ગાંધીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. તેઓ એકીસાથે સંત, ક્રાંતિકારી, રાજકારણી પુરુષ, સમાજસુધારક, અર્થશાસ્ત્રી, ધાર્મિક પુરુષ, શિક્ષણશાસ્ત્રી, અને સત્યાગ્રહી પણ હતા; તેઓ શ્રદ્ધા અને બુદ્ધિના પણ ભક્ત, હિંદુ, આંતરધર્મી, રાષ્ટ્રભક્ત અને વિશ્વમાનવવાદી હતા. ગાંધીજીનું આખું જીવન પુરુષપ્રયત્નની એક લાંબી અને અખંડ ગાથા છે, જેમાં તેઓ પોતાના કદમાં કણે કણે ઉમેરો કરતા રહ્યા છે અને અંતે જતાં પોતાના વ્યક્તિત્વને પૂર્ણતા અર્પી છે. આપણામાંના દરેક ખુલ્લી રીતે જોઈ શકે કે તેઓ કેવી રીતે પગલે પગલે આગળ વધ્યા, સત્યના નાના નાના ખંડો એક પછી એક ભેગા કરતા ગયા અને પોતાના જીવનની અગ્નિમયી મૂસ(ભઠ્ઠી)માં ઓગાળીને તેમને ભેળવીને એક બનાવી દીધા. તેઓ હંમેશાં હકીકતને હકીકત તરીકે જોઈને તેનું સાચું મહત્ત્વ સ્વીકારતા, જાહેરહિતના કાર્ય માટે ગમે તે પરિણામનો સામનો કરવા તૈયાર રહેતા. ભૂલ માટે ગમે તે સજા ભોગવવા, ભૂલ્યા ત્યાંથી સવાર ગણવા તૈયાર રહેતા. પણ સદા ખુલ્લે દિલે, નિર્ભયપણે અને કોઈ પણ વસ્તુના સત્યને વીરતાપૂર્વક કોઈ પણ ભોગે પહોંચવા અને વળગી રહેવા સ્વાર્પણબુદ્ધિથી આગળ ધપ્યે જતા હતા. આમ, તેઓ જન્મથી મહાત્મા નહોતા. પણ તેઓ તપસ્યા દ્વારા મહાત્મા બન્યા હતા. તેઓ ઈશ્વર નહોતા પણ મનુજેશ્વર બન્યા હતા. પ્રયોગો કરવા એ એમના જીવનનો ઊંડામાં ઊંડો શોખ હતો. એમણે ખોરાક, આરોગ્ય, ઉપચારો, વસ્ત્રો, પહેરવેશ, રાજકારણ, અર્થકારણ, શિક્ષણ, સમાજસુધારા, નીતિ, અધ્યાત્મ, તંત્રરચના અને ક્રાંતિના પ્રયોગો કર્યા છે. પોતાનાં બધાં ધ્યેયો અને પ્રયત્નોને એકત્વ અર્પી પોતાના વ્યક્તિત્વની આંતરએકતા રૂપે મૂર્ત કરી શકતા હતા.

દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની શોધ કરી. ત્યાં ગોરી લઘુમતી સરકારે બિનગોરાને કાયમ માટે ગુલામ બનાવવામાં પોતાને અને એ લાખો લોકોને હેવાન જેવા બનાવી દીધા હતા. કોઈપણ બળવો અશક્ય બનાવી દેવાયો હતો. ગોરી લઘુમત સરકાર શસ્ત્રોથી પૂરેપૂરી સજ્જ, મરડી-મચડી નાખેલાં કાયદાઓ, સંસ્થાઓ અને ફિલસૂફીથી સજ્જ હતી. ગુલામીને જ ઈશ્વરે માણસ માટે ઘડેલી યોજના ગણતા. એના સમર્થન માટે નવા કરારના ઉપદેશોને હલકા પાડી વિષમય બનાવવામાં આવ્યા હતા. બાઇબલ સૈકાઓથી કહે છે કે ઈશ્વરે મનુષ્યને પોતાની પ્રતિમૂર્તિરૂપ બનાવ્યો છે, પણ દક્ષિણ આફ્રિકાના જુલમગારો કહેતા કે એ તો ગોરાઓને લાગુ પડે છે. ગુલામીમાં રહેનારની પાસે શસ્ત્રો, શિક્ષણ, સંગઠન, કોઈ જાતની સત્તા ન હતાં. તેમને કામ કરીને આ ગુલામીની મર્યાદામાં જીવતા રહેવાની છૂટ હતી. તેઓ આ ગુલામી સ્વીકારી લે એટલે તેમને ખાવાનું, પહેરવાનું અને રહેવાનું આપવામાં આવતું હતું. પણ તેમને કોઈ પ્રકારના આધુનિક માનવ હકો જ ન હતા. તેઓ આ વિચિત્ર સંસ્કૃતિના કોઠારામાં પશુઓની પેઠે રહી શકતાં હતાં. કોઈ પણ દિશામાં ભાગી છૂટવાનો લગારે પ્રયત્ન કરનારે રિબામણી અને મૃત્યુને ભેટવું પડતું.

ઇતિહાસે ગુલામીના આ કેદખાનામાં ગાંધીજીને નાખ્યા. તેઓ લંડનમાં રહ્યા-ભણ્યા ને ઇનર ટેમ્પલના બેરિસ્ટર બન્યા. ખાનદાન કુટુંબમાં જન્મેલા આ ભારતીયના લોહીમાં એક મહાન-પ્રાચીન સંસ્કૃતિની પરંપરા વહેતી હતી. તેઓ કાચી ઉંમરના અને બિનઅનુભવી હતા. દક્ષિણ આફ્રિકાની આ ભયજનક પરિસ્થિતિથી ડરીને ભાગી જવાની ક્ષણે ગાંધીજીએ પોતાની મહાનતાની પ્રથમ ઝલક પ્રગટ કરી. તેઓ દૃઢતાથી ઊભા રહ્યા અને એ ભયજનક પરિસ્થિતિ સામે પોતાની સ્થિર આંખો માંડી. જાણે કે આ ક્ષણે ઈશ્વરે ઇતિહાસમાં પ્રવેશ કર્યો અને ગાંધીજીને ખડકની જેમ દૃઢપણે ઊભા રહેવાની અંદરથી પ્રેરણા કરી. એમની પાછળ તો કેવળ નિરક્ષર, ગરીબ, દુર્બળ અને અસંગઠિત ભારતીય ‘કુલીઓ’ હતા અને એ ગુલામોના કેદખાના ઉપર નજર રાખનારા તુમાખી ગોરાઓએ એમને આ પહેલાં જ કુલી-બેરિસ્ટરનું નામ આપી દીધું હતું.

ઇતિહાસમાં નબળાંસબળાં વચ્ચેનાં બધાં જ યુદ્ધોમાં અને ઝઘડાઓમાં નબળાંએ જ હંમેશાં નમતું આપ્યું હતું અથવા નાશ વહોરી લીધો હતો. ગાંધીજીએ પોતાની જાતને એ પ્રશ્ન પૂછ્યો કે ઇતિહાસની આ હકીકતનો તો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી, પણ એ જ કદી સત્ય, ન્યાય અને પ્રેમનો એટલે કે ઈશ્વરનો નિયમ હોઈ શકે? ફરી એક વાર ઈશ્વરની જ્યોતિ ગાંધીજીના આત્મામાં પ્રવેશી. એ પછી ગાંધીજીએ આનાકાની ન કરી, અને એમણે આપણા જમાનાના મોટામાં મોટા પ્રયોગોમાં ઝંપલાવ્યું. એ દ્વારા એવું એક હથિયાર શોધી કાઢવાનું હતું, અને એના વડે નબળો સબળા સામે લડી શકે અને તે પણ વ્યક્તિગત ભાવે નહીં પણ સમૂહગત ભાવે.

આ પ્રયોગનાં કેટલાંક તત્ત્વોને આપણે ઉઘાડીને જોઈએ. સૌથી પહેલું તત્ત્વ તે ગાંધીજીની અવિચળ ઈશ્વરશ્રદ્ધા. ગાંધીજીને મન ઈશ્વર એટલે સત્ય, પ્રેમ અને ન્યાય. દક્ષિણ આફ્રિકામાં દ્વેષ અન્યાય અને અસત્યને કાયમ બનાવવા કામ કરી રહ્યો હતો. ગાંધીજીના ચિત્તના ઊંડાણમાંથી એનો જવાબ આવ્યો. એમના આંતરમને કહ્યું, ‘જરૂર, જો ઈશ્વર અને માણસે ભેગા રહેવું હોય તો એમ કરી શકાય, એ સિવાય છૂટકો જ નથી. નહીં તો, ઈશ્વરનો છેદ ઊડી જશે, અને જીવનના જંગલમાં માનવ એકલો જ રહેશે. એ તો અશક્ય છે!’ તેઓ જીવનના અંત સુધી એ તર્કને વળગી રહ્યા. પણ હજી એક પ્રશ્ન ઊભો જ રહ્યો કે પ્રેમને એ ગુલામોના સામૂહિક જીવનમાં જોતરીને કામ કરતો કરવો શી રીતે? પહેલો જવાબ તો એ હતો કે પ્રેમ દ્વેષ કરતાં તદ્દન જુદી રીતે જ વર્તે. જેમ બધે હોય છે તેમ દક્ષિણ આફ્રિકામાં બળજબરી, રિબામણી, હિંસા, કેદ અને ગોળીબાર દ્વેષનાં હથિયારો હતાં. એક પછી એક શોધ થતી ગઈ. નબળાંએ હુકમ ઉઠાવવાની ના પાડવી જોઈએ, તેણે તાબે ન થવું જોઈએ, તેણે સામા ઉપર દુ :ખો વરસાવવાને બદલે પોતા ઉપર નોતરવાં જોઈએ. પ્રેમનાં શસ્ત્રોએ દ્વેષનાં શસ્ત્રોને બને એટલાં નકામાં બનાવી દેવાં જોઈએ, સૌથી મહત્ત્વનું એ કે ગુલામોએ એકસંપીલા સમાજરૂપે ખડા રહેવું જોઈએ. આપણે એ ભૂલવાનું નથી કે પડકાર પ્રેમનાં શસ્ત્રોેનોે સામૂહિક ઉપયોગ કરવાનો હતો. ગાંધીજીને મન એ વાત દીવા જેવી ચોખ્ખી હતી કે આ આખી લડત અવશ્ય અહિંસક જ હોવી જોઈએ. એ તરત જ સમજી ગયા કે પહેલા પગલા તરીકે અન્યાયી કાયદાઓનો ભંગ મારે પોતે કરવો જોઈએ અને ત્યાર પછી બીજાઓને તેમ કરવા સમજાવવું જોઈએ. ગોરી લઘુમતીની સરકાર બિનગોરા લોકોને બળજબરીથી દબાવી દેવા માટે ક્રૂર હિંસાનો શા માટે ઉપયોગ કરે છે, એ ગાંધીજી કળી ગયા હતા. એનું કારણ એ હતું કે એવી બળજબરી કરવામાં આવે તો જ ભારતીયો સુધ્ધાં લાખો બિનગોરાઓ ચૂં કે ચાં કર્યા વગર હુકમ ઉઠાવે. તેમની એકમાત્ર નેમ ત્રાસ વર્તાવીને એ લોકોને હુકમ ઉઠાવતા કરવાની હતી, એની સામે ગાંધીજીનો જવાબ ત્રાસની સામે નિર્ભયતાનો અને તાબેદારી સામે આજ્ઞાભંગનો હતો. ગાંધીજીએ શોધી કાઢ્યું કે હિંસાથી આજ્ઞાભંગ નબળો પડે છે, કારણ કે એને લીધે બાજી જુલમગારોના હાથમાં રહે છે અને તેઓ તો હિંસાની કળામાં પાવરધા છે. આજ્ઞાભંગ જો અહિંસક હોય તો તે વધારે અસરકારક નીવડે. આમ ગાંધીજીએ અહિંસા દ્વારા સબળ આજ્ઞાભંગની શોધ કરી. પણ આજ્ઞાભંગને અને તાબેદારીને ઉત્તરદક્ષિણ જેટલાં વેગળાં રાખવાં જોઈએ. જુલમગાર ગમે તે કરે તોયે આજ્ઞાભંગ ચાલુ જ રહેવો જોઈએ. આજ્ઞાપાલન કરાવવા માટે તેઓ પોતાથી થાય તે બધું કરી શકે એમ છે અને કરવા ઇચ્છશે પણ ખરા, તેમ છતાં તેઓ અહિંસક રીતે પોતાનો સામનો કરી રહેલી આખી કોમનું નિકંદન તો નહીં કાઢી શકે. પણ પ્રશ્ન એ હતો કે નબળા માણસો પૂરતી મોટી સંખ્યામાં આજ્ઞાભંગ કરશે ખરા અને આજ્ઞાભંગનાં બધાં ભયંકર પરિણામો સામે ટકી રહેશે ખરા? અહીં ગાંધીજીનું મન ઘડીભર દ્વિધામાં પડી ગયું. એમની શોધમાં બીજું એક મહત્ત્વનું તત્ત્વ પ્રગટ થયું. દરેક માણસમાં આત્મા રહેલો છે. માણસ માણસ વચ્ચે ભૌગોલિક અને ઐતિહાસિક અને પરિસ્થિતિને કારણે છેલ્લાં હજાર વર્ષો થયાં ગમે તેટલા ભેદો હોય તોયે માણસ પોેતે તો પૃથ્વી ઉપર લાખો અને કરોડો વરસો જૂનો છે અને દરેક માણસનો આત્મા બીજા કોઈપણ માણસના આત્મા જેવો જ છે. ગાંધી આસ્તિક હતા. એટલે તેમણે બધા માણસોના આત્મા સરખા છે, એ પાયા ઉપર કાર્ય કરવાનો વીરતાપૂર્વક નિશ્ચય કર્યો. બધા આત્માઓની સમાનતામાંથી એવી માન્યતા જન્મી કે કોઈપણ માણસ – સ્ત્રી કે પુરુષ ગમે એટલું નાનું, નબળું કે લાચાર હોય તોયે પોતાની અંદર રહેલા આત્માના બળનું તેને ભાન થાય જ છે અને જુલમને લીધે જીવન જ્યારે જોખમમાં આવી પડે છે, ત્યારે તેનો ઉપયોગ કર્યા વગર રહેતું નથી. તેમણે પ્રત્યેક સ્ત્રી અને પુરુષમાં રહેલા ઈશ્વર ઉપર પણ એટલી જ શ્રદ્ધા રાખી. ત્યાર પછી ગાંધીજીએ પોતાની શોધનાં આ બધાં તત્ત્વોને એકઠાં કરીને તેમાંથી સત્યાગ્રહના વિચાર અને આચારને ઘાટ આપ્યો. આમ, દક્ષિણ આફ્રિકાની પ્રયોગશાળામાં કામ કરતો પ્રયોગશાસ્ત્રી ડગલે ડગલે આગળ વધતો આખરે સામૂહિક્ અહિંસાની શક્તિની ઉજ્જવળ શોધ લગી પહોંચી ગયો. અને વખત જતાં તેમાંથી તેણે સત્યાગ્રહનું ક્રાંતિકારી શસ્ત્ર ઉપજાવ્યું.

કોઈ શોધ કરવી એ મુશ્કેલ છે, પણ તેનો અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં ઉપયોગ કરવો એ તેથી પણ વધુ મુશ્કેલ છે. એમનામાં પોતામાં જ એક મૂળગત પરિવર્તન થઈ ગયું હતું. તેમને સમજાયું કે ભય અને અહિંસક પ્રતિકાર બંને પરસ્પર વિરોધી વસ્તુઓ છે. માટે એમણે બધો ભય ખંખેરી નાખ્યો અને નિશ્ચય કર્યો કે જો મને આત્માના બળ ઉપર વિશ્વાસ નહીં હોય તો હું કશું જ કરી નહીં શકું. આથી તેમણે પોતાના માણસોને હાકલ કરી કે ઊઠો, જાગો અને અહિંસક રીતે પ્રતિકાર કરો. એને જે જવાબ મળ્યો તેણે ગાંધીજીની ઈશ્વર ઉપરની અને માણસ ઉપરની શ્રદ્ધાને સાચી ઠરાવી અને સૌને આશ્ચર્યમાં નાખી દીધા. એમના સાથીઓએ એક માણસની જેમ ઊઠીને અહિંસક લડતમાં તેમનું વીરતાપૂર્વક અનુસરણ કર્યું. સાત વરસ ચાલેલી આ મહાન લડતમાં દક્ષિણ આફ્રિકામાં શું બન્યું હતું એ આજે આપણા ઇતિહાસનો એક ભાગ બની ગયો છે. એનાથી ગોરાઓ ચોંક્યા અને ગભરાયા. એણે એક નવી જ ક્રાંતિનો સંદેશ વિશ્વભરમાં ચમકાવી દીધોે. દૂર દૂર રશિયામાં ટોલ્સટાૅયે એ જોયું અને વિશ્વભરમાં કલ્યાણ માટેની એક નવી શક્તિ તરીકે એને પિછાણ્યું. ‘કુલીઓ’એ સવિનયભંગનો આરંભ કર્યો. ગોરાઓ ક્રોધથી આંધળા બની ગયા. તેમણે પોતાનાં બધાં શસ્ત્રોથી ગાંધીજી અને તેમના ‘કુલીઓ’ ઉપર પ્રહાર કર્યો. હજારોને જેલમાં પૂર્યા, મિલકતો જપ્ત કરી, ટોળાઓને ઢોરમાર મારવામાં આવ્યો. તેમ છતાં સવિનયભંગ ચાલુ જ રહ્યો. કોઈપણ ભારતીય તાબે ન થયો કે કોઈપણ ભારતીયે હુકમનું પાલન ન કર્યું. ગોરાઓ કોઈ ઉપાય શોધવા મંડ્યા પણ નિષ્ફળ ગયા. લડત લાંબી ચાલી અને સ્મટ્સ-ગાંધી સમજૂતીથી એનો અંત આવ્યો. એ લડતે કુલીઓને ઊંચે ચડાવ્યા અને તેમને આત્મવિશ્વાસ અને બળ અર્પ્યાં, ગોરાઓ અંદરખાને શરમાયા અને કંઈક શુદ્ધ થયા. ગોરાઓ ખ્રિસ્તી હતા. હિંદુ-મુસલમાન કુલીઓએ તેમને ક્રૂસનો અર્થ સમજાવ્યો. દુનિયા થોડી બદલાઈ હતી અને કેવળ દક્ષિણ આફ્રિકામાં જ નહીં પણ માણસના ચિત્તમાં અને અંતરાત્મામાં પલટો આવ્યો હતો. ટોલ્સટાૅયે ગાંધીજીને લખ્યું કે દક્ષિણ આફ્રિકામાંની એ લડત આખી દુનિયા માટે મહત્ત્વની છે. સૌથી મોટું પરિણામ તો એ આવ્યું કે ગાંધીજી પોતે નવા જ માણસ બની ગયા. તેમના અંતરમાં ઊંડે ઊંડે એક મહાન જીવનકાર્યની સભાનતાનું પ્રથમ સંચલન જાગ્યું. ગાંધીજી એક જુવાન વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેઓ મહાત્મા બનીને ભારત પાછા આવ્યા.

