સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ…

યુનાઈટેડ સ્ટેટ્સના એક કમિશનના રિપોર્ટમાંથી એક અવતરણ આપવું મને ગમે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, યુ.એસ.એ.માંના ‘તાજેતર’નાં આર્થિક વલણોના અભ્યાસ માટે, હુવર કમિટી કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. એ કમિશનના રિપોર્ટમાં એક વાક્ય આવે છે જે, યયાતિએ જે કહ્યું હતું તેનો પડઘો પાડે છે પણ તે, યયાતિએ જે ભાવનાથી કહ્યું હતું તે ભાવના વિના : ‘માણસની તૃષ્ણાઓનો અંત નથી એમ આ અભ્યાસે પ્રગટ કર્યું છે.’ એ પ્રથમ વાકય છે, અને બીજું વાકય છે : ‘એવી કોઈ નવી તૃષ્ણા નથી જેને તૃપ્ત કર્યે બીજી નવી તૃષ્ણાઓ જાગતી ન હોય.’ માનવચિત્તનું આ સ્વરૂપ છે. તો, મારે શું કરવું ? તૃષ્ણાઓના જગતમાં તૃષ્ણાના પ્રવાહમાં મારે તણાયા કરવું ? ના, પણ એ જ્ઞાન અર્વાચીન ચિંતનને હજી લાધ્યું નથી. અનુભવની ઇન્દ્રિયાધિક કક્ષાનો અણસાર અર્વાચીન ચિંતનને આવ્યો નથી. એ બીજો, ભાવાત્મક ભાગ આ ભગવદ્ ગીતામાં તેમજ ઉપનિષદોમાં અપાયો છે. મનુષ્યજીવનના આધ્યાત્મિક પરિમાણ વિશેના બોધનો પ્રકાર અર્વાચીન શાસ્ત્રીય વિચારણામાં, ખાસ કરીને જ્ઞાનતંતુશાસ્ત્રમાં અને જીવશાસ્ત્રમાં, ધીમે ધીમે પ્રવેશતો જાય છે. અર્વાચીન જીવશાસ્ત્ર આપણને કહે છે કે ઉત્ક્રાંતિના માનવસોપાને ધ્યેય કેવળ જૈવિક તૃપ્તિનું નથી. ઉત્ક્રાંતિના માનવપૂર્વ તબક્કાનું એ ધ્યેય છે. અર્વાચીન જીવશાસ્ત્ર સાચી દિશામાં જઈ રહ્યું છે એમ જણાવવા માટે એ એક વાકય બસ છે : કે માનવપૂર્વ તબક્કે, ઉત્ક્રાંતિએ ત્રણ બાબતો ઉપર ભાર મૂકયો હતો – જૈવિક તૃપ્તિ, સંખ્યાવૃદ્ધિ અને જૈવિક અસ્તિત્વ ટકાવી રાખવું : આજનું જીવશાસ્ત્ર કહે છે કે મનુષ્યકક્ષાએ આ દ્વૈતીયિક છે, બીજું કશુંક પ્રાથમિક અગત્યનું છે. ને એ શું છે ? પરિપૂર્ણતા. તમે પરિપૂર્ણ છો ? એ પરિપૂર્ણતા તમારે પ્રાપ્ત કરવી હોય તો, અગાઉનું જીવશાસ્ત્ર કદી સમજયું ન હતું, તેવી અનેક બાબતો તમારે કરવી પડશે. જૈવિક પરિમાણની પારની, નવા પ્રકારની ઉત્ક્રાંતિ આપણે સાધવી પડશે – એ ભાષા છે. જૈવિક ઉત્ક્રાંતિએ આપણને આ કક્ષાએ આણ્યા છે. એણે આપણને સૌથી દક્ષ અવયવ મગજતંત્ર આપેલ છે. એની સહાયથી તમે ગમે તે કિમિયાકારક સુવિધાયંત્ર પેદા કરી શકો છો; જેમ કે પોતાના શરીરને પાંખ ઉગાડવાને બદલે, વિમાન. આમ માનવકક્ષાએ જૈવિક ઉત્ક્રાંતિ સુસંગત ન હોય તો, માનવઉત્ક્રાંતિનો સાચો અભિગમ શો છે ?

ડાર્વિન-શતાબ્દીની ઉજવણી સમયે, ૧૯૫૯માં, શિકાગોની કોંગ્રેસ ઓફ સાયંટિસ્ટ્સમાં, સર જુલિયન હક્સલીએ પોતાના પ્રવચનમાં આ સવાલનો ઉત્તર આપ્યો હતો. એણે કહ્યું હતું : ‘ઉત્ક્રાંતિએ જૈવિક કક્ષાથી ચૈતસિક કક્ષાએ ઊર્ધ્વગમન કર્યું છે.’ આ જૈવિક તંત્રની પાર વિકસવા માટે આ ચિત્ત શક્તિશાળી હોવું જોઈએ અને સમાજમાંનાં બીજાં ચિત્તોમાં પ્રીતિ સિંચવા સમર્થ હોવું જોઈએ. એ પ્રેમ છે. એ કરુણા છે. એ માનવીય કાળજી છે. એથી તમે આધ્યાત્મિક વૃદ્ધિ પામો છો.’ આ અદ્‌ભુત વિચાર છે. આમ, અર્વાચીન જીવશાસ્ત્ર માત્ર નકારાત્મક નહીં પણ માનવઊર્જાને ભાવાત્મક દિશા ધીમે ધીમે દઈ રહેલ છે; ને વેદાંતનું મુખ્ય વિષયવસ્તુ એ જ છે. માનવીની વિકસવાની જેટલી શક્તિ હોય ત્યાં સુધી તેને ઉપર લઈ જવો. યુગો અગાઉ, ભારતમાં ઉપનિષદોમાં માનવશકયતાઓનું વિજ્ઞાન આપણે વિકસાવ્યું હતું અને આ શબ્દપ્રયોગ સર જુલિયન હક્સલીએ આપેલો છે. પ્રવર્તમાન ભૌતિક વિજ્ઞાનથી ભિન્ન એવા, ‘બીજા વિજ્ઞાનની આપણને જરૂર છે’, એમ એ બોલ્યા હતા; અને એમણે એને ‘માનવશકયતાઓનું વિજ્ઞાન’ નામ આપ્યું હતું. ઉત્ક્રાંતિની એ ઊર્ધ્વતમ કક્ષાએ માનવીને લઈ જવા માટે, એ વિજ્ઞાનનું માર્ગદર્શન આવશ્યક છે. તમે વેદાંતનું અધ્યયન કરો, તમે ગીતાનુું અધ્યયન કરો ત્યારે તમને જણાશે કે એ અક્ષરશ : માનવશકયતાઓનું વિજ્ઞાન જ છે.

ઉદાહરણ તરીકે દ્વેષ લો. આપણે દ્વેષ ઉપર વિજય મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે તૃષ્ણા, કામના પણ માનવશકયતા છે; એને વશ કરીને, એની ઊર્જાનું ઊર્ધ્વીકરણ પણ માનવશકયતા છે. એટલે વેદાંતે માનવશકયતાઓનું વિજ્ઞાન યુગો પહેલાં વિકસાવ્યું હતું. આ થોડા શ્લોકો એ વિજ્ઞાનની પ્રસાદી છે.

સમાજમાં ગુનાખોરીના આ વિશેષ પ્રશ્ન પરત્વે એ વિજ્ઞાન શું કહે છે ? આપણે ગુનાખોરી કેવી રીતે ઘટાડવી ? આપણી સૌની પાસે એક રીત છે : પોલીસ દળ વધારો, લોકસભામાં કાયદાકાનૂનો પસાર કરો. બધો વખત આપણે તેમ જ કર્યું છે. પણ આજે આપણે સમજીએ છીએ કે એથી ધાર્યું પરિણામ આવતું નથી. લોકસભાના કાયદા વડે માણસને નીતિમાન બનાવી શકાતો નથી. આ મોટો પાઠ આપણે શીખવાની જરૂર છે. માનવઅધ્યાત્મ-વિકાસ જેવું કશુંક છે. આપણે આધ્યાત્મિક વિકાસ આરંભીએ અને સમાજમાં બીજા લોકો સાથે શાંતિપૂર્વક વસીએ તે માટે મદદરૂપ થવાનું કાર્ય કેળવણીનું છે. લોકસભાના વિધેયકથી એમ બનતું નથી. કેવળણીમાંથી એ આવે છે. સ્વામી વિવેકાનંદની ભાષામાં, કેળવણી એટલે ‘માનવીમાં રહેલી પૂર્ણતાનો આવિષ્કાર’. આપણામાં નિહિત રહેલી આ બધી સુંદર શકયતાઓને આપણે વિકસાવીએ જેથી શાંતિ, માનવતાપૂર્ણ કાળજી, સમર્પણની અને સેવાની ભાવના – આ સઘળું આપણી અંદરથી પ્રકટ થઈ શકે. પણ એ માટે, આ માનવચિત્ત સાથે કેવી રીતે કામ પાર પાડવું તે આપણે જાણવું જોઈએ. એટલે કેળવણી, સમસ્ત ચિત્તની કેળવણી છે, મગજમાં માહિતી ઠાંસવાની પ્રવૃત્તિ નથી. જગતમાં આજે કયાંય આ પ્રકારની કેળવણી અપાતી નથી. મોટે ભાગે એ મગજમાં માહિતી ઠાંસવાની પ્રવૃત્તિ છે. અને ભારતમાં આપણે ત્યાં જે છે તે સૌથી ખરાબ છે. આ મહાગુરુ શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલા ગીતાના આ બોધની આપણને ખૂબ જ આવશ્યકતા છે. ભારતમાં આપણાં ચિત્ત સૌથી વધારે અણકેળવાયેલાં છે. થોડું આત્મનિયમન આપણી પ્રજામાં પરિવર્તન લાવશે. (ક્રમશ 🙂

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.