મેં શ્રીઠાકુરને ક્યારેય પણ દુ :ખી નથી જોયા. તેઓ બધાની સાથે આનંદપૂર્વક રહેતા, પછી ભલે એ પાંચ વર્ષનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય. બેટા, મેં ક્યારેય એમને ખિન્ન કે ચઢેલા કે ઊતરેલા મુખે જોયા નથી. અહા, કેવા એ આનંદમય દિવસો હતા! કામારપુકુરમાં તેઓ સવારે જ ઊઠી જતા અને મને કહેતા, ‘આજે હું કંઈક વિશેષ વાનગી લઈશ. મારા માટે કંઈક એવું બનાવી દેજોને.’ પરિવારની બીજી સ્ત્રીઓ સાથે હું એવી રીતે કંઈક વિશેષ વાનગી દેતી. થોડા દિવસો પછી એમણે કહ્યું, ‘મને શું થઈ ગયું છે ? સૂઈને ઊઠતાંવેંત જ હું બોલી ઊઠું છું, ‘હું શું ખાઈશ ? હું શું ખાઈશ ?’ વળી એમણે મને કહ્યું, ‘કોઈ વિશેષ ભોજનની મારી કોઈ ઇચ્છા નથી. મારા માટે તમે જે કંઈ બનાવી દેશો એ હું ખાઈ લઈશ.’

કેવું અનાસક્ત મન ! :

એક દિવસ હાજરાએ શ્રીઠાકુરને કહ્યું, ‘તમે નરેન્દ્ર અને બીજા છોકરાઓ માટે હરદમ આટલા બધા લાલાયિત કેમ રહો છો ? તેઓ ખાઈપીઈને તથા રમીને પોતાનામાં ખૂબ આનંદિત રહે છે. એના કરતાં તો સારું થશે કે તમે તમારું મન ઈશ્વરમાં લગાડૉ. તમે એમના પ્રત્યે શા માટે આસક્તિ રાખો છો ?’ એને સાંભળીને શ્રીઠાકુરે પોતાનું મન બાલક શિષ્યો પરથી પૂર્ણતયા હટાવીને ઈશ્વરચિંતનમાં ડુબાડી દીધું. તેઓ તત્કાલ સમાધિમગ્ન થઈ ગયા. એમનાં દાઢી તથા કેશ કદમ્બના ફૂલની જેમ રોમાંચિત થઈ ગયાં. જરા વિચારો તો ખરા, શ્રીઠાકુર કેવા અદ્‌ભુત પ્રકારના વ્યક્તિ હતા. એમનો દેહ લાકડાની મૂર્તિની જેમ કઠોર થઈ ગયો. રામલાલ એ સમયે એમના સેવક હતા. તેઓ વારંવાર કહેતા, ‘કૃપયા તમે આપની પૂર્વાવસ્થામાં આવી જાઓ.’ અંતે એમનું મન સામાન્ય ભાવભૂમિ પર આવી જતું, તેઓ લોકો પ્રત્યેની કરુણાને વશ થઈને પોતાના મનને સાંસારિક ધરા પર રાખતા.

શ્રીરામકૃષ્ણદેવનો ત્યાગ :

એક વાર શ્રીઠાકુરના વેતન વિશેના હિસાબમાં કંઈક ભૂલ થઈ ગઈ. મેં મંદિરના વ્યવસ્થાપક સાથે એ વિશે વાત કરવા એમને કહ્યું, પરંતુ એમણે જવાબ

આપ્યો, ‘કેવી શરમની વાત છે ! શું હું હિસાબ-કિતાબની ચિંતા કરું? ’ એક વાર એમણે મને કહ્યું હતું, ‘જે ઈશ્વરનું નામ લે છે તે કયારેય દુ :ખ ભોગવતો નથી.

તમારા વિશે કહેવાની કોઈ આવશ્યકતા જ નથી !’ આ એમનાં જ વચન હતાં. ત્યાગ એમનું આભૂષણ હતું.

તમે કેવળ શ્રીઠાકરના શરણાગત બની જાઓ એટલે બધું મળી જશે. કેવળ ત્યાગ જ એમનો વૈભવ હતો. અમે એમનું નામ લઈએ છીએ અને ખાઈપીઈને

આનંદમાં રહીએ છીએ, કારણ કે શ્રીઠાકુરે સર્વસ્વનો ત્યાગ કર્યો છે. લોકો વિચારે છે કે શ્રીઠાકુરના ભક્ત પણ અવશ્ય મહાન હશે, કારણ કે તેઓ એટલા

પૂર્ણ ત્યાગી મનુષ્ય હતા.

એક વાર એક વૈષ્ણવ સંન્યાસી પંચવટીમાં આવ્યા. શરૂઆતમાં તો એમણે ઘણો ત્યાગ બતાવ્યો પરંતુ અફસોસ એ વાતનો છે કે અંતે એ ઉંદરની માફક દાળ, ચોખા, અન્ન, લોટો, ગ્લાસ, વાસણ વગેરે ભિન્નભિન્ન ચીજવસ્તુઓ લાવીને એકઠી કરવા લાગ્યા. શ્રીઠાકુરે એ જોઈ લીધું અને એક દિવસ કહ્યું, ‘બીચારો ! હવે તો પોતાનો સર્વનાશ નોતરી લેશે !’ તે માયાના ફંદામાં ફસાવાનો જ હતો. શ્રીઠાકુરે તેને દૃઢતાપૂર્વક ત્યાગનો મહિમા સમજાવીને પંચવટીમાંથી ચાલ્યા જવાનું કહ્યું અને પછી તે ચાલ્યો ગયો.

શરીર અને આત્મા :

પતિ, પત્ની કે દેહ આ બધું નશ્વર છે. આ બધાં માયાનાં બંધન છે. જ્યાં સુધી તમે એ બંધનોથી મુક્ત ન થાઓ ત્યાં સુધી તમે ક્યારેય ભવસાગર પાર કરવામાં સમર્થ ન બની શકો. આ દેહ પ્રત્યેની આસક્તિ તથા દેહાત્મબોધ પણ દૂર થવો જરૂરી છે. બેટા, આ શરીર શું છે ? ચિતામાં બળ્યા પછી ત્રણ શેર રાખ સિવાય બીજું કાંઈ નથી. તો પછી એના પર આટલું અભિમાન શા માટે? આ શરીર ગમે તેટલું સબળ અને સુંદર ભલે હોય, પણ અંતે તો ત્રણ શેર રાખ જ છે. અને છતાંપણ લોકો એના પ્રત્યે આસક્ત રહે છે. પ્રભુનો કેવો મહિમા છે ! શ્રીઠાકુર કહેતા, ‘કસ્તુરી હરણની નાભિમાં જ હોય છે. એની સુગંધથી આકર્ષાઈને હરણ અહીંતહીં તેને શોધવા દોડતો રહે છે. હરણને એ ખબર નથી કે સુગંધ ક્યાંથી આવી રહી છે. એવી રીતે ઈશ્વર પણ મનુષ્યના દેહમાં જ રહે છે, પરંતુ મનુષ્ય એને સમજી શકતો નથી. એટલે મનુષ્ય સર્વત્ર પરમાનંદ શોધતો શોધતો ભાગદોડ કર્યા કરે છે, પરંતુ આ પરમાનંદ તો તેના અંતરતમમાં જ છે, એની એને ખબર નથી. એક માત્ર ઈશ્વર જ નિત્ય છે. શેષ બધું અનિત્ય છે.’

વ્યાકુળતા અને દર્શન :

જે વ્યાકુળતાથી પ્રાર્થના કરે છે તે ઈશ્વરનું દર્શન કરશે જ. અમારા એક ભક્ત તેજચંદ્ર મિત્રનું દેહાવસાન થયું. તેઓ કેટલા સારા ભક્ત હતા ! શ્રીઠાકુર પ્રાય : એમના ઘરે જતાઆવતા. કોઈએ તેજચંદ્ર પાસે બે રૂપિયા જમા કરાવ્યા. એક દિવસ ટ્રામમાં એક ખિસ્સાકાતરુએ તેનું ખિસ્સું કાપીને એ બે રૂપિયા ચોરી લીધા. પછીથી એને ખબર પડી તો તેઓ માનસિક પીડાથી વ્યથિત થઈ ગયા. તેઓ ગંગાતટે આવ્યા અને આંખમાં આંસુ ભરીને શ્રીઠાકુરને પ્રાર્થના કરવા લાગ્યા, ‘હે પ્રભુ ! આપે આ શું કરી નાખ્યું ?’ તેઓ ધનવાન ન હતા. એટલે બે રૂપિયાનાં પણ ફાંફાં હતાં ! વિલાપ કરતી વખતે એમણે જોયું કે શ્રીઠાકુર એમની સમક્ષ પ્રગટ થઈને કહી રહ્યા છે, ‘અરે ભાઈ, આમ શા માટે વિલાપ કરે છે. ત્યાં ગંગાના કિનારે એક ઈંટ નીચે થોકડીબંધ રૂપિયા છે.’ એણે તો તરત જ જઈને ઈંટ ઉપાડીને જોયું તો તેની નીચે રૂપિયાની થોકડી જોઈ. તેમણે આ ઘટના સ્વામી સારદાનંદજીને કહી. સારદાનંદજીએ કહ્યું, ‘ભાઈ, તું ભાગ્યવાન છો, કે તું અત્યારે પણ શ્રીઠાકુરનાં દર્શન કરી શકે છે. અમને તો એમનાં દર્શન થતાં નથી. શરત્ જેવા બીજા લોકોને એમના વધારે દર્શનની જરૂર નથી, કારણ કે એમણે શ્રીઠાકુરને ઘણા સમય સુધી નજરે જોયા છે અને એમની ઇચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે.’

 

Total Views: 400

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.