સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ…

આધુનિક મનોવિજ્ઞાન અને નૈતિકતા :

હાલમાં નૈતિક અનુશાસનોને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં દમન અને અસ્વાભાવિક નિયંત્રણ સાથે વધારે જોડવામાં આવે છે. પ્રાચીન હિન્દુ ઋષિઓ ઇન્દ્રિયોને ઉચ્ચતર દિશા પ્રદાન કરવામાં શ્રદ્ધા રાખતા હતા. આપણે કાને શુભ સાંભળીએ, નેત્રો દ્વારા શુભ જોઈએ. આપણે પરમાત્માની સ્તુતિ અને આરાધના કરીએ તથા સ્થિર અને પ્રબળ દેહ તથા ઇન્દ્રિયો દ્વારા નિર્ધારિત જીવનનો ઉપભોગ કરીએ.

વ્યક્તિ શાંતિ-સમરસતાને ત્યારે જ સાચે અનુભવેે છે, જ્યારે તે પોતાનાં ઇન્દ્રિયો અને મનનો સ્વામી બને છે; જ્યારે આધ્યાત્મિક જીવનને દ્વન્દ્વરહિત અને સ્વાભાવિક રીતે જીવે છે. માનસિક શુદ્ધિની પ્રક્રિયા સાધનાની ભાષામાં ‘પરગેશન’, મનોવૈજ્ઞાનિક ભાષામાં ‘ઉદાત્તીકરણ’ કહેવાય. વાસનાઓ કે ‘મૌલિક સહજવૃત્તિઓ’ને ઉચ્ચ દિશા પ્રદાન કરવાની પ્રક્રિયા છે.

આધુનિક મનોવિજ્ઞાને એક પ્રણાલી શોધી કાઢી છે. એ વિશે ભારતના પ્રાચીન અધ્યાત્મ આચાર્યો વધારે પ્રમાણમાં જાણતા હતા. આધુનિક મનોવિશ્લેષણની પ્રણાલીઓનો મુખ્ય ઉદ્દેશ રોગીની માનસિક સમસ્યાઓનાં મૂળ તેમજ મનમાં ઊંડે સુધી પેસી ગયેલા કારણને ચેતનાના સ્તર પર લાવવાનો અને તેનું જ્ઞાન કરાવવાનો છે. કેટલાક નિર્લજ્જ મનોવૈજ્ઞાનિકો રોગીઓને પોતાની સ્થૂળ વાસનાઓની ઉન્મુક્ત રૂપે પૂર્તિ કરવાની સલાહ આપે છે.

પરંતુ ડૉ. હેડફિલ્ડ નામના એક જાણીતા મનોવૈજ્ઞાનિક કહે છે, ‘ઉપચાર એવં રોગનિવૃત્તિની દૃષ્ટિએ ‘પોતાની સ્વાભાવિક પ્રવૃત્તિઓને અભિવ્યક્ત કરો’ની સલાહ મૂર્ખતાપૂર્ણ છે. પોતાના સાક્ષાત્ અનુભવથી મેં કોઈપણ સાચા માનસિક રોગીને… ઉન્મુક્ત કામોપભોગ દ્વારા સ્વસ્થ થતાં જોયો નથી.’

આજકાલ મનોવિશ્લેષણની જે પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, તેમાં રોગીને કહેવામાં આવે છે-

૧. તેને ચંચળ બનાવનારી ઇચ્છાને નવી દૃષ્ટિએ જુએ તેમજ તેને પૂર્ણતયા કે આંશિકરૂપે ભય અને ઘૃણામુક્ત બનીને સ્વીકારી લે. ૨. સમસ્યાનો સીધો સામનો કરે તેમજ વધારે પડતી ગ્લાનિ વિના તેનો અસ્વીકાર કરે. ૩. તેને ઉચ્ચતર માર્ગમાં ઉચ્ચતર લક્ષ્ય તરફ પરિચાલિત કરે.

વ્યક્તિગત મનોવિજ્ઞાનની શાખાના પ્રતિષ્ઠાતા ડૉ. એડલર હંમેશાં સમાજ માટે ઉપયોગી એક સ્વાસ્થ્યકર જીવનપદ્ધતિનું અનુસરણ કરવાની સલાહ આપે છે. હિન્દુ ધર્મના અધ્યાત્મજગતના આચાર્યો પણ આપણી વાસનાઓને ઉચ્ચતર દિશા આપવાની સલાહ આપે છે. શ્રીરામકૃષ્ણ કહે છે : ‘છ શત્રુઓને (કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર) ઈશ્વર તરફ વાળી દો. આત્મા સાથે રમણ કરવાની કામના કરવી. જે ઈશ્વરના પથ પર અડચણ નાખે છે, એના પર ક્રોધ કરવો, ઈશ્વરને જ મેળવવા લોભ કરવો. અને જો મમતા કરવી હોય તો એને માટે જ કરવી. જેવી રીતે ‘મારા રામ’ , ‘મારા કૃષ્ણ’… જો અહંકાર કરવાનો હોય,… તો તમે ભગવાનના દાસ છો, ભગવાનનું સંતાન છો, એવું વિચારીને કરો.’

ડૉ. એડલરનું આ કથન કેટલું સત્ય છે, ‘પોતાના વિશેની પોતાની માન્યતાને પરિવર્તિત કરીને આપણે પોતાની જાતને પણ બદલી શકીએ છીએ.’ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘પોતાને, બધાંને, તેના વાસ્તવિક સ્વરૂપનું શિક્ષણ આપો… શક્તિ પ્રાપ્ત થશે, સારાપણું આવશે, પવિત્રતા આવશે; જે કંઈ મહાન છે, સર્વશ્રેષ્ઠ છે તે પ્રાપ્ત થશે…’ હિન્દુ આચાર્યો આ આદર્શના તર્કસંગત અંતિમ નિર્ણય સુધી સામાન્ય મનોવિજ્ઞાનની પેલે પાર સુધી પહોંચે છે.

મધ્યમ માર્ગ :

આપણી વર્તમાન માનસિકતાની અવસ્થામાં દેહ અને મન પરસ્પર ઘણાં વધારે સંબંધિત છે અને એક બીજાને પ્રભાવિત કરે છે. એટલે આપણે એ બન્નેનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન બુદ્ધની વાત યાદ કરો. તેઓ મહેલનાં સુખોથી કંટાળી ગયા, ગૃહત્યાગ કરીને કઠોર તપસ્યા કરી. એક દિવસ જ્યારે તેઓ ઊભા થવા ગયા, તો બેભાન થઈને પડી ગયા. ભાનમાં આવ્યા પછી એમણે એક મધુર ગીત સાંભળ્યું :

સીતારનો અધિક ખેંચેલો તાર તૂટી જાય છે,

સંગીત પણ નથી નીપજતું.

અત્યધિક ઢીલો તાર મૂક રહે છે,

સંગીત જાણે મરી જાય છે.

તારને સાધો, ન વધારે ઢીલો, ન કસાયેલો.

એ સમયે સુજાતા નામની એક ગ્રામીણ મહિલા એ તરફ આવી અને બુદ્ધે તેણે નિવેદિત કરેલું ક્ષીરપાત્ર સ્વીકાર્યું. પુન : શક્તિ પ્રાપ્ત કરીને બુદ્ધ ગહન ધ્યાનમાં લીન થઈ ગયા અને નિર્વાણ-જ્ઞાનલાભ પ્રાપ્ત કર્યો. અત્યધિક ભોગાસક્તિ અને આત્મનિગ્રહ તે બન્ને ત્યાજ્ય છે. બુદ્ધે અતિમાત્ર તપસ્યા અને ભોગાસક્તિ રહિત સમ્યક્ ભાવના, સમ્યક્ આજીવિકા અને સમ્યક્ ધ્યાનના મધ્યમ માર્ગને ખોળી કાઢ્યો. બુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણે આ જ સંદેશ આપ્યો હતો. યુક્ત-આહાર, યુક્ત-વિહાર, યુક્ત-કર્મપ્રચેષ્ટા, યુક્ત નિદ્રા અને જાગરણવાળા યોગી માટે યોગ દુ :ખનાશક બને છે.

એના પણ પહેલાં વૈદિક ઋષિઓએ કહ્યું હતું, ‘પોતાના સ્વભાવને અનુરૂપ આહાર રક્ષક હોય છે, તે હાનિ પહોંચાડતો નથી. એનાથી વધારે માત્રામાં હાનિકારક બને છે અને ઓછી માત્રામાં શરીરનું રક્ષણ કરતો નથી. (શતપથ બ્રાહ્મણ-૯.૨.૧.૧)

મુખથી ખાવાનો આહાર સમ અને શુદ્ધ હોવો જોઈએ, અન્ય ઇન્દ્રિયો દ્વારા ગૃહિત આહાર પણ શુદ્ધ હોવો જોઈએ. નૈતિક જીવન જીવવું જોઈએ. આ જ છે મધ્યમ માર્ગ. (ક્રમશ 🙂

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.