‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે.’ ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના જે આદર્શાે, જે સિદ્ધાંતો અનુસાર સંઘનું કાર્ય ચાલતું રહેવાનું છે તે અને સંન્યાસીઓએ પાળવાના નિયમોની નોંધ વગેરે ત્યાં એકઠા થયેલા સંન્યાસી-બ્રહ્મચારીઓમાંથી એકને અક્ષરશ : લખી લેવા માટે તેમણે કહ્યું.

એમની સામે જ બેઠેલી, હૃદયમાં ખળભળાટ મચાવી મૂકનારી એક મહાન વિભૂતિના શબ્દોનું અક્ષરશ : અંગ્રેજીમાં અનુસર્જન કરવાની હિંમત કોઈ દાખવી શક્યું નહિ. ત્યાં બેઠેલાઓએ એકબીજાને કોણીનો ગોદો માર્યો પણ કોઈ આ કાર્ય માટે આગળ ન આવ્યું. અંતે એક છોકરો હાથમાં પેન અને કાગળ લઈને ગણેશનું આસન ગ્રહણ કરવા આગળ આવ્યો. (ગણેશજી વિદ્યાના અને લેખનના દેવ ગણાય છે. તેમણે વ્યાસને મુખેથી વર્ણવાયેલ મહાભારત લખ્યું હતું.) જો કે તે હજી યુવાનીના ઉંબરે હતો અને થોડા દિવસો પહેલાં જ રામકૃષ્ણ સંઘમાં જોડાયો હતો. આ છોકરામાં સ્વામીજીના શક્તિસંચારક સંદેશને જગતમાં પ્રસારિત કરવાનો અજબનો જુસ્સો હતો.

ભવિષ્યના દિવસોમાં આ છોકરો કે જે એ સમયે સ્વામીજીનાં ચરણોમાં વિનમ્રતાપૂર્વક બેઠો હતો તે સ્વામી શુદ્ધાનંદના નામે સૌને માટે પૂજ્ય બનવાનો, તેમજ સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનો જીવતો જાગતો અહેવાલ આપનાર તેમજ વ્યવહારુ વેદાંતની પ્રતિમૂર્તિ બનવાનો હતો.

સ્વામીજી જે કંઈ કહેતા અને શુદ્ધાનંદ સાંભળતા તે એમની સ્મૃતિમાં અક્ષરશ : કોતરાઈ જતું. એમાં સ્વામીજીની માત્ર ભાષા જ નહિ પણ એમની મુખાકૃતિ પરના વિવિધ હાવભાવ પણ શુદ્ધાનંદના મનનાં પૃષ્ઠો પર અંકિત થઈ જતા. સ્વામીજીના દિવ્ય અને ઓજસપૂર્ણ દેખાવને યાદ કરીને તે હર્ષોન્મિત થઈ જતા. ભગવદ્ ગીતા વિશેનું પોતાનું વ્યાખ્યાન આપતી વખતે સ્વામીજીની ઉપસ્થિતિનું વર્ણન શુદ્ધાનંદજીએ શ્રેષ્ઠ રીતે પોતાના શબ્દોમાં આ રીતે કર્યું છે :

પ્રિય વાચકો,

એ દિવસે જે મહાન વ્યક્તિત્વ મેં જોયું હતું અને જે ઉપસ્થિતિ હજુ પણ મારી આંખો સામે છે તે જ છાપ મારા આ વિનમ્ર પ્રયાસથી આપનાં મન :ચક્ષુ સમક્ષ ખડી થશે. જ્યારે હું એમના વિશે વિચારું છું ત્યારે જેમનું હૃદય અસીમ પ્રેમથી ભર્યું છે એવા એક મહાન વિદ્વાન, શક્તિના મહાન સ્તંભરૂપે એમને યાદ કરું છું. સ્થળકાળની મર્યાદાઓથી ઉપર ઊઠતું સ્વામીજીનું એ રૂપ નિહાળવાનો તમારે પણ પ્રયત્ન કરવો જોઈએ… એ દિવસે સ્વામીજીએ કહ્યું હતું, ‘જ્યારે તમે એ સર્વોત્કૃષ્ટ આત્માને બીજામાં નિહાળવાનો પ્રયત્ન કરશો ત્યારે તમે ખરાબમાં ખરાબ પાપીને પણ ધિક્કારવાના નથી જ.’

ત્યાગના અવતારસ્વરૂપ સ્વામી વિવેકાનંદનાં ઉપદેશ-શિક્ષણ શુદ્ધાનંદના જીવનમાં એક માર્ગદર્શક દીપ બની ગયાં અને તેઓ એ પ્રમાણે વર્તતા રહ્યા. એ પછી સ્વામી શુદ્ધાનંદે આ પ્રમાણે લખ્યું :
‘જે દિવસે સ્વામીજી અલ્મોડા જવા નીકળવાના હતા ત્યારે એમણે બધા નવા બ્રહ્મચારીઓને પોતાની પાસે બોલાવ્યા. ત્યારે એમણે એ બધાને આત્મસંયમના મહત્ત્વ વિશે જે કહ્યું એ હજી પણ મારા કાનમાં ગુંજે છે : ‘વત્સ, જુઓ બ્રહ્મચર્ય અને સંયમ સિવાય તમને ક્યારેય આધ્યાત્મિક ઉન્નતિ નહીં મળે. આધ્યાત્મિક જીવનમાં આ વિશે કોઈ બાંધછોડ ક્યારેય ન પરવડે. હંમેશાં સ્ત્રીઓથી દૂર રહો. એમને તમારે તિરસ્કારવાં જોઈએ, એમ હું કહેવા માગતો નથી. તેઓ તો મા જગદંબાનાં વિવિધ રૂપો છે. પણ તમારા બચાવ-આરક્ષણ માટે તમે એમનાથી અંતર રાખજો. મેં ક્યારેક કહ્યું છે કે ગૃહસ્થ પણ આધ્યાત્મિક રીતે ઉન્નતિ પામી શકે છે, પણ આનો અર્થ એવો નથી કે હું એવું વિચારું છું કે મારી દૃષ્ટિએ બ્રહ્મચર્ય અને સંપૂર્ણ ત્યાગ આવી આધ્યાત્મિક પ્રાપ્તિ માટે પૂર્ણપણે અનિવાર્ય નથી. વાસ્તવિક રીતે આવા પ્રસંગોએ મોટાભાગના મારા શ્રોતાઓ ગૃહસ્થો હતા, એટલે મેં મારા દૃષ્ટિકોણને થોડો વધારે નરમ બનાવ્યો અને એમાં બાંધછોડ કરી કે જેથી એ ગૃહસ્થ ભક્તો ધીમેધીમે સંપૂર્ણ સંયમ અને બ્રહ્મચર્યના પથે વળી શકે. પણ તમને તો હું જે કંઈ વાસ્તવિક રીતે અનુભવું છું એ જ કહું છું. બ્રહ્મચર્ય અને સંયમ સિવાય આધ્યાત્મિક ઉન્નતિ મેળવી ન શકાય. તમે તમારાં દેહ, મન અને વચનથી આ બ્રહ્મચર્યને ચુસ્તપણે જાળવી રાખજો.’

સ્વામીજીનાં ચરણકમલોમાં બેસીને જેમનું ચારિત્ર્ય જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગનું સંપૂર્ણ સંશ્લેષીકરણ હતું એવા શુદ્ધાનંદે પોતાના જીવનમાં આવા ઉદ્દાત ગુણોનું સંવાદી મિલન કેળવ્યું હતું. પોતાના ગુરુદેવના અફર શુભાશિષ અને ઉપદેશોથી સુદૃઢ બનીને સ્વામી

શુદ્ધાનંદ આધ્યાત્મિક પથના આ ચારેય યોગમાં સરળતાથી નિપુણતા પ્રાપ્ત કરી શક્યા.

એક સાંજે સ્વામીજી વેદાંતનો વર્ગ લેતા હતા. તેમાં શુદ્ધાનંદ અને બીજા શિષ્યો હાજર હતા. સંધ્યા સમય હતો અને મંદિરમાં પૂજાનો સમય થઈ ગયો હતો. સ્વામી પ્રેમાનંદ આવ્યા અને તેમણે વર્ગમાં રહેલ બધાને મંદિરમાં પૂજા-ઉપાસના માટે જવા કહ્યું. યુવાન સંન્યાસીઓને જરા ન ગમ્યું. એક બાજુએ સ્વામીજીને વેદાંત ઉપર બોલતા સાંભળવાનું આકર્ષણ હતું અને બીજી બાજુએ મંદિરમાં સંધ્યાઆરતી સમયની પૂજા-ઉપાસના હતાં. નવયુવાનોની મૂંઝવણ સમજીને સ્વામીજીએ સ્વામી પ્રેમાનંદને કહ્યું, ‘શું વેદાંતનો અભ્યાસ પણ ગુરુદેવની પૂજા નથી? શું તમે એમ ધારો છો કે છબી કે મૂર્તિની સામે દીપ પ્રગટાવીને કાનને બહેરા કરી દેતા ઘંટારવ સાથે તેની આરતી ઉતારવી એ જ પ્રભુપૂજા છે?’

સ્વામી શુદ્ધાનંદે સ્વામીજી સાથેના પોતાના પરિભ્રમણનો અહેવાલ આ શબ્દોમાં આલેખ્યો છે :

‘૧૮૯૭ના પશ્ચાદ્ ભાગમાં જ્યારે હું આલમબજાર મઠમાં હતો ત્યારે સ્વામીજીએ સ્વામી વિજ્ઞાનાનંદ અને મને પશ્ચિમભારતનું પરિભ્રમણ કરવા કહ્યું. એ વખતે સ્વામીજી યાત્રાપ્રવાસે હતા અને અમે તેમને ક્યાં મળીશું એ માટે અમે ચોક્કસ ન હતા. સ્વામીજીની સૂચનાઓ પ્રમાણે સૌ પ્રથમ અમે અંબાલા ગયા અને ત્યાં થોડા દિવસો રહ્યા. ત્યાર પછી સ્વામી નિરંજનાનંદ સ્વામી વિજ્ઞાનાનંદને દેહરાદૂન લઈ ગયા. અહીં મઠ માટે યોગ્ય જગ્યા પસંદ કરવાની હતી.

હું વળી પાછો અંબાલા થોડા દિવસ રોકાયો. પછીથી સ્વામીજી લાહોર આવવાના છે એવા સમાચાર મળતાં હું એમને ત્યાં મળવા ગયો, પણ ત્યાં તેમના આવવાની ચોક્કસ તારીખની મને ખબર ન હતી. એટલે સ્ટેશને એમની રાહ જોવાને બદલે એમણે મને આપેલા સરનામે હું ગયો. પછીથી મને જાણવા મળ્યું કે હું પહોંચ્યો તે પછી એકાદ કલાકે સ્વામીજી આવી પહોંચ્યા હતા અને કેટલાક હિન્દુ સમાજે એમના ભવ્ય સ્વાગતનો સમારંભ ગોઠવ્યો હતો. સત્કાર સમારંભમાં વ્યસ્ત હોવા છતાં પણ સ્વામીજીએ મારી સ્ટેશને મળવાની અપેક્ષા રાખી હતી. ત્યાં મને ન જોઈને તેમણે પહેલેથી પૈસા ચૂકવીને અંબાલામાં મને એક તાર કર્યો. આમ છતાં પણ હું એ જ રાતે સ્વામીજીને મળ્યો અને મારા પર એમણે જે પ્રેમ અને ઉષ્મા વરસાવ્યાં તે મારા હૃદયના અંત :સ્થલને સ્પર્શી ગયાં.’

એક દિવસ ૧૯૦૨ના જૂન મહિનાના અંતે સ્વામીજીએ શુદ્ધાનંદને પંચાંગ લાવવા કહ્યું. પંચાંગ લાવવામાં આવ્યું અને સ્વામીજીએ તેનો બારીકાઈથી અભ્યાસ કર્યો, પછી એને એક બાજુએ મૂકી દીધું. સ્વામીજીના હાવભાવ પ્રમાણે શુદ્ધાનંદને લાગ્યું કે કોઈ વિશેષ કાર્ય માટે તેઓ તારીખ-તિથિ પસંદ કરતા હતા. અરેરે! શુદ્ધાનંદને એક ક્ષણ માટે પણ એવી કલ્પના ના આવી કે સ્વામીજી આ દુનિયામાંથી શાશ્વત વિદાય લેવાની તિથિ નક્કી કરતા હતા. એક અઠવાડિયા પછી આ ઘટના બની. જે કાર્ય માટે તેઓ આ વિશ્વમાં અવતર્યા હતા તે પૂર્ણ થતાં ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજી મહાસમાધિમાં લીન થઈ ગયા. સ્વામીજીના આ દેહવિલયના સમાચારે શુદ્ધાનંદના હૃદય પર કેવો આકરો ઘા કર્યો હતો, એની કલ્પના પણ કોણ કરી શકે. બીજું બધું તો પહેલાંની જેમ જ હતું, પણ એક મહાન વ્યક્તિ કે જેમના પર બધા સંન્યાસીઓની આશા-અપેક્ષાઓ કેન્દ્રિત થઈ હતી અને એ બધાના પ્રયત્નોમાં પ્રેરણાનું સ્રોત બની રહેનાર સ્વામીજી ચાલ્યા ગયા! જો કે સ્વામીજી ક્ષરદેહે હયાત ન હતા, પણ શુદ્ધાનંદ તેમની મહાન શક્તિને રામકૃષ્ણ સંઘની પાછળ મૂકપણે કાર્ય કરતી અનુભવી શકતા. સ્વામીજીએ અલ્મોડાથી લખેલ પત્રમાંના આ શબ્દો એમને અવારનવાર યાદ આવતા : ‘તારે તારા પોતાના મૂળભૂત વિચારો સાથે આગળ આવવું જોઈએ; નહીં તો જેવો હું મૃત્યુ પામીશ કે તરત જ બધું કાર્ય છિન્નભિન્ન થઈ જશે. હું મારા સંન્યાસી બંધુઓના કરતાં મારા સંન્યાસી શિષ્યસંતાનોમાં વધારે આશા અપેક્ષા રાખું છું એ તું ક્યારેય ન ભૂલતો.’

 

Total Views: 411

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.