સ્થાન : બલરામ મંદિર, કલકત્તા

(૪ ફેબ્રુઆરી, ૧૯૧૮)

પ્રશ્ન : મહારાજ, આપે એ દિવસે કહ્યું હતું, મનને બે ઉપાય દ્વારા સ્થિર કરવું જોઈએ. હું કયા ઉપાયથી કરું?

ઉત્તર : મનને બળપૂર્વક ઇષ્ટદેવના ચરણકમળમાં લગાવી દોે.

પ્રશ્ન : કઈ જગ્યાએ ઇષ્ટમૂર્તિનું ધ્યાન કરું ? મસ્તિષ્કમાં કે હૃદયમાં?

ઉત્તર : હૃદયમાં ધ્યાન કરવું.

પ્રશ્ન : હૃદયમાં કેવી રીતે ધ્યાન કરવું ?

ઉત્તરમાં મહારાજે બતાવ્યું કે કઈ રીતે બેસવું જોઈએ અને કઈ રીતે હૃદયમાં ચિંતન કરવું જોઈએ.

પ્રશ્ન : હૃદયમાં તો હાડમાંસ પણ છે, ત્યાં ઇષ્ટમૂર્તિનું ચિંતન કઈ રીતે કરું ?

ઉત્તર : હાડમાંસનું ચિંતન જ ન કરવું. તેઓ બરોબર હૃદયમાં છે, એ ભાવથી ચિંતન કરવું. શરૂઆતમાં એકાદ-બે વખત હાડમાંસના વિષયમાં ચિંતન ભલેને થાય, પણ પછીથી મનમાં એ વિચાર આવશે જ નહીં, ફક્ત ઇષ્ટમૂર્તિના જ વિચારો આવશે.

પ્રશ્ન : ઇષ્ટમૂર્તિનું તાપ્તર્ય શું ? જે સ્વરૂપ ચિત્ર અને આ મૂર્તિમાં છે, બરોબર એ જ સ્વરૂપ ને ?

ઉત્તર : હા, એ જ રૂપ, પણ એવું વિચારવું કે એ પ્રાણમય (પ્રત્યક્ષ ચૈતન્યરૂપ) અને જ્યોતિર્મય છે.

પ્રશ્ન : સાંભળ્યું છે, મંત્રના અર્થનો વિચાર કરતાં કરતાં જપ કરવો જોઈએ. શું મંત્રનો પ્રત્યેક અક્ષર લઈ ચિંતન કરવું જોઈએ ? કે પછી સમગ્ર મંત્રનું એકસાથે ચિંતન કરવું જોઈએ ?

ઉત્તર : મંત્રાર્થ શું છે, જાણો છો ? જેમ નામ લઈને બોલાવવું કે તમારું નામ અમુક છે. તમારું નામ લઈને બોલાવવાથી તમારું સ્વરૂપ પણ મારા માનસપટ પર આવી જશે. તે રીતે મંત્રના જપની સાથે સાથે તત્સંબંધિત રૂપ અર્થાત્ ઇષ્ટમૂર્તિનું ધ્યાન કરવું જોઈએ.

પ્રશ્ન : શું જપ મોટેથી કરવો જોઈએ કે મનમાં ને મનમાં જ ?

ઉત્તર : જ્યારે એકાંતમાં નિર્જન સ્થળે જપ કરો ત્યારે તમે પોતે કાનથી સાંભળી શકો એવી રીતે કરો અને જો અન્ય લોકો નજીકમાં હોય, તો મનમાં કરવો.

સ્થાન : બલરામ મંદિર, કલકત્તા

(૬ ફેબ્રુઆરી, ૧૯૧૮)

પ્રશ્ન : જપ કરવા માટે જ્યારે બેસું છું, તો મંત્ર જ્યોર્તિમય અક્ષરોમાં કપાળની પાસે જગમગતો દેખાય છે. હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું. જાણે તે પ્રકાશથી લખાયો હોય. એ જોયા પછી ઇષ્ટમૂર્તિ પાછી જોઈ શકતો નથી. ફક્ત આ મંત્રને જ જોઉં છું.

ઉત્તર : એ ઘણું જ સારું અને શુભ લક્ષણ છે. બંનેને જોવાં જોઈએ. મંંત્ર છે નામબ્રહ્મ. મંત્ર પણ જોવો અને ઇષ્ટમૂર્તિને પણ જોવાનો પ્રયત્ન કરવો.

પ્રશ્ન : ઇષ્ટનું ધ્યાન શું એમના શ્રીમુખથી શરૂ કરું ?

ઉત્તર : પહેલાં શ્રીચરણની વંદના કરવી અને શ્રીચરણથી ધ્યાનનો પ્રારંભ કરવો. પછી મુખ, હાથ, ચરણ જે આવે તેને આવવા દો.

