એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી જા, શ્રીમા પાસે જવું છે.’ એ વખતે શ્રીમા કોઆલપાડાના જગદંબા આશ્રમમાં હતાં. ચૈત્ર મહિનાના પ્રખર તાપમાં બળદગાડામાં બેસીને બપોરે જ્યારે અમે ચારેય મિત્રો કોઆલપાડા આશ્રમની પાસે પહોંચ્યા ત્યારે આશ્રમના અધ્યક્ષ સ્વામી કેશવાનંદજીએ પૂછ્યું, ‘શું આપ સૌ પૂર્વ બંગાળના છો ?’ અમે હા પાડી. મહારાજે કહ્યું, ‘શ્રીમાએ સવારે કહ્યું હતું કે પૂર્વ બંગાળમાંથી મારા કેટલાક છોકરાઓ આવશે.’

શ્રીમાની સાથે અમારે પહેલાં કોઈ પરિચય ન હતો. અમે સૂચના આપીને પણ ગયા ન હતા. આમ છતાં પણ શ્રીમાએ જાણી લીધું કે અમે આવવાના છીએ. જેમ ઘણા દિવસ પછી પરદેશથી પાછા ફરેલાં સંતાનો માટે માતા આકુળ થઈ જાય છે, તેવી જ રીતે અમારા આવવાની વાત સાંભળીને શ્રીમાએ મમતાપૂર્વક કેશવાનંદજી મહારાજને કહ્યું, ‘એ લોકો ઘણું કષ્ટ ઉઠાવીને આવ્યા છે. એમના માટે થોડું દૂધ, ખાંડ અને રવો લાવી દો. હું જમવાનું બનાવી દઉં.’ આ ભીષણ ગરમીમાં ચૂલાના તાપને અવગણીને શ્રીમાએ પોતે પોતાના હાથે અમારા મારે પીઠું તથા ખીર બનાવીને આશ્રમમાં મોકલાવી દીધાં. શ્રીમા પાસેના જગદંબા આશ્રમમાં હતાં. તે દિવસે શ્રીમાનાં દર્શન ન થયાં. સ્વામી કેશવાનંદજીએ કહ્યું, ‘આવતીકાલે સવારે દર્શન થશે.’ અમે તો દીક્ષા લેવાની આશાએ આવ્યા છીએ, એ સાંભળીને કેશવાનંદજીએ કહ્યું, ‘આજે જ કેટલાયે છોકરા પાછા ચાલ્યા ગયા છે. શ્રીમાએ ‘ખેતર તૈયાર નથી’ એમ કહીને એમને દીક્ષા ન આપી.’ આ વાત સાંભળીને અમે થોડા વ્યગ્ર બની ગયા. શ્રીમાના શિષ્ય શૌર્યેન્દ્રનાથ મજૂમદાર ત્યાં હતા. તેમણે અમને આશ્વાસન આપતાં કહ્યું, ‘શ્રીમાને પોકારો, બધું ઠીક થઈ જશે.’

આખી રાત ઊંઘ ન આવી. સવારે મા શું કહેશે, એ જ ચિંતા. કૃપા થશે કે નહીં થાય ? પંખી બોલવા લાગ્યાં. કેશવાનંદજી મહારાજે સાદ પાડ્યો, ‘આપ બધા ઊઠી જાઓ. સ્નાન કરીને તૈયાર રહેજો. નહીં તો, જ્યારે મા બોલાવશે ત્યારે સ્નાન કરવાનો સમય નહીં રહે.’ મહારાજના કહેવા પ્રમાણે અમે લોકો આશ્રમની નજીક આવેલા તળાવમાં નહાઈને શુદ્ધ મન સાથે એ પરમ ક્ષણની, એ પરમ વાંચ્છિત પોકારની પ્રતીક્ષા કરવા લાગ્યા.

આખરે બધાં દુવિધાઓ, દ્વન્દ્વોનો અંત આવ્યો. એ પોકાર સંભળાયો. એ સમયે શ્રીમા ઠાકુરઘરમાં પૂજા સમાપ્ત કરીને જાણે કે સાક્ષાત્ ભક્તિદેહ ધારણ કરીને માટીના મંદિરમાં બેઠાં હોય એમ આસન પર બેઠાં હતાં. પ્રણામ કરતાં જ શ્રીમાએ મને પૂછ્યું, ‘કયો મંત્ર પસંદ છે?’ મેં કહ્યું, ‘હું કંઈ જાણતો નથી, હું આપની પાસે આવ્યો છું અને જાણું છું કે આપ જે મંત્ર આપશો મારું એનાથી જ કલ્યાણ થવાનું છે, એનાથી જ મારું મંગલ થશે.’

શ્રીમાએ કહ્યું, ‘તમારા કુળનો મંત્ર વૈષ્ણવ છે. વૈષ્ણવ મંત્ર જ લો.’ દીક્ષા પૂરી થઈ ગઈ. દીક્ષા લેતાં પહેલાં હું મારો કુળ મંત્ર જાણતો ન હતો. પરમ તૃપ્તિ સાથે એક બે દિવસ પછી હું ઘરે પાછો આવ્યો. ઘરે સાંભળવા મળ્યું કે અમારા લોકોનો કુળ મંત્ર વૈષ્ણવ છે. હું સમજી ગયો કે શ્રીમા અંતર્યામિની છે.

એક વ્યક્તિએ કહ્યું હતું કે તમારા હાથની આંગળીઓ શુદ્ધ જપ માટે ઉપયોગી નથી, એટલે ઇષ્ટમંત્રનો જપ કરવામાં ઘણો ખચકાટ થવા લાગ્યો. મનમાં વિચાર્યું કે જો મા અનુમતિ આપે તો માળામાં ઇષ્ટમંત્રનો જાપ કરીશ. મેં શ્રીમાને પ્રાર્થના કરતો પત્ર લખ્યો કે માળામાં જપ કરી શકાય કે નહીં ? અને કરી શકાય તો હું માળામાં કેવી રીતે ઇષ્ટમંત્રનો જપ કરું ?

શ્રીમા દૂરનાં તથા નજીકનાં પોતાનાં બધાં શિષ્ય સંતાનોના મનની વાત જાણતાં હતાં, જાણી શકતાં હતાં. પૂર્ણિમાની રાત હતી. પૃથ્વીનું વક્ષસ્થળ ચાંદનીના આલોકથી નહાયું હતું. હું ગાઢ નિદ્રામાં હતો. શ્રીમાએ સ્વપ્નમાં દર્શન દીધાં. એમની દિવ્ય મૂર્તિ મારી સમક્ષ તુલસીની માળા હાથમાં લઈને ઊભી હતી. એ જ્યોતિની ઝલકથી મારી ઊંઘ ઊડી ગઈ. સ્વપ્ન તૂટી ગયું. રાત વીતી ચૂકી હતી. પછીના દિવસે સ્વામી કેશવાનંદજીનો પત્ર આવ્યો- ‘શ્રીમાએ મારા માટે તુલસીની માળા નિર્ધારિત કરી છે.’ એક વાર મનમાં એવું થયું કે હું પોતાના ઘરમાં જગદ્ધાત્રી પૂજા કરીશ. શ્રીમા એ સમયે દેહત્યાગ કરી ચૂક્યાં હતાં. એક રાત્રે જોયું તો તેઓ ગામના કાલીમંદિરની સામે બેઠાં છે. મંદિર એકાએક પ્રકાશથી ભરાઈ ગયું. હું મંદિરની મા કાલીની મૂર્તિને નીરખી રહ્યો હતો. ક્ષણમાત્રમાં જ એ કાલીમૂર્તિ અદૃશ્ય થઈ ગઈ, મારી સામે સિંહવાહિની જગદ્ધાત્રીની મૂર્તિ વિરાજીત હતી. ત્યાર પછી એ મૂર્તિ પણ વિલીન થઈ ગઈ. ત્યારે જોયું તો શ્રીમાની દિવ્યમૂર્તિ ! ત્યાર પછી એ જ કાલીમૂર્તિ ને વળી પાછી જગદ્ધાત્રીની મૂર્તિ ! હું સમજી ગયો ‘જે જગદ્ધાત્રી છે તે જ કાલી છે અને તે જ મા શારદા છે !’

Total Views: 97
By Published On: December 2, 2019Categories: Jitendrakumar Saha0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram