ગંભીર માંદગી વખતે સામાન્ય રીતે આપણે બધાં વારંવાર આવું કહેતાં હોઈએ છીએ, ‘ભગવાને જે નસીબમાં લખ્યું હશે તે જ થશે. ભાગ્યનો દોષ કોને દેવો. જન્મના ગ્રહો જ ખરાબ છે, તેથી આટલી બધી માંદગીની તકલીફ પડે છે, વગેરે.’ પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે ભાગ્યનો દોષ કે આપણું નસીબ કે આપણા જન્માક્ષર એક વૈજ્ઞાનિક રીતે કુદરતે આપણને ડીએનએ-જનીનતત્ત્વના રૂપે આપ્યાં છે.

આ ડીએનએ એક એવું જટિલ તત્ત્વ છે કે જેની રચના એબીસીડીના કેવળ ચાર અક્ષરો એટલે કે A- એડીનાઈન, G – ગુઆનાઈન, T – ટાયરોસીલ, C- સાયરોસીલ નામનાં તત્ત્વોથી બનેલું છે જેને આપણે ન્યુક્લીઓટાઈડ કહીએ છીએ. આ ન્યુક્લીઓટાઈડના ચારમાંથી ત્રણ અક્ષરો ભેગા કરીને એક ખાસ પ્રકારનું પ્રોટીન શરીરની જરૂરિયાત પ્રમાણે બનાવે છે. તે પણ એક ખાસ ગોઠવણ પ્રમાણે જ. જેમ કે લોહીનું હીમોગ્લોબીન ગ્લોબીન નામનું જનીનતત્ત્વ બનાવે છે. તેના અક્ષરોનો સમૂહ ATT, TCC હોય તો તેનું કાર્ય બરાબર કરે છે. પરંતુ જો આ અક્ષરોની ગોઠવણમાં ફેરફાર થાય એટલે કે A ની જગ્યાએ G આવી જાય તો તેનું કાર્ય ખોટવાઈ જાય અને લોહીમાં હીમોગ્લોબીનનું ઉત્પાદન ઓછું કરે, જેને આપણે થેલેસેમિયા કહીએ છીએ. તે જ રીતે આપણાં આંખ, કાન, નાક, બુદ્ધિમત્તા, સ્વભાવ, આવનાર ભવિષ્યમાં થનારા રોગો વગેરેની બધી જ માહિતી એક કમ્પ્યૂટર પ્રોગ્રામના પ્રમાણે આપણા ડીએનએ રૂપી જનીનતત્ત્વમાં ભરેલી હોય છે. તેમાં જો જરા પણ ફેરફાર થાય તો તે જનીનતત્ત્વ તેનું કાર્ય બદલીને કોઈ નવું જ કાર્ય – કરવા માંડે અથવા જુદા જ પ્રકારનું રસાયણ – પ્રોટીન બનાવે, જે શરીરને હાનિકારક હોય, જેને વૈજ્ઞાનિક ભાષામાં મ્યુટેશન (Mutation) કહેવાય.

સામાન્યત : આપણી સમજ એવી હોય છે કે જનીનતત્ત્વો તો વારસામાં જ મળે – હા, તે સાચું પરંતુ તે જનીનતત્ત્વોની ઉપર વાતાવરણ, ખોરાક, રહેણીકરણી વગેરેની પણ અસર થાય જેને Epigenomics કહેવાય છે. તેથી આપણા ઘણા રોગો જેવા કે કેન્સર, ખોડખાંપણવાળાં બાળકો, સ્વભાવની ઉગ્રતા વગેરેમાં આ જનીનતત્ત્વો સાથે આપણી ખોરાકની ટેવો, વાતાવરણ, વિચારો, વાંચન વગેરેની અસર પણ થતી હોય છે. દા.ત. કોઈ કુટુંબમાં ન્યુરલ ટ્યૂબ ડીફેક્ટવાળું બાળક વારંવાર આવતું હોય તો આવા કેસમાં જો માતાને તેની પ્રેગનન્સી પહેલાં ફોલીક એસિડ, વિટામિન B-12 આપવામાં આવે તો જનીનોની ખરાબ અસર ઘણીખરી ઓછી કરી શકાય છે. તેવી જ રીતે કેન્સર – તેમાં મુખ્યત્વે મોઢાનું કેન્સર જે આપણા દેશમાં વધારે જોવા મળે છે તેમાં તમાકુ, બીડી, સિગારેટનો જ મુખ્ય ફાળો હોય છે. કારણ કે આ બધી વસ્તુઓ આપણાં જનીનતત્ત્વોને નુકસાન કરીને આ સામાન્ય કાર્યમાંથી ચલિત કરીને નવું જ પ્રોટીન બનાવે છે જે શરીરના કોષોને નુકસાન કરીને તેને લિમિટની બહાર વધવા દે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં Oncogene Expression કહી શકાય. આવા તો અનેક રોગો, અનેક ખોડખાંપણો છે જે કાં તો વારસામાં પેઢી-દર પેઢીથી ચાલતાં આવે છે. જીવનકાળ દરમિયાન આપણે આપણી કુટેવો દ્વારા તેને નુક્સાન કરીએ છીએ. અથવા તેને સારો ખોરાક, સારું વાંચન, વાતાવરણ વગેરેથી સારું પણ કરી શકીએ છીએ.

તેથી જ તો અત્યારનું વિજ્ઞાન પુરવાર કરે છે કે બાળકના ગર્ભસ્થ સંસ્કારો, તે દરમિયાન માતાની શારીરિક, માનસિક સ્વસ્થતા, તેના વિચારોની તેનાં જનીનોની ગોઠવણ ઉપર અસર થાય છે જે બાળક મોટું થાય ત્યારે જોવા મળે છે જેને fetalhood Environment-Adulthood growth કહેવાય છે. માતા પ્રેગનન્સી દરમિયાન ખુબ માનસિક તણાવમાં હોય તો તેના આવનાર બાળક ઉપર તેની અસર પડીને તે બાળકને ભવિષ્યમાં તેના કાર્ય ઉપર, બુદ્ધિમત્તા ઉપર અસર પડે છે કારણ કે તેનું Senetic Programming માતાના ઉદરમાંથી શરૂ થાય છે.

એટલે જ આપણા ડીએનએરૂપી કુદરતે આપેલ જનીનતંત્રને વારસા ઉપરાંત સાચવવાની જવાબદારી પણ આપણી છે. તેને જેટલું નુકસાન વધુ કરીશું તેટલી તેની અસર આવનાર પેઢી ઉપર પડશે. તેથી જ જો આપણે આવનાર પેઢીને શારીરિક, માનસિક સમૃદ્ધ બનાવવી હોય તો આપના ડીએનએને સારી રીતે આપણે જાળવવા પડશે, જે સારો ખોરાક, સ્વચ્છ વાતાવરણ, સારું વાંચન, પ્રાર્થના જ આપી શકશે -એટલે કે આપણું ભવિષ્ય આપણા જ હાથમાં છે – જરૂર છે તેને સમજવાની – તેની માવજત કરવાની.

Total Views: 337

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.