ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં જેટલા મૂલ્યવાન કે પ્રમાણભૂત ગણતા નથી. જ્યારે કેટલાકને એમ લાગે છે કે એમણે ચીંધેલા માર્ગથી આપણે ચાતર્યા છીએ, ત્યારે બીજા કેટલાકને એવો ભય છે કે નજીકના ભવિષ્યમાં કદાચ લોલક સામે છેડે પહોંચી જશે, એટલે સાધારણ માણસ જીવનનાં મૂળભૂત મૂલ્યોનો સ્વીકાર કરી શકે, તે માટેની ભૂમિકા કઈ, તેનો વિચાર કરવો જરૂરી છે. મોટાભાગના લોકો ભૌતિક વળતરની આશા સેવે છે, થોડાક માણસો આ મૂલ્યોનું પોતાને ખાતર પાલન કરે છે, એમાંનો હું એક છું. આ થોડાક લોકો એમ માને છે કે ગાંધીજીનું જીવન અને તેમના ઉપદેશો જે તત્ત્વત : આટલાં બધાં મૂલગામી, સમુન્નત અને આપણી જીવનરીતિના પાયારૂપ છે; તેને આપણે વિસરી જઈ શકીએ નહીં, સિવાય કે આપણે જોખમ વહોરવા માગતા હોઈએ. ભારતનાં બળ, સમૃદ્ધિ અને સુખ આપણે વિકસાવવા માગતા હોઈએ, તો ગમે તે પદ્ધતિ અખત્યાર કરીએ, તોપણ આપણા પોતાને ખાતર આપણે ગાંધીજીનાં જીવનસંદેશના પ્રકાશમાં જ આપણા આદર્શાેનું પરિપાલન કરવું જોઈએ.

ગાંધીજીએ જે કંઈ કહ્યું અને કર્યું તે એકાદા યુગ માટે કે એકલી ભારતની પ્રજા માટે ન હતું. તેમનો સંદેશ બધા યુગો અને આખી માનવજાત માટે પ્રસ્તુત છે. આ પરિવેશમાં આપણે ગાંધીજી જેવી વિભૂતિનો ખ્યાલ કરવો રહ્યો. કોઈપણ રાષ્ટ્રના ઇતિહાસમાં સોએક વર્ષ એ બહુ વિસાતમાં નથી, પણ ભારતના ઇતિહાસનાં છેલ્લાં સો વર્ષ ખૂબ મહત્ત્વનાં છે, કેમ કે આ વર્ષો દરમ્યાન સૈકાઓની ગુલામીને અંતે સ્વાતંત્ર્યની સિદ્ધિમાં પરિણમેલા ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય થયો, એટલું જ નહીં, પણ એને માટે ગાંધીજી કેવી રીતે જીવ્યા અને મથ્યા કે જેને લીધે આ ગાળામાં જીવનારી આખી માનવજાતની આશાઓને સાત્ત્વિકતા અને શ્રદ્ધેયતા મળી રહ્યાં.

૧૮૬૯માં ગાંધીજી જન્મ્યા ત્યારે ભારત એક શોષિત અને કંગાળ દેશ હતો. ભારતવાસીઓ દુર્બળ, ઓશિયાળા, વહેમી અને ભીરુ હતા. ભારતીય સમાજ સંકુચિત, સ્વદેશાભિમાન રહિત અને સારી પેઠે વિભક્ત હતો. ૧૮૮૮માં જ્યારે ગાંધી ઇંગ્લેન્ડની સફરે નીકળ્યા ત્યારે યુનિવર્સિટી-શિક્ષણનું ધીમે ધીમે વિસ્તરણ થતું હતું, સમાજસુધારા લોકપ્રિય બનતા જતા હતા અને શહેરી વિસ્તારોમાં રાજકીય ચેતના પણ વિકસતી જતી હતી. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકામાંથી તેઓ પાછા ફર્યા, ત્યારે દેશમાં વિપુલ પ્રમાણમાં રાજકીય જાગૃતિ સધાયાનંુ અને સંખ્યાબંધ રાજકીય પક્ષો-મવાળ, જહાલ અને અરાજકવાદીઓ- સ્થપાયાનંુ ગાંધીજીના લક્ષમાં આવ્યું. તેમણે એ પણ જોયું કે સરાસરી ભારતવાસી ભીરુ અને ઓશિયાળો હતો. ભારતીય સમાજ વિભક્ત અને વહેમી હતો. દેશ કંગાલ અને શોષિત હતો અને ગામડાં ઉપેક્ષિત અને ઉજ્જડ હતાં.

