ભારતની આધ્યાત્મિક ભેટ

૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ સ્વામી વિવેકાનંદે અમેરિકા અને યુરોપમાં વિસ્તૃત ભ્રમણ કરી ત્યાંનાં સંસ્કૃતિ, સમાજ, અને નાગરિકોનો ઊંડો અભ્યાસ કર્યો. પશ્ચિમી વિજ્ઞાન અને ભારતીય આધ્યાત્મિકતાના સમન્વયે માનવજાતિને સમૃદ્ધ અને સુસંસ્કૃત કરવામાં આપેલ ફાળો એમની દિવ્યદૃષ્ટિ સમક્ષ તરી આવ્યો.

૧૮૯૭માં સ્વદેશ પાછા ફર્યા બાદ પોતાના દિવ્યદર્શનના આધારે સ્વામીજીએ રાષ્ટ્રની ઉન્નતિ અને સાંસ્કૃતિક – સામાજિક નવજાગરણ માટે પોતે ઘડેલ રણનીતિ જાહેર કરી. ચેન્નઈમાં આપેલ પ્રવચન ‘મારી સમર યોજના’માં તેઓ કહે છે :

દાનની આ ભૂમિમાં આપણે ઉત્તમમાં ઉત્તમ કોટિના દાનની શક્તિ, આધ્યાત્મિક જ્ઞાનના પ્રચારની શક્તિ અપનાવી લઈએ અને એ પ્રચાર માત્ર ભારતની સીમામાં જ બંધાઈ રહેવો ન જોઈએ; એ આખી દુનિયામાં ફેલાઈ જવો જોઈએ. આ જ પ્રાચીન રિવાજ છે. જેઓ એમ કહે કે ભારતીય વિચારો ભારતની બહાર કદી ગયા જ નથી, જેઓ એમ કહે કે ભારતની બહાર પરદેશોમાં પ્રચાર કરવા જનારો હું જ પહેલો સંન્યાસી છું, તે લોકો પોતાની જ પ્રજાનો ઇતિહાસ જાણતા નથી. વારંવાર આ ઘટના બનતી રહી છે. જ્યારે જ્યારે જગતને જરૂર પડી છે ત્યારે ત્યારે આપણી આધ્યાત્મિકતાના શાશ્વત જુવાળે ઊભરાઈ જગતને તરબોળ કર્યું છે.

રાજનૈતિક જ્ઞાનનું દાન ઢોલ પિટાવીને બેન્ડ સહિત લશ્કરી કૂચ કરાવીને આપી શકાય છે, ભૌતિક અને સામાજિક જ્ઞાનની ભેટ આગ અને તલવારથી આપી શકાય છે. પરંતુ જેવી રીતે ઝાકળ અદૃશ્ય રીતે અને નીરવપણે પડે છે, છતાં તેનાથી ગુલાબનાં ફૂલો થોકે થોક ખીલી ઊઠે છે, તેમ આધ્યાત્મિક જ્ઞાન તો કેવળ નીરવ શાંતિમાં જ આપી શકાય છે. ભારતે જગતને વારંવાર આપેલી ભેટ આ છે.

ઐતિહાસિક પ્રચાર

સ્વામીજી કહે છે :

‘જ્યારે જ્યારે એક પ્રજાએ બીજા પર વિજય પ્રાપ્ત કર્યો છે અને જગતની પ્રજાઓને એકત્રિત કરીને રસ્તાઓ તથા વાહનવ્યવહાર શક્ય બનાવ્યો છે, ત્યારે તરત જ ભારતે આગળ આવી વિશ્વના વિકાસકાર્યમાં આધ્યાત્મિક શક્તિ સીંચવાનો પોતાનો ફાળો આપ્યો છે. આવું તો બુદ્ધનો જન્મ થયો તે પહેલાં યુગોથી બનતું આવ્યું છે અને તેના અવશેષો હજી ચીનમાં, દક્ષિણપૂર્વ એશિયામાં, અને મલાયા દ્વીપસમૂહમાં પડેલા છે.

જ્યારે મહાન ગ્રીક વિજેતાએ એ વખતના જાણીતા જગતના ચારે ખૂણાઓને સંયુક્ત કર્યા ત્યારે પણ આમ જ બન્યું હતું. ભારતીય આધ્યાત્મિક્તા ધસીને ત્યાં પહોંચી ગઈ હતી. આજની બડાઈ હાંકતી પશ્ચિમની સંસ્કૃતિ પણ એ સમયના સાંસ્કૃતિક પ્રચારનો જ અવશેષ છે.’

અતિપ્રાચીન સમયના સિલ્ક-રસ્તા (Silk route) દ્વારા ચીનથી ભારત અને મધ્યવર્તી એશિયા થઈ યુરોપ સુધી સિલ્ક અને વિવિધ સામગ્રીઓની લે-વેચ થતી હતી. આ જ રસ્તા દ્વારા બ્રાહ્મણોએ વેદાંતના સિદ્ધાંતો અને બોધકથાઓ ચીન અને યુરોપ સુધી પહોંચાડ્યા હતા. ભારત અને ઇન્ડોનેશિયા તથા મલેશિયા વચ્ચે સ્થાપિત દરિયાઈ સ્પાઈસ-રૂટ (Spice route) દ્વારા મસાલાની આપ-લે થતી હતી. આ જ દરિયાઈ માર્ગ દ્વારા રામાયણ અને મહાભારતની સંસ્કૃતિ એ દેશો સુધી પહોંચી હતી.

ઈસા પૂર્વ ૩૨૦ની આસપાસ ગ્રીક વિજેતા એલેક્ઝાંડરે યુરોપથી ઈરાન અને અફઘાનિસ્તાન થઈ ભારત સુધીનો માર્ગ પોતાના સૈન્ય માટે મોકળો કર્યો હતો. ઈસા પૂર્વ ૨૦૦ની આસપાસ ધર્મસમ્રાટ અશોકે આ જ રસ્તા ઉપર બૌદ્ધ ભિખ્ખુઓને ધર્મપ્રચાર માટે મોકલ્યા હતા. આજે પણ અફઘાનિસ્તાનથી લઈ ગ્રીસ સુધી બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે.

આધુનિક સંદેશવ્યવહાર

સ્વામીજી કહે છે :

‘અત્યારે એ જ તક ફરી વાર આવી છે. ઇંગ્લેન્ડની રાજસત્તાએ જગતની પ્રજાઓને જેવી સાંકળી લીધી છે તેવી એ પ્રજાઓ પૂર્વે કદીયે સંકળાઈ નહોતી. અંગ્રેજ રસ્તાઓ અને સંદેશવ્યવહારના સ્રોત (Communication Channels) દુનિયાના એક છેડાથી બીજા છેડા સુધી પ્રસરી ગયેલ છે. અંગ્રેજોની બુદ્ધિના પ્રતાપે અગાઉ ક્યારેય જોડાયું ન હતું એવી રીતે જગત આજે સંકળાઈ ગયું છે. આજે એવાં વેપારનાં કેન્દ્રો બની ગયાં છે કે માનવજાતના ઇતિહાસમાં પૂર્વે એવાં કદી નહોતાં.

અને તરત જ, જાણ્યે અજાણ્યે, ભારતે આગળ આવી પોતાની આધ્યાત્મિક્તાનું દાન મુક્ત હસ્તે ઠાલવ્યું છે. એ આધ્યાત્મિક્તાના સ્રોતો આ માર્ગાે દ્વારા ધસમસતા વહીને જગતના ચારે છેડાઓ સુધી પહોંચી જવાના છે.’

અંગ્રેજોએ દરિયાઈ રસ્તાઓ (Sea route), રેલવે, પત્રવ્યવહાર, અને ટેલિગ્રામ દ્વારા જગતને જોડ્યું. એમના જ જહાજમાં મુસાફરી કરીને સ્વામીજીએ અમેરિકા અને યુરોપ જઈ ભારતીય વેદાંતનો પ્રચાર કર્યો અને અનેક મુમુક્ષુઓને આધ્યાત્મિક શાંતિ આપી. એમની જ ટેલિગ્રામ અને પત્રવ્યવહાર પ્રણાલી દ્વારા એમણે પૂરા વિશ્વમાં સંન્યાસી પ્રચારકો મોકલ્યા અને સંન્યાસી સંઘનું સંચાલન કર્યું.

બાદમાં આ જ ટેલિગ્રામ ટેલિફોન અને ઇન્ટરનેટમાં પરિણત થયો. રામકૃષ્ણ સંઘનાં બધાં જ કેન્દ્રોની ઇન્ટરનેટ પર વેબસાઈટ છે, જેમાં આશ્રમની પ્રવૃત્તિઓ અને પ્રવચનો નિયમિત રીતે પોસ્ટ થાય છે.

આજે સોશિયલ મિડિયા ઇન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય છે. સોશિયલ મિડિયાનાં ઘણાં દૂષણો છે. કેટલાક યુવાઓને એની લત લાગી જાય છે, જેની એમના સ્વાસ્થ્ય, ભણતર અને કારકીર્દિ પર અસર થાય છે.

પરંતુ જો સંયમિત રીતે વપરાય તો સોશિયલ મિડિયા શિક્ષકો, ડાૅક્ટરો, પત્રકારો અને વાલીઓ માટે ખૂબ ઉપયોગી નીવડી શકે. આજે આપણે નોકરી અને વ્યવસાયમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે આપણને ધાર્મિક પુસ્તકો વાંચવાનો કે સત્સંગ કરવાનો સમય મળતો નથી.

રામકૃષ્ણ સંઘનાં અનેક કેન્દ્રો દ્વારા સોશિયલ મિડિયા પર એકાઉન્ટ ચલાવવામાં આવે છે અને તેમાં પણ આશ્રમની પ્રવૃત્તિઓ અને પ્રવચનો નિયમિત રીતે પોસ્ટ થાય છે.

સ્વામીજીનું આહ્‌વાન

સ્વામીજી કહે છે :

‘હું અમેરિકા ગયો એ મારી કે તમારી પ્રેરણા ન હતી, પરંતુ ભારતના ભાગ્યવિધાતાએ મને મોકલ્યો હતો, અને હજુ સેંકડો પ્રચારકોને જગતની સર્વ પ્રજાઓ

સમક્ષ મોકલશે. જગતની કોઈ શક્તિ આ પ્રવાહને અટકાવી શકે એમ નથી. આ કાર્ય પણ કરવાનું જ છે.

તમારે તમારા ધર્મનો પ્રચાર કરવા બહાર જવું જ પડશે. સૂર્યનો પ્રકાશ જ્યાં જ્યાં પહોંચે છે, તે એકે એક પ્રજામાં પ્રચાર કરવા નીકળી પડો, દરેકે દરેક

જનસમૂહને ઉપદેશ આપવા પહોંચી જાઓ. સૌથી પ્રથમ કરવાનું કાર્ય આ છે. અધ્યાત્મવિદ્યાનો ઉપદેશ કરશો એટલે પછી તમારે જે જોઈએ છીએ તે

ભૌતિક વિજ્ઞાન અને બીજું બધું જ જ્ઞાન તેની સાથે ચાલ્યું આવશે. પણ જો તમે ધર્મના શિક્ષણ વિના ભૌતિક જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરશો તો, હું તમને

ચોખ્ખું કહી દઉં છું કે, ભારતમાં તમારો પ્રયત્ન નિષ્ફળ નીવડવાનો છે – લોકો પર એ કદી પણ પ્રભાવ પાડી શકશે નહીં. બૌદ્ધ ધર્મની જબરદસ્ત ચળવળ સુધ્ધાં નિષ્ફળ નીવડી તેનું કારણ કંઈક અંશે આ જ છે.’

સ્વામીજીના આ આહ્‌વાનને પ્રતિસાદ આપી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્રકાશન વિભાગ વ્હોટ્સએપ (WhatsApp) ઉપર રોજ સવારે સ્વામીજીનો એક સુવિચાર શેયર કરે છે. ૪ થી ૫ લાઈનના આ સુવિચારો સ્વામી વિવેકાનંદના યોગ, ધ્યાન, ચારિત્ર્યઘડતર, રાષ્ટ્રનિર્માણ, એકાગ્રતા, નિષ્ઠા, આત્મશ્રદ્ધા, સેવા, અને આધ્યાત્મિકતા જેવા વિષયો આવરી લે છે. જો રોજ આ ૪-૫ લાઈન વાંચવામાં આવે તો એક મહિનામાં સ્વામીજીનું એક પ્રવચન વંચાઈ જાય. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અને બંગાળી ભાષામાં આ સુવિચારો મોકલાય છે.

આ નિ:શુલ્ક સેવાને અદ્‌ભુત આવકાર મળ્યો છે. દેશવિદેશના અનેક જિજ્ઞાસુઓ રોજ સવારે સ્વામીજીના સુવિચારો વાંચે છે.

જો આપ આ સુવિચારો મેળવવા માગતા હો તો ૯૬૮-૭૪૧-૮૮૬૨ નંબર પર મિસ કોલ કરશો. આપને SMS દ્વારા એક લિંક મળશે જેની પર ક્લિક કરી આપને સુવિચારની ભાષા પસંદ કરવાની રહેશે.

 

Total Views: 565

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.