રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવા સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન ઘણાં યુવા ભાઈ-બહેનોએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો : ‘હતાશા-નિરાશાની લાગણીમાંથી છુટકારો કેવી રીતે મેળવવો ?’ ખરેખર આજે યુવા વર્ગ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એલ્વિન ટાૅફલરે ‘The Future Shock’ નામના પુસ્તકમાં લખ્યા પ્રમાણે સમાજમાં પેઢી-પેઢી વચ્ચેનું અંતર ખૂબ જ વધી ગયું છે. વિચારસરણીમાં પણ ખૂબ જ પરિવર્તન આવી રહ્યું છે. સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. તેમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ અને વિદેશી ટી.વી. ચેનલોએ આજના યુવા વર્ગને પોતાનાં માતા-પિતા અને શિક્ષકથી દૂર ધકેલી દીધો છે. આજના યુવાનોને બધું તાત્કાલિક જોઈએ છે – ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ સક્સેસ (સફળતા) વગેરે અને તે ન મળે તો ઇન્સ્ટન્ટ આત્મહત્યા ! ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આૅફ એડવાન્સ સ્ટડિઝ’ દ્વારા દેશના ૧૬ થી ૨૫ વર્ષની વયના ૨૧.૫ કરોડ યુવાનોમાંથી ૬૦૦ યુવાન ભાઈ-બહેનોનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. તેમાં શહેરના અને ગામડાંના બંને પ્રકારના યુવાનો સામેલ હતા. એવું જાણવામાં આવ્યું કે તેઓ હતાશા, ક્રોધ, પલાયનવાદ વગેરે માનસિક પીડાથી પીડિત છે. દેશના ૫૪% ગુનાઓ યુવાનો દ્વારા કરવામાં આવે છે અને ૪૦% આત્મહત્યા યુવાનો દ્વારા કરવામાં આવે છે.

આજના યુવાનો બુદ્ધિમાન છે, મહત્ત્વાકાંક્ષી છે, ઉત્સાહી છે, પણ નાની નાની બાબતોનો સામનો વીરતાધીરતાપૂર્વક નથી કરી શકતા કારણ કે તેઓને જીવવાની કળા શીખવવામાં આવી નથી. આપણી શિક્ષણપદ્ધતિમાં આધ્યાત્મિક શિક્ષણની-મૂલ્યોના શિક્ષણની કોઈ જોગવાઈ નથી. આજનાં યુવા ભાઈ-બહેનો અત્યંત તેજ ગતિથી દોડી રહ્યાં છે, પોતાનું કેરિયર બનાવવા માટે દોટ મૂકી રહ્યાં છે, પણ કઈ દિશા તરફ જવું તેની તેઓને ખબર નથી. માર્ગદર્શકના અભાવમાં તેઓ આમતેમ ભટકી રહ્યાં છે. પરિણામે હતાશા અને નિરાશા આવે છે. વેદાંતના સંદેશનો જીવનવ્યવહારમાં પ્રયોગ કરવાથી યુવા વર્ગ આ નિરાશામાંથી બહાર આવી શકે તેમ છે.

વેદાંતનો સૌથી મહત્ત્વપૂર્ણ સંદેશ છે – આત્મશ્રદ્ધાનો. વેદાંતના મત પ્રમાણે દરેક વ્યક્તિમાં દિવ્ય આત્મા વિરાજમાન છે, દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. આવશ્યકતા છે આ દિવ્યતાને અભિવ્યક્ત કરવાની; કારણ કે આત્માનું સ્વરૂપ છે – સત્-ચિત્-આનંદ. અનંત જ્ઞાન અને અનંત આનંદ દરેક વ્યક્તિમાં વિદ્યમાન છે, આત્માની અનંત શક્તિ દરેક વ્યક્તિમાં વિદ્યમાન છે – પુરુષ કે સ્ત્રી, દરિદ્ર કે ધનવાન, ઉચ્ચ વર્ણ કે નિમ્ન વર્ણ, ગમે તે દેશની હોય, ગમે તે ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિમાં આ અનંત શક્તિ છુપાયેલી છે જ. કઠોપનિષદ (૧.૩.૧૨)માં કહ્યું છે –

एष सर्वेषु भूतेषु गूढोऽत्मा न प्रकाशते।

दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदशिर्भिः।।

‘દરેક જીવમાં આત્મા છે, ગૂઢ અવસ્થામાં છે, માટે દેખાતો નથી, (પણ) જેમની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ અને એકાગ્ર છે, તેમણે આ આત્માના દર્શન કર્યાં છે.’

આત્મા દરેક શક્તિનો સ્ત્રોત છે. ‘आत्मना विन्दते वीर्यम्’, વેદાંતના ‘આત્મશ્રદ્ધા’ના સંદેશના આધારે છે.

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘શ્રદ્ધા, શ્રદ્ધા. પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા. આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેત્રીસ કરોડ પૌરાણિક દેવતાઓમાં તમે શ્રદ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો – અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. આત્મશ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર રહો અને બળવાન બનો.’

વેદાંતનો નિર્ભયતાનો સંદેશ આપતાં સ્વામીજી કહે છે, ‘ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે : ‘અભી :’, ‘અભય’, અને જગતને જો કોઈ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શિક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું મુખ્ય કારણ છે. ભયથી જ દુ :ખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનિષ્ટ ઊભું થાય છે.’

આ આત્મશ્રદ્ધા, નિર્ભયતા કેવી રીતે આવે ? આત્મજ્ઞાનથી. આત્મજ્ઞાન બે અર્થાેમાં : ૧. આત્માનું જ્ઞાન ૨. પોતાના મન, બુદ્ધિ, દેહ વિષેનું જ્ઞાન. આત્મજ્ઞાનથી પોતાનામાં રહેલી અનંત શક્તિ-દિવ્યતા પ્રગટ થશે અને આ જ માનવજીવનનો ઉદ્દેશ છે. સ્વામીજી કહે છે, ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલી છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન – એમ એક અથવા અનેક દ્વારા જીવન ધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્રતત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે. ’

એક સિંહણ જંગલમાંથી જઈ રહી હતી ત્યારે રસ્તામાંથી ઘેટાં પસાર થઈ રહ્યાં હતાં. રસ્તો પાર કરવા ઘેટાંના આ દળ પરથી સિંહણે છલાંગ લગાવી. સિંહણના પેટમાં એક બચ્ચું હતું, તે ઘેટાંના દળમાં પડી ગયું અને સિંહણ રસ્તાની સામેની પાર પડી અને મરી ગઈ. હવે સિંહણનું બચ્ચું ઘેટાંની સાથે રહેવા લાગ્યું, ઘેટાંની જેમ ઘાસ ખાવા મંડી ગયું અને ઘેટાંની જેમ ‘બેં બેં’ કરવા મંડી ગયું. એક વાર એક સિંહ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે આશ્ચર્યથી જોયું કે તે નાનકડો સિંહ ઘેટાંની જેમ ‘બેં બેં’ કરતો ઘેટાંની સાથે જઈ રહ્યો છે. મોટા સિંહે નવાઈથી નાના સિંહને પૂછ્યું, ‘અલ્યા, તું સિંહ છો છતાં ઘેટાની જેમ ‘બેં બેં’ કેમ કરે છે ?’ નાના સિંહે ‘બેં બેં’ કરતાં ઉત્તર આપ્યો, ‘હું તો ઘેટું છું, સિંહ નથી.’

મોટા સિંહે નાના સિંહને એ સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા કે તે સિંહ છે, ઘેટું નથી. તેમ છતાં નાનો સિંહ ‘બેં બેં’ કરતો રહ્યો અને કહેતો રહ્યો કે ‘હું તો ઘેટું છું’. છેવટે મોટો સિંહ ક્ંટાળ્યો. નાના સિંહને ઢસડીને એક તળાવ કાંઠે લાવ્યો અને કહ્યું, ‘મૂરખ, જો, આ પાણીમાં તારો પડછાયો જો, તારો ચહેરો ઘેટાં જેવો છે કે મારા જેવો – સિંહ જેવો ?’ નાના સિંહે પોતાનો પડછાયો પાણીમાં જોયો ત્યારે તેના અજ્ઞાનનો પરદો દૂર થયો અને તેને સમજાયું કે તે સિંહ છે, ઘેટું નથી, તેણે ‘બેં બેં’ કરવાનું બંધ કરી દીધું, સિંહની જેમ ગર્જના શરૂ કરી, ઘાસ ખાવાનું છોડી દીધું, માંસ ખાવાનું શરૂ કર્યું, તેની નિર્બળતા દૂર થઈ ગઈ, નીડર બની ગયો, જંગલનો રાજા બની ગયો.

સિંહ અને ઘેટાંની આ વાર્તા દ્વારા સ્વામીજી સમજાવે છે કે જ્યારે આપણે આપણી આંતરશક્તિને ઓળખીશું, મિથ્યા ભ્રમને ખંખેરી દઈશું ત્યારે જ સિંહનું બળ અનુભવીશું. વેદાંતનો નિચોડ સ્વામીજી પોતાની ઓજસ્વી ભાષામાં આપતાં કહે છે, ‘તમે તો ઈશ્વરનાં સંતાન છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ ! તમે પાપી ? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. મનુષ્ય-પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો ! ઊભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો, તમે જડ પદાર્થ નથી, શરીર નથી, જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.’

આત્મશ્રદ્ધાથી બધી નિર્બળતા દૂર થશે. પ્રારબ્ધના ભરોસે બેસી રહેનારાં ભાઈ-બહેનોને આળસ ખંખેરી ઊભા થઈ પુરુષાર્થમાં લાગી જવા માટે વેદાંત પડકારે છે. કઠોર પરિશ્રમમાં લાગી જવાનું અને વેદાંતના આત્મનિર્ભરતાના સંદેશનું પાલન કરવાનું સ્વામીજી આહ્‌વાન કરે છે, ‘તમારા પગ ઉપર ઊભા રહો અને બધી જવાબદારીઓ પોતાને માથે લો. કહો કે, ‘જે આ દુ :ખ હું ભોગવું છું તે મારી પોતાની કરણીનું ફળ છે અને આ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે.’ માટે ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારીઓ પોતાને શિરે ઓઢી લો – અને જાણી લો કે તમારા નસીબના ઘડવૈયા તમે પોતે જ છો, જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી અંદર જ છે.વેદાંંતનો આ સંદેશ કર્મના સિદ્ધાંત પર આધારિત છે – ‘જેવું વાવશો તેવું લણશો.’ યુવાનો પ્રારબ્ધની – નસીબની વાતો કરે, તે સ્વામીજીને પસંદ ન હતું. તેઓ કહેતા, ‘પ્રારબ્ધ બળવાન છે – એવું કાયરો કહે છે. પણ શક્તિશાળી માણસ તો ઊભો થઈને કહે છે, ‘મારું ભાગ્ય હું પોતે ઘડી કાઢીશ.’ જેઓ ઘરડા થતા જાય છે, એવા માણસો જ ભાગ્યની વાતો કરે છે. જુવાન માણસો સામાન્ય રીતે ભાગ્ય વાંચનારાઓની પાસે જતા નથી.’

આમ વેદાંતના આત્મશ્રદ્ધા અને આત્મનિર્ભરતાના સંદેશનું અનુસરણ કરવાથી આજનો યુવા વર્ગ જીવનની દરેક સમસ્યાનો સામનો બહાદુરીપૂર્વક કરી શકશે, હતાશા અને નિરાશાનાં વાદળાઓને દૂર હડસેલી શાંતિ પ્રાપ્ત કરી શકશે અને અનેરી સફળતાનાં શિખરોને આંબી શકશે.

 

Total Views: 360

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.