આપણી સદીની અણુશક્તિની શોધ કરતાં પણ મોટી શોધ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની પ્રયોગશાળામાં કરેલી. અણુશસ્ત્રો તો બળિયાના હાથમાં છે અને એ શસ્ત્રો વડે બળિયા બળિયા લડશે; અને પોતાનો વિનાશ નોતરશે. પણ આ શસ્ત્ર એવું છે, જેને નબળો માણસ સબળા માણસ સામે અસરકારક રીતે વાપરી શકે અને વિજયની આશા સેવી શકે. ગાંધીજીની અહિંસાએ દુનિયાના ઇતિહાસમાં એક નવું જ છીંડું પાડ્યું. હવે શરીરબળમાં નબળો હોય તેણે જબરાની આગળ લાચાર બની રહેવાની જરૂર ન રહી. સૈકાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એના કરતાં વધુ મહત્ત્વની વસ્તુ બીજી એકેય નથી. એ એક સદ્ભાગ્યની વાત છે કે ગાંધીજીએ સત્યાગ્રહની શક્તિ વિશે શંકા રહેવા દીધી નથી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડત પછી ગાંધીજીએ પોતાના લાખો દેશબંધુઓને બ્રિટિશ રાજ્ય સામે ત્રણ મોટી અહિંસક ક્રાંતિઓમાં દોર્યા હતા અને તે મારફતે પ્રધાનપણે ભારતની સ્વતંત્રતા સર કરી હતી. આપણા ઉપર હવે એ ફરજ આવી છે કે દુનિયાભરના દલિતો અને પીડિતોના હાથમાં સત્યાગ્રહનું આ શસ્ત્ર સોંપવું.

કોઈ એવા ભ્રમમાં ન રહે કે જગતના બનાવો ઉપર ગાંધીજીની અહિંસાની અસર પડતી નથી અથવા સ્પષ્ટ નથી. દુનિયાને ગાંધીજીની કે સત્યાગ્રહની બહુ પડી હોય એમ લાગતું નથી. અમેરિકા અને રશિયા અકલ્પ્ય વિનાશક શક્તિ ધરાવતાં અણુશસ્ત્રોના જે ખડકલા તેમની પાસે છે તેને જોરે દુનિયા ઉપર દોર ચલાવે છે. સંસ્કૃતિ આજે ઉત્તરોતર વધતી જતી હિંસાની પકડમાં સપડાયેલી છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં એવાં કેટલાંક જૂથો પાક્યાં છે, જેમણે જુલમ અને આતંકની સામે સફળતાપૂર્વક સત્યાગ્રહ આચરી બતાવ્યો છે. એના કરતાં વધુ મહત્ત્વનું તો એ છે કે દુનિયાભરમાં અણુશસ્ત્રો અને ત્રીજા વિશ્વયુદ્ધ સામે અને વિશ્વશાંતિની તરફેણમાં જનમત જાગ્યો છે. નવાઈની વાત તો એ છે કે અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ અને જાપાન જેવા સૌથી વધુ આગળ વધેલા દેશોમાં જ શાંતિ આંદોલનો સૌથી વધુ પ્રબળ છે. દુનિયા આખીમાં હિલોળા લેતાં હિંસાની ભરતીનાં પ્રચંડ મોજાં આગળ અહિંસા તો ટીપે ટીપે ઝમતું ઝરણું છે. પણ એ ભરતીનાં પ્રચંડ મોજાં સંસ્કૃતિની પડતી અને તેના વિનાશનાં એંધાણ છે, ત્યારે ટીપે ટીપે ઝમતું આ ઝરણું માનવ-આત્માની નવજાગૃતિનો માર્ગ ચીંધે છે. લશ્કરવાદ અને અણુશસ્ત્રો તો અસ્ત પામતા યુગના લોહી-ખરડ્યા માર્ગસ્તંભો છે, જ્યારે ગાંધી અને અહિંસા તો ધીમે ધીમે ઉદય પામતા ન્યાય અને શાંતિના યુગનાં જીવનથી ધબકતાં પ્રતીકો છે.

ગાંધીજીનાં જીવન અને કાર્યનું હાર્દ આ છે. પ્રેમને દ્વેષ કરતાં વધારે અસરકારક બનાવી શકાય છે, હિંસા અને દ્વેષને જુદાં પાડી શકાય એમ નથી અને તે જ રીતે અહિંસા અને પ્રેમ પણ જુદાં પડી શકે એમ નથી. દરેક જાતના જુલમનો સામનો કરી શકે એ રીતે પૂરતા પ્રમાણમાં અહિંસાનું સંગઠન કરી શકાય છે અને સૌથી વિશેષ તો એ કે આ બધું માણસોમાં સર્વત્ર શક્ય છે – એ ગાંધીજીના જીવનનું હાર્દ છે.

Total Views: 207
By Published On: November 2, 2019Categories: G. Ramchandran0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram