જેમની જન્મ શતાબ્દી આવતા વર્ષે ઊજવવાની છે (અત્યારે ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે) તે મોહનદાસ કરમચંદ ગાંધીને હું કદી મળી નથી. તેનું મને દુ :ખ છે અને જ્યારે ડાૅક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને આ લેખસંગ્રહમાં મારો લેખનફાળો આપવા માટે આમંત્રણ આપીને મારંુ બહુમાન કર્યું, ત્યારે મને લાગ્યું હતું કે આમંત્રણનો પત્ર ખરી રીતે તો મારા પતિ સ્વ. જી. ડી. એચ. કોલને મોકલવો જોઈતો હતો, કેમકે ભારતના પ્રશ્નો અને ભારતના નેતાઓ વિશે હું જે કંઈ જાણવાનો દાવો કરી શકું, તે કરતાં તેઓ ઘણું વિશેષ જાણતા હતા; અને જો એમની તબિયતે યારી આપી હોત તો, ભારતની યુનિવર્સિટીઓ અંગેના કમિશન ઉપર નિયુક્ત થયેલા એકમાત્ર અંગ્રેજ તરીકે આજથી વીસ વર્ષ ઉપર તેઓ ભારત ગયા પણ હોત. ગાંધીજીના પોતાના દેશમાં ભારતના કેળવણીના ક્ષેત્રના આગેવાનોને આથી મારંુ મળવાનું અટકી પડ્યું તેનો મને કાયમ ઊંડો રંજ રહી જવા પામ્યો છે. અલબત્ત, હું પંડિત નહેરુને અને બીજાઓને ઓળખતી હતી- અને એક વખતે તો મિસિસ અૅની બૅસન્ટ સાથે પણ તેમના ગૌરવપૂર્ણ વાર્ધક્ય દરમિયાન મારો પરિચય સુધ્ધાં કરાવવામાં આવ્યો હતો! તોપણ આ બંને વાનાં એક નથી; અને એટલે અત્યારે આ લખતી વખતે મારે ગાંધીજીના પોતાના જીવનનો, લેખનનો તેમજ (ઘણે અંશે) એમના જીવનની બીજાઓ પર પડેલી અસરનો આધાર લેવો પડ્યો છેે.

તો હવે મારું મન ભૂતકાળમાં સરે છે. આજથી વીસ વર્ષ ઉપર પેલી હત્યાનો દારુણ આઘાત થયો તેની પાર, સ્વતંત્રતા મળી તેની પણ પાર, યુદ્ધના દિવસો દરમિયાન જ્યારે ઇંગ્લેન્ડના સમાજવાદીઓને ભારે આશા હતી કે ચર્ચિલના પ્રચંડ વિરોધ છતાં સર સ્ટૅફર્ડ ક્રિપ્સની મુલાકાત ભારતને મુક્ત કરવામાં પરિણમશે તેની પણ પાર, ત્રીસીમાં, મીઠાવેરામાં, ગાંધીજીના ઉપવાસમાં અને તેમની સાથે જેલવાસ મેળવનારા હજારો ભારતવાસીઓમાં, ૧૯૩૦ના સ્વાતંત્ર્ય દિનમાં અને ગોળમેજી પરિષદોમાં, જાય છે; હજી પણ પાછું જાય છે- મને ખબર છે કે હું તારીખોનો ગોટાળો કરી રહી છું, પણ આ રીતે જ મારા મનમાં સ્મૃતિઓ જાગી રહી છે. મેરઠ તપાસમાં, પહેલાં અસહકારમાં, સત્યાગ્રહના પ્રારંભમાં, અમૃતસરમાં- અને હજી પણ પાછલે પગલે ૧૯૦૮માં દક્ષિણ આફ્રિકામાં મધ્યમ વર્ગના સમૃદ્ધ બૅરિસ્ટર ભણી જાય છે, જેણે સૌ કોઈને આશ્ચર્ય અને આદર થાય, એ રીતે ત્યાં વસતા ભારતવાસીઓ પ્રત્યે ન્યાયી વર્તાવ થાય તે માટે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકીને શાંત પ્રતિકારની લડત એમણે યોજી હતી. એ વખતે તે લડતનું મૂલ્યાંકન કરવા માટે હું ઘણી નાની અને અજ્ઞાન હતી- મને ખબર નથી કે આજે કેન્યામાં કોઈપણ એવું હશે ખરું, કે જે આને સંભારતું હોય! – પણ મને બરાબર સાંભરે છે ( હું માનું છું કે ૧૯૧૪માં એ બન્યું હતું) કે સ્મટ્સે નમતું જોખ્યાના સમાચાર આવી રહ્યા હતા; અને નહેરુની પોતાની આત્મકથામાં મેં વાંચ્યું હતું કે તે પછી બે વર્ષ રહીને લખનૌમાં પહેલી વાર તે ગાંધીજીને મળ્યા ત્યારે ‘દક્ષિણ આફ્રિકા’ની વીરત્વપૂર્ણ લડાઈ પ્રત્યે એમનું હૃદય કેવા અહોભાવથી ઊભરાતું હતું.’

ગમે તેટલાં પ્રશંસાભાવ અને સહાનુભૂતિથી ભરેલાં હોય અને પ્રશ્નને સમજવાની ગમે તેટલી પ્રબળ ઇચ્છા હોય તોપણ સામાન્ય અંગ્રેજી સ્ત્રી કે પુરુષથી ગાંધીજીના મનની साथोसाथ પોતાના મનનો મેળ પાડવાનું ખરેખર બની શકે કે કેમ તે વિશે મને ભારોભાર શંકા છે. ખાઈ ઘણી જ પહોળી છે. હું જાણું છું કે મારા પતિએ પ્રયત્ન કર્યો હતો અને નિષ્ફળ નીવડ્યા હતા; મેં પણ પ્રયત્ન કર્યો છે અને નિષ્ફળ નીવડી છું. હું અત્યારે એના મૂળભૂત વૈયક્તિક દર્શનનો ખ્યાલ કરી રહી છું- જેને સાધારણ અર્થમાં તપશ્ચર્યા કહે છે તેનો નહીં પણ અંગત સુધી સાથે સંલગ્ન મૂલ્યનો, જેવું વિચારમાં તેવું જ આચારમાં હોય- તેનો ખ્યાલ કરી રહી છું. ૧૯૨૬માં જેમની સામે તાળાબંધી ફરમાવાઈ હતી તે બ્રિટિશ ખાણિયાઓને ઉદ્દેશીને એમણે (યુરોપિયનોને) અસાધારણ લાગે તેવી આ મતલબની સલાહ આપેલી કે, ‘જો માલિકો જીતશે, તો સમગ્ર પ્રક્રિયામાં ખાણિયાઓ સંયમનો પાઠ શીખ્યા ન હતા તેને કારણે હશે’ તેનો ખ્યાલ કરો. અમે એમની સાથે આ બાબતમાં કદમ મિલાવી શકીએ તેમ ન હતા અને કાૅંગ્રેસીઓ પર ‘સ્વૈચ્છિક ગરીબાઈના સૌંદર્ય’ના જે ઠોક પાડ્યા હતા તે દ્વારા એમને જે સૂચવ્યું હતું તે અથવા ખુદ ખાદીની નીતિ વિશે અમે બરાબર સમજ્યાં હતાં એવું પણ અમને લાગતું નથી. તે પાછળની ધારણા મધ્યમ વર્ગ અને ઉપલા વર્ગને ખેડૂત-આમસમુદાયની નજીક લઈ આવવાની હતી- અને એ ઉદ્દેશ સધાયો પણ ખરો- તે તો અલબત્ત સ્પષ્ટ છે. પણ તેમાં એક ઊંડો અર્થ પણ સમાયેલો હતો એમ લાગે છે. પણ તે શો હતો તે અમે બરાબર જાણતાં નથી. ‘અહિંસા’ પણ- જે અત્યારે તો દુનિયાભરમાં આજે જે પ્રશ્નો છે તેની સાથે કેટલી સુસંગત છે- એ બાબતમાં પણ અમને નથી લાગતું કે, ઓછામાં ઓછું મને તો નથી લાગતું કે, ગાંધીજીના આશયને હું ખરેખર સમજી છું. એનો અર્થ ‘અપ્રતિકાર’ નથી થતો તે તો સ્પષ્ટ છે; એમણે પોતે જ એમ કહ્યું હતું. તેમ એનો અર્થ એવો પણ નથી કે હિંસા એ એવું અંતિમ અનિષ્ટ છે, જેનો કોઈપણ ભોગે ત્યાગ કરવો જોઈએ; છેક ૧૯૨૦માં(‘તલવારનો ન્યાય’ એ લેખમાં) ગાંધીજીએ લખ્યું હતું કે કાયર-જડતામાં ભારત સરી પડે તે કરતાં હિંસાથી એ પોતાના સ્વમાનની રક્ષા કરે એને પોતે વધુ પસંદ કરે છે. ‘ઘંૂટણિયે પડવા કરતાં તમારા પગ પર ઊભા રહીને ખપી જાઓ એ બહેતર છે.’ એ શબ્દો કરતાં આનો रणको ઝાઝો જુદો નથી- તેમ છતાં એમાં આભ-જમીનનો તફાવત છે.

એમ સમજાય છે કે અહિંસાનો હેતુ પ્રતિપક્ષીનંુ અથવા જુલમગારનંુ મન અને તેનું કાર્ય ફેરવી નાખવાની ફરજ પાડવાનો છે, પણ તે કેવી રીતે સધાશે એ ક્યાંય પણ પૂરેપૂરું સ્પષ્ટ થતું નથી; અને સામાન્ય પશ્ચિમવાસીનો ખુલાશો કે પોતાના અંતરાત્માને જાગ્રત કરવાથી એ સધાશે તે મને નર્યો ઉપરછલ્લો લાગે છે. નેહરુએ ૧૯૨૫માં લખ્યું હતું તેમ : ભારતના લોકોમાં તેમણે બહાદુરી અને મર્દાનગી, શિસ્તબદ્ધ તિતિક્ષા, ઉચ્ચ હેતુ માટેની આનંદવિભોર સંયમની શક્તિ અને નિરભિમાનતા સહિતનું સ્વાભિમાન વગેરે સિંચ્યાં હતાં.

આ બધું એમણે કર્યું હતું અને પોતાની પ્રજા પરની એની અસર દીવા જેવી સ્પષ્ટ હતી. પણ બ્રિટિશ જુલમગાર ઉપરની એની અસર વિશે મને ઓછી ખાતરી છે કેમકે કેટલાકને જે નિશ્ચિતપણે સમજાયું છે તે મને નથી સમજાયું કે છેક રહી રહીને અમે ભારત ખાલી કર્યું તે અંત :કરણની વેદનાને આભારી હતું કે પછી આ ઉપખંડ એકવાર જાગ્યો તો બળ વાપરવાથી એને દાબી નહીં રાખી શકાય, એ ભાનને આભારી હતું. પણ ગાંધીના અવસાન પછી ભારત ‘અહિંસક’ બન્યું નથી- અહિંસાથી એ ખાસ્સંુ દૂર છે- સિવાય કે આ મારી પશ્ચિમી બેવકૂફી પણ હોય.

ઉત્તર ગમે તે હોય પણ તે આપણા સમયના સર્વોચ્ચ મનુષ્યમાંના એક હતા તે વિશે કોઈ પ્રશ્ન જ નથી- તે એક ચમત્કાર હતા, જો તમને એ શબ્દપ્રયોગ ગમે તો, અને બીજાઓ ઉપર એમણે ચમત્કારક સત્તા મેળવી હતી. વક્રતા તો જુઓ કે એમને અપાયેલી અત્યંત નોંધપાત્ર અંજલિઓમાં એક તો અજાણતાં ચર્ચિલે આપી દીધી હતી જ્યારે એમણે ક્રોધમાં અને ઉદ્ધતાઈમાં પગથિયાં પર બેસનારા અને બ્રિટિશ રાજ્યને રોળી નાખનારા ‘અર્ધનગ્ન ફકીર’ની વાત કરી હતી. આની સાથે ફેનર બ્રોકવેનો અનુભવ ગોઠવી જુઓ જેને એમનામાં પોતે અડધીપડધી અપેક્ષા પ્રમાણે કઠોર સંન્યાસીનાં દર્શન થયેલાં નહીં પણ ‘ધૂન અને તોફાનની છાંટવાળા આનંદી ડોસા’નું દર્શન થયું હતું, એણે જ પોતાના એક મૌનના દિવસે પોતાનો હાથ મૂકીને બ્રોકવેના તાવને શાંત નિદ્રામાં પલટી નાખ્યો હતો, અને નહેરુ, જે એમને અતિશય ચાહતા અને વખતોવખત જેમની સાથે એમને મતભેદ થયો હતો, તેમની જુબાની સાંભળો કે, ‘પશ્ચિમના અર્થમાં તેઓ લોકશાસનવાદી ગણાય કે નહીં તોપણ ભારતના ખેડૂત આમ સમુદાયનું તેઓ નિ :શંક પૂરેપૂરું પ્રતિનિધિત્વ કરતા હતા.’ અને એમાં આ ચિત્ર ઉમેરો જેમાં તેમની ભારતની યાત્રા(લાહોર અધિવેશન વખતે) દરમિયાન એક પછી એક ગામમાં ઘણીવાર તો થોડાક માઇલોના અંતરે પડેલાં ગામોમાં, ૧૦-૨૦ હજાર માણસોનાં ટોળાં કેવળ તેમને જોવા અને સાંભળવા માટે મળ્યાં છે- એ કેવા પ્રકારનો માણસ હતો તેની સહેજસાજ ઝાંખી થશે, એવો માણસ, જેનો જોટો- અને હું અક્ષરશ : આમ માનું છું- આપણને કદાપિ જોવા નહીં મળે.

Total Views: 60
By Published On: November 2, 2019Categories: Margaret Isabel Cole0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram