ગતાંકથી આગળ…

‘પદ્માવતી એક્સપ્રેસ’ની એ મુસાફરી મને યાદ આવી જતાં મારી આંખોમાં આંસુ ઊભરાવા લાગ્યાં. એ મુસાફરીનો અંત બરેલી નજીકના ચનેટી સ્ટેશનના રેલવેના પાટાઓ ઉપર આવ્યો હતો. તાજેતરના આજના અનુભવ કરતાં વધુ : પીડાદાયક પાછલા બનાવોની સ્મૃતિ મારી નજર સામે આવવા લાગી. હું નબળી પડી અને ભાવુક બની ગઈ અને થોડા વખત પછી સૂઈ ગઈ. બીજે દિવસે સવારે અમે જમશેદપુર પહોંચ્યાં.

અમે બચેન્દ્રી પાલને ફોન કર્યો, ‘મેડમ, અમે સ્ટેશને આવી ગયાં છીએ.’

અમે દિલ્હીના સ્ટેશને હતાં ત્યારે દેશની એ પ્રથમ એવરેસ્ટ આરોહક મહિલાને ફોન કરેલો, ‘મેડમ, અમે જમશેદપુર આવવા નીકળીએ છીએ.’ હવે અમે પહોંચી ગયાં તે જાણીને બચેન્દ્રી પાલને ખરેખર આશ્ચર્ય થયું. તેઓ ધારતાં નહોતાં કે હું તેમને મળવા આટલી અધીર હોઈશ અને ખરેખર ઇચ્છા ધરાવતી હોઈશ. ‘ઓહ, સરસ! તો તમે થોડી વાર રોકાશો? મારી ગાડી તમને લેવા મોકલું છું.’ મેં નમ્રતાથી તેમ કરવા ના પાડી અને કહ્યું, ‘મેડમ, તમે અમને ક્યાં આવવું તે જ કહો. અમે પહોંચી જઈશું.’

તેમણે અમને સરનામું આપ્યું અને અમે એક ઓટો કર્યો જેના ચાલકે અમને તેમની ઓફિસ શોધવામાં મદદ કરી. એ મકાનમાં તેમની ઓફિસે પહોંચવામાં મારે કેટલાંક પગથિયાં ચડવાં પડે તેમ હતાં, એથી સાહેબનો હાથ ઝાલીને હું ચડી, કેમ કે મારા કૃત્રિમ અંગ સાથે હજી હું તદ્દન ગોઠવાઈ નહોતી. મારા બન્ને પગે સોજા અને ફોલ્લા હતા અને જમણા પગમાં સળિયો નાખીને લીધેલા ટાંકામાં પણ ગૂમડાં જેવા ફોલ્લા હતા. મને એ સ્થિતિમાં પગથિયાં ચડતી જોઈને બચેન્દ્રી પાલ વ્યથિત બનીને મોટેથી ચીસ પાડી ઊઠયાં. થોડી વારે શાંત થઈને તેમણે મને પૂછ્યું કે તેમને મળવા આવવા પાછળ મારો શો હેતુ હતો. હજી સુધી તો મેં એટલું જ જણાવેલું કે મને તેઓને મળવાની તીત્ર ઇચ્છા હતી, કારણ કે તેઓ મારે માટે પ્રેરણાદાયક હતાં. એમ કરવાનું કારણ એ કે જેથી મારે બીજા લોકોની શંકાકુશંકાઓનો સામનો ન કરવો પડે. આજે પહેલી વાર મેં તેમને મારી ખરી યોજના જણાવી દીધી, ‘મેડમ, તમે જે બહુ વખત પહેલાં સફળતાથી ચડી ગયેલાં તે પર્વતને ચડવાનો પ્રયત્ન મારે કરવો છે.’

જો તેમને આશ્ચર્ય થયું હોય તો તેમણે બહુ બતાવ્યું તો નહીં. તેને બદલે તેમણે એક સુંદર સ્મિત કર્યું. મારી કલ્પના કરતાંય તેઓ વધુ પ્રોત્સાહિત કરનાર વ્યક્તિ જણાયાં. તેમણે કહ્યું કે હું એક બહાદુર છોકરી હતી અને જે યાતનામાંથી હું પસાર થઈ હતી ત્યાર પછી એક પર્વત ચડવાનું લક્ષ્ય રાખવાની વાત ખરેખર પ્રશંસનીય કહેવાય. મારી સાથે વાત કરતાં તેઓ અચાનક અટક્યાં અને સહેજ વિચારીને પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢ્યો, પછી ‘ટેલિગાફ’ અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ અખબારોના પત્રકારોનો સંપર્ક કર્યો. આ પર્વતીય મહિલા વ્યાપક સન્માન અને પ્રશંસા પામનાર હોઈ પત્રકારો તેમની વાત ધ્યાનથી સાંભળે છે. અને આટલા ઓછા સમયમાં એ અખબારોના પ્રતિનિધિઓ તેમને મળવા આવ્યા તે જ તેમના સન્માનિત વ્યક્તિત્વનો પુરાવો છે.

એ લોકો આવ્યા અને બચેન્દ્રી પાલે મારાં વખાણની ઝડી વરસાવી. પછી તેમને કહે, ‘જુઓ, આવી સ્થિતિમાં છે છતાં તેને એવરેસ્ટ પાર કરવો છે! શું આ એક ‘કદી હાથ હેઠા નહીં પાડું’ જેવા અભિગમનો ઉત્તમ દાખલો નથી?’ પત્રકારોએ ડોકાં હલાવીને સંમતિ દર્શાવી. પછી મારી તરફ ફરીને બચેન્દ્રી પાલે જે કહ્યું તે મને આજે પણ યાદ છે : ‘તારા હૃદયમાં તો તું એવરેસ્ટ ચડી જ ચૂકી છો. હવે તારે એ વાત જગત સમક્ષ પુરવાર કરવાની છે!’

પત્રકારોએ રજા લીધા પછી બચેન્દ્રી પાલે મારી તરફ ફરીને મને કહ્યું, ‘બેટા, સાંભળ. મને તારા પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે, પણ એવરેસ્ટ તો એક ઘણી કપરી

અને કઠિન બાબત છે. હું તને હતોત્સાહ કરવા આ નથી કહેતી, પણ તને તારા નિર્ણયનાં બધાં પાસાં તપાસી લેવા માટે સૂચવું છું.’ મને ખ્યાલ હતો કે આમ

શા માટે તેમણે કહેલું. અને તેમ થવું સ્વાભાવિક જ હતું. આખરે કોઈ કેવી રીતે વિચારી પણ શકે કે જેણે એક પગ ગુમાવ્યો હોય તેવી સ્ત્રી એવરેસ્ટનો પડકાર કદીય ઝીલી શકે? તોપણ મને એક તક આપવા માટે મેં તેમને વિનંતી કરી અને તેમણે તે માન્ય રાખી.

‘તો હવે ઉત્તરકાશીમાં આવેલી મારી તાતા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશનમાં જોડાઈ જા. ત્યાંના લોકો તને તાલીમ આપશે. અમે જોઈશું કે તારી પ્રગતિ કેવી છે અને પછી અમે નિર્ણય લઈ શકીએ. મેં તને કહ્યું તેમ તારા હદયમાં તો તું એવરેસ્ટ ચડી જ ચૂકી છો. હવે તે તારે જગત સામે પુરવાર કરવાનું રહ્યું. અને તે વિના પણ મારી દૃષ્ટિમાં તો તું એક વિજયી વ્યક્તિ છે જ. મારી શુભેચ્છાઓ. ગુડ લક!’ (ક્રમશ 🙂

 

Total Views: 318

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.