ગતાંકથી આગળ…

પવિત્રતા રહિત એકાગ્રતા હાનિકારક બની શકે છે :

વાસનાઓ એકાએક આપણને છોડતી નથી. આપણે ભલે મહાન સંયમનો અભ્યાસ કરીએ, ઇચ્છિત વસ્તુઓથી પોતાની જાતને અલગ રાખીએ, પરંતુ ઇચ્છા સૂક્ષ્મરૂપે બની રહે છે. આ ઇચ્છા અધ્યાત્મ ચેતનાનો ઉદય થતાં જ નાશ પામે છે. (ભગવદ્ ગીતા-૨.૫૯) એટલે આપણે આ અધ્યાત્મ, પરમાત્મચેતનાને થોડી માત્રામાં જગાડવાનો ભરચક પ્રયત્ન કરવો જોઈએ.

એક નિર્દેશ આપણે હંમેશાં યાદ રાખવો જોઈએ : ન્યૂનતમ આવશ્યક ચિત્તશુદ્ધિની પ્રાપ્તિ પહેલાં ધ્યાનનો અભ્યાસ ખતરનાક બની જાય છે. એકાગ્રતાનો અભ્યાસ અથવા આપણી શક્તિને સંચિત કરતાં પહેલાં એ શક્તિને ઉચ્ચતર દિશામાં પરિચાલિત કરવાનું આપણને આવડવું જોઈએ. અન્યથા આપણે દુ :ખકષ્ટ પામી શકીએ છીએ.

ભારતમાં એક લોકકથા પ્રચલિત છે : ‘એક વ્યક્તિએ દૈત્યનું આહ્‌વાન કરવાનું શીખી લીધું. તેણે એક મંત્રનું ઉચ્ચારણ કર્યું. દૈત્ય પ્રગટ થયો અને કહ્યું, ‘હવે મને કામ આપો.’ એ વ્યક્તિએ દૈત્યને કંઈક કામ બતાવ્યું. એણે તો એ કામ ક્ષણભરમાં જ પતાવી દીધું. દૈત્ય વળી પાછો પ્રગટ થયો અને કહ્યું, ‘તું મને કામ આપ અથવા હું તારી ગરદન મરોડી નાખીશ.’ હવે પેલા વ્યક્તિને તો કોઈ કામ નજરે આવતું ન હતું. એણે દૈત્યનું આહ્‌વાન કર્યું હતું, એટલે એને કોઈ કામ આપ્યે જ રાખવાનું હતું. એને એક યુક્તિ સૂઝી. પેલા દૈત્યને એક કૂતરો બતાવીને કહ્યું, ‘આ કૂતરાની વાંકી પૂંછડીને સીધી કરી દે.’

આપણે પોતાની શક્તિ જાગ્રત કરીએ છીએ, પરંતુ તેનો સદુપયોગ કરવાનું જાણતા નથી; એ શક્તિ વ્યર્થ કામોમાં નાશ પામે છે. આધ્યાત્મિક જીવનનું આ મહાન દુર્ભાગ્ય છે. એ શક્તિને ઉચ્ચતર દિશા પ્રદાન કરવાનું આવડવું જોઈએ. અન્યથા એ સંચિત શક્તિ આપણી વાસનાઓને, આપણી ઇન્દ્રિયોને ઉત્તેજિત કરી શકે છે. અને જો એ વાસનાઓને ઉચ્ચતર દિશા આપવામાં અસફળ રહ્યા, તો તે એક દારૂગોળાની જેવી બની જશે અને આપણાં દેહ અને મનનો ધ્વંશ કરી નાખશે. એકાગ્રતા અને ધ્યાનની સાથે રમત રમવી ખતરનાક છે. પરંતુ જો આપણને ઉચિત પ્રશિક્ષણ મળ્યું હોય, અને જો આપણામાં આવશ્યક યોગ્યતા હોય, તો ધ્યાન અને એકાગ્રતાનું જીવન જીવવું ઘણું આનંદદાયક છે.

શક્તિને જો યોગ્ય દિશા ન આપવામાં આવે તો તે યૌગિક સિદ્ધિઓના રૂપે વ્યક્ત થઈ શકે છે. સંભવત : આપણને બીજાના મનની વાત જાણવાની ક્ષમતા પ્રાપ્ત થઈ જાય છે. આપણે ભવિષ્યમાં થનારી વાતોને જાણી શકીએ છીએ, પરંતુ આપણે પોતે પોતાના મન તથા પોતાના વાસ્તવિક, આધ્યાત્મિક સ્વરૂપથી અજાણ બની જઈએ છીએ. આધ્યાત્મિક જીવનનો ઉદ્દેશ પોતાને વિશે, પોતાના સ્વરૂપ વિશે જાણવું એ છે. જો આગળ કહેલા ઉપાયો દ્વારા આવશ્યક ચિત્તશુદ્ધિ કરી લેવામાં આવે તો આ સંચિત શક્તિનો ઉપયોગ નિષ્કામ કર્મ, જપ, એકાગ્રતા અને ધ્યાન કરવામાં કરી શકાય છે અને આ બધાં સત્ય તરફ આગળ ધપવામાં આપણને સહાય કરે છે.

ભગવત્ સમપર્ણ :

સફળતાપૂર્વક આધ્યાત્મિક પથ પર આગળ ધપવા બુદ્ધિ અને અહંકારના દોષોને પણ દૂર કરવા જોઈએ. સતત સાચા માર્ગનું અનુસરણ કરવાથી તથા મનને બળવાન બનાવવાથી ઇચ્છાશક્તિ બળવાન બને છે. આધ્યાત્મિક જીવનની સફળતા માટે એક સબળ ઇચ્છાશક્તિની ચોક્કસપણે આવશ્યકતા છે. પ્રલોભનોના આક્રમણ વખતે, અચેતન મનમાં છૂપાયેલી વાસનાઓ ઉદિત થઈને આપણને પ્રલોભિત કરે તે સમયે પ્રબળ ઇચ્છાશક્તિની આવશ્યકતા પડે છે. આપણામાંથી પ્રત્યેકના જીવનમાં અનિવાર્યપણે ઉપસ્થિત થનાર પ્રલોભનોથી ઉપર ઊઠીને આપણે આધ્યાત્મિક પથનું અનુસરણ કરવામાં સમર્થ બનવું જોઈએ.

અને આધ્યાત્મિક જીવનમાં એક વાત સદૈવ યાદ રાખવી જોઈએ : અહં-કેન્દ્રિત નૈતિક અને આધ્યાત્મિક સાધના જ પૂરતી નથી. એટલે યોગ અને વેદાંત બન્નેના આચાર્યોનું આવું કથન છે : ‘સાધનાની સાથોસાથ પોતાના કર્મોનાં ફળ ઈશ્વરને સમર્પિત કરવાનો પ્રયત્ન કરો. (ભગવદ્ ગીતા – ૯.૨૭; ૧૨.૧૦,૧૧ ; પાતંજલ યોગસૂત્ર – ૧.૨૩)

યોગી ઈશ્વરને ગુરુઓના પરમગુરુ માને છે. આ પરમગુરુ આપણાથી દૂર નથી. તેઓ આપણા હૃદયમાં વિરાજે છે. પાશ્ચાત્ય દેશોમાં ઈશ્વરના પરમગુરુ સ્વરૂપને વધારે મહત્ત્વ આપ્યું નથી, પરંતુ ભારતમાં આપણે એમને વધારે મહત્ત્વ આપીએ છીએ. માતપિતા આપણને લૌકિક જીવન આપે છે. પરંતુ આપણા આધ્યાત્મિક ગુરુ આત્મજગતમાં આપણા જન્મમાં સહાયરૂપ બને છે તથા જન્મ અને મૃત્યુ, દુ :ખ અને શોકમાંથી પાર ઊતરવામાં સહાય કરે છે. વેદાંતમાં ઈશ્વર કે પરમાત્મા ગુરુઓના પરમગુરુ જ નહીં, પરંતુ આત્માઓના પરમ-આત્મા પણ છે.

આપણામાંથી દરેકે દરેક અનંત પરમાત્માનો અંશ છે. પ્રારંભમાં આપણે વિરાટ આત્મામાં શ્રદ્ધા રાખીએ કે ન રાખીએ, પણ જેમ જેમ આપણાં મન અને ઇન્દ્રિયો શુદ્ધ થાય છે, તેમ તેમ આપણે પોતાના વ્યક્તિગત આત્માનો અનુભવ કરવા માંડીએ છીએ. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ, તેમ તેમ આપણે બધા વસ્તુત : એક બૃહત્તર પૂર્ણના અંશ છીએ, એવો અનુભવ કરીએ છીએ અને આ મહાનતમ સત્યની આપણને આવશ્યકતા છે. આપણે પરમાત્માના અભિન્ન અંગ આત્માઓ છીએ.

ઉપનિષદની ઘોષણા છે કે ‘આત્મા’ બધાનાં હૃદયમાં છુપાયેલો છે. એને ઋષિ પોતાની પવિત્ર સૂક્ષ્મ અંતર્દૃષ્ટિ દ્વારા જ જોઈ શકે છે. (કઠોપનિષદ – ૧.૩.૧૨)

(ક્રમશ 🙂

 

Total Views: 351

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.