણ વ્યક્તિ ને ઈજા પહોચાડું તો હું પોતે પણ ઈજાગ્રસ્ત થઈશ જ.

ત્યારે હું એ સમજી જઈશ કે હું શાશ્વત છું – મારા માટે જન્મ નથી, મૃત્યુ નથી, દુ :ખ નથી, કે સુખ નથી, જાતિ નથી, કે લિંગ નથી. જે શાશ્વત છે એ કેવી રીતે જન્મી શકે કે મૃત્યુ પામી શકે? વિશ્વરૂપી આ પુસ્તકનાં પાનાં આપણી સામે ફરી રહ્યાં છે અને આપણે વિચારીએ છીએ કે આપણે પોતે ફરી રહ્યા છીએ. પરંતુ હકીકતમાં તો આપણે હંમેશાંને માટે અપરિવર્તનશીલ છીએ.’

Total Views: 375

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.