૮ ફેબ્રુઆરીના રોજ સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે છોટા વર્ધાથી ચાર કિ.મી. દૂર આવેલ દહીંબેવડા પહોંચ્યા. અહીં નાખૂનવાળા બાબાનો પ્રખ્યાત આશ્રમ છે. કેટલાંયે વર્ષોથી નખ કાપેલ ન હોવાથી હાથની આંગળીઓ પર નખનાં વિચિત્ર પ્રકારનાં ગૂંચળાં વળી ગયાં હતાં. નાખૂનવાળા બાબા ઊઠે ત્યારથી ચિલમ ચાલુ થઈ જાય ! સાધારણ જગ્યામાં એ એક વિકાસશીલ આશ્રમ હતો. સવારે ૧૦ :૩૦ વાગ્યે આશ્રમમાં પહોંચ્યા. લંબચોરસ આડા ડબ્બા જેવા આકારના નાના ઓરડામાં રાખેલ ભગવાનની છબી વગેરેને પ્રણામ કરીને આસન લગાવ્યાં. લગભગ અડધો કલાક પછી અમને બટેટા-પૌંઆનો નાસ્તો મળ્યો. પ્રમાણમાં થોડો વધુ આપ્યો, પણ પરિક્રમાવાસીઓ માટે આટલા નાસ્તાથી કંઈ પેટ ભરાય, આમેય પરિક્રમા વખતે ખોરાક એની મેળે વધી જાય ! આશ્રમવાળાઓને એમ કે થોડો વધુ નાસ્તો આપ્યો એટલે આગળ નીકળી પડશે. પણ હવે અમે ૧૧ :૦૦ વાગ્યે અહીંથી નીકળીએ તો ૬ કિલોમીટર પિપ્પલુદ ગામે પહોંચતાં ૧ :૦૦ વાગી જાય. એ વખતે કોણ પ્રસાદ કે ભોજન આપે ! અમે તો ન ઘરના કે ન ઘાટના રહી જઈએ. એટલે અમે તો ત્યાં આશ્રમમાં જ બેઠા રહ્યા. થોડી વાર પછી સમાચાર આવ્યા કે ભોજન-પ્રસાદમાં વાર લાગશે, બપોર ઢળી જશે. અમે કહ્યું, ‘અમારે ક્યાં કંઈ મોડું થાય છે ? અમે રાહ જોઈશું.’ બપોરે ૧૨ :૩૦ વાગ્યે ધનવાન લોકોની કુટુંબીજનો સાથે બે ગાડી આવી. નાખૂનવાળા બાબાની તો વળી પાછી આ નબીરાઓ સાથે ચલમ ફૂંકવાની મહેફીલ જામી. કદાચ તેઓ ઘણા જથ્થામાં ચલમની સામગ્રી પણ લાવ્યા હશે ! આશ્રમની સામેના ખૂણે આવેલ હાૅલ ચલમનાં ધુમાડા અને ગંધથી ભરાઈ ગયો. નબીરાઓ સાથે આવેલ બહેનો આશ્રમના સેવકો સાથે રસોઈના કામમાં વળગ્યાં. હવે વિચાર એ આવ્યો કે આ બાબાએ નબીરાઓને બગાડ્યા છે, કે નબીરાઓએ બાબાને બગાડ્યા છે ! આ ચિંતાનો વિષય છે. લગભગ બપોર પછી ૩ :૩૦ વાગ્યે પંગત પડી, પ્રસાદ લઈને આ ગાંજાખોર આશ્રમમાં વધુ ન રોકાતાં અમે આગળ વધ્યા.

આશરે સાંજે ૫ :૩૦ વાગ્યે પિપ્પલુદમાં નર્મદા તટે નૃસિંહ મંદિરે પહોંચ્યા. પરિક્રમાવાસીઓ માટે શેરીમાં ડેલીની બન્ને બાજુએ લાંબા ઓરડા હતા. ફળફૂલથી શોભતું ફળિયું અને પછી નાનુંશું નૃસિંહ ભગવાનનું મંદિર. પૂજારીએ રહેવા માટે ઓરડીઓ દેખાડી. નિત્યક્રમ પૂરો કરીને આરતીનો લાભ મળ્યો. ગામનાં કેટલાંય નાનાંમોટાં દીકરા-દીકરીઓ પણ આરતીમાં હતાં. વાસ્તવમાં ગામના પૂજારી તો નર્મદા તટ પર પરિભ્રમણ કરતા હતા, અહીં તેમને સ્થળ ગમ્યું અને ગામ લોકોના આગ્રહને કારણે કેટલાક મહિનાથી રોકાણા છે. પૂજારીનું એવું તો પાવન વ્યક્તિત્વ હશે કે ગામનાં નાનાંનાનાં દીકરા-દીકરીઓ રોજ સાંજે ટોળે વળીને મંદિરે આવીને આરતી કરે. આ બધાંને તેમણે ગીતાના શ્લોક, સ્તોત્ર, વાર્તાઓ વગેરે શીખવ્યાં હતાં. બધાં મંદિરે આવતાં અને સેવા કરતાં શીખી ગયાં.

આ પૂજારીના વ્યક્તિત્વ વિશે સંન્યાસી વિચારતા થઈ ગયા. અદ્‌ભુત ! કેટલાં બધાં છોકરાછોકરીઓનાં મનને ભગવાન તરફ વાળે એ કેટલા તો પવિત્ર અને પરમાનંદી હશે ! પરંતુ પછી એમણે મને જે કહ્યું એ સાંભળીને હું અવાક થઈ ગયો ! ભગવાનની મહામાયા વિશે વિચારતો થઈ ગયો. તેમણે કહ્યું, ‘મહારાજ, જ્યાં દિવસમાં ૧૫ કલાક સુધી હું એકાસને બેસીને ગાયત્રી પુરશ્ચરણ કરી શકું એવું નર્મદા તટે કોઈ નિર્જન સ્થાન હોય તો મને જણાવજો!’ મને લાગ્યું કે કોઈ કર્મના બોજ હેઠળ તેમનો આત્મા દબાયેલો છે ! આનું નામ જ માયા!

જેમ કે પરીક્ષામાં પાસ થઈ જાઉં એટલે જંગ જીત્યો એવું કોઈ બાળકને થાય, ભણેલા યુવાનને નોકરી મળી જાય તો સુખી થઈશ એવું લાગે, એવી રીતે સાધુને એમ લાગે કે નિષ્કામ પવિત્ર બની ગયો એટલે ભગવત્પ્રાપ્તિ હાથવેંતમાં ! પણ આ બધું તો એ માયાધીશ, મહેશ્વરની ઇચ્છા પર અધીન છે ! સ્વામી વિવેકાનંદ કહે છે, ‘પ્રત્યેક શ્વાસમાં, હૃદયના પ્રત્યેક ધબકારમાં, આપણી પ્રત્યેક ગતિમાં આપણને લાગે છે કે આપણે મુક્ત છીએ અને તે જ ક્ષણે આપણને ખ્યાલ આવે છે કે આપણે મુક્ત નથી. આપણું શરીર, આપણું મન, આપણા સઘળા વિચારો અને આપણી ભાવનાઓમાં આપણે બદ્ધ ગુલામીમાં અટવાયેલા દાસ છીએ.’ આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ. આ દુનિયા એક કેદખાનું છે અને આપણું કહેવાતું સુંદર શરીર પણ એક કેદખાનું છે. આપણી બુદ્ધિ, આપણું મન બધાં જ કેદખાના જેવા છે. પોતે ગમે તે કહે તોપણ એવો કોઈ માણસ નથી પાક્યો, કે એવો કોઈ આત્મા નથી થયો કે જેણે કોઈ ને કોઈ વખતે આવો અનુભવ ન કર્યો હોય. વૃદ્ધોને આવું વિશેષ જણાય છે, કારણ કે તેમની પાસે જીવનના અનુભવોનું ભંડોળ છે; તેઓ પ્રકૃતિનાં જૂઠાણાંથી સહેલાઈથી છેતરાઈ જતા નથી. વળી મનુષ્યને લાગે કે સર્વસ્વનો નાશ થયો છે, બધી આશાઓ ભાંગીને ભૂકોે થઈ ગઈ છે, પોતાના હાથમાંથી બધું સરી જતું લાગે, જીવન નિરાશાનું એક ખંડેર બની જાય ત્યારે માનવી પાસે એક ગેબી અવાજ આવે છે –

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।

मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ।।

(गीता 7.14)

શરણાગતિ એ જ ઉપાય છે અને આને ધર્મ કહે છે.

૯મી ફેબ્રુઆરી, સોમવારે સવારે નર્મદા સ્નાન કરીને નિત્યક્રમ પતાવીને ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમાના માર્ગમાં આગળ ચાલ્યા. પૂજારી મહારાજ

ખેતરમાંથી કેડીનો રસ્તો બતાવવા ૧ કિ.મી. જેટલું અમારી સાથે ચાલ્યા. ઠંડીના દિવસો છે, અજવાળું થોડું મોડું થાય. સ્નાન, જપ-આરતી વગેરે નિત્યક્રમ

કરતાં સવારે આઠ વાગી જાય. ૬ કિલોમીટર દૂર ચાલતાં કસરાવદ ગામ આવ્યું. ગામમાં તપાસ કરતાં ખબર પડી કે નર્મદા તરફ એક માતાજીનો આશ્રમ છે.

ગામની હદ પૂરી થતાં વગડો શરૂ થયો; મૈયા નર્મદાનાં દર્શન થયાં. પણ પેલો આશ્રમ તો આવ્યો જ નહીં. થોડું વધારે ચાલ્યા એટલે નેશનલ હાઈવે આવી

ગયો અને નર્મદા નદીના પૂલ પર શિવાંગી આશ્રમનું બોર્ડ લગાવેલું હતું.

શિવાંગી આશ્રમ એક સુંદર ઉપવન સમાન ! કેટકેટલાં પુષ્પવૃક્ષ-છોડ અને પુષ્પો, મોટાં વૃક્ષોથી ભરપૂર. એક તરફ બે દરવાજાવાળો વિશાળ હાૅલ, તેમાં એક બાજુએ આશ્રમના રાઘવેન્દ્ર મહારાજનું નિજ મંદિર, રસોડું અને તેમના તેમજ પરિક્રમાવાસીઓ માટે હાૅલની ડોરમેટ્રી જગ્યા. મહારાજની ઉંમર પપ વર્ષની. તેઓ સફેદ જટાધારી અને પોતાની દાઢી-મૂછમાં એક ઋષિ જેવા તેજસ્વી લાગતા હતા. આશ્રમમાં એક આદિવાસી વિદ્યાર્થી તથા આલ્સેશિયન પ્રકારની મોટી સફેદ કૂતરી. હાૅલના એક ભાગમાં આવેલ મંદિરના દરવાજામાં કે ચોખટમાં આ કૂતરી ભૂલથી પણ ન પ્રવેશે એવી તાલીમ એને આપવામાં આવી હતી.

૧૫-૨૦ મિનિટ મહારાજ સાથે અમે વાતોએ વળગ્યા. સવારના ૧૧ :૦૦-૧૧ :૩૦ થયા એટલે મહારાજે કહ્યું, ‘મારું ભોજન તો થઈ ગયું છે. તમારે ભોજન-પ્રસાદ લેવો હોય તો ગેસ-ચૂલો વગેરેની સુવિધા છે. એટલે તમે બનાવી લો.’ ભાવતું’તું ને વૈદ્યે બતાવ્યું. લાકડાં શોધવાં, ચૂલો પ્રગટાવવો અને પછી કાળાં-કાળાં વાસણ ધોવાં વગેરેની પળોજણ તો નહીં. અમે ભોજન-પ્રસાદ રાંધીને ખુશીથી આરોગ્યો. દૂધમાં જેમ સાકર ભળે તેમ અમે મહારાજજી સાથે ભળી ગયા. સાંજે અમને કહ્યું, ‘હું આવતી કાલથી શિવપુરાણની કથા કરવા એક ગામડે જાઉં છું. તમે આઠ દિવસ અહીં રોકાઈ જાઓ. બધી જ સુવિધા છે, તમે આશ્રમનું ધ્યાન રાખજો. આદિવાસી છોકરો પણ તમને મદદ કરશે. તથા બડવાણી ગામમાંથી ભક્તો પણ આવતા રહેશે.’ આશ્રમનું શાંત વાતાવરણ તથા સુવિધા તેમજ મહારાજના આગ્રહને વશ થઈને અમે ત્યાં જ રોકાઈ ગયા. આશ્રમથી નર્મદામૈયા પોણો કિ.મી. દૂર. પ્રથમ દિવસે અમે સ્નાન કરવા ગયા ત્યાં જ પૂલનું કામ ચાલુ હતું. કેટલાયે કારીગરો, મજૂરો નર્મદા તટે જ રહેતા હતા અને ચારે તરફ ટૂથપેસ્ટવાળા થૂંકના રેલા, શેમ્પુના પાઉચ વગેરેનો કચરો નર્મદાના નિર્મળ જળને અર્ધપ્રદૂષિત કરી નાખતાં હતાં.

પી. સ્વામી તો બીજા દિવસથી જ નર્મદાતટે સ્નાન કરવા આવ્યા જ નહીં. આશ્રમના બોરના પાણીથી જ સ્નાન કરતા. પણ આ સંન્યાસી તો નર્મદાતટે જ જતા. શરૂઆતના થોડા ગંદા પાણીને હટાવીને નર્મદામાં ડૂબકી મારતા. બે હાથ દૂર જતાં જ ખભા સુધી પાણી ઊંડું હતું. સંન્યાસીને તરતાં તો આવડતું ન હતું એટલે નર્મદા જળમાં વધુ દૂર જવું વધારે જોખમભર્યું હતું. આટલા અવરોધ છતાં નર્મદાના નિર્મળ જળમાં સ્નાન કરવું અને પ્રભાતના સૂર્યોદયનાં નયનરમ્ય દર્શન કરવાં એ સંન્યાસી માટે એક અનોખો લહાવો હતો. (ક્રમશ 🙂

 

Total Views: 338

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.