મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt)

‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ ૩ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. નવેમ્બરમાં પ્રકાશિત દ્વિતીય ભાગમાં આપણે સ્વામીજીનાં વિશિષ્ટ શિષ્યાઓ મીડ ભગિનીઓનો પરિચય મેળવ્યો તેમજ ૮ ડિસેમ્બરના એમના પ્રથમ પ્રવચનનો સારાંશ વાંચ્યો.

આ તૃતીય ભાગમાં આપણે મિસ્ટર બોમગાર્ટનો પરિચય મેળવીશું. લોસ એન્જલસ કોર્ટના એક જજ ચેની (Judge Cheney) મિસ જોસેફાઈન મેકલાઉડ ના પરિચિત હતા. પ્રથમ પ્રવચન પહેલાં સ્વામીજીનો લોસ એન્જલસના જિજ્ઞાસુ રહેવાસીઓ સાથે પરિચય કરાવવા માટે મિસ મેકલાઉડ સ્વામીજીને જજ ચેનીના રહેઠાણે આમંત્રિત કેટલાક મહેમાનોને સંબોધવા લઈ ગયાં હતાં. સ્વામીજી સાથે વાર્તાલાપ કરીને આ મહેમાનોમાંના એક મિ. બોમગાર્ટ અતિ પ્રભાવિત થયા. તેઓએ સ્વામીજીના પ્રવચનોનું આયોજન કરવાની જવાબદારી પોતે ઉઠાવી લીધી.

મિ. બોમગાર્ટ છાપખાનું ચલાવતા હતા અને તેઓ આ વ્યવસાયમાં વિશિષ્ટરૂપે માહેર હતા. આ સિવાય તેઓ એક કુશળ નાવિક, ગણિતજ્ઞ, અને ખગોળવિદ્ હતા. તેઓ સંગીત, કળા, સાહિત્ય, અને ભાષાવિજ્ઞાનમાં ઊંડો રસ ધરાવતા હતા અને તેઓ ૯ ભાષાઓ સહજતાથી બોલી શકતા હતા. તેઓ એક કુશળ વક્તા પણ હતા. તેઓ ૧૮૬૨ની સાલમાં ઇંગ્લેન્ડમાં જન્મ્યા હતા. સ્વિડનની સ્ટ્રેનગ્નાસ કોલેજમાંથી સ્નાતક કક્ષાએ ઉત્તીર્ણ થઈ તેઓ ૧૮૮૦માં અમેરિકામાં સ્થાનાંતરિત થયા હતા. ૧૮૯૨માં તેઓ ઓરેગોન વિજ્ઞાન અકાદમી (Oregon Academy of Sciences) ના સચિવ હતા. સ્વામીજીને મળવાના સમયે તેઓ દક્ષિણ કેલિફોર્નિયા વિજ્ઞાન અકાદમી (Southern California Academy of Sciences) ના સચિવ તેમજ આ અકાદમીની ખગોળવિજ્ઞાન અને ગણિત શાખાના ચેરમેન હતા. મિ. બોમગાર્ટનાં પત્ની પણ સ્વામીજીના પ્રેરણાદાયી ઉપદેશથી પ્રભાવિત થયાં હતાં.

બ્રહ્માંડની પરિકલ્પના

લોસ એન્જલસમાં સ્વામીજીનું બીજું પ્રવચન મિ. બોમગાર્ટે ૧૨ ડિસેમ્બરના રોજ પોતાની અકાદમીમાં આયોજિત કર્યું હતું. બીજા દિવસે ‘લોસ એન્જલસ હેરાલ્ડ’ તેમજ ‘લોસ એન્જલસ ટાઈમ્સ’માં આ પ્રવચનના કેટલાક અંશ પ્રકાશિત થયા હતા. મિસ મેકલાઉડે પોતાના પત્રમાં લખ્યું હતું કે આ પ્રવચન સાંભળવા ૧૦૦૦થી વધુ શ્રોતાઓ ઉપસ્થિત હતા. બીજા એક પત્રમાં તેઓ લખે છે :

‘સ્વામીજીએ કાલે રાત્રે ખૂબ શાંતિથી પ્રવચન આપ્યું. આ એમની નવી શૈલી છે. પરંતુ તેઓ બ્રહ્માંડ પર પ્રવચનમાં ચિંતનશીલ અને સ્પષ્ટ હતા. વિજ્ઞાન અકાદમીના એક સદસ્ય મિ. લોઇડ (Mr. Lloyd) એ કહ્યું કે તેઓ સ્વામીજીને પોતાનું વ્યક્તિગત સન્માન અર્પિત કરવા માગે છે, કારણ કે સ્વામીજીએ આધુનિક મનોવિજ્ઞાનના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે, અને તેઓ આધુનિક ચિંતકોમાં એક પ્રકાશપૂંજ-રૂપ છે. છેલ્લે મિ. લોઇડે સ્વામીજીને બ્રહ્માંડ વિશે એક અટપટો પ્રશ્ન કર્યો કે જેનો સ્વામીજીએ એટલો બુદ્ધિચાતુર્યપૂર્ણ ઉત્તર આપ્યો કે બધાએ એમને તાળીઓથી વધાવી લીધા.’

મિસિસ બ્લોજેટ (Mrs. Blodgett)

લોસ એન્જલસમાં આગમનના થોડા દિવસ બાદ સ્વામીજી મિસિસ બ્લોજેટના ઘરે રહેવા માટે પધાર્યા. મિસિસ બ્લોજેટ સ્વામીજીના નામથી ખૂબ સારી રીતે પરિચિત હતાં. તેઓ ૧૮૯૩ની શિકાગો ધર્મ પરિષદમાં ઉપસ્થિત હતાં અને ત્યાં તેમણે સ્વામીજીનું પ્રથમ પ્રવચન સાંભળ્યું હતું. એ પ્રવચન વિશે તેમણે મિસ મેકલાઉડને કહ્યું હતું કે : જ્યારે એ યુવાને ઊભા થઈ ‘અમેરિકન બહેનો અને ભાઈઓ’ કહી સંબોધન કર્યું ત્યારે ૭૦૦૦ લોકોએ કોઈ એક અજાણી આંતરિક શક્તિને વશ થઈને ઊભા થઈ ગયા અને એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. જ્યારે આ કોલાહલ શાંત થઈ ગયો ત્યારે મેં જોયું કે ઘણી બધી મહિલાઓ બેંચ ઓળંગીને એમને મળવા સ્ટેજ તરફ જઈ રહી હતી. મેં વિચાર્યું : ‘વારુ, મારા ભાઈ, જો તું આ ચડાઈને ખમી શકે તો તું સાચે જ ભગવાન છે.’ સ્વામીજી સાચે જ એક ભગવાન હતા. શિકાગોમાં મિસિસ બ્લોજેટે તેમનું એક મોટું રંગીન તૈલચિત્ર ખરીદ્યું. જ્યારે એમણે આ તૈલચિત્ર લોસ એન્જલસ સ્થિત પોતાના ઘરમાં રાખ્યું હતું ત્યારે તેમણે સપનામાં પણ ન વિચાર્યું હતું કે સ્વામીજી સ્વયં તેમના ઘરે રહેવા આવશે. મિસ મેકલાઉડના બીમાર ભાઈ મિસિસ બ્લોજેટના ઘરે સારવાર લઈ રહ્યા હતા. ભાઈની સંભાળ લેવા માટે મિસ મેકલાઉડને સ્વામીજીને રિજલીમેનરમાં છોડીને લોસ એન્જલસમાં આવવું પડ્યું હતું. મિસિસ બ્લોજેટના ઘરમાં પ્રવેશતાં જ તેમણે સ્વામીજીનું તૈલચિત્ર જોયું અને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. તેમણે મિસિસ બ્લોજેટને પૂછ્યું કે શું તમે સ્વામીજીને ઓળખો છો? જવાબમાં મિસિસ બ્લોજેટે શિકાગો પ્રવચનની પોતાની સ્મૃતિ વર્ણવી. મિસ મેકલાઉડે કહ્યું : ‘તમે સ્વામીજીને અહીં આવી રહેવા માટે આમંત્રણ કેમ નથી આપતાં?’ આ આમંત્રણનો સાદ સાંભળી સ્વામીજી આવી પધાર્યા.

૧૮૯૯માં આ ઘર શહેરના બહારના ભાગમાં હતું. કાચા રસ્તાઓ શાંત હતા, ઘરો વનરાજીથી ઘેરાયેલા અને એકબીજાથી દૂર દૂર અવસ્થિત હતા. એમના ઘરની પશ્ચિમ અને દક્ષિણમાં નારંગીના બગીચાઓ અને ધાનનાં ખેતરો હતાં, કે જ્યાં સુધી જવા માટે થોડુંક જ ચાલવું પડતું.

Total Views: 374

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.