નર્મદે હર ! આજે ૦૪થી ફેબ્રુઆરી, ૨૦૧૫. સવારે લોહારાથી નીકળી મોહીપુરા પહોંચતાં ૧૧ :૩૦ થઈ ગયા હતા. મોહીપુરા ગામને પાદરે નર્મદા તટે વિશાળ મેદાન જેવી ભેખડ પર સમતલ સૂકી જમીન પર એકાદ એકરમાં ફેલાયેલ, ઝાડપાનથી સુશોભિત આશ્રમનાં સુંદર દર્શન થતાં હતાં. આશ્રમથી ૭૦૦ મીટર જેટલા પટ પછી મા નર્મદાનો નાનો પ્રવાહ વહી રહ્યો હતો. આશ્રમમાં પ્રવેશતાં સ્વચ્છતા, સુઘડતા તથા ચેતનવંતી સારસંભાળ અને પરિક્રમાવાસી માટે સામાન્ય સુવિધા નજરે પડતી હતી. ગામના કેટલાક આગેવાનો આશ્રમમાં બેઠા હતા. આશ્રમના નાનકડા મંદિરમાં દર્શન કરી અમે લોકો પાસે બેઠા. તે લોકોએ સંન્યાસીઓને નમો નારાયણ કહીને પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. વાતો કરતાં જાણવા મળ્યું કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના સ્વામી અમૂર્તાનંદજી દ્વારા આ મંદિરની સ્થાપના થયેલી છે. થોડા મહિના પહેલાં જ તેઓએ દેહત્યાગ કર્યો હતો. લોકોએ મહારાજની આધ્યાત્મિક શક્તિનો અને અંતકાળ સમયની બીમારીનો ઉલ્લેખ કર્યો. અમે પણ અમારો પરિચય આપતાં તેઓ વિશેષ આદર દેખાડવા લાગ્યા. અમને રહેવા માટે મહારાજના ઓરડાની બાજુમાં એક ઓરડો અને થોડે દૂર ઘાસની કુટિયા બતાવી. સંન્યાસી કૃત્રિમ સુખસુવિધાઓ કરતાં પ્રકૃતિના ખોળે રહીને આહ્લાદ માણીને શરીરને ઘડવાનું પસંદ કરતા હતા. એટલે સંન્યાસીઓએ ઘાસથી બનાવેલા તંબુમાં આસન લગાવ્યું. એક રસોઇયો આવ્યો અને તેણે અમને અમૃત સમાન રસોઈ પકાવી દીધી. રસોઈ પકાવવામાં અમે તેને મદદ કરી હતી તેથી તેઓ અત્યંત રાજી થયા હતા. સાંજે નર્મદા સ્નાને જતાં પહેલાં જોયું કે આશ્રમમાં વિદેશી જાતિનું નાનું સફેદ કૂતરું જાણે એ જ આશ્રમનું માલિક હોય તેવી રીતે રહેતું હતું. અમારી આસપાસ ફરતું હતું. અમે પણ તેને પુચકારી મિત્ર બનાવી લીધું અને તે પણ અમારી આસપાસ ફરવા લાગ્યું. પી.સ્વામીએ જોયું કે તેની એક આંખ ઉપર ઊંડો ઘા લાગેલો છે તે વકરવાની પણ શક્યતા ખરી. એટલે પી.સ્વામી તાત્કાલિક આસપાસમાંથી ચૂનો (પાનમાં નાખવાનો) શોધી લાવ્યા. કૂતરું માંડમાંડ પકડમાં આવ્યું અને પી.સ્વામીએ પરાણે પરાણે તેને થયેલ ઘામાં ચૂનો ભરી દીધો. તેને થોડું દર્દ જરૂર થયું હશે, પણ કોઈ ઉપાય ન હતો. અમે અહીં લગભગ બે દિવસ રહ્યા. પી.સ્વામીએ તેને બે દિવસમાં બે-ત્રણવાર ચૂનો લગાવ્યો અને ઘા પણ રુઝાતો જતો હતો. આ નાનકડું વિદેશી સફેદ કૂતરું અમારું પાકું દોસ્ત બની ગયું હતું. રાત્રે ઘાસની ઝૂંપડીનો દરવાજો ઘણીવાર સુધી ખટખટાવ્યે રાખ્યો અને જ્યાં સુધી પ્રવેશ મેળવી પગ પાસેના એક બ્લેન્કેટમાં સ્થાન લીધું નહીં ત્યાં સુધી શાંત રહ્યું નહીં. જ્યારે બે દિવસ પછી અમે આશ્રમથી આગળ જવા નીકળ્યા ત્યારે તે અડધો કિ.મી. સુધી સાથે આવ્યું હતું. પ્રાણીઓ પણ નાનો ઉપકાર ભૂલતાં નથી. અને કેટલાય પોતાને શિક્ષિત ગણાવતા આધુનિક માનવ આપણે શું કરીએ છીએ.

સાંજે નર્મદાસ્નાન કરવા માટે નીકળી પડ્યા. ભેખડ ઉપરથી નીચે ઊતરી પાંચસો મીટર ચાલીને નર્મદા નદીએ પહોંચી ગયા. અહીં મોહીપુરામાં નર્મદા બે ભાગમાં ફંટાય છે. વચ્ચે વિશાળ ટાપુ જેવી સમતલ જગ્યા છે. મોહીપુરા દક્ષિણ તટે. આ દક્ષિણ તટ પાસે નર્મદાનો પ્રવાહ (લગભગ સાત-આઠ મીટર) સાંકડો છે ને વચ્ચે વિશાળ ટાપુને કારણે નર્મદાનો ઉત્તર તટનો ફાંટો તો દેખાતો જ ન હતો ! આ સાંકડા પટને કારણે નર્મદાનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે જો એમાં ભૂલથીય પગ મૂકાય જાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં તણાય જવાય. ત્યાંના લોકોએ અમને પહેલેથી જ ચેતવ્યા હતા. એટલે અમે કાંઠે બેસીને કમંડળથી પાણી ભરી ભરીને સ્નાન કર્યું. આ દરમિયાન એક અદ્‌ભુત દૃશ્ય નિહાળ્યું. આવો તેજ પ્રવાહ હોવા છતાં ચારપાંચ નાગાંપૂગાં ટાબરિયાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરતાં હતાં ને વળી પાછાં એ જ તેજ પ્રવાહની સાથે પણ તરતાં રહીને ક્રીડા કરતાં હતાં ! આ અદ્‌ભુત દૃશ્ય જોઈને સંન્યાસીના મનમાં વિચાર આવ્યો કે જો આ બાળકોને યોગ્ય તાલીમ અને અભ્યાસ કરાવવામાં આવે તો તેઓ છેક ઓલમ્પિક સુધી પહોંચી શકે. પરંતુ શિક્ષણતંત્ર અને સમાજની સુયોજિત વ્યવસ્થાના અભાવે આવી તો કેટલીય પ્રતિભાઓ દેશમાંથી નષ્ટ થઈ જતી હશે ! આ આપણા સહુ માટે ચિંતા ને ચિંતનીય વિષય છે.

મોહીપુરાનો નર્મદા તટ તીર્થસ્થાન સમાન છે. ભાર્ગવઋષિએ અહીં એક હજારથી વધુ યજ્ઞોનું દર્શન કર્યું; આ સ્થળ સહસ્ત્રયજ્ઞાતીર્થ તરીકે ઓળખાય છે. અહીં કરેલાં પિતૃકર્મ, દેવકર્મનું ફળ તીર્થકર્મ થઈ જાય છે. મોહીપુરા એટલે તેના નામ ગુણ પ્રમાણે મોહક તીર્થ જ હતું એટલે અમે અહીં બે દિવસ રોકાઈ ગયા હતા. ગામના ભક્તના આગ્રહના કારણે બે સંન્યાસીએ મોહીપુરા ગામમાં આવેલ દ્વારકાધીશ અને બ્રહ્મેશ્વર મંદિર અને હનુમાન મંદિરનાં દર્શન કર્યાં. પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે આ આશ્રમની સ્થાપના સ્વામી અમૂર્તાનંદજીએ કરી હતી. લોકોના કહેવા પ્રમાણે તેઓ આધ્યાત્મિક રીતે પણ સક્ષમ હતા. આશ્રમના કારભારી ભક્તે મહારાજની આધ્યાત્મિક અનુભૂતિની મહારાજના હસ્તાક્ષરમાં લખેલી ચોપડીઓ બતાવી અને કહ્યું કે સાધારણ રીતે અમે આ કોઈને બતાવતા નથી પણ આમાંથી આપને કંઈ મેળવવા જેવું હોય તો વાંચી શકો છો.

આ હસ્તપ્રતનું વિહંગાવલોકન કરતાં મહારાજની આધ્યાત્મિક અનુભૂતિઓનું વર્ણન અચંબિત કરતું હતું. મનની કેટકેટલીયે દિવ્ય અને વિચિત્ર અવસ્થાઓ હોય તેની પ્રતીતિ થઈ. સંન્યાસીએ વ્યક્તિગત તારણ કાઢ્યું કે મનની અવસ્થાઓનાં આ અરણ્યોમાં મહારાજ ક્યાંક અટવાઈ ગયા હતા. એ ગુરુ કે ઇષ્ટ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા કે સમર્પિતતાનો અભાવ કે મહત્ત્વકાંક્ષાઓ કે બીજાં કોઈ કારણો હોઈ શકે. આમ સંન્યાસીને એવું લાગ્યું કે જેમ જેમ સાધક આધ્યાત્મિક સાધનામાં આગળ વધે તેમ તેમ ખૂબ જ સાવધાની રાખવી પડે.

૦૬ ફેબ્રઆરી, ૨૦૧૫ની સવારે સંન્યાસીઓ નર્મદે હરના સાદ સાથે છ કિ.મી. દૂર આવેલ દત્તવાડા ગામે જવા રવાના થયા. લગભગ ૧૧વાગ્યાની આસપાસ પહોંચી ગયા. દત્તવાડા કપાલમોચન તીર્થ પણ કહેવાય છે. કહેવાય છે કે કપાલેશ્વર શિવજીની આરાધનાથી મુક્તિ મળે છે. શિવલોકની પ્રાપ્તિ થાય છે. થોડાં વર્ષો પૂર્વે ચંગા મહારાજ નામે એક મહાત્માના પ્રતાપે અહીં નર્મદા કિનારાના ઊંચા ટેકરા પર મોટો આશ્રમ અસ્તિત્વમાં આવ્યો હતો. મધ્યમ પ્રકારનો આશ્રમ પ્રાચીન લાગતો હતો. આશ્રમમાં પ્રવેશતાં જ મંદિરનું નવીનીકરણ થતું હોવાથી ચારે તરફ અસ્તવ્યસ્ત હતું. આશ્રમના પાછળના ભાગમાં મંદિરને લાગેલી ભંડકિયા જેવી સ્વચ્છ ઓરડીઓ હતી. આ મંદિરની પાસે નર્મદા તરફ પૂર્વ બાજુએ એક નાનું મકાન હતું. એ મકાનમાં ધૂળમાટીની કાચી ફરસ હતી. તથા મકાન પણ અવાવરું લાગતું હતું. મકાનના પાછળના ભાગમાં એક તરફ વિશાળ મેદાન અને બીજી તરફ કાળા પથ્થરો નર્મદા તરફ પથરાયેલા દેખાતા હતા અને મા નર્મદાનાં સુંદર દર્શન થતાં હતાં. આ સ્થાન અવાવરું અને સુવિધાવિહીન હોવા છતાં અમે પ્રકૃતિના ખોળે જ અહીં રહેવાનું પસંદ કર્યું, અહીં સદાવ્રત એટલે કાચું સીધું. અમે દાળ-રોટી બનાવવી શરૂ કરી. રસોઈ બનાવતાં બનાવતાં ચંડીની ચાર સ્તુતિનું પઠન પણ ચાલતું રહ્યું. ચંડીપાઠ (સપ્તશતી પાઠ) તો મોટો ૧૩ અધ્યાય અને ૭૦૦ શ્લોક. મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજી કહેતા કે ચંડીપાઠ પૂર્ણ રીતે કરવાનો સમય ન હોય તો ચંડીપાઠમાં દેવતાઓએ કરેલી ચાર સ્તુતિનું પઠન કરીએ તોપણ દેવી જગદંબા સંતુષ્ટ થાય છે. એટલે આ સ્તુતિનું પઠન. સંધ્યા સમયે મા નર્મદા તટે સ્નાન માટે ગયા. કાળા પથ્થરનાં પગથિયાંનો બનેલો પ્રાચીન ઘાટ ૧૨-૧૫ ફૂટની પહોળાઈવાળો અને લગભગ ૧૫ જેટલાં પગથિયાંનો ઘાટ, કહેવાય છે કે એક જ કાળા પથ્થરમાંથી આ પ્રાચીન પહોળો દર્શનીય ઘાટ બનાવવામાં આવ્યો છે. ગામના કેટલાક લોકોની આશ્રમમાં મુલાકાત થઈ. તે લોકોએ જણાવ્યું કે આશ્રમમાં એક સ્વામીજી રહે છે ને ઘણા બધા રોગોની ઔષધિઓ જાણે છે. અમરકંટક અને બીજાં જંગલોમાંથી પણ ઔષધિઓ ભેગી કરી રોગીઓનો ઇલાજ કરે પણ કોઈ ગરીબ લોકોને તેમનો લાભ મળે નહીં. હજારો રૂપિયા લઈને મોટરોવાળાનો જ ઇલાજ થાય !!

૦૭ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ દત્તવાડાથી રવાના થયા. ગામને પાદર પંકજ રાવળ નામના ભક્તના ઘેર ચા પીધી. દત્તવાડાથી છોટાવરધા પાંચ કિ.મી. દૂર. રસ્તામાં ચણીબોર અને શેરડી ખાવાની મઝા લૂંટી. લગભગ સવારે ૧૧ :૩૦ કલાકે છોટાવરધા પહોંચ્યા. ગામમાં નર્મદા પરિક્રમાવાસીઓની સેવા માટે મોહનભાઈ પાટીદાર તથા રણછોડભાઈ પાટીદારનું નામ અગ્રેસર હતું. અને સાચે જ ગામમાં પ્રવેશતાં જ કોઈક અમને મોહનભાઈ પાટીદારને ત્યાં લઈ ગયા. અને અત્યંત પ્રેમ અને કાળજીથી તેઓએ પરિક્રમાવાસીઓને ભોજનપ્રસાદ ખવડાવ્યો. તેમનાં દીકરી કાૅલેજમાં ભણતાં હતાં. તેમનું તેઓને તથા ગામના લોકોને ગૌરવ હતું. અમે તેમને સર્વાંગી કલ્યાણ માટે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું વાંચન કરવાનું કહ્યું. ગામમાં રામજી મંદિર પાસે આવેલા ઓરડા જેવી જગ્યાએ ઉતારો મળ્યો.આખા નર્મદાખંડમાં અહીં જ એવું લાગ્યું કે નર્મદાનાં વહેણ અને પટ દૂષિત છે. એનું કારણ અહીં ઘણા બધા માછીમારો અને અન્ય લોકો પણ હતા. ચારે તરફ ગંદકી અને ભૂંડ વગેરે દૃષ્ટિ ગોચર થતાં હતાં. બની શકે ત્યાં સુધી સંધ્યા સમયે નર્મદા મૈયા પાસે બેસવાની સંન્યાસીને આદત પડી ગઈ હતી. માછીમારીને કારણે કિનારા પાસે બેસવું તો મુશ્કેલ હતું. એટલે થોડે દૂર ઊંચે ગંદકી સાફ કરી ગંદકીની વચ્ચે પણ નર્મદા મૈયાનાં દર્શન કરવા બેઠા.

સાંજે રામજીમંદિરમાં આરતીનાં દર્શન થયાં. આદરણીય પૂજારીજીએ ભાવથી પૂજા કરી હતી તેનું સ્પષ્ટ સ્મરણ અમારા મનમાં રહી ગયું છે. આદરણીય પૂજારીએ રાતનો ભોજનપ્રસાદ રણછોડભાઈ પાટીદારના ઘેર લેવા કહ્યું. સાંજે જ તેઓને જાણ કરી દીધી હતી.

રણછોડભાઈ પાટીદાર- શ્રીશ્રીમા નર્મદાના પરમભક્ત તરીકે તેમનું નામ સુખ્યાત હતું. આવશ્યક કામે તેમને નર્મદા નદીના સામેના તટે જવું પડ્યું હતું. તેમના ઘેર પહોંચ્યા. પટેલનું વિશાળ મકાન. ચારે તરફ શ્રીઅન્નપૂર્ણા અને લલિતાદેવીનો અપરોક્ષ વાસ જણાયો. તેમના પુત્ર અને પુત્રવધૂએ અમને આવકાર્યા. અને પ્રેમથી ભોજનપ્રસાદ ગ્રહણ કર્યો. રણછોડભાઈએ થોડાં વર્ષ પહેલાં જ પગપાળા નર્મદા મૈયાની પરિક્રમા કરેલી અને રસ્તામાં મળતી બધી જ કન્યાઓને દસ-દસ રૂપિયાની ભેટ આપી હતી ! આ કન્યાભેટમાં જ આશરે એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો ! શ્રી રણછોડભાઈનાં દર્શન કરવાનું સૌભાગ્ય અમને મળ્યું નહીં. ફરી ધર્મશાળાએ આવ્યા ને રાત્રિવિરામ માટે રહ્યા.

૦૮મી ફેબ્રુઆરી, ૨૦૧૫ના ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઊઠ્યા. છોટાવરધામાં ભોજનપ્રસાદ, આગતાસ્વાગતા ઇત્યાદિ બધું મળ્યું પણ અહીં ડોલડાલ જવાની સ્થાનની તકલીફ રહી. માંડમાંડ લપાતા-છુપાતા પ્રાત :કાર્ય પૂર્ણ કરી નર્મદે હરના નાદ સાથે આગળના ગામ દહીંબેવડા જવા નીકળ્યા. (ક્રમશ 🙂

Total Views: 315

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.