ગાંધીજી સમજી ગયા કે ભારતનો પ્રશ્ન કેવળ રાજકીય કે આર્થિક ન હતો, પણ અનેકમુખી હતો. સૈકાઓના બંધનને પરિણામે વિકસેલી ગુલામીની મનોદશામાંથી બહાર નીકળીને લોકોએ નિર્ભયતા અને આત્મગૌરવનંુ ભાન કેળવવાની જરૂર હતી. એમણે એ જોયું કે આ પરિસ્થિતિ બદલવાની જ હોય તો શિક્ષણ તેમજ આર્થિક, રાજકીય અને સામાજિક સુધારણા ભૂમિના વ્યક્તિત્વને અનુરૂપ થવાં જ જોઈએ. તે પછીના ત્રણ દાયકા સુધી ગાંધીજીએ અનવરત પરિશ્રમ કર્યો અને દેશમાં એક શાંત ક્રાંતિ સર્જી. અત્યાર સુધી સ્વરાજ્ય મેળવવા માટે ત્રાસવાદી પદ્ધતિઓ અખત્યાર થતી હતી, તેને ઠેકાણે તેમણે વ્યવહારુ માર્ગ બતાવ્યો અને તેને પરિણામે રાજકીય જાગૃતિ દૂર દૂરનાં ગામડાંમાં પણ પ્રસરી. સ્વાધીનતાસંગ્રામ માટે આ હકીકતે એક સુવિશાળ ભૂમિકા ઉપજાવી; શિક્ષણને એક નવો અર્થ અને હેતુ મળ્યો; સામાજિક જીવન વધારે મુક્ત અને ઓછું નિરુદ્ધ બન્યું. આખા વાતાવરણમાં નૈતિક ઉત્સાહ વ્યાપ્યો. આપણને એમણે ધૂળમાંથી ઉપાડ્યા અને માણસો તરીકે ઘડ્યા. આ પહેલાં સ્વરાજ્ય માટેની ઝંખના પ્રબળ બનતી જતી હતી પણ તેને સિદ્ધ કરવાનો ઉપાય કોઈએ બતાવ્યો ન હતો. ગાંધીજીએ અસહકાર અને સવિનયભંગનું અસ્ત્ર દક્ષિણ આફ્રિકામાં ઘડ્યું હતું અને ભારતની રાષ્ટ્રિય મહાસભા દ્વારા સ્વરાજ્ય મેળવવાનું આ નવંુ શસ્ત્ર તેમણે રાષ્ટ્રને ચરણે ધર્યું.

કોઈપણ વ્યક્તિ જે નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિએ પહોંચવાની આશા સેવી શકે તે ઉચ્ચતાએ તેઓ આ સમય દરમ્યાન પહોંચી ગયા હતા. મધ્યમ શક્તિના એક ગભરુ બાળકમાંથી પોતાના યુગના સર્વોત્તમ મનુષ્ય બન્યા. પોતાના મનુષ્ય બાંધવો પ્રત્યેની સેવાપરાયણતાએ એમની પાસે થોડીક શોધો કરાવી, જેમાંની પહેલી તે સત્યની શોધ હતી.

સત્ એટલે હોવંુ. સત્યનો અર્થ જે અસ્તિત્વ ધરાવે છે તે થાય છે. એટલે તાર્કિક રીતે સત્ય સિવાય કશું અસ્તિત્વ ધરાવતું નથી. જીવનના પ્રારંભકાળે પહેલાં પોતાની માતા પાસેથી અને તે પછી એક યુવાન શોધક તરીકે ઊંડા મનનથી તેઓ શીખ્યા હતા કે સત્ય એ જ બધી પ્રવૃત્તિઓનો પાયો હોવો જોઈએ.

અને અહિંસા અથવા જીવમાત્ર પ્રત્યેનો પ્રેમ, એ એમની બીજી શોધ હતી. જેમ જેમ તે મંથન કરતા ગયા, તેમ તેમ તેમને સમજાયું કે માનવ માનવ વચ્ચેની આંતરપ્રક્રિયાઓમાં એકમાત્ર અસરકારક પદ્ધતિ તે અહિંસા હતી અને માનવસંબંધોના લગભગ તમામ પ્રશ્નોનો ઉકેલ પણ એ પૂરી પાડી શકે તેમ હતી. અહિંસા એક ભાવાત્મક સંપ્રત્યય છે અને એક પરિબળ તરીકે હિંસાના બળ કરતાં એ ચડિયાતી છે. પ્રાણીમાત્ર પ્રત્યેનો પ્રેમ તથા આદરભાવ તેમાં ઉદ્દિષ્ટ છે અને સર્વને એ સમાન દરજ્જે સ્થાપે છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાનો સંપ્રત્યય બધી પરિસ્થિતિઓને લાગુ કર્યો અને અન્યનાં હૃદયમાં રહેલા દ્વેષ અને વહેમને જીતવાનું ધાર્યું. આ રીતે જીવનનાં સર્વ ક્ષેત્રોમાં વિચરતા માનવબંધુઓ માટે એમનું જીવન પ્રેરણાનો અખૂટ ઝરો બની રહ્યું.

ગાંધીજીને સમજવા એ આમસમુદાયો માટે સહેલું હતું, કેમ કે તેઓ એમની જ ભાષામાં વાત કરતા હતા. જે રીતે લોક જીવતા તે રીતે એ જીવતા- સંપૂર્ણ સાદગીભર્યું જીવન અને સ્વાતંત્ર્યસંગ્રામમાં લોકોને ભાગીદારી નોંધાવવામાં તેઓ સફળ બન્યા. તેમણે કાર્યકરો એકઠા કર્યા, નેતાઓ સરજાવ્યા અને તેમનાથી પોતે પણ પ્રભાવિત થયા. આ સંવાદ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પહેલાં નહોતી તેવી વિશાળ એકવાક્યતા તેમણે પેદા કરી.

એ વાત સાચી કે સ્વાતંત્ર્યની સિદ્ધિ માટે દેશના ભાગલાની કિંમત ચૂકવી આપવાની આપણને ફરજ પડી. ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ આપણે દેશના ભાગલાનો સ્વીકાર કર્યો, કારણ આપણને એમ લાગેલંુ કે એ વખતના સંયોગોમાં બીજો કોઈ વિકલ્પ રહેતો ન હતો. આપણે આઝાદ થયા ત્યારે એ દુ :ખી હતા. પાકિસ્તાને હિન્દુઓ અને શીખો ઉપર જે અત્યાચારો ગુજાર્યા અને ભારતના કેટલાક ભાગોમાં એનંુ વેર લેવાયંુ, તે ગાંધીજીને માટે અત્યંત અસહ્ય હતું. એમનુ હૃદય વેદનાથી છવાઈ ગયું હતું. અત્યાચારનો સામનો આપણે અહિંસક રીતે કરીએ એવી એમની ઇચ્છા હતી, પણ આપણામાં પૂરતી નૈતિક હિંમત ન હતી.

ભારતની આઝાદી પ્રાપ્ત કરવી એ તો એમની સફળતાનું કેવળ બાહ્ય આવિષ્કરણ છે. એમની ખરી સફળતા આપણા આત્માને જાગ્રત કરવામાં, આપણાં હૃદયોને પ્રકાશિત કરવામાં અને આપણને નૈતિક હિંમત આપવામાં રહેલી હતી. ભૌતિક પ્રગતિ તો આપણે હાંસલ કરી શકીએ, પણ એ જો આપણા નૈતિક ઉત્સાહને રુંધનારી નીવડે તો એનો કશો અર્થ રહે નહિ. આપણે ઘણા સમૃદ્ધ સમાજો જોઈએ છીએ, પણ સુખી સમાજો બહુ ઓછા જોવા મળે છે. કેવળ ભૌતિક કલ્યાણ એ સુખ નથી. સુખ પ્રગટે છે આંતરિક પરિતૃપ્તિથી જેને માટે માણસે વાસનાઓના સંઘર્ષ વિનાનું, નૈતિક મૂલ્યો પર રચાયેલું, અને પરમાત્માની ખોજમાં મચી રહેલું જીવન જીવવાનું હોય છે.

