એક રાત્રે હું શ્રીઠાકુરના ઓરડામાં સૂતો હતો. નિ :સ્તબ્ધ રાત્રીમાં મારી ઊંઘ ઊડી અને મેં જોયું તો એમને મેં એક છેડેથી બીજે છેડે આવતાંજતાં અને આવું કહેતાં સાંભળ્યા, ‘હે મા, મારે આ બધુ જોઈતું નથી. મારે લોક સન્માન ન જોઈએ; ના મા, ના; હું તો એના પર થૂંકું છું !’ આમ બોલતાં બોલતાં તેઓ પાગલની જેમ આગળપાછળ ચાલી રહ્યા હતા. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. મેં વિચાર્યું, ‘કેવી વિચિત્ર વાત છે ! લોકો તો નામયશ માટે કેટલા બધા આતુર હોય છે અને આ એને છોડવા માટે શ્રીમાને પ્રાર્થના કરે છે ! આ બધું મારી સમક્ષ કેમ થઈ રહ્યું છે ? શું મને એવો બોધ આપવા માટે હશે ?’

પવિત્ર બનો. પવિત્રતા ધર્મ છે. મનમુખ એક કરો. શ્રીરામકૃષ્ણદેવ પવિત્રતાની પ્રતિમૂર્તિ હતા. એક માણસ રુશ્વત લઈને અઢળક ધન કમાયો હતો. એક દિવસ શ્રીઠાકુરની સમાધિ અવસ્થામાં એણે એમનાં ચરણનો સ્પર્શ કર્યો, તો તરત જ ઠાકુરે પીડાપૂર્વક ચીસ પાડી. શ્રીઠાકુરની સમાધિ અવસ્થામાં તેમને પડતાં બચાવવા અમે લોકો પકડી રાખતા. અમે પણ વિચારતા કે જો અમે પર્યાપ્ત પવિત્ર નહીં રહીએ તો સમાધિ અવસ્થામાં એમને સ્પર્શ કરવાથી તેઓ દુ :ખ-કષ્ટ સાથે લોકોની સામે ચીસ પાડી ઊઠશે. એટલે અમે પણ પવિત્રતા માટે પ્રાર્થના કરતા. કોઈ અપવિત્ર વ્યક્તિ શ્રીઠાકુર સાથે રહી પણ ન શકતી કે એમની સેવા પણ ન કરી શકતી. એ તો શ્રીઠાકુરની કૃપા હતી કે તેઓ મને પોતાની સાથે રહેવા દેતા.

શ્રીઠાકુરને લીંબુ બહુ પ્રિય છે એટલે યોગિન (સ્વામી યોગાનંદ) દરરોજ એમને માટે એક લીંબુ લઈ આવતા. એક દિવસ શ્રીઠાકુરે એમને કહ્યું, ‘કાલે તું લીંબુ ક્યાંથી લઈ આવ્યો હતો ? હું એ લીંબુ ખાઈ ન શક્યો.’ યોગિન જાણતા હતા કે શ્રીઠાકુર દુશ્ચરિત્ર અને અપવિત્ર વ્યક્તિઓ પાસેથી લાવેલ ચીજવસ્તુઓ ખાઈ ન શકતા. પરંતુ આ લીંબુ તો પહેલાંની જેમ એ જ વૃક્ષનું હતું. તો પછી ઠાકુર એ કેમ ન ખાઈ શક્યા ? તેમણે સાવધાનીપૂર્વક તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે જે બગીચામાંથી લીંબુ લીધું હતું એ બગીચો આ ઘટનાના એક દિવસ પહેલાં પટ્ટાની સમાપ્તિ થતાં બીજાની માલિકીનો બન્યો. પહેલાંના માલિકની અનુમતિ લીધી હતી પણ હવે માલિક બદલાતાં અજાણતાં જ લીંબુ લીધું હતું એટલે એ ચોરીનું લીંબુ હતું.

શ્રીઠાકુરે ગિરીશચંદ્ર ઘોષ અને અનેક વારાંગનાઓ પર પણ પોતાની અમીકૃપા વરસાવી હતી. એક દિવસ બલરામ બાબુના પરિવારની મહિલાઓ શ્રીઠાકુર પાસે એમના ઓરડામાં બેઠી હતી. ત્યારે રમણી નામની એક વારાંગના નજીકના માર્ગેથી પસાર થઈ. શ્રીઠાકુરે એને બોલાવી અને પૂછ્યું, ‘આજકાલ તું કેમ આવતી નથી?’ એક વારાંગનાની સાથે શ્રીઠાકુરને વાતચીત કરતા જોઈને પેલી મહિલાઓને આઘાત લાગ્યો. થોડી વાર પછી શ્રીઠાકુર એ મહિલાઓને મંદિર જોવા લઈ ગયા. કાલીમંદિરમાં પહોંચીને શ્રીઠાકુરે શ્રીમા કાલીને કહ્યું, ‘મા, તમે જ રમણી વારાંગના બન્યાં છો. તમે જ સતી અને વારાંગના બન્ને બન્યાં છો !’ હવે પેલી મહિલાઓને સમજાયું કે રમણી સાથે ઘૃણા કરીને એમણે મોટી ભૂલ કરી છે. શ્રીઠાકુરે તો એની સાથે મા કાલી સમજીને વાતચીત કરી હતી. આપણે પોતાના સતીત્વનું અભિમાન ન કરવું જોઈએ, કારણ કે આ બધું તો માની ઇચ્છા પર નિર્ભર છે.

ક્યારેક ક્યારેક શ્રીઠાકુર પોતાનો એક હાથ કમર પર રાખીને અને બીજો હાથ હવામાં હલાવતાં હલાવતાં એક નર્તકીનો અભિનય કરીને અમારું મનોરંજન કરતા. પુન : હાસપરિહાસ અને કથા-વાર્તાઓના માધ્યમથી તેઓ વિદ્વાનોને પણ ભ્રમિત કરી દે એવાં અત્યંત ગૂઢ દર્શનશાસ્ત્રો અમને સમજાવી દેતા. ઠાકુર સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યોને સરળ અને સુમધુર ભાષામાં સમજાવવામાં પ્રવીણ હતા. અમે જોયું છે કે શ્રીઠાકુર દક્ષિણેશ્વરમાં ભક્તોનો કેટલો પ્રેમસત્કાર કરતા! તેઓ પૂછતા, ‘શું આપ પાનબીડું ખાશો?’ અને ભક્ત કહે કે ‘ના’, તો તરત જ પૂછી નાખતા, ‘શું આપ હુક્કો પીશો?’ આ રીતે અનેક પ્રકારે તેઓ ભક્તોનું ધ્યાન રાખતા.

શ્રીરામકૃષ્ણદેવ અત્યંત ઝીણવટથી પસંદ કરીને શિષ્ય બનાવતા. એક વાર કેશવચંદ્ર સેનને એમણે કહ્યું, ‘તમારા દળમાં બધી ગરબડ એટલા માટે છે કે તમે પારખ્યા વિના વિરોધીઓને પણ દાખલ કરી લીધા છે.’ શ્રીઠાકુરે પોતાના શિષ્યોની વિભિન્ન પ્રકારની કસોટી કરીને જ એમને શિષ્યરૂપે સ્વીકાર્યા હતા. એમણે સ્વામીજીની પણ કસોટી કરી હતી. તેઓ શરીરલક્ષણવિજ્ઞાનમાં પણ સિદ્ધહસ્ત હતા. એટલે તેઓ શિષ્યનાં નેત્ર, હાથ-પગ વગેરેની પરીક્ષા કરી લેતા. તેઓ કોઈપણ વ્યક્તિના સાચા આધ્યાત્મિક સાધક હોવા કે ન હોવા વિશે નિર્ણય કરવામાં વિભિન્ન ઉપાયો જાણતા હતા.

પ્રસિદ્ધ શાસ્ત્રજ્ઞ ચૈતન્યદેવે તે કાળના પંડિતોને પરાજિત કર્યા. મહાન શંકરાચાર્યનું તો કહેવું જ શું ! બુદ્ધે શાસ્ત્રાધ્યયન કરીને અનુભવ્યું કે એનાથી મુક્તિ ન મળે. શ્રીકૃષ્ણ વિશે તો વધારે શું કહેવું ! પરંતુ આપણા ઠાકુર તો ? મહામુશ્કેલીએ લખીવાંચી શકતા. જ્યારે ઠાકુરની સાથે કોઈ દાર્શનિક પ્રશ્નો પર વાદવિવાદ કરતા ત્યારે શ્રીઠાકુરના જવાબોથી મોટામોટા પંડિત પણ સ્તબ્ધ થઈ જતા. આવું કેમ થતું ? શાસ્ત્રાર્થ દ્વારા પ્રાપ્ત જ્ઞાન અને અનુભૂતિજન્ય જ્ઞાનની વચ્ચે ઘણું મોટું અંતર છે. વારાણસીનો નકશો જોઈને તેના વિશે કોઈ કેટલું સમજી શકે ? લોકો તો એ જ માણસની વાત સાંભળે છે કે જે વારાણસી જોઈને આવ્યો છે. શ્રીઠાકુર ચેતનાના બધા સ્તરોને જાણતા હતા.

 

Total Views: 351

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.