પ્રશ્ન : આટલા મોટા મંત્રોની શી જરૂર છે ?

ઉત્તર : ના, એની જરૂર છે. મંત્રમાં વિશેષ શક્તિ છે – ખૂબ જપ કરવો.

પ્રશ્ન : ઘણા લોકો કહે છે કે જપ વખતે માળા તર્જનીને સ્પર્શે તો દોષ થાય છે.

ઉત્તર : શું તમે તર્જનીથી જપ કરો છો ? તર્જનીથી જપ ન કરવો સારો. છતાં પણ જો તમને અસુવિધા જણાય તો તર્જનીથી જપ કરી શકો છો – એમાં દોષ નહીં લાગે.

પ્રશ્ન : મનને શી રીતે સ્થિર કરી શકાય ?

ઉત્તર : હંમેશાં ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવાનો ઘણો સુંદર સમય છે સવાર. ધ્યાન પહેલાં થોડોક શાસ્ત્રપાઠ કરવાથી મન સહેલાઈથી એકાગ્ર થઈ જાય છે; ધ્યાન પછી ઓછામાં ઓછો અર્ધાે કલાક ચૂપચાપ બેસવું જરૂરી છે. કેમ કે ધ્યાન કરતી વખતે કદાચ અસર ન પણ થાય, અને થોડા વખત પછી પણ થઈ શકે છે. એટલા માટે ધ્યાન પછી તરત જ મનને કોઈ સાંસારિક કે વ્યર્થ વિષયમાં ન જોડવું જોઈએ. તેનાથી ઘણું જ નુકસાન થાય છે.

પ્રારંભમાં જપ-ધ્યાનનો અભ્યાસ કરવાની ઘણી જરૂર રહે છે. જો ન ગમે તો પણ નિત્ય અભ્યાસ કરવો. ફક્ત અભ્યાસથી ઘણું કામ થઈ શકે છે. હંમેશાં ઓછામાં ઓછા બે કલાક જપ કરવો જોઈએ. કોઈ નિર્જન બગીચામાં ચૂપચાપ બેસી રહેવાથી પણ ઘણી વખતે કામ થઈ જાય છે. પહેલાં પહેલાં તો તે માટે એક દૈનિક ક્રમ બનાવીને કામ કરવું યોગ્ય છે. એવા કોઈ કામનો બોજો ઉપાડવો સારો નથી કે જેનાથી આ દૈનિક ક્રમ તૂટી જાય.

સ્થાન : બલરામ મંદિર, કલકત્તા

(૯ ફેબ્રુઆરી, ૧૯૧૮)

પ્રશ્ન : ઇષ્ટમૂર્તિનું ધ્યાન કરતાં કરતાં જો અન્ય દેવ-દેવીઓની મૂર્તિ સામે આવે તો શું કરવું ?

ઉત્તર : સમજવું કે તે ઘણું જ સારું છે. વિચારવું કે મારા ઇષ્ટદેવ જ અનેક દેવદેવીઓના સ્વરૂપે મારી પાસે આવી રહ્યા છે. તેઓ એક પણ છે, અનેક પણ. પોતાની ઇષ્ટમૂર્તિનાં દર્શન કરવાં અને અન્ય રૂપોમાં જે આવે છે, તેનાં દર્શન કરવાં. કેટલાક દિવસો પછી તમે જોશો કે અન્ય બધાં રૂપો ઇષ્ટમાં જ લય પામી ગયાં છે.

અમાસ, પૂનમ, આઠમ આ તિથિઓમાં તેમજ કાલીપૂજા, જગદ્ધાત્રીપૂજા, દુર્ગાપૂજાના સમયે નિયમ બનાવીને ખૂબ જપ-ધ્યાન કરવાં. સમગ્ર નારી જાતિને

માતૃવત્ ગણવી. કોઈને કંઈ વચન આપ્યું હોય તો કોઈ પણ સંજોગોમાં એ પૂરું કરવું. જો તમને શંકા હોય કે તમે કોઈ વાત પૂરી નહીં કરી શકો, તો કહેવું કે કોશિશ કરીશ.

પ્રશ્ન : સાંભળ્યું છે કે જપ-ધ્યાન કરતાં પહેલાં ગુરુપૂજા કરવી જોઈએ. હું તો આ બધું જાણતો નથી.

ઉત્તર : પહેલાં ઇષ્ટદેવની સમાન હૃદયમાં ગુરુનું ધ્યાન કરી લેવું જોઈએ, પછી ગુરુ અને ઇષ્ટ એક જ છે આ ચિંતન કરીને, ગુરુનો ઇષ્ટદેવમાં લય કરીને પછી ઇષ્ટદેવનું ધ્યાન અને જપ કરવાં જોઈએ.

 

 

Total Views: 192
By Published On: February 1, 2020Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram