ગતાંકથી આગળ…

હું લખનૌ પહોંચી ત્યારે મારા કાયદાના અભ્યાસની પરીક્ષાઓ લગભગ શરૂ થવામાં હતી. મને શિક્ષણના મહત્ત્વનો અને એમાંય ખાસ તો સ્ત્રીઓ માટેના શિક્ષણનો ખ્યાલ છે, એટલે હું પરીક્ષામાં બેઠી. ઉત્તરપ્રદેશ કે દેશના અન્ય ભાગોમાં અભ્યાસથી કેટલીયે છોકરીઓને વંચિત રાખવામાં આવે છે. તેની પાછળ જૂના જમાનાનો આવો તર્ક છે કે છોકરીઓએ ઘરકામ શીખવું જોઈએ, જેથી તેઓ સારી ગૃહિણીઓ બની શકે; છોકરાઓએ આવક ઊભી કરવા ભણવું જોઈએ. અમારા અભ્યાસમાં પણ આ જાતિભેદ વણાઈ ગયેલો દેખાય છે. પ્રાથમિક કક્ષાઓમાં પણ તેવા ઘણા પાઠ આવે છે અને એમાં કહેવાતું હોય છે, ‘રામ શાળાએ જાય છે અને લક્ષ્મી રસોડામાં કામ કરે છે.’ આવી બાબત પણ જાતિભેદને વધુ પ્રબળ કરે છે.

અમારા ગામમાં સ્ત્રીઓ હજી પણ રાંધનારી અને બચ્ચાં પેદા કરનારી ગણાય છે. તેઓ સારી આજ્ઞાંકિત પત્ની, બહેન અને દીકરી ગણાય તેવા વર્તનવાળી હોય છે. છોકરાઓ રાતે મોડે સુધી ઘરની બહાર રહી શકે. દીકરીઓએ સૂર્યાસ્ત પહેલાં ઘરભેગી થવાનું હોય છે. છોકરાઓ મનફાવે તેવા પહેરવેશ પહેરે, પણ છોકરીઓ માટે સહુના મતે એક નિશ્ચિત પ્રકારનો વેશ જ ગમે. છોકરાઓ ગમે તે છોકરીની ટીકા કે મજાક કરી શકે, પણ અમારાથી તેમ ન કરાય. અલબત્ત, હવે તો અહીં તહીં ને બધે જ છોકરીઓ પહોંચી ગઈ છે. તેઓ ટેક્સી અને ટ્રેન પણ ચલાવે છે, ચંદ્ર ઉપર પણ પગલાં પાડે છે, અંતરિક્ષની સફર કરે છે, લશ્કરમાં જોડાય છે અને રાજકારણમાં પણ વ્યસ્ત છે. મહિલા પહેલવાનો, દોડવીરો, ક્રિકેટરો, એથલેટિક્સ અને જીમનેસ્ટિકના ક્ષેત્રમાં પણ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઉદ્યોગ અને નાણાકીય ક્ષેત્રમાં પણ અગ્રણી બને છે. સ્ત્રીઓ ચિત્રકાર, લેખક, કલાકાર, ફિલ્મમેકર તરીકે પણ નામના કાઢે છે.

આમ છતાં પણ સ્ત્રીઓને પુરુષ પછીની હરોળમાં ગણવામાં આવે છે. આ વાતથી આઘાત લાગે છે. એમાં હવે પરિવર્તન આવવું જોઈએ અને એની સાથે સ્ત્રીઓએ પણ પ્રબળ બનવું પડશે. હું ‘મહિલામુક્તિ આંદોલન’ના પ્રણેતા અમેરિકન બ્રા-બર્નિંગના મહિલાવાદની વાત કરતી નથી. આમ છતાં પણ છોકરીઓને શિક્ષણથી અને પોતાના જીવનના નિર્ણયો પોતાની મેળે લેવાની હિંમત કેળવવા તૈયાર કરવાની તેમજ અબળા ગણાતી નારીને સબળા બનવાની જરૂરિયાત પર ભાર દેવા માગું છું. આ પરિવર્તન શિક્ષણ જ લાવી શકે. મને કાયદાની પરીક્ષાની તૈયારી માટે માંડ સમય મળ્યો હતો, છતાં મારા દેખાવથી મને સંતોષ થયો.

મેં લખનૌમાં થોડો સમય કાઢ્યો અને પર્વતારોહણનું સાહસ શરૂ કરતાં પહેલાં શરીરને આરામ આપ્યો. સાહેબ અને રાહુલ સિવાય મને કોઈ ગંભીરતાથી લેવા તૈયાર ન હતું, પણ હવે એ બાબતને હસી કાઢતાં હું શીખી ગઈ હતી. મને આ બે પરિવારજનો ઉપરાંત હવે તો બેચેન્દ્રી પાલ અને મીડિયા તરફથી પણ પ્રોત્સાહન મળતું હતું. મીડિયાએ તો હંમેશાં મને સાથ આપ્યો જ હતો. હકીકતમાં એક વાર તો મને આટલું બધું પ્રોત્સાહન આપવા માટે મીડિયાની ટીકા પણ થઈ હતી. લોકો કહેતા કે તેઓ ટીઆરપી વધારવા જ આમ કરે છે.

મારી આવી ટીકાઓનો ઉત્તર મારે કશુંક મહાન કામ કરીને આપવો હતો. એમ કરવાથી એ ટીકાકારોને મારે શાંત પાડવા હતા અને એની સાથે મારી શક્તિઓ વિશેની મારી પોતાની શંકાઓને પણ દૂર કરવી હતી. પ્રેસમાં મારા વિશે જૂઠાણાં અને ગમે તેવાં લખાણોનો મારો ચાલ્યો હતો, ત્યારથી મારા મનમાં કેટલીક શંકાઓ ઊભી થઈ હતી. હું જાણતી હતી કે એ બધું મારી બદનામી કરવાના એક ગહન કપટના ભાગરૂપ હતું. છતાં પણ એ હુમલાથી થયેલ આઘાત મારા માટે મોટો હતો અને તેમાંથી તદ્દન બહાર આવી શકી ન હતી. હું આમ તો હંમેશાં એક હકારાત્મક અને લડાયક વ્યક્તિત્વવાળી રહી છું, પણ આ વખતે શું આવી લડત આપી શકું તેમ હતી ? આમ તો મારા ચહેરા પર હું સ્મિત રાખતી અને હકારાત્મક રીતે વર્તતી, પણ હું હજુ સુધી એવું માની શકતી ન હતી. છેવટે હું એવરેસ્ટ ચડવા ધારતી હતી અને મારા આત્મવિશ્વાસને જાગ્રત કરવા ઇચ્છતી હતી.

એકાદ મહિના પછી અમે ઉત્તરકાશી જવા રવાના થયાં. અહીં બેચેન્દ્રી પાલે પોતાનું કામચલાઉ તાલીમ કેન્દ્ર ઊભું કર્યું હતું. ૨૦૧૨ની ૨૮મી ફેબ્રુઆરીએ મને ટ્રેનમાંથી ફેંકી દેવાઈ તેના લગભગ ૧ વર્ષ પછી અમે ત્યાં પહોંચ્યાં. અમે ઉત્તરકાશી આવી ગયાં છીએ, એવું કહેવા બેચેન્દ્રી પાલને ફોન કર્યો. હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ તેનું ફરી વાર એક આશ્ચર્ય એમણે અનુભવ્યું. પોતાના સાથીઓમાંથી કોઈને તેમણે ત્યાંથી ૨૦

કિ.મી. દૂર આવેલા તાલીમ કેન્દ્રમાં લઈ આવવા મોકલ્યા. એ સ્થળ એક તસવીર સમાન લાગતા સંગમચટ્ટીના ખીણપ્રદેશમાં આવેલ છે.

એક પથરાળ વિસ્તારની ૨૫૦ ફૂટ નીચે આ સંસ્થા હતી. અસિગંગા નદીનો તટ અને કેટલાંક શિખરો અહીં નજીકમાં જ હતાં. ટાટાના કર્મચારીઓ નેતૃત્વ અને ટીમ સ્પિરિટના અહીં પાઠો શીખવા આવતા. અમને એક ખાસ સ્થળે ગાડીમાં લઈ જવામાં આવ્યાં અને અમારો સામાન ઉતારવામાં આવ્યો. પછી અમને કહેવામાં આવ્યું કે એ ૬૦ કિલો વજનનો સામાન ઉઠાવીને અમારે પેલી ૨પ૦ ફૂટ નીચે આવેલી સંસ્થામાં ચાલતાં જવું. કુદરતે ડુંગરોમાં તો કેટલાયે ખાડાખબડાવાળી સપાટી કરી હોય. અહીં તો વળી કોઈ ત્રણ માળવાળા મકાનમાં ઉપરના ભાગથી પ્રવેશ કરવો સામાન્ય બાબત જ ગણાય છે. ત્યાર પછી તમે નીચેના માળ ઉપર જાઓ એમ બને. (ક્રમશ 🙂

 

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.