(ગતાંકથી આગળ…..)

અંત્યજો પ્રત્યે કરુણા :

સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર કહ્યું હતું : ‘અફસોસ! દેશના ગરીબ લોકોનો કોઈ ખ્યાલ કરતું નથી. તેઓ જ આ દેશના ખરા આધાર છે, તેમની મહેનતથી જ અનાજ પેદા થાય છે. આ ગરીબ લોકો-આ ઝાડુવાળાઓ અને આ મજૂરો- જો એક દિવસને માટે કામ બંધ કરી દે તો શહેરમાં ગભરાટ ફેલાઈ જાય. પરંતુ તેમની પ્રત્યે સહાનુભૂતિ દાખવનાર કોઈ જ નથી, તેમના દુ :ખમાં મદદ કરનાર કોઈ જ નથી. જરા વિચાર કરો : હિન્દુઓ તરફથી હમદર્દીના અભાવે મદ્રાસમાં હજારો અંત્યજો ખ્રિસ્તીઓ થઈ જાય છે. એમ ન માનો કે માત્ર ભૂખના દુ :ખથી જ આમ થાય છે; તેનું કારણ એ છે કે આપણા તરફથી કંઈ જ સહાનુભૂતિ મળતી નથી. રાતદિવસ આપણે તેમને કહીએ છીએ : અમને અડશો નહિ! અમને અડશો નહિ! આ દેશમાં કંઈકે દયાભાવ કે સહૃદયતા છે ખરી? માત્ર આભડછેટિયાઓનો વર્ગ છે. આવા રીતરિવાજોને લાત મારીને દૂર કરો. મને કેટલીક વાર એવું થઈ જાય છે કે હું એ આભડછેટના અંતરાયોને તોડીફોડીને તેમની પાસે પહોંચી જઈ પોકાર કરું કે આવો ભાઈઓ! જેઓ બધા ગરીબ, દુ :ખી, દીન અને કચડાયેલા છો તે સહુ આવો! અને તેમ કરીને તે બધાને શ્રીરામકૃષ્ણને નામે સાથે લઈ લઉં. જયાં સુધી તેમની ઉન્નતિ નહિ થાય ત્યાં સુધી જગદંબા જાગશે નહીં. આ લોકોને માટે આપણે અનાજ અને કપડાંની કોઈ વ્યવસ્થા કરી નથી શક્યા; તો પછી આપણે કર્યું શું ? અફસોસ! તેઓ દુનિયાના કાવાદાવા કંઈ જ જાણતા નથી, અને તેથી રાતદિવસ કાળી મજૂરી કર્યા છતાં પણ તેઓ પોતાને માટે પૂરાં અન્નવસ્ત્ર મેળવી શકતા નથી. આપણે તેમની આંખો ઉઘાડીએ. મને તો દીવા જેવું સ્પષ્ટ દેખાય છે કે તેઓમાં અને મારામાં એક જ બ્રહ્મ છે. એક જ માતા શકિત આપણા સહુમાં વસે છે, માત્ર અભિવ્યક્તિનો જ તફાવત છે. જ્યાં સુધી દેશસમગ્રના શરીરમાં એકસરખું લોહી ફરે નહિ, ત્યાં સુધી કોઈ દેશ કોઈ વખતે ઉન્નત થયો છે ! જો એક અંગ ખોટું પડી ગયું હોય, તો બીજા અવયવો અખંડ હોય તો પણ તે શરીરથી ઝાઝું કામ થઈ ન શકે, એ જરૂર જાણજો.’ સ્વામીજીના આ વિચારો પ્રમાણે રામકૃષ્ણ મઠ અને મિશને શરૂઆતથી જ નાતજાતના ભેદભાવ વગર બધું સેવાકાર્ય કર્યું છે. આ કારણે રૂઢિવાદી સાધુઓનો અને કટ્ટરપંથી હિન્દુઓનો સખત વિરોધ પણ શરૂઆતમાં રામકૃષ્ણ મિશનને સહન કરવો પડયો હતો. રામકૃષ્ણ મિશનની હરિદ્વારની ઇસ્પિતાલમાં કાર્યરત સંન્યાસીઓને તો આ કારણે ભંગી સાધુ કહીને બોલાવવામાં આવતા. પણ ધીરે ધીરે નિ :સ્વાર્થ સેવાભાવ અને પ્રેમનો વિજય થયો અને આવી ટીકા કરવાવાળા સાધુઓએ પોતે જ જ્યારે રોગોથી પીડાઈને આ સેવાનો પ્રત્યક્ષ લાભ ઉઠાવવા માંડયો, ત્યારે આ મતમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું. શરૂઆતથી જ રામકૃષ્ણ મિશનમાં અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય કોઈપણ પ્રકારનાં ધમાલ-કોલાહલ વિના કરવામાં આવ્યું છે. નાતજાતના ભેદભાવ વગર એક જ પંગતમાં બેસીને બધા પ્રસાદ ગ્રહણ કરે છે અને શ્રીરામકૃષ્ણની ઉકિત-‘ભકતોની કોઈ જાત હોતી નથી’- એ સાર્થક કરે છે. શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા સંચાલિત અસ્પૃશ્યોની એક સંસ્થાની મુલાકાત ગાંધીજીએ ડિસેમ્બર ૧૯૩૩માં લીધી ત્યારે તેમણે કહ્યું હતું, ‘રામકૃષ્ણ મિશન હિન્દુ ધર્મમાં સ્વ-શુદ્ધીકરણનું આંદોલન છે.’ ત્યાર પછી તેમણે હરિજનોને મંદિરમાં પ્રવેશ કરાવવાના આંદોલનનો પ્રારંભ કર્યો હતો. ર૭ ઓકટોબર, ૧૯૨૦ના ‘યંગ ઇન્ડિયા’માં તેમણે લખ્યું હતું, ‘સ્વામી વિવેકાનંદ ‘પંચમો’ને ‘દલિત વર્ગાે’ કહેતા. સ્વામી વિવેકાનંદે વાપરેલું વિશેષણ વધારે ચોકક્સ છે, એમાં શંકા નથી. આપણે એમને દબાવ્યા છે અને પરિણામે આપણે પોતે જ દલિત બન્યા છીએ.’ સ્વામીજીની જેમ જ ગાંધીજી પણ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા અંત્યજોના ધર્માંતરણની વિરુદ્ધમાં હતા. કોટ્ટાયમના શ્રીકૃષ્ણ-મંદિરમાં તા. ૧૯-૧-૧૯૩૭ના રોજ તેમણે ભાષણ આપતાં કહ્યું હતું, ‘જે ધર્મે શ્રીરામકૃષ્ણ, ચૈતન્ય, શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદને જન્મ આપ્યો છે તે કેવળ કુસંસ્કારોનો આકાર હોઈ શકે નહિ.’ એક ખ્રિસ્તી ઉપદેશક સાથે ચર્ચા કરતી વખતે ગાંધીજીએ કહ્યું હતું, ‘પણ જયારે તમે કહો છો કે રામકૃષ્ણ પરમહંસને છોડી દઈને ઈશુ ખ્રિસ્તને ગ્રહણ કરવા પડશે, ત્યારે તમે પોતાના માટે સંકટ વહોરી લો છો.’

ગ્રામસેવાના ઉદ્બોધક :

સ્વામીજીએ કહ્યું હતું, ‘યાદ રાખજો કે સાચું રાષ્ટ્ર તો ઝૂંપડાઓમાં વસે છે, પરંતુ અફસોસ! કોઈએ તેમને માટે કદાપિ કશું ર્ક્યું નથી.’ સ્વામીજી માનતા કે ભારતનું પુન :નિર્માણ ગ્રામીણ પુન :નિર્માણ દ્વારા જ શકય થશે. તેમણે કહ્યું હતું, ‘હળ હાંકતા ખેડૂતની ઝૂંપડીમાંથી, માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીમાંથી તેનું – નવભારતનું ઉત્થાન થવા દો.’ ગ્રામીણ પુન :નિર્માણ વિષેના તેમના વિચારો આજના સંદર્ભમાં ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે. દેશના રાજકીય નેતાઓમાં ગાંધીજી પહેલા એવા નેતા હતા કે જેમણે ભારતની ઉન્નતિ માટે ગ્રામીણસેવાના કાર્યને સર્વોચ્ચ મહત્ત્વ આપ્યું અને કોંગ્રેસમાં ગ્રામાભિમુખતાનો અભિગમ પહેલી વાર દાખલ કર્યો. ગાંધીજીનો ચૌદ મુદ્દાઓનો આખોય રચનાત્મક કાર્યક્રમ ગ્રામાભિમુખી જ છે. એમણે આપેલ – અર્થશાસ્ત્ર, ખાદી અને ગ્રામોદ્યોગની તેમની સંકલ્પના – બધું જ ભારતનાં લાખો ગામડાંને અનુલક્ષીને જ કરવામાં આવેલ છે.

સ્વાધીનતા-સંગ્રામના નેતા અને જન્મદાતા :

સ્વામીજી માનતા હતા કે સ્વાધીનતા એ વિકાસની પ્રથમ શરત છે. ૧૮૯૭માં અમેરિકાથી પાછા ફરી કોલમ્બોથી અલ્મોડા સુધી તેમણે જે અગ્નિમય વ્યાખ્યાનો આપ્યાં તેનાથી પ્રેરાઈને તે સમયના ઘણા યુવકોએ માતૃભૂમિના ચરણે પોતાનું સર્વસ્વ ધરી દીધું. ગાંધીજીએ જે સ્વાધીનતા-સંગ્રામનું સંચાલન સફળતાપૂર્વક કર્યું તેના જન્મદાતા હતા, સ્વામી વિવેકાનંદ. ૧૮૯૭ની ૧૪મી ફેબ્રુઆરીએ મદ્રાસમાં વ્યાખ્યાન આપતાં સ્વામીજીએ કહ્યું હતું, ‘આવતાં પચાસ વરસ સુધી આપણો એક જ મુખ્ય સૂર બનવો જોઈએ : આપણી મહાન માતૃભૂમિ ભારત! એટલા સમયને માટે બીજા બધા ફાલતુ દેવોને આપણાં મનમાંથી રજા આપી દઈએ. આ એક જ દેવ, આપણી પોતાની ભારતીય પ્રજા, અત્યારે જાગ્રત છે.’ એ એક અદ્‌ભુત સંયોગ કહેવાય કે આનાં બરાબર પચાસ વર્ષો પછી દેશને સ્વાધીનતા મળી. રોમાં રોલાંએ લખ્યું છે, ‘સ્વામી વિવેકાનંદના દેહાંતનાં ત્રણ વર્ષો પછીની પેઢીએ બંગભંગનું આંદોલન જોયું, જે ટિળક અને ગાંધીજીના આંદોલનનું પૂર્વરૂપ હતું, અને આજે ભારત સંગઠિત જનતાનાં સામૂહિક કાર્યોમાં ભાગ લઈ રહ્યું છે. આ બધું સ્વામી વિવેકાનંદે આપેલ શરૂઆતના ધક્કાના પ્રબળ વેગને કારણે છે.’ શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતે લખ્યું હતું, ‘ગાંધીજીના નેતૃત્વ હેઠળ જે સ્વાધીનતા-સંગ્રામ થયો તેની ભૂમિકા તૈયાર કરવામાં કદાચ સૌથી શક્તિશાળી કારણ સ્વામી વિવેકાનંદ હતા.’ પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું, ‘રાજકારણી શબ્દના રૂઢ અર્થમાં સ્વામીજી રાજકારણી ન હતા. છતાંય ભારતની અર્વાચીન રાષ્ટ્રીય પ્રવૃત્તિના મહાન આદ્યપ્રણેતાઓમાંના એક હતા, તમને ગમે તો તમે બીજો શબ્દ વાપરી શકો છો અને રાષ્ટ્રને આઝાદ કરવાની ચળવળમાં ભાગ લેનાર અનેક લોકોએ સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લીધી હતી.’

પૂર્ણ સ્વરાજયની પરિકલ્પના :

ગાંધીજીની પૂર્ણ સ્વરાજયની પરિકલ્પના સ્વામીજીએ સેવેલ ભારતની સામાજિક અને રાજનૈતિક સમસ્યાઓ વિષેના સંશ્લેષણાત્મક દૃષ્ટિકોણને અનુરૂપ જ હતી. સ્વામીજી જયારે અમેરિકાથી પાછા ફર્યા, ત્યારે ઘણા લોકોએ એમને રાજકારણમાં પ્રવેશ કરીને ભારતને સ્વતંત્ર કરાવવા માટે વિનંતી કરેલી. જવાબમાં સ્વામીજીએ કહ્યું, ‘વાત તો જાણે ઘણી સરસ છે. ધારો કે આવતી કાલે હું ભારતને સ્વતંત્ર કરી દઉં છું. પરંતુ તમે એ સ્વતંત્રતાની રક્ષા કરી શકશો ખરા? આખા દેશભરમાં તમારામાં એવા માણસો ક્યાં છે?’ આજે સ્વામીજીના આ કથનનું મૂળ આપણે બરાબર સમજી શકીએ છીએ. રાજનૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત કર્યે ૭૨ વર્ષો પછી પણ આજે આટલી બધી સમસ્યાઓ છે – તેનું કારણ છે ચારિત્ર્યવાન-દૃઢ મનોબળવાળા મનુષ્યોનો અભાવ. સ્વામીજીએ રાજનૈતિક સ્વાતંત્ર્ય કરતાં જન-જાગરણ, નારી-જાગરણ, કેળવણી, રચનાત્મક કાર્યો વગેરે પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેથી દેશ સ્વાધીનતાનો ખરેખરો લાભ ઉઠાવી શકે. ગાંધીજીએ પણ પૂર્ણ સ્વરાજયની પરિકલ્પનામાં આમજનતાના સર્વાંગીણ વિકાસને આવરી લેતાં રચનાત્મક કાર્યોને મહત્ત્વ આપ્યું. અને એ દ્વારા ફક્ત રાજનૈતિક સ્વતંત્રતા ઝંખતી કોંગ્રેસને એક નવી દિશા આપી.

સત્યના બે મહાન પૂજારીઓ :

ગાંધીજીએ પોતાનું સમસ્ત જીવન સત્યના સાક્ષાત્કાર માટે હોમ્યું. પોતાની આત્મકથા લખી ત્યારે તેનું નામ ‘સત્યના પ્રયોગો’ આપ્યું. આ ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે, ‘હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી પણ હું એનો શોધક છું.’ સ્વામીજીએ પણ પોતાનું જીવન સત્યના સાક્ષાત્કાર માટે અને તેના પ્રચાર માટે અર્પી દીધું. કાૅલેજના વિદ્યાર્થી હતા ત્યારે તેઓ સત્યના સાક્ષાત્કાર માટે એટલા વ્યાકુળ થઈ ગયા કે દરેક મહાપુરુષને જઈને પૂછતા, ‘મહાશય, શું આપે ઈશ્વરનાં દર્શન કર્યાં છે ?’ પણ કોઈ તેમના પ્રશ્નનો જવાબ આપી શકતા નહીં. ત્યાર પછી સદ્ભાગ્યે એમને શ્રીરામકૃષ્ણ પરમહંસ જેવા સદ્ગુરુ સાંપડયા. તેમણે જવાબ આપ્યો, ‘હા, મેં ઈશ્વરનાં દર્શન કર્યાં છે. જેવી રીતે તને જોઉં છું તેથી પણ વધુ પ્રત્યક્ષ રીતે હું તેમનાં દર્શન કરું છું અને તને પણ તેમનાં દર્શન કરાવી શકું છું.’ ગુરુના આદેશ પ્રમાણે ચાલીને રર વર્ષની ઉંમરે સ્વામીજીએ પરમ સત્યનો સાક્ષાત્કાર કર્યો, તેમને નિર્વિકલ્પ સમાધિ સાંપડી. તેઓ તો આ સમાધિના આનંદમાં જ મગ્ન રહેવા માગતા હતા પણ શ્રીરામકૃષ્ણદેવે જગતના કલ્યાણાર્થે સત્યનો પ્રચાર કરવા માટે તેમને આમ કરતાં અટકાવ્યા અને કહ્યું, ‘હવે તો માએ તને બધું બતાવી દીધું છે. જેમ કોઈપણ ખજાનાને પેટીમાં તાળું વાસીને રાખવામાં આવે છે, એવી રીતે તને હમણાં જ પ્રાપ્ત થયેલી આ અનુભૂતિને પણ તાળું વાસીને રાખવામાં આવશે અને એની ચાવી મારી પાસે રહેશે. તારે જગન્માતાનું કાર્ય કરવાનું છે. જયારે તું તે કાર્ય પાર પાડીશ ત્યારે આ તિજોરીનું તાળું ફરી ખોલવામાં આવશે.’ સ્વામીજીએ સમસ્ત જીવન સત્યના પ્રચારાર્થે ગાળ્યું અને ૩૯ વર્ષની ઉંમરે ધ્યાનાવસ્થામાં જ દેહત્યાગ કર્યો.

અહિંસાના પ્રયોગ :

સમસ્ત દેશને બ્રિટિશ રાજયની હકૂમતમાંથી વગર હથિયારે મુકત કરી સ્વાધીનતા અપાવવાનો ચમત્કાર ગાંધીજીએ કર્યો હતો. વિશ્વના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ઘટના છે. સ્વામી વિવેકાનંદજીએ ‘કર્મયોગ’ પુસ્તકમાં અહિંસાના ઉચ્ચતમ આદર્શને સમજાવતાં કહ્યું હતું, ‘પ્રતિકારની શકિત હોવા છતાં આપણે તેનો ઉપયોગ ન કરીએ અને પ્રતિકાર ન કરીએ તો આપણે પ્રેમનું કંઈ ભવ્ય કાર્ય કરી રહ્યા છીએ; પણ જો આપણામાં પ્રતિકાર કરવાની શક્તિ ન હોય અને તે છતાં આપણે ઉચ્ચતમ પ્રેમના દોર્યા પ્રતિકાર નથી કરી રહ્યા એવી આત્મવંચના કરીએ, તો પ્રેમનું કોઈ ભવ્ય કાર્ય થતું નથી.’ ગાંધીજીએ પણ ‘યંગ ઇન્ડિયામાં’ લખ્યું હતું : ‘અહિંસા અને કાયરતા આ બે વિરોધી શબ્દ છે. અહિંસા સૌથી મોટો ગુણ છે અને કાયરતા સૌથી મોટો દુર્ગુણ છે. અહિંસા પ્રેમમાંથી ઉદ્ભવે છે અને કાયરતા હંમેશાં બીજાને પીડા આપે છે.’ સ્વામીજીએ કહ્યું હતું : ‘પ્રતિકારની ભાવના નિર્બળતામાંથી ઉદ્ભવે છે.’ અહિંસા અને પ્રેમના આ આદર્શનો સમસ્ત દેશમાં સત્યાગ્રહના આંદોલનના રૂપમાં અભૂતપૂર્વ પ્રયોગ કરવાનું શ્રેય ગાંધીજીને જાય છે.

શ્રીરામકૃષ્ણદેવના બે મહાન ભક્તો :

સ્વામીજીની પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ પ્રત્યેની ઉત્કટ ભક્તિ સર્વવિદિત છે. પણ ગાંધીજીની શ્રીરામકૃષ્ણ પ્રત્યે કેટલી ઊંડી શ્રદ્ધાભકિત હતી તે અલ્પવિદિત છે. ગાંધીજી શ્રીરામકૃષ્ણને ઈશ્વરના અવતાર તરીકે માનતા. તેમના મહાન ચારિત્ર્યથી તેમણે સર્વધર્મસમન્વય, ત્યાગ, બ્રહ્મચર્ય, સત્યાચરણ, અહિંસા વગેરેનો બોધ ગ્રહણ કર્યો હતો. વિન્સેંટ શીને ગાંધીજીના જીવનચરિત્રમાં લખ્યું છે, ‘શ્રીરામકૃષ્ણ વિષે ગાંધીજીની પ્રબળ ભક્તિ હતી. આ પૃથ્વીમાં શ્રીરામકૃષ્ણ કરતાં વધારે અલૌકિક બીજી કોઈ અભિવ્યક્તિ કદાચ ક્યારેય જોવામાં નથી આવી.’ ફ્રેંચ મનીષી રોમાં રોલાંએ ૪ ઓકોટબર, ૧૯૨૬ના રોજ પોતાની ડાયરીમાં લખ્યું હતું કે શ્રી ધનગોપાલ મુખર્જી સાથે વાર્તાલાપથી જાણવા મળ્યું છે કે ગાંધીજી શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક આકર્ષણ હેઠળ આવી ગયા છે અને તેઓ તેમના જીવન-ચરિત્ર કરતાં વધારે દિવ્યતર કાંઈ જાણતા નથી. રોમાં રોલાં દ્વારા લખાયેલ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશેના ગ્રંથો વાંચીને ગાંધીજી પ્રભાવિત થયા હતા. માદલેન રોલાંને ૬-૧-૧૯૩૩ના પત્રમાં તેમણે જણાવ્યું હતું, ‘કૃપા કરીને ઋષિને (રોમાં રોલાંને) કહેજો કે તેમના રામકૃષ્ણ અને વિવેકાનંદ ઉપરના ગ્રંથો થોડા મહિના પહેલાં જીવનમાં પહેલી જ વાર વાંચ્યા. એ વાંચીને મને ખૂબ આનંદ થયો અને એમના હિન્દુસ્તાન પ્રત્યેના પ્રેમનો પહેલાં કરતાં વધુ સંપૂર્ણ ખ્યાલ આવ્યો.’ ૧૯૨૪માં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત શ્રીરામકૃષ્ણદેવના અંગ્રેજી જીવનચરિત્રની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું હતું, ‘રામકૃષ્ણ પરમહંસના જીવનની કથા એ આચરણમાં ઉતારેલા ધર્મની કથા છે. એમનું જીવન આપણને ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શન કરવા શક્તિમાન બનાવે છે. એમની જીવનકથા વાંચનારને એમ લાગ્યા વિના નહિ રહે કે એક ઈશ્વર જ સત્ય છે અને બાકીનું મિથ્યા છે. રામકૃષ્ણ પ્રભુભકિતની જીવતી જાગતી મૂર્તિ હતા. એમનાં વચનો કેવળ વિદ્વાન માણસોનાં વચનો નથી, પણ એ જીવનરૂપી પુસ્તકનાં પાનાં છે. એમાં એમના પોતાના અનુભવોનું દર્શન થાય છે. એટલે એનાથી વાચકનાં મન પ્રભાવિત થયા વિના રહી જ ન શકે, એવી છાપ પડે છે. અશ્રદ્ધાના આ યુગમાં રામકૃષ્ણ એક જ્વલંત અને જીવંત શ્રદ્ધાનું ઉદાહરણ પૂરું પાડે છે. આ ઉદાહરણ હજારો સ્ત્રી-પુરુષોને આશ્વાસન આપે છે.’ આ આશ્વાસન જો તેમને ન મળ્યું હોત તો તેઓ આધ્યાત્મિક પ્રકાશથી જીવનભર વંચિત રહી જાત. રામકૃષ્ણનું જીવન અહિંસાનો પદાર્થપાઠ હતો. એમનો પ્રેમ ભૌતિક કે બીજી કોઈ જાતની મર્યાદામાં બંધાયો ન હતો.

રામકૃષ્ણ મિશન અને ગાંધીજી :

સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થપાયેલ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સ્વામીજીના વિચારો પ્રમાણે રાજનીતિથી અળગું રહેતું આવ્યું છે, માટે ગાંધીજીના અસહકાર આંદોલનમાં આ સંસ્થાએ સક્રિય ભાગ નહોતો લીધો, પણ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો જે સ્વામી વિવેકાનંદના આદર્શાે સાથે મળતા આવે છે તેમને અપનાવ્યા હતા. ગાંધીજીનાં કાર્યોની પ્રશંસા શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો સ્વામી શિવાનંદજી મહારાજ, સ્વામી અખંડાનંદજી મહારાજ, સ્વામી તુરીયાનંદજી મહારાજ, સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ વગેરેએ કરી છે. રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજે નવેમ્બર, ૧૯૨૨માં ગાંધીજી વિશે કહ્યું, ‘એ વાતમાં કોઈ શંકા નથી કે મહાત્મા ગાંધી ખરેખર ઘણી શક્તિઓથી વિભૂષિત છે… સ્વામી વિવેકાનંદે પોતાનાં ભાષણોમાં ભારતનું હિત ખરેખર શેમાં રહેલું છે, તે વિષે ઘણીવાર ઉલ્લેખ કર્યો હતો. ભારતના પુનરુદ્ધાર માટે આજથી ર૫-૩૦ વર્ષો પૂર્વ તેમણે જે સમાધાનો સૂચવ્યાં હતાં – અસ્પૃશ્યતા નિવારણ, દલિત વર્ગાેની ઉન્નતિ, આમ જનતાની કેળવણી વગેરે, તે બધાંનો પ્રચાર હવે મહાત્મા ગાંધી દ્વારા થઈ રહ્યો છે.’ ગાંધીજી પણ રામકૃષ્ણ મઠ અને મિશન પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવતા. ૧૯૨૯ની ૧૪મી માર્ચે રામકૃષ્ણ મિશનના રંગુન કેન્દ્રમાં (આ કેન્દ્ર હવે બંધ થઈ ગયું છે.) ભાષણ આપતાં તેમણે કહ્યું હતું, ‘રામકૃષ્ણ મિશને મને કૃપાપૂર્વક જે માનપત્ર આપ્યું છે તે બદલ હું તેમનો આભાર માનું છું….. હવે હું તમને શ્રીરામકૃષ્ણ પરમહંસ અને તેમના કાર્ય વિશે કંઈક કહેવા માગું છું. તેઓ આપણે માટે એક મહાન કાર્ય મૂકી ગયા છે. મને તેમના કાર્યમાં શ્રદ્ધા છે અને તમે પણ તેને અનુસરો એમ હું ઇચ્છું છું. હું જયાં જયાં જાઉં છું ત્યાં રામકૃષ્ણના અનુયાયીઓ મને નિમંત્રે છે અને હું જાણું છું કે મારા કાર્યમાં તેમના આશીર્વાદ છે. રામકૃષ્ણ સેવાશ્રમ અને ઇસ્પિતાલો ભારતભરમાં છે. નાના કે મોટા પાયા પર તેમનું કાર્ય ન હોય એવી એક પણ જગ્યા નથી. ઇસ્પિતાલો ખોલવામાં આવી છે અને એમાં ગરીબોને દવા અને માવજત અપાય છે. મારી પાસે સમય ભાગ્યે જ રહે છે એટલે ઝાઝું કહેવું મને ગમતું નથી. રામકૃષ્ણનું નામ મને યાદ આવે છે, ત્યારે વિવેકાનંદને હું ભૂલી શકતો નથી. વિવેકાનંદની પ્રવૃત્તિને લીધે સેવાશ્રમો ખૂબ ફેલાયા છે અને પોતાના ગુરુને જગપ્રસિદ્ધ કરનારા જો કોઈ હોય તો તેઓ પોતે જ હતા. એવા સેવાશ્રમ વધે એવી મારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. જેઓ શુદ્ધ હોય અને જેમને ભારત માટે પ્રેમ હોય એવા લોકો એમાં જોડાશે, એવી મને આશા છે. ભારત પ્રત્યેના પ્રેમથી પ્રેરાયેલું કાર્ય ભલે તેઓ કરે.’ કોલંબોની વિવેકાનંદ સોસાયટીમાં પણ ગાંધીજી ગયા હતા અને ૧૯૨૭ની ૧૩મી નવેમ્બરે ભાષણ આપતાં તેમણે કહ્યું હતું, ‘વિવેકાનંદ નામ એવું છે કે જે લેતાંની સાથે આપણને જાદુઈ અસર થાય છે. હિંદુસ્તાનના જીવન પર એક ન ભૂંસી શકાય એવી છાપ તેઓ મૂકી ગયા છે અને તમને અત્યારે હિંદુસ્તાનના ઘણા ભાગોમાં તેમને નામે સ્થપાયેલી સોસાયટીઓ જોવા મળશે. એ ઉપરાંત રામકૃષ્ણ મિશનની અનેક શાખાઓ તો વળી જુદી છે.’ ગાંધીજીએ રામકૃષ્ણ મિશનના કોયમ્બતુર કેન્દ્રની ‘વિવેકાનંદ લાયબ્રેરી’ના મકાનનો પાયો ૧૯૨૯ની ૨૪મી એપ્રિલે નાખ્યો હતો; રામકૃષ્ણ મિશનના વૃંદાવન કેન્દ્રની મુલાકાત ૧૯ર૯ની ૭મી નવેમ્બરે લીધી હતી. રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુર મઠની ગાંધીજીએ બે વખત મુલાકાત લીધી હતી. તેઓ ૧૯૦૧માં સ્વામીજીને મળવા ગયા હતા પણ દુર્ભાગ્યે ત્યારે સ્વામીજી મઠમાં ન હતા. ૧લી જુલાઈ, ૧૯૩રના પત્રમાં ગાંધીજીએ સ્વામી આનંદને લખ્યું હતું, ‘વિવેકાનંદ મહાન સેવક હતા. એ વિશે મારા મનમાં શંકા નથી. જેને તેમણે સત્ય માન્યું તેને સારુ પોતાનો દેહ ગાળી નાખ્યો, એ તો આપણે પ્રત્યક્ષ જોયું. ૧૯૦૧ની સાલમાં જયારે હું બેલુર મઠ જોવા ગયેલો ત્યારે સ્વામી વિવેકાનંદનાં પણ દર્શન કરવાની મને ભારે અભિલાષા હતી, પણ મઠમાં રહેનાર સ્વામીએ ખબર આપેલા કે એ તો માંદા છે, શહેરમાં છે અને તેમને કોઈ મળી શકે તેમ નથી, એટલે નિરાશ થયો હતો.’ સ્વામી વિવેકાનંદજીની જન્મતિથિ પ્રસંગે ૬ ફેબ્રુઆરી, ૧૯૨૧માં ગાંધીજીએ પંડિત મોતીલાલ નહેરુ, મહમદઅલી વગેરેની સાથે બેલુર મઠની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાંની બધી પ્રવૃત્તિઓનો અને અન્ય બાબતોનો રસપૂર્વક અભ્યાસ કર્યો અને પછી ઉપસ્થિત જનસમુદાયને સંબોધતાં તેમણે જણાવ્યું કે તેઓ તે દિવસે સ્વામીજીને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે આવ્યા હતા; રેંટિયો અથવા અસહકારના આંદોલનનો પ્રચાર કરવા માટે નહિ. તેમણે કહ્યું, ‘મને સ્વામી વિવેકાનંદ પ્રત્યે ખૂબ જ આદર છે. મેં તેમનાં ઘણાં પુસ્તકોનો અભ્યાસ કર્યો છે અને આ પુસ્તકો વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ હજારગણી વધી ગઈ અને એ મહાન પુરુષના આદર્શાે ઘણી બાબતમાં મારા આદર્શાે સાથે મળતા આવે છે. સ્વામી વિવેકાનંદ જીવતા હોત તો રાષ્ટ્રીય જાગૃતિમાં આપણને ખૂબ જ સહાયભૂત થાત.’

ઉપસંહાર :

આપણે વિભિન્ન દૃષ્ટિકોણોથી જોયું કે સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીના વિચારોમાં ઘણી બાબતોમાં સામ્ય હતું. સીધી યા આડકતરી રીતે સ્વામી વિવેકાનંદના આદર્શાે અને વિચારોનો પ્રભાવ ગાંધીજીના માનસપટલ પર પડ્યો હતો. પ્યારેલાલ અને વિન્સેંટ શીલે ગાંધીજીની જીવનકથામાં આ પ્રભાવનો ઉલ્લેખ કર્યો છે. રોમાં રોલાં, કાકા કાલેલકર, આચાર્ય વિનોબા ભાવે, પંડિત જવાહરલાલ નહેરુ, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત, આચાર્ય ક્રિપલાણી, કુમારપ્પા વગેરેએ પોતાનાં લખાણોમાં ગાંધીજી પર શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પ્રભાવનો ઉલ્લેખ કર્યો છે. ગાંધીજીએ પોતે પણ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનો પોતાના પર પડેલ પ્રભાવનો ઉલ્લેખ કરેલ છે. સ્વામીજીના રાજનૈતિક અને સામાજિક વિચારોનો જીવનવ્યવહારમાં પ્રયોગ કરવાનું ભગીરથ કાર્ય ગાંધીજીએ કર્યું હતું. સ્વામીજીનું કથન એ જ જાણે કે ગાંધીજીનું જીવન એવો આભાસ કોઈ કોઈને થાય છે. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનાં જીવન અને દર્શનનું તુલનાત્મક અધ્યયન એ ખરી રીતે જોતાં તો એક ગવેષણાનો વિષય છે. અહીં તો અમે આ વિષય પર થોડા મુદ્દાઓને સૂત્રરૂપે આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આ બન્ને મહાપુરુષોનાં જીવન અને સંદેશનું ગહન અધ્યયન આપણા સૌને માટે આજે પણ અત્યંત લાભદાયક નીવડે તેમ છે.

Total Views: 509

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.