ગતાંકથી આગળ…

આપણાં બધાંમાં એક અદ્‌ભુત ક્ષમતા છુપાયેલી છેે. આ ક્ષમતા દ્વારા આત્મા પોતાની જાતને જાણે છે તથા પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવે છે. નૈતિકતાના અભ્યાસ દ્વારા, પ્રાર્થના અને ધ્યાનની સહાયથી આ પ્રસુપ્ત ક્ષમતાને જાગ્રત કરવાની છે. ત્યારે જ સાચા આધ્યાત્મિક જીવનનો પ્રારંભ થાય છે. અને ત્યારે જ સાધક કહી શકે કે અસ્ત્રાથી ધાર પર તે ચાલી રહ્યો છે. એમાં નિત્ય અને અનિત્યનો વિવેક કરવાની મહાન શક્તિનો ઉદય થાય છે. અને આ વિવેકની એ તીક્ષ્ણ ધારથી તે પોતાનામાંથી સંપૂર્ણ અનાત્મને દૂર કરી દે છે. દેહાત્મબોધ, ચિત્તાત્મબોધ અને ધી-આત્મબોધને કાપીને તે સ્વયંને અલગ કરી દે છે. તે અનુભવ કરે છે કે તે આત્મા છે અને આત્માના રૂપે તે આત્માઓના આત્મા, પરમાત્માનું અભિન્ન અંગ છે. આ અવસ્થામાં ઉચ્ચતમ પવિત્રતાની પ્રાપ્તિ કરીને બધી ભૌતિક, માનસિક અને ભાવનાત્મક વસ્તુઓથી પોતાને અલગ કરીને જીવ અસ્ત્રાની ધાર પર ચાલીને પરમાત્મા સાથે એકત્વ પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મજ્ઞ ઋષિઓનો આ જ અનુભવ છે.

હવે આપણે આ પ્રશ્ન અવશ્ય પૂછી શકીએ : અમારું શું થશે ? અમે કરીએ શું ? આપણે ઇચ્છા કરવાથી જ ઋષિ ન બની શકીએ, પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર, કે જેઓ અસ્ત્રાની ધાર પર ચાલ્યા હતા અને જેમણે બધા અનાત્મ પદાર્થાેને પોતાનાથી દૂર કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હતો, એવા લોકોનાં ચરણચિહ્નનું અનુસરણ કરીને આપણે પોતાના આધ્યાત્મિક જીવનનો વિનમ્રભાવે શુભારંભ કરી શકીએ.

આપણે આત્મા છીએ એવી આપણા પોતાનામાં ચેતના જાગ્રત કરવાનો પ્રયાસ કરીએ. આપણે એક પરમ આત્માના અંગ છીએ, એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ. દેહ આપણો રથ છે, ઇન્દ્રિયો અશ્વ છે, મન લગામ છે અને બુદ્ધિ આપણો સારથિ છે, આપણે એવો અનુભવ કરીએ. આપણે આ રથ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનું શીખીએ. બ્રહ્મજ્ઞ પુરુષોનાં ચરણચિહ્નો પર ચાલીને આપણે સમ્યક્જ્ઞાન પ્રાપ્ત કરીએ. આપણે મનને સંયત કરીએ, ઇન્દ્રિયોને નિયંત્રિત કરીએ, આધ્યાત્મિક અનુભૂતિના પથ પર ધૈર્યપૂર્વક આગળ ધપીએ. આપણે જાગ્રત બનીએ અને ઊભા થઈએ. આધ્યાત્મિક પથ પર ધીમે ધીમે અનુગમન કરીએ. આપણે સત્ય-આત્માનો, બધાના આત્માનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરીએ. આપણે લક્ષ્યપ્રાપ્તિ ન થયા ત્યાં સુધી ન અટકીએ.

અસ્ત્રાની ધાર પર ચાલીને, નિષ્ઠાપૂર્વક સાધનપથ પર આગળ ધપીને આપણે જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ કરીએ; સાથે ને સાથે બીજાને પણ અસ્ત્રાની ધાર પર ચાલવામાં, આધ્યાત્મિક પથ પર આગળ વધવામાં અને એ જ જ્ઞાન અને આનંદની પ્રાપ્તિમાં આપણે બીજાને સહાયક બનીએ.

 

પ્રકરણ – ૮

અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ

આધ્યાત્મિક જીવનમાં પ્રશિક્ષણની આવશ્યકતા :

મહાન ચીની દાર્શનિક યોગી લાઓત્સેના એક શિષ્યે આ વાર્તા કહી છે : ‘એક યુવક ‘ચી’ નામના લૂંટારાના સરદારના ટોળામાં જોડાયો. એક દિવસ આ શિખાઉએ સરદારને પૂછ્યું, ‘શું તાઓ (સાચી રીત) ચોરીમાં પણ હોય છે ખરી ?’ અને ‘ચી’એ જવાબ આપ્યો, ‘મને એવી વસ્તુ બતાવો કે જેમાં તાઓ અર્થાત્ સત્યપથ અથવા નિયમ ન હોય.’ ચોરીમાં લૂંટ કરવાના સ્થાન માટે બુદ્ધિને કામે લગાડવી, સૌથી આગળ જવાનું સાહસ કેળવવું, અંતે બહાર નીકળવા માટેની વીરતા, સફળતાની સંભાવનાની શક્યતાની અંતર્દૃષ્ટિ તથા ડાકુઓમાં લૂંટની નીતિસંગત વહેચણીમાં ન્યાયની આવશ્યકતા રહે છે. આ પાંચ ગુણો વિના કોઈપણ વ્યક્તિ સફળ ચોર બની ન શકે.’

જીવનના પ્રત્યેક કાર્યમાં અરે, ચોરી કરવામાં પણ કેટલાક સિદ્ધાંત હોય છે અને તે શીખવા પડે છે. બધા ધંધામાં પ્રશિક્ષાર્થી માટે પ્રશિક્ષણ આવશ્યક છે. આધ્યાત્મિક જીવન માટે આ વાત વધારે સાચી છે. લાઓત્સેના શિષ્ય આગળ કહે છે : ‘વિજ્ઞજનોના સિદ્ધાંત ડાકુ અને સજ્જન બન્ને માટે અપરિહાર્ય છે.’ જો કે સજ્જન ઓછા છે અને દુર્જન વધારે, એટલે સંતો દ્વારા જગતનું કલ્યાણ ઓછું થાય છે. જ્યારે બીજા લોકો જગતનું અકલ્યાણ વધારે કરે છે. પાશ્ચાત્ય દેશોમાં પ્રવાસ કરતી વખતે સંહારાત્મક ગતિવિધિઓમાં ખર્ચાઈ જતી શક્તિથી હું દંગ રહી જતો હતો. કેટલા સૈનિક, કેટલા વિમાનચાલકો, યાંત્રિકો અને વૈજ્ઞાનિકો સુધ્ધાંને યુદ્ધ માટે તાલીમ આપવામાં આવે છે. આ સમય અને શક્તિના એક અંશનો પણ વ્યય આત્માના પ્રશિક્ષણ માટે, પરમાત્માના જ્ઞાન, આનંદ અને શાંતિની પ્રાપ્તિમાં આપણને સમર્થ બનાવવામાં શા માટે કરવામાં નથી આવતો?

ઉપનિષદના મહાન ઋષિઓએ આપણી સન્મુખ આત્મસાક્ષાત્કારને જીવનના લક્ષ્યના રૂપે રાખ્યો છે. પરંતુ આધ્યાત્મિક જાગરણ વિના આ લક્ષ્ય પ્રાપ્ત ન કરી શકાય. પણ ધર્મજગતમાં ક્રિયા-અનુષ્ઠાન અને કર્મકાંડ વધારે છે અને વાસ્તવિક આધ્યાત્મિક જાગરણ બહુ ઓછું દેખાય છે. એટલે આત્મસાક્ષાત્કાર રૂપે વાસ્તવિક ધર્મમાં લોકોનો વિશ્વાસ નથી રહ્યો અને હવે ધાર્મિક ઢોંગીઓની સંખ્યા વધી ગઈ છે. એ લોકો યોગિક સિદ્ધિઓનો દાવો કરે છે અને સરળતાથી સ્વર્ગ અપાવવાનું આશ્વાસન આપે છે. સાથે ને સાથે નૈતિક શુદ્ધિ માટે પ્રયત્ન કરવામાં ઇચ્છા ન ધરાવતા પરાશ્રયી લોકો સરળતાથી મુક્તિ પ્રાપ્ત કરવાનું ઇચ્છે છે. (ક્રમશ 🙂

 

Total Views: 393

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.