‘જે સંસારી ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ રાખીને સંસાર કરે, એ ધન્ય ! એ વીરપુરુષ ! જેમ કે એક જણના માથા પર બે મણનો બોજો છે, વરઘોડો જાય છે. માથે બે મણનો બોજો તોય તે વરઘોડો જુએ છે ! અંદર ખૂબ શક્તિ ન હોય તો એ ન બને. જળકૂકડી જળમાં વારંવાર ડૂબકી મારે પણ પાંખોને એક વાર ખંખેરી નાખતાંની સાથે જ શરીર પર જળ રહે નહિ.
‘પણ સંસારમાં અલિપ્ત થઈને રહેવું હોય તો… એકાંતમાં રહેવાની જરૂર છે; પછી એક વરસે, છ મહિના, ત્રણ મહિના કે એક મહિનો હો. એકાંતમાં ઈશ્વર-ચિંતન કરવું જોઈએ. આતુરતાથી ઈશ્વરની ભક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ…‘મારું આ સંસારમાં કોઈ નથી. જેમને મારાં કહું છું તેઓ બે દિવસ માટે છે. એક માત્ર ભગવાન જ મારા પોતાના. એ જ મારું સર્વસ્વ. અરેરે! કેમ કરીને તેમને પામું!’
‘ભક્તિ-પ્રાપ્તિ થયા પછી સંસાર ચલાવી શકાય. જેવી રીતે હાથે તેલ લગાવીને ફણસ કાપીએ તો હાથમાં તેનું ચીકણું દૂધ ચોંટી જાય નહિ તેમ. સંસાર પાણી જેવો, અને માણસનું મન જાણે કે દૂધ. પાણીમાં જો દૂધ રાખવા જાઓ તો દૂધ પાણી ભળીને એક થઈ જાય. એટલા માટે દૂધનું એકાંત જગામાં દહીં જમાવવું જોઈએ. દહીં જમાવીને માખણ કાઢવું જોઈએ. માખણ કાઢીને પછી જો પાણીમાં રાખો તો એ પાણીમાં ભળી જાય નહિ. અલિપ્ત રહીને તર્યા કરે.’
‘બ્રાહ્મ-સમાજીઓ મને કહેતા કે મહાશય! અમારું તો જનક રાજાની પેઠે. તેમની પેઠે અલિપ્ત રહીને અમે સંસાર કરીશું. મેં કહ્યું કે અલિપ્ત રહીને સંસાર કરવો બહુ કઠણ. મોઢેથી બોલ્યે જ જનક રાજા નહિ થઈ જવાય. જનક રાજાએ ઊંધે માથે, પગ ઊંચા રાખીને કેટલી તપશ્ચર્યા કરી હતી ! તમારે એની પેઠે ઊંધે માથે ઊંચા પગ રાખવાના નથી; પણ સાધના જોઈએ. એકાંતમાં રહેવું જોઈએ. એકાંતમાં જ્ઞાન-પ્રાપ્તિ, ભક્તિ-પ્રાપ્તિ કર્યા પછી સંસાર કરવો જોઈએ. દહીંને એકાંતમાં જમાવવું જોઈએ. હલાવ હલાવ કર્યે દહીં જામે નહિ.’
‘જનક રાજા અલિપ્ત હતા. એટલે તેમનું એક નામ હતું વિદેહી; એટલે કે તેનામાં દેહ-બુદ્ધિ નહિ. સંસારમાં રહેવા છતાં જીવન્મુક્ત થઈને ફરતા…જનક ભારે વીર પુરુષ. એ બે તલવાર ફેરવતા, એક જ્ઞાનની અને બીજી કર્મની.’
– શ્રીરામકૃષ્ણ કથામૃત સંચયન પૃ.૫૧૨-૧૩
Your Content Goes Here