ગાંધીજી માનવસુખના ગજથી પ્રગતિને માપતા હતા. મહત્તમ કલ્યાણ એ ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ અથવા ભૌતિક વિકાસ એ જ પ્રગતિનો એકમાત્ર માનદંડ હોય, એવા સમૃદ્ધ સમાજ વિશેનો આધુનિક દૃષ્ટિકોણ બેમાંથી એકેયનું ગાંધીજી સમર્થન કરતા ન હતા. તેઓ એવી સમાજરચના માગતા હતા કે જે સૌનું મહત્તમ કલ્યાણ અર્થાત્ સર્વોદય સાધે. એ એવો સમાજ માગતા હતા જેમાં પ્રત્યેક મનુષ્યને સમાન દરજ્જો, તક અને વિકાસ-સ્વાતંત્ર્ય મળે. એ એવો સાદો સમાજ ઝંખતા હતા કે જેમાં આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાય હાથમાં હાથ મિલાવીને ચાલતાં હોય. આપણે ઇન્દ્રિયોના વિલાસ ઉપર અંકુશ મૂકીએ, એમ તેઓ માગતા હતા, કારણ કે ઇન્દ્રિયોનાં સુખોપભોગનો કોઈ અંત જ નથી.

પશુબળ અથવા લશ્કરી તાકાતની સામે ઘરેલું મનુષ્યના દુર્જય આત્માનું બળ; ભૌતિક મૂલ્યોની સામે નૈતિક મૂલ્યોનું બળ; સ્વાર્થ અને લોભની સામે સેવા અને ત્યાગનું બળ કેવું હતું, તે ગાંધીજીએ જગતને દર્શાવ્યું. એમણે આપણને સત્યના સૌંદર્યનો અને માનવ-આત્માની ઊર્જિતતાનો બોધ કર્યો. ગાંધીજી ભૌતિક સમૃદ્ધિની વિરુદ્ધ ન હતા તેમજ બધા સંયોગોમાં યંત્રના ઉપયોગોનો પણ તેમણે ઇનકાર કર્યો ન હતો. તેઓ એમ માનતા કે યંત્રસામગ્રી દ્વારા સમય અને શ્રમનો બચાવ થવો જોઈએ, પણ તે માણસજાતના એકાદ ભાગનો નહીં પણ સૌનો. માણસ યંત્રનો ગુલામ બને અને સમૂળો આત્મપરિચય ગુમાવે, તેવંુ એમણે ઇચ્છ્યું ન હતું. માણસ માટે યંત્રો હોય, યંત્રો માટે માણસ ન હોય, એવું તે માનતા.

સામાજિક ન્યાયની ગાંધીજીની વિભાવનામાં ધન અને સત્તાની જમાવટની વાત આવતી જ નહોતી. સાથે ને સાથે તેઓ એ પણ જાણતા હતા કે ધન અને સત્તાનું સમાન વિતરણ થઈ શકે જ નહીં. એથી એમણે સમતાયુક્ત વિતરણની હિમાયત કરી, જેથી આર્થિક અસમાનતા અને રાજકીય અસમાનતાનું ક્ષેત્ર મર્યાદિત બને. એમણે ‘ટ્રસ્ટીશિપ’નો સિદ્ધાંત વિકસાવ્યો. એની મારફત સમાજનું સમાજવાદી સમાજમાં રૂપાંતર કરવાનું એમણે કલ્પ્યું. એમનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત મૂડીવાદને પ્રમાણતો નથી, પણ મૂડીવાદીઓને કચરી નાખવાને બદલે તેમની મનોદશા સુધારવાની એ તેમને તક આપે છે. મૂડીવાદીઓ પોતાની સંપત્તિ લોકો માટેના ટ્રસ્ટ રૂપે ધારણ કરે અને કેવળ અંગત સુખોપભોગ માટે ન વાપરતાં સામાજિક શ્રેય માટે વાપરે, એમ ગાંધીજી ઇચ્છતા હતા.

એક બાજુએ એમ સ્વીકારાયું છે કે દરિદ્રતા એ સમૃદ્ધિ સાથે અસંગત છે. તો બીજી બાજુએ એવા પુરાવા મળે છે કે જે એમ દર્શાવે છે કે જીવનને સફળ બનાવવા માટે માણસ ગમે તે માર્ગે પૈસો રળવાનું વલણ ધરાવે છે, કેમ કે કોઈપણ વ્યક્તિની સફળતા અથવા નિષ્ફળતા અત્યારે સંપત્તિનું જે પ્રમાણ એ ધરાવે છે અથવા નથી ધરાવતો તેના વડે માપવામાં આવે છે. આ માપને ધ્યાનમાં રાખીને આગળ વધેલા મોટાભાગના દેશોએ પ્રગતિ અવશ્ય કરી છે. પણ સંપત્તિએ મનુષ્યનંુ સુખ વધાર્યું છે ખરું? માણસજાતના અસ્તિત્વને માટે પહેલાં ક્યારેય પણ હતું તે કરતાં ઘણું વધારે જોખમ આજે ખડું થયું છે. અણુશસ્ત્રોનો વિકાસ થવાથી માણસજાતની સામે સંપૂર્ણ નાશનું જોખમ ઘૂરકે છે. સઘન ઔદ્યોગિકીકરણ મુઠ્ઠીભર માણસોના હાથમાં આર્થિક સત્તાનું ભયંકર કેન્દ્રીકરણ સાધીને મનુષ્યને કેવળ આર્થિક ઓજાર બનવાની સ્થિતિએ ઉતારી પાડે એ બનવાજોગ છે. ભય કંઈક આવો છે : માણસ કાં તો અસ્તિત્વ ગુમાવે અથવા એનું માનુષી-સ્વત્વ ગુમાવે. જો માનવસુખ સુરક્ષિત કરી રાખવું હોય તો આ ભયો નિવારવા રહ્યા. એટલે અંધારામાં ફાંફાં મારવાનું આપણે ચાલુ રાખીએ તો ચાલી શકવાનું નથી. અંધકાર દૂર થાય એવા પ્રકાશનો આપણે ખપ કરવાનો છે.

ભૌતિક સુખસમૃદ્ધિમાં સંતૃપ્તિના એક એવા બિંદુએ પહોંચી જવાય છે કે જ્યારે માણસ સુખોપભોગમાં વધુ ઉમેરો થવાથી રોમાંચ કે ઉત્તેજના અનુભવતો મટી જાય છે. પશ્ચિમમાં માણસો જ્યારે કુટુંબજીવનના સુખચેનની વૃદ્ધિ કરનારાં, વધારે અગવડભર્યાં સાધનોની અથવા આવી કરામતોના વિકાસની વાતો સાંભળે છે, ત્યારે ઉત્તેજના અનુભવતા નથી. આમ જિંદગીમાં કંટાળાનો પ્રવેશ થાય છે અને જીવવાનો ઉત્સાહ ક્ષીણ બને છે. કેવળ ભૌતિક સુખો પાછળ દોટ મેલીએ નહીં અને દોડની એ પ્રક્રિયામાં માણસ તરીકેનું આપણું સ્વત્વ ગુમાવીએ નહીં, એ વિશે આપણે સાવધ રહેવાનું છે. જટિલ ઔદ્યોગિક જીવનમાં અનુસ્યૂત એવાં તણાવોથી આપણે વેગળા રહેવાનું છે. માનવસુખ વાસ્તે બાહ્યાભ્યંતર શાંતિનું નિર્માણ અને નિર્વહન જ કરવાનું છે અને તે કેવળ પ્રતીક રૂપે નહીં, પણ જીવનરીતિ તરીકે. આધુનિક જીવનની સંકુલતાનો સમન્વય અને સંયોજન કરવાનું અઘરું લાગે; પરંતુ એક વિકસતા રાષ્ટ્ર તરીકે આપણે એ જાળમાં ફસાવું ન જોઈએ. આપણા ભાવિની યોજના ઘડતી વખતે સુખ વિશેનો ગાંધીજીનો ખ્યાલ આપણે ટકાવી રાખવાનો છે.

ગાંધીજીએ કહ્યું હતું કે જો માણસ આંતરિક સમાધાન ઝંખતો હોય, તો તેણે સત્ય અને અહિંસાને અનુસરવું જોઈએ. નૈતિક દૃષ્ટિએ જેનું વાજબીપણું સિદ્ધ કરી શકાય એમ ન હોય એવું કોઈપણ પગલું એ કદાપિ ભરતા નહીં, ભલે પછી એ ગમે તેવું કાર્યસાધક કેમ ન હોય. એમને માટે સાધ્યની પ્રાપ્તિ એ સફળતાની પારાશીશી ન હતી. સાધ્યની ઇષ્ટતા કરતાં સાધનની વિશુદ્ધિ એમને મન વધારે અગત્યની હતી. પણ દુર્ભાગ્યે સાધ્ય જ સાધનને વાજબી ઠેરવે છે, એ મનોદશા ચાલુ રહી છે અને સાધ્યની સિદ્ધિ કરતાં સાધનની વિશુદ્ધિનો આગ્રહ રાખવામાં ગાંધીજી કદાચ એકલા હતા. આયુષ્યમાં ઘણું વહેલું, દક્ષિણ આફ્રિકાની લડત દરમ્યાન સાધનોની વિશુદ્ધિની જરૂરિયાત એ પામી ગયા હતા. અને જેમ જેમ એમનો વિકાસ થતો ગયો, તેમ તેમ વધારે જોરથી એમણે એના ઉપર ભાર મૂક્યો હતો.આપણી આઝાદીના સંગ્રામમાં અશુદ્ધ સાધનો ન વાપરવાં જોઈએ, એવું એ અમને હંમેશાં ભારપૂર્વક કહેતા રહ્યા હતા. સાધનોની શુદ્ધિનો આગ્રહ તત્કાલ વળતર આપનારો ન પણ લાગે, પણ આખરે તો શુદ્ધ સાધનો દ્વારા જ આપણે તાત્ત્વિક સુખ પામી શકીએ છીએ. અનૈતિક સાધનો નૈતિક સાધ્ય સિદ્ધ કરી શકે નહીં. ગાંધીજીને સમજાયું હતું કે સાધ્ય પ્રાપ્ત કરવામાં કદાપિ આપણે નિષ્ફળ નીવડ્યા, તોપણ વિશુદ્ધ સાધનોનો કેવળ ઉપયોગ મનુષ્યને ઉન્નત કરે છે અને એને સમાધાનનો અનુભવ કરાવે છે. એ માનતા કે સાધનો જો શુદ્ધ હોય તો સાધ્ય સુધી પહોંચ્યા વિના રહેવાય જ નહીં.

ગાંધીજીનો આ ઉપદેશ અને આચરણ સઘળી નવી લોકશાહીઓનું સંવર્ધન કરી શકશે, કેમ કે લોકશાહી પરંપરાઓ સ્થાપવા અને જાહેરજીવનનાં તંદુરસ્ત ધોરણો ઉપજાવવા તે મથે છે. આ માર્ગે તેઓ નૈતિક પાયાઓ ઉપર આધારિત નવી સમાજ-વ્યવસ્થાની રચના કરી શકશે. ગાંધીજી પોતાની પાછળ ગાંધીવાદનો કોઈ નિશ્ચિત સિદ્ધાંત મૂકી ગયા નથી, પણ તેમનું જીવન એ એમનાં દર્શનનું પ્રતિબિંબ પાડે છે અને એ એવું પાયાનું છે કે પ્રત્યેક માનવહૃદયને એ સ્પર્શે છે. આ સંદેશ પેઢીઓની પેઢીઓ સુધી મનુષ્યજાતને માર્ગદર્શન આપ્યા કરશે. એ શક્ય છે કે નગરવાસી બુદ્ધિજીવીઓ એમના આર્થિક સિદ્ધાંતને કે રચનાત્મક કાર્યક્રમને અનુમોદન ન આપે, પરંતુ સઘળા સામાન્યજનો સ્થળકાળની મર્યાદાઓને વટી જનારા અને કરોડોનાં હૈયામાં પ્રતિષ્ઠિત થયેલાં એમનાં જીવન અને દર્શનમાંથી પ્રેરણા લીધા કરશે.

મારા મત અનુસાર માણસજાતને માટે આનાથી સારો વિકલ્પ નથી. અણુશસ્ત્રોનો વિકાસ આ ગ્રહ ઉપર વસતાં માણસને ભયથી થીજાવે છે અને સર્જનાત્મક અભિવ્યક્તિની તક ખોયાની લાગણી એને મૂંઝવી રહી છે, એટલે પોતાના ઉદ્ધાર માટે ગાંધીજી તરફ એ વળશે તો એનું શ્રેય થશે.

Total Views: 249
By Published On: November 2, 2019Categories: Morarji Desai0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram