આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો પૂરી અને ખીર પ્રસાદ અમને આપતા. મોટા ભાગે શનિવારે જઈ રવિવાર સુધી રહેતા. રવિવારે બપોરે મા કાલીનો પ્રસાદ ખાઈ સાંજે અમે ઘરે પાછા ફરતા.

એક દિવસે સવારે કોઈ એક વસ્તુ આપવા માટે મને વરાહનગરના મહેન્દ્ર કવિરાજ પાસે મોકલ્યો. મહેન્દ્રબાબુ પહેલાં ઠાકુરનાં દર્શન માટે નિયમિત દક્ષિણેશ્વર જતા. તેમના ઘરે પહોંચતાં જ મહેન્દ્રબાબુ મને તેમના ગૃહમંદિરમાં લઈ ગયા. ત્યાં ઠાકુરની છબીની બાજુમાં માની છબી જોઈ મેં પ્રશ્ન કર્યો, ‘આ કોણ છે?’ આ પહેલાં મેં ક્યારેય માની છબી જોઈ ન હતી કે એમની વાત પણ સાંભળી ન હતી.

મહેન્દ્રબાબુએ કહ્યું, ‘આ અમારી મા છે.’

મેં પ્રશ્ન કર્યો, ‘મા શું હજુ જીવિત છે? અને જો જીવિત હોય તો અત્યારે ક્યાં છે?’

મહેન્દ્રબાબુએ ઉત્તર આપ્યો, ‘મા જયરામવાટીમાં છે.’

મેં રાત્રે દક્ષિણેશ્વરમાં માને સ્વપ્નમાં જોઈ હતી, પણ એ વખતે હું એને ‘મા’ના રૂપમાં ઓળખતો ન હતો. સ્વપ્નની સાથે માની છબી હૂબહૂ મળી જવાથી હું ખૂબ જ આશ્ચર્યચકિત થયો અને સાથે સાથે જ બધું સમજી ગયો.

આ ઘટના પછી જ મારું મન માને મળવા માટે ખૂબ વ્યાકુળ થવા લાગ્યું. થોડા સમય પછી મેં અને જીતેન મહારાજે કામારપુકુર અને જયરામવાટી યાત્રા કરવાનો સંકલ્પ કરી એક દિવસ નિશ્ચિત કર્યો.

અમે ટ્રેનમાં વર્ધમાન, વર્ધમાનથી બળદગાડામાં ઉચાલન પહોંચી ત્યાં રાત્રીવાસ કરી, બીજે દિવસે ૧૧ વાગ્યે કામારપુકુર ઉપસ્થિત થયા. એ વખતે કામારપુકુરમાં લક્ષ્મીદીદી રહેતાં હતાં. દક્ષિણેશ્વરથી જ અમારો એમની સાથે પરિચય હતો. અમારા આગમનથી તેઓ ખૂબ જ આનંદિત થયાં અને ખૂબ પ્રેમપૂર્વક અમને શ્રીશ્રી રઘુવીરનો પ્રસાદ પીરસ્યો. અમે લક્ષ્મીદીદીને ઘનિષ્ઠરૂપે ઓળખતા હતા. તેથી તેઓએ સંકોચ ત્યજી સંધ્યા સમયે પગે ઘુંઘરું પહેરી વૃંદાનો વેશ સાજી શ્રીકૃષ્ણલીલાના અનેક અંકનો અમને અભિનય કરીને બતાવ્યો. અમને ખૂબ આનંદ થયો.

લક્ષ્મીદીદીની પાસેથી વિદાય લઈને અમે બીજે દિવસે સવારે ૯ વાગ્યે જયરામવાટી ઉપસ્થિત થયા. મા એ સમયે પ્રસન્ન મામાના જૂના ઘરના વરંડામાં બેસીને ભોજન બનાવી રહી હતી. મારી યાદ અનુસાર હું અને જીતેન મહારાજ વારાફરતી દર્શન કરવા માની પાસે ગયા હતા. મારા જતાં જ મા મારી સાથે પૂર્વપરિચિતની જેમ વાત કરવા લાગી અને ઘણા સમય બાદ પોતાના પુત્રને પાછો મેળવીને જેવો આનંદ થાય, મા ઠીક એ પ્રકારે જ આનંદ પ્રગટ કરવા લાગી. માએ જે સ્નેહભર્યા સ્વરે મારી સાથે વાર્તાલાપ કર્યો તેની કોઈ તુલના ન થઈ શકે. અમે માના માટે વર્ધમાનથી એક સાડી અને થોડી બુંદી લઈને ગયા હતા. માએ ખૂબ આનંદપૂર્વક એ બધું ગ્રહણ કર્યું.

યાત્રા દરમિયાન અનિયમિતતાના પરિણામે મને પેટનો રોગ થયો હતો. આ રોગ વિશે સાંભળીને માએ બીજે દિવસે સવારે તાજા ઔષધની વ્યવસ્થા કરી, અને શું ખાવું અને શું ન ખાવું એ વિશે પણ મને સલાહ આપી. હું જલદીથી સાજો થઈ ગયો.

પૂજનીય જીતેન મહારાજ મા પાસે દીક્ષા ગ્રહણ કરશે એ સંકલ્પ લઈને જ જયરામવાટી આવ્યા હતા. પરંતુ મારો માનાં દર્શન કરવા સિવાય અન્ય કોઈ વિચાર ન હતો.

માએ એક દિવસ મને પૂછ્યું, ‘તારી દીક્ષા થઈ છે?’

મેં કહ્યું, ‘ના.’

માએ પૂછ્યું, ‘દીક્ષા લઈશ?’

મેં કહ્યું, ‘હું દીક્ષા વિશે જાણતો નથી, મેં એના વિશે કંઈ વિચાર્યું પણ નથી.’

માએ કહ્યું, ‘તો લે.’

બીજે દિવસે સવારે પૂજાના ઓરડામાં પૂજા કર્યા પછી માએ મને મંત્ર આપ્યો. આનંદથી મારું શરીર જાણે રોમાંચિત થઈ ઊઠ્યું. પૂજનીય જીતેન મહારાજને પણ માએ એ જ દિવસે દીક્ષા આપી હતી. દીક્ષા બાદ કેટલાક દિવસ જયરામવાટીમાં નિવાસ કરીને અને તારકેશ્વરમાં તારકનાથનાં દર્શન કરીને અમે ઘરે પાછા ફર્યા હતા.

કેટલાક સમય પછી ગૃહત્યાગ કરવા માટે હું ઘણો અસ્થિર થઈ પડ્યો. એક દિવસે મેં દક્ષિણેશ્વર જઈ પંચવટીનાં દર્શન કર્યાં અને ત્યાર બાદ ઠાકુરના ઓરડામાં જઈને બેઠો. એ સમયે કલકત્તાના સિદ્ધેશ્વરી મંદિર પાસે એક તાંત્રિક રહેતા હતા. તેઓ અવારનવાર દક્ષિણેશ્વર કાલીવાડીની મુલાકાત લેતા. લોકો તેમને વાક્સિદ્ધ માનતા હતા. ઠાકુરના ઓરડાના દક્ષિણપૂર્વ વરંડામાં તેઓ પણ બેઠેલા હતા.

રામલાલ દાદાએ એમને પ્રશ્ન કર્યો, ‘આ છોકરાએ ગૃહત્યાગ કરીને સાધુ થવાનો સંકલ્પ કર્યો છે, તો એનું કલ્યાણ થશે કે નહીં કહો તો?’

તાંત્રિકે કહ્યું, ‘ના, એના માટે સાધુ થવું એ સારું નથી!’
મને ઉદ્દેશીને રામલાલ દાદા બોલ્યા, ‘અરે, શું કહે છે સાંભળ્યું?’

હું સાંભળીને થોડો ગભરાઈ ગયો. ચિંતિત થઈ એક દિવસ કાલીઘાટે ગયો – માના આદેશની પ્રતીક્ષામાં બેસી રહ્યો. મધ્ય રાત્રે મારા મનમાં એક પ્રકારનો દૃઢ વિશ્વાસ જન્મ્યો કે ગૃહત્યાગ કરી સાધુ થવાનો સમય થઈ ગયો છે. હવે મનમાં કોઈ પ્રકારનો સંશય રહ્યો નહીં. ત્યાર બાદ એક દિવસે અમે ત્રણ મિત્રો – હું, પૂજનીય જીતેન મહારાજ, સ્વામી ગિરિજાનંદ – પંચવટીમાં ભેગા થયા અને જયરામવાટી જવાનો એક દિવસ નક્કી કર્યો.

જયરામવાટી જઈ અમે માને સાધુ થવાનો અમારો સંકલ્પ નિવેદિત કર્યો. સાંભળીને મા અમને અમારા ઘરની પરિસ્થિતિ વિશે પ્રશ્નો કરવા લાગી – ઘરે કોણ કોણ છે, સાધુ થવાથી ઘરે તકલીફ થશે કે નહીં, વગેરે. અમારા ઉત્તરો સાંભળીને તેણે એ દિવસે કોઈ પણ નિર્ણય જાહેર કર્યો નહીં. માત્ર કહ્યું, ‘કાલે જણાવીશ.’

મા શું કહેશે – એ આશા, આગ્રહ અને ઉદ્વેગ સાથે અમે રાત પસાર કરી. પ્રભાતે અમારી ચિંતા દૂર થઈ. વાળંદને બોલાવીને માએ અમને મસ્તક મુંડન કરાવવાનું કહ્યું તેમજ ધોતી અને ઉપવસ્ત્ર ગેરુઆ રંગે રંગવાની વ્યવસ્થા કરી. બીજે દિવસે વહેલી સવારે શ્રીશ્રીઠાકુરની પૂજા સમાપન કરી અને ઠાકુર સમક્ષ પ્રાર્થના કરી માએ સ્વહસ્તે અમને ત્રણ મિત્રોને ગેરુઆ વસ્ત્રો આપ્યાં અને આશીર્વાદપૂર્વક કહ્યું, ‘ઠાકુર તમારો સંન્યાસ રક્ષા કરે.’ ત્યારબાદ કહ્યું, ‘સાધુઓનાં કોનાં કયાં સંન્યાસનામ છે એ બધું મને ખબર નથી. તમે કાશી લઈને તારક પાસે નામ મેળવો, હું પત્ર લખી દઉં છું.’

૧૯૦૯ની સાલમાં માનાં દર્શન કરવા માટે હું કાશીથી ઉદ્‌બોધન આવ્યો. ‘ઉદ્‌બોધન’ એ વખતે નવું જ નિર્મિત થયું હતું. માત્ર પંદર દિવસ પહેલાં જ માએ આ ગૃહે આગમન કર્યું હતું. મેં આવીને જ સાંભળ્યું કે માને શીતળા રોગ થયો હતો અને હજુ પણ એ સંપૂર્ણરૂપે સાજી થઈ નથી. માટે જ પૂજનીય શરત્ મહારાજે મને કહ્યું, ‘દૂરથી માને પ્રણામ કરીને આવ.’ મેં એ પ્રકારે જ પ્રણામ કર્યા. પરંતુ જ્યારે માએ કહ્યું કે ‘મારા પગેથી ચાદર થોડી હટાવી દે તો.’ ત્યારે હું પૂજનીય શરત્ મહારાજનો આદેશ જાળવી શક્યો નહીં. વાતવાતમાં માએ કહ્યું, ‘તમારા કાશી ગયા પછી હું વિચારતી હતી કે છોકરાઓ ક્યાં ગયા, એમને ખાવા-પીવાનું મળે પણ છે કે નહીં. એના માટે ઠાકુર પાસે રોતી રોતી પ્રાર્થના કરી કહેતી – ઠાકુર તમે એમને સાચવજો અને ખાવાનું પણ આપજો.’

થોડા દિવસ બાદ મા સંપૂર્ણ સ્વસ્થ થયા પછી પૂજનીય શરત્ મહારાજે મને તેની સેવામાં નિયુક્ત કર્યો. માનું શરીર દુર્બળ હોવાથી અમે મંદિરગૃહમાં પોતું કરવાનું નક્કી કર્યું. ‘ના, ના, હું કરી શકીશ’, કહીને મા અમને પોતું કરવા દેતી નહીં. તેથી ફળ કાપવાનું, પુષ્પપાત્ર સજાવવાનું વગેરે બાકી વધેલું કામ અમે થોડું થોડું કરી આપતા. ઠાકુરસેવાનું કામ જેટલું થઈ શકે એટલું મા પોતે સ્વયં જ કરતી – બીજાની મદદ થઈ શકે ત્યાં સુધી લેતી નહીં.

Total Views: 323

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.