ગાંધીજી સાથે મારે જેવો સ્નેહ અને ઉષ્માભર્યો મીઠો સંબંધ હતો તેવો ફક્ત જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ સાથે હતો. મેં ગાંધીજીને પહેલવહેલા ૧૯૨૦માં દિલ્હીમાં મળેલી ખિલાફત કોન્ફરન્સમાં જોયા હતા. એમની સાથે જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ અને બીજાઓ હતા. એ બધાને મળવાનો પ્રસંગ મને ત્યારે ન મળ્યો, પણ હું સમજ્યો કે આ લોકો દેશનાં સ્વાતંત્ર્ય, સુખ અને સમૃદ્ધિ માટે કામ કરે અને ભોગ આપે એવા છે.

ગાંધીજીને મળવાનો બીજો પ્રસંગ ૧૯૨૮માં કોંગ્રેસ અને ખિલાફત કોન્ફરન્સની બેઠક કોલકાતામાં મળી ત્યારે આવ્યો. કોંગ્રેસની બેઠકમાં અમે ગાંધીજીનું ભાષણ સાંભળતા હતા. તેવામાં એક રોષભર્યો યુવાન કૂદીને મંચ પર પહોંચી ગયો અને ‘મહાત્માજી, તમે કાયર છો, કાયર છો,’ એવા બરાડા પાડવા લાગ્યો. એ સાંભળીને ગાંધીજી માત્ર હસ્યા, ખડખડાટ હસીને અક્ષુબ્ધ અવાજે તેમણે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. એમના ચિત્તની સમતા જોઈને હું દંગ થઈ ગયો. એમાં એમની મહત્તા પ્રગટ થતી હતી.

૧૯૩૪ના ઓગસ્ટમાં હું હજારીબાગ જેલમાંથી છૂટ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંત સિવાય જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. ગાંધીજીએ મને તારથી એમની સાથે વર્ધા રહેવાનું જણાવ્યું. જમનાલાલ બજાજની પણ એવી ઇચ્છા હતી, એટલે મેં તેમ કર્યું. અમે દરરોજ ગાંધીજી પાસે જતા અને તેમની પ્રાર્થનામાં જોડાતા. હું તેમાં ઘણીવાર ભાગ લેતો. એકવાર ગાંધીજીએ મને કહ્યું, ‘તમે જાણો છો કે મારે શૌકતઅલી અને મહમદઅલી સાથે ઘણો મીઠો સંબંધ હતો. પણ કોણ જાણે કેમ તેઓ મારા પર ગુસ્સે થયા, અમારો સંબંધ બગડ્યો અને મારાથી તેઓ જુદા પડી ગયા. તમને આ બાબતમાં શું લાગે છે, તમે મારી સાથે કેવી રીતે વર્તશો ?’ એમનો મુદ્દો હું સમજી ગયો અને મેં જવાબ આપ્યો, ‘પ્રશ્ન હેતપ્રેમનો છે. એક માણસના બીજા માણસ સાથેના સંબંધનો આધાર તેમનાં દૃષ્ટિ અને વિચાર ઉપર હોય છે. તમારાં જે દૃષ્ટિવિચાર છે તે જ મારાં પણ છે. તમારું ધ્યેય ઈશ્વરનાં સંતાનો પ્રત્યે પ્રેમ અને સેવાનું અને તેમનું કલ્યાણ સાધવાનું છે. મારું ધ્યેય પણ એ જ છે. એટલે જ્યાં સુધી તમારી આ દૃષ્ટિ કાયમ રહે અને મારી પણ કાયમ રહે, ત્યાં સુધી આપણી વચ્ચે ઝઘડો નહીં થાય, એ ચોખ્ખું છે.’ માણસોમાં મતભેદ જાગે છે, ત્યારે જ તેઓ એકબીજાથી જુદા પડે છે.

મારા સ્વભાવમાં દલીલ કે ચર્ચા કરવાની વૃત્તિ ઓછી છે. હું માનું છું કે બોલવાનું ઓછું અને કામ કરવાનું વધારે. મારી અને ગાંધીજી વચ્ચે ભાગ્યે જ કોઈ લાંબી ચર્ચા કે વાતવિચાર થયાં હશે, કારણ કે અમારી દૃષ્ટિ કે વિચારોમાં કોઈ ભેદ હતો જ નહીં. ઈશ્વરનાં સંતાનોની સેવાનો પ્રેમ અમારા બન્નેમાં સરખો જ હતો. અમે બધી વસ્તુ પ્રત્યે એક દૃષ્ટિબિંદુથી જોતા. હું વર્ધા રહ્યો એ દરમિયાન મને ગાંધીજીમાં સૌથી વધારે ધ્યાનપાત્ર કોઈ વસ્તુ લાગી હોય તો તે બધી બાબતમાં તેમની નિયમિતતાની હતી. તેમનું ભોજન, ફરવા જવાનું, ઊંઘવાનું અને પ્રાર્થના વગેરે બધું જ સમયસર થતું. બીજી વસ્તુ મેં એ જોઈ કે ગાંધીજીની દૃષ્ટિ રૂઢિચુસ્ત કે જડ ન હતી. મને આનું એક દૃષ્ટાંત યાદ આવે છે. હું ગાંધીજી પાસે વર્ધા ગયો, ત્યારે મારાં બાળકો મારી સાથે જ હતાં અને ઘણીવાર તેઓ પણ મારી સાથે આવતાં. એક દિવસ ગાંધીજીની વર્ષગાંઠ હતી. અમે એમની પાસે ગયાં અને જમવા બેઠાં, ત્યારે મારા દીકરા ગનીએ ગાંધીજીને કહ્યું, ‘હું અહીં આવ્યો એનો મને ખૂબ આનંદ છે. મને એમ હતું કે આજે ગાંધીજીની વર્ષગાંઠ છે એટલે અમને પૂરી, પુલાવ, મુરઘી વગેરે મળશે અને અમે સ્વાદ કરી કરીને ખાશું. પણ જુઓ, આજે રોજની જેમ કદ્દુ જ છે, રોજ કદ્દુ અને તેમાં આજે તો પાછું બાફેલું છે !’ આ સાંભળીને ગાંધીજી ખડખડાટ હસી પડ્યા અને મને એક બાજુએ લઈ જઈને કહે, ‘જુઓ, એ તો બાળકો છે અને આપણે તેમને ભાવતી વસ્તુ આપવી જોઈએ. આપણે તેમને માટે માંસ, ઈંડાં વગેરે રાંધવાની અને જમાડવાની વ્યવસ્થા કરવી જોઈએ.’ મેં કહ્યું, ‘એ લોકો તો ખાલી ગમ્મત કરે છે. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં યજમાન પોતે જે ખાતા હોય અને આપે તે જ અમે ખાઈએ છીએ. તેમને બીજું કંઈ ખવડાવવાનો પ્રયત્ન કરશો તોયે તેઓ ખાશે નહીં.’ એટલે હું સંમત ન થયો, મારાં બાળકો પણ સંમત ન થયાં. ગાંધીજી પોતે તો એ લોકોને એમની ઇચ્છા પ્રમાણે ખવડાવવા તૈયાર હતા.

તેમના વિશે ત્રીજી જે વસ્તુની મારા પર છાપ પડી છે તે તેમનો રમૂજી સ્વભાવ છે. તેઓ બધાની સાથે હસતા. છોકરા હોય કે છોકરી હોય, નાનાં હોય કે મોટાં, તેમનામાં હાસ્યવૃત્તિ ઘણી હતી. તેમનું હૃદય ઈશ્વરનાં સંતાનો પ્રત્યેનાં પ્રેમથી અને કાળજીથી છલોછલ ભરેલું હતું.

એક વખત એવું બન્યું વર્ધામાં જે ભંગી હતો તે નોકરી છોડીને નાસી ગયો. આ ખબર ગાંધીજીને આપવામાં આવી, ત્યારે એમણે કહ્યું, ‘સારું, ચાલો આપણે સાવરણો અને બાલદી લઈને જઈએ અને આ જગ્યા સાફ કરી નાખીએ.’ અને અમે ગયા અને સફાઈ પતાવી.

૧૯૩૮માં જ્યારે ગાંધીજી સરહદ પ્રાંતના પ્રવાસે બીજીવાર આવ્યા, ત્યારે ચરસાડામાં તેઓ જ્યાં રાત રહેવાના હતા, ત્યાં અમે હથિયારબંધ ચોકિયાત મૂક્યા હતા. આ કેવળ સંરક્ષણ માટે જ હતું. જ્યારે ગાંધીજીએ એ જોયું ત્યારે તેમણે પૂછ્યું, ‘આ હથિયારબંધ માણસો શા માટે મૂક્યા છે ?’ મેં તેમને કહ્યું, ‘બાપુ, એ લોકો ફક્ત કોઈ અંદર ઘૂસી આવે તેમને ડરાવવા માટે છે.’ પણ ગાંધીજી સંમત ન થયા. તેમણે દૃઢતાપૂર્વક આટલું જ કહ્યું, ‘મારે એમની જરૂર નથી.’ ચોકિયાતો પાસેથી બંદૂક લઈ લીધી. આ બનાવની અમારા લોકો પર જબરી અસર પડી. તેઓ કહેવા લાગ્યા, ‘આ અદ્‌ભુત માણસ તો જુઓ ! એને ખુદા ઉપર એટલો એતબાર છે કે એને હથિયારની જરૂર નથી !’

શરૂઆતમાં સરહદ પ્રાંતમાં ઘણી હિંસા વ્યાપી હતી. અહિંસા તો પાછળથી આવી. હું તમને એ કહેવાની સ્થિતિમાં છું કે હિંસાનો માર્ગ લીધાથી અંગ્રેજોએ એવો તો જુલમ ગુજાર્યો કે બહાદુર માણસો પણ કાયર બની ગયા. પણ જ્યારે અહિંસા આવી, ત્યારે કાયર પઠાણો પણ બહાદુર બની ગયા. તે પહેલાં પઠાણો સાૅલ્જરોથી અને જેલથી એવા તો ડરી ગયા હતા કે તેમનામાં સિપાઈ સાથે વાત કરવાની પણ હિંમત ન હતી. પણ અહિંસાએ તેમને જોઈતી હિંમત, બહાદુરી અને બિરાદરીના પાઠ શીખવ્યા. બાળકો પણ હસતાં હસતાં જેલ જતાં. તેમનામાં એટલી બધી હિંમત આવી કે તેઓ મોટામાં મોટા માણસોનો સામનો કરતાં. તમે એમ માનો છો કે પઠાણ સામો ઘા કરે તો જ બહાદુર કહેવાય, મને કોઈ મારે તો મારે સામો ઘા કરવો જોઈએ અને હું કોઈને મારું તો એણે વળતો ઘા કરવો જોઈએ. પરંતુ વાસ્તવમાં આ કાયરતા છે. સાચી બહાદુરી તો ઘાને બદલે સામો ઘા કરવાનો ઇન્કાર કરવામાં છે, એ માણસનો મોટામાં મોટો સદ્ગુણ છે. અમારી હિંસાની રીતને તો અંગ્રેજોએ ઝપાટાભેર અને અસરકારક રીતે દબાવી દીધી, પણ અમારી અહિંસાને ન તો બ્રિટન દબાવી શક્યું કે ન પાકિસ્તાન.

હું અહિંસાને વરેલો માણસ છું. અમારામાં એવા માણસો પણ હતા કે હિંસાથી જ કામ સાધી શકાય, એમ કહેતા. હું આ માનવાની ના પાડું છું. હું લોકોની સેવા કરવા માગું છું અને એ કેવળ હું અહિંસા દ્વારા જ કરી શકું. જેઓ હિંસા મારફતે સેવા કરવા માગે છે તેમની વિરુદ્ધ મારે કંઈ જ કહેવાનું નથી, પણ અમારા માર્ગાે જુદા છે. તેમ છતાં હું એમના દેશપ્રેમનો અને તેમની દેશભક્તિનો આદર કરું છું. અહિંસા એટલે પ્રેમ. હિંસા એટલે દ્વેષ. હિંસા કદી પ્રશ્નોનો ઉકેલ લાવી શકતી નથી અથવા જગતમાં શાંતિ સ્થાપી શકે તેમ નથી. એવું જો હોત તો પહેલા વિશ્વયુદ્ધ પછી જગતમાં શાંતિ સ્થપાઈ હોત. ત્યાર પછી શાંતિ સ્થપાઈ ખરી ? નહીં. ત્યાર પછી તો બીજું વિશ્વયુદ્ધ આવ્યું. તેને પરિણામે કોઈ શાંતિ આવી ખરી ? લગારેય નહીં. હિંસા એવી વસ્તુ છે કે હિંસાના એક કૃત્ય પછી તેના કરતાં પણ મોટી હિંસાભર્યું બીજું કૃત્ય આવે. દરેક યુદ્ધ તેની પહેલાંના યુદ્ધ કરતાં વધુ ભયંકર હતું. એક વાત સ્પષ્ટ છે : જગત જો ઇચ્છે તો શાંતિ થઈ શકે તેમ છે, પણ એ અહિંસા દ્વારા જ. પણ જો એમ ન થાય તો અણુશસ્ત્ર્રોને કારણ ઇતિહાસમાં કદી ન થયું હોય એવું યુદ્ધ ફાટી નીકળશે અને જગતનો સંપૂર્ણ વિનાશ થશે.

૧૯૪૫માં જ્યારે હું છૂટ્યો ત્યારે હું માંદો હતો. ગાંધીજી મુંબઈમાં બિરલાભવનમાં રહેતા હતા. તેમણે મને પત્ર લખીને મુંબઈ બોલાવ્યો. હું ગયો. એક દિવસ તેમણે હિંસા વિશે વાત કાઢી. મેં ગાંધીજીને કહ્યું, ‘તમે કેટલા જુસ્સાપૂર્વક લોકોને અહિંસાની તાલીમ આપો છો! પણ તમારી સાથે તમારા કાર્યકરો છે. તમને પુષ્કળ નાણાંની મદદ કરનાર ધનિકો છે. આ બધું હોવા છતાં ભારતના ઘણાખરા ભાગોમાં હિંસા થઈ હતી. અમારા પ્રાંતમાં પણ ધનિક માણસો છે. તેઓ કોઈ માણસને પૂરતું ખાવાનું આપશે, પણ દેશને માટે કે લોકોને માટે તેઓ વધુ નાણાં નહીં આપે. એ ઉપરાંત અમારી પાસે હિંસાનાં ઘણાં સાધનો છે. એ સાધનો તમારી પાસે નથી. તેમ છતાં અમારા સરહદ પ્રાંતમાં હિંસા થઈ ન હતી, જ્યારે અહીં તમારે ત્યાં પુષ્કળ હિંસા થઈ હતી. આવું કેમ બન્યું ?’ ગાંધીજી મારો પ્રશ્ન સાંભળીને હસી પડ્યા. તેમણે કહ્યું, ‘લોકો કહે છે કે અહિંસા તો કાયરો માટે છે. પણ ખરું જોતા એ બહાદુરો માટે છે. સરહદ પ્રાંતમાં હિંસા ન થઈ, કારણ કે તમે લોક સાચે જ બહાદુર છો.’

ભાગલા વખતે બિહારમાં તોફાનો ફાટી નીકળ્યાં, ત્યારે અમે ગામડાંમાં ફરવા નીકળ્યા. એક જગ્યાએ કેટલાક મુસલમાન નિર્વાસિતોએ ગાંધીજી પાસે આવીને કહ્યું, ‘ગાંધીજી, અમારે શું કરવું ? અહીં પુષ્કળ હિંસા, ખૂન અને બિનસલામતી છે.’ ગાંધીજીએ કહ્યું, ‘હું તો ફક્ત બહાદુરી જ શીખવી શકું. તમારે પાછા ઘેર જવું જોઈએ.’ એમણે પૂછ્યું, ‘તે કેવી રીતે બને ? અમને પણ રહેંસી ન નાખે તેની શી ખાતરી ?’ ગાંધીજીએ કહ્યું, ‘હું તમને શી ખાતરી આપી શકું ? પણ જો તમારામાંથી કોઈનું ખૂન થયું તો હિંદુઓએ એની કિંમત ગાંધીની જિંદગીથી ચૂકવવી પડશે. હું તો તમને આટલી જ ખાતરી આપી શકું.’ આ સાંભળીને મુસલમાનોને હિંમત આવી અને તેઓ પોતાને વતન પાછા ગયા. તે દિવસે સાંજે પ્રાર્થનાસભામાં ગાંધીજીએ કહ્યું, ‘મેં અહીંના મુસલમાનોને એવી બાંયધારી આપી છે કે જો તેઓમાંના કોઈનું ખૂન થયું તો બિહારના હિન્દુઓ તેની કિંમત ગાંધીની જિંદગીથી ચૂકવશે.’

ગાંધીજીનાં સેવાપ્રેમ અને ઈશ્વરપ્રેમ દ્વારા કરોડો માણસો પ્રભાવિત થયા હતા. એક નાના ગામડામાં હું ભોજન કરતો હતો. ત્યાં રેડિયો ઉપર સમાચાર આવ્યા કે ગાંધીજીની હત્યા થઈ છે. આ સાંભળતાં જ મેં અને મારી સાથેના માણસોએ ખાવાનું બંધ કર્યું, અમે સ્તંભિત થઈ ગયા. કંઈ ખાઈ જ ન શક્યા. બહાર જઈને ખુદાઈ ખિદમતગારોને એકઠા કર્યા. એમની હત્યાનો આઘાત સૌને લાગ્યો. બધાંને લાગ્યું કે તેમનો એક સાચો પ્રેમી, મદદગાર અને મિત્ર તેમને છોડીને ચાલ્યો ગયો. ગાંધીજીની હત્યા એ ઈશ્વર સામેનો ગુનો છે. જે માણસે જીવનભર સર્વસ્વનો ત્યાગ કર્યો, જેલો વેઠી, દુ :ખો સહન કર્યાં અને દેશની સેવા કરી, તેની હત્યા કરવી એ ભયંકર ગુનો છે.

ગાંધીજીની સૌથી મોટી દેણગી શી હતી ? એમની દેણગી તો અનેક છે. સૌથી પહેલાં તો એમણે ભારતવાસીઓના દિલમાં કાયરતાને સ્થાને હિંમત પેદા કરી, સ્વાતંત્ર્ય માગવાની હિંમત અને એ પણ કેવળ ભારત માટે નહીં, આખા જગત માટે. એમની મોટામાં મોટી દેણગી એટલે એમણે શીખવેલો અહિંસાનો પાઠ. તેમની અહિંસા કાયરની નહીં, પણ વીરની હતી. જે કંઈ અનિષ્ટ બન્યું તે અહિંસાને લીધે નહીં, પણ લોકો એ અહિંસાને પૂરેપૂરી ઝીલી કે પચાવી ન શક્યા એને કારણે બન્યું. બેશક, સત્તાના હાથબદલા માટે અનુકૂળ વાતાવરણ પેદા થયું હતું. પણ ગાંધીજી સિવાય એ બદલાયેલા વાતાવરણનો લાભ લેવા કોણ તૈયાર થયું હોત ? ગાંધીજીએ દેશને માટે અને લોકોને માટે કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. તેમની સેવામાં એમણે પાર વગરનાં કષ્ટો, દુ :ખો અને યાતનાઓ વેઠ્યાં હતાં; પણ એમનું સ્થાન નિશ્ચિત અને સલામત છે. એમના ગૌરવમાં આપણે પ્રશંસાથી ઉમેરો કરી શકીએ એમ નથી, તેમ એમની ટીકા કરીને એમને જગતની નજરમાં હલકા પાડી શકીએ એમ નથી. તેઓ સદા મહાન હતા અને મહાન જ રહેશે.

એવા માણસને આપણે ઉત્તમમાં ઉત્તમ સન્માન શી રીતે આપી શકીએ ? લોકોની જીવનની પાયાની જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ; ગાંધીજી ઇચ્છતા હતા કે લોકોને એ મળી રહે. આપણે તો ગાંધીજીની જીવનદૃષ્ટિ લઈને ગામડાંના લોકો પાસે જઈએ તો તેઓ આપણને કહેશે :

‘અમે ભૂખ્યા છીએ. પહેલાં અમને ખવડાવો. અમે ઉઘાડાં છીએ, અમને ઢાંકો. અમારાં બાળકો માટે નિશાળ નથી, શરૂ કરો. અમે માંદા છીએ, નથી ડાૅક્ટર કે નથી દવા, અમારી સંભાળ લો.’

એટલે હું કહું છું કે ગાંધીજીની જન્મશતાબ્દી ઊજવવાનો સારામાં સારો રસ્તો એ છે કે લોકોને જીવનની પાયાની સવલતો પૂરી પાડવી.

Total Views: 262
By Published On: November 2, 2019Categories: Khan Abdul Gafaarkhan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram