સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન સમાજસેવક રૂપે જોયા છે અને બિરદાવ્યા છે. પણ તેમના પત્રકારિત્વના પાસાથી લોકો એટલા વાકેફ નથી. સ્વામીજીને એક પત્રકાર તરીકે બિરદાવવાનું કદાચ કોઈને હાસ્યાસ્પદ લાગશે, પણ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સ્વામીજીએ પોતાના જીવનકાળમાં ઓછામાં ઓછી ચાર પત્રિકાઓ શરૂ કરી હતી અને આ સિવાય અનેક પત્રિકાઓ પ્રકાશિત કરવામાં સહાય તથા પ્રેરણા પ્રદાન કરેલ.

તેમના દેહાવસાન પછી પણ તેમના વિચારોને મૂર્તરૂપ આપવા માટે દેશ-વિદેશમાં અનેક પત્રિકાઓ પ્રકાશિત થઈ હતી અને આજ પણ થઈ રહી છે. એક આધ્યાત્મિક મહાપુરુષે પોતાના જીવનનો મહત્ત્વપૂર્ણ અંશ પત્રિકાઓના પ્રવર્તનમાં લગાડ્યો હોય તથા કઠોર પરિશ્રમ કરીને, જાણે કે પોતાનાં તથા તેમના શિષ્યોનાં રક્તથી પત્રિકાઓનું સિંચન કર્યું હોય, આવું દૃષ્ટાંત પત્રકારિત્વના ઇતિહાસમાં વિરલ છે. એક સંતપુરુષ હોવા છતાંય, પત્રિકાઓના પ્રકાશન માટે સ્વામીજીનો ઘણો આગ્રહ હતો. પત્રિકાઓના પ્રવર્તન માટે તેમણે કેટલો ઘોર પરિશ્રમ કર્યો હતો!

પોતાના લેખો વડે, આર્થિક સહાય દ્વારા અને અદમ્ય ઉત્સાહ તથા પ્રેરણાના સંચાર વડે પત્રિકાઓના પ્રકાશનમાં તેમણે કેટલો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો અને પત્રકારિત્વ વિષેના તેમના વિચારો વર્તમાન માપદંડો અનુસાર પણ કેટલા મહત્ત્વપૂર્ણ છે, આ બધા વિષયોની વિવેચનાને એક જ લેખમાં આવરી લેવી એ ખરેખર ઘણું કપરું કાર્ય છે. અહીં તેને સંક્ષેપમાં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ.

પત્રકારિત્વમાં સ્વામીજીની રુચિ તરુણાવસ્થાથી જ હતી. નરેન્દ્રનાથ દત્ત તરીકે તેમણે શ્રીરામકૃષ્ણદેવના અન્તરંગ ભક્ત શ્રી ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાયને પત્રિકા-પ્રકાશન માટે પ્રોત્સાહિત કર્યા હતા.

૧૮૮૯માં ઉપેન્દ્રનાથે નરેન્દ્રનાથના આગ્રહને કારણે ‘સાહિત્ય કલ્પદ્રુમ’ નામક બંગાળી પત્રિકા શરૂ કરી. (સમય જતાં આ પત્રિકા ‘સાહિત્ય’ નામે બહાર પડતી.) આ પત્રિકાના પહેલા પાંચ અંકોમાં યુવા નરેન્દ્રનાથે કરેલ “Imitation of Christ’ (ઈશુનું અનુસરણ)નો બંગાળી અનુવાદ છપાયો હતો.

૧૮૯૬ ઈ.માં ઉપેન્દ્રનાથે ‘બસુમતી’ નામક પ્રસિદ્ધ બંગાળી સાપ્તાહિક પત્રિકા શરૂ કરી અને સ્વામીજીના સંદેશમાંથી પ્રેરણા લઈને આ પત્રિકાનો મુદ્રાલેખ (Motto) રાખ્યો હતો – ‘નમો નારાયણાય’.

પત્રિકાઓના પ્રવર્તનની ઇચ્છા સ્વામીજીના મનમાં અમેરિકા ગયા બાદ વધારે પ્રબળ થઈ ગઈ. અમેરિકામાં તેમને પ્રસિદ્ધિ મળી ત્યાર બાદ સંપૂર્ણ ભારતવર્ષમાં જે અદમ્ય ઉત્સાહના વિશાળ તરંગો ઊઠ્યા તેનો વિનિયોગ સ્વામીજી લોકોમાં નવજાગ્રતિનો સંચાર કરવા માગતા હતા.

શ્રીરામકૃષ્ણ દ્વારા પ્રતિપાદિત સમન્વયકારી વેદાંત ધર્મનો પ્રચાર, કોઈપણ બાંધછોડ કર્યા વિના સત્યનો પ્રચાર, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સનાતન ધર્મ અને ભારતવર્ષ વિશે થઈ રહેલ ભ્રામક પ્રચારનો વિરોધ વગેરે ઘણાં કારણોથી તેઓ પત્રિકા પ્રવર્તન તરફ વિશેષ આકર્ષાયા હતા.

સ્વામીજીની આ પ્રકારની પત્રિકાની ઇચ્છાને સાકાર કરનાર પ્રથમ વ્યક્તિ હતી, એમના મદ્રાસી તરુણ શિષ્ય આલાસિંગા પેરુમલ. ધન્ય છો આલાસિંગા! ઇતિહાસમાં તમારું નામ અમર રહેશે. સ્વામીજીના જે અગ્નિમંત્રયુક્ત પત્રોએ ત્યારની યુવા પેઢીને પ્રેરણા આપીને ભારતમાં નવચેતના આણી હતી અને આજે પણ જે યુવા પેઢીને પ્રેરણા આપી રહી છે, તેમાંના ઘણા ખરા આલાસિંગાને સંબોધીને લખાયેલા. આ પત્રોના અધ્યયનથી આપણે અનુમાન કરી શકીએ કે તે વખતે સ્વામીજીની ઇચ્છા ફક્ત પત્રિકા જ નહિ, સમાચારપત્ર પ્રકાશિત કરવાની પણ હતી.

૨૯ સપ્ટેમ્બર, ૧૮૯૪ના પત્રમાં તેમણે આલાસિંગાને લખ્યું હતું,

‘જો બની શકે તો સમાચારપત્ર અને માસિક પત્રિકા બન્ને બહાર પાડજો. મારા જે ગુરુભાઈઓ ચારે તરફ બહાર ફરી રહ્યા છે, તેઓ ગ્રાહક બનાવશે – હું પણ ગ્રાહકો બનાવીશ અને વચમાં-વચમાં પૈસા મોકલતો રહીશ.’ અલબત્ત, સમાચારપત્ર પ્રકાશિત કરવાની સ્વામીજીની ઇચ્છા સાકાર ન થઈ શકી પણ એમના જીવનકાળમાં અને તેમની મહાસમાધિ પછી એમના વિચારોથી પ્રેરાઈને દેશ-વિદેશમાં વિભિન્ન ભાષાઓમાં અનેક પત્રિકાઓ પ્રકાશિત થઈ હતી અને આજે પણ થઈ રહી છે. આ પહેલાં ૧૧ જુલાઈ, ૧૮૯૪ના પત્રમાં સ્વામીજીએ આલાસિંગાની અંગ્રેજીમાં પત્રિકા પ્રકાશિત કરવાની ઇચ્છાનું અનુમોદન કરતાં લખ્યું હતું, ‘સામયિક શરૂ કરી જ દેજો, વખતોવખત હું તમને મારા લેખો મોકલતો રહીશ.’

 

આ પત્રિકાના પ્રકાશન માટે આર્થિક વ્યવસ્થાનો ભાર પણ સ્વામીજીએ પોતાના ખભે લીધો હતો. ૩૧ ઓગસ્ટ, ૧૮૯૪ના પત્રમાં તેમણે આલાસિંગાને લખ્યું હતું,

‘એકાદ સામયિક, પત્રિકા કે મુખપત્ર શરૂ કરીને તમારે તેના સેક્રેટરી થવું. સામયિક અને એના અંગેનું કાર્ય કરવા માટે થનારા ખર્ચની, એટલે કે એ શરૂ કરવા માટે થનારા ખર્ચની, એટલે કે એ શરૂ કરવા ઓછામાં ઓછું કેટલું ધન જોઈશે, એની ગણતરી કરીને અને પછી સોસાયટીને નામ આપીને તે નામ અને સરનામું મને લખી મોકલો. એટલે હું પોતે જ તમને પૈસા મોકલી આપીશ; એટલું જ નહિ, પરંતુ અમેરિકાના અન્ય લોકોને દર વર્ષે ઉદારતાપૂર્વક આમાં ફાળો આપવા માટે પ્રેરીશ.’ ર૬મી મે,૧૮૯૫ના પત્રમાં સ્વામીજીએ ફરી આર્થિક સહાયનું આશ્વાસન આપ્યું અને સામયિક માટે કેટલાંક મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કર્યાં – ‘એકાદ માસની અંદર, સામયિક માટે હું તમને થોડાક પૈસા મોકલવાની સ્થિતિમાં આવીશ, ભિખારા હિન્દુઓ પાસે ભીખ માગતા ફરશો નહિ. એ બધું મારી મગજશક્તિથી અને જમણા બાહુના બળથી હું પોતે કરીશ… તમારું સામયિક ઉપરચોટિયું નહિ પરંતુ દૃઢ, શાંત અને ઉચ્ચાશયી હોવું જોઈએ. સારા અને સ્થિર લેખકોનું જૂથ એકઠું કરો.’ સ્વામીજીએ આપેલ વચન પ્રમાણે એક મહિનામાં જ પત્રિકા માટે એમણે એકસો ડોલર મોકલી આપ્યા હતા.

આલાસિંગાએ મદ્રાસના અન્ય સહયોગીઓ સાથે મળીને આ પત્રિકાનું નામ ‘બ્રહ્મવાદિન’ તથા તેનો મુદ્રાલેખ ‘એકં સદ્વિપ્રા બહુધા વદન્તિ’ રાખ્યો. સ્વામીજીએ તેમાં સહમતિ દર્શાવતો ૧૮૯૫ની ૩૦ જુલાઈએ ઉત્સાહભર્યો પત્ર લખ્યો, ‘તમે ઠીક કર્યું છેે. નામ તથા મુદ્રાલેખ (motto) બન્ને ઠીક છે. તમારા પત્ર માટે ‘સંન્યાસીનું ગીત’ જ મારો પહેલો લેખ છે. નિરુત્સાહિત ન થતા અને પોતાના ગુરુ અને ઈશ્વર પરની શ્રદ્ધા ન ગુમાવતા… હે સાહસી બાળકો, કાર્ય કરતા રહો…’ (ક્રમશ 🙂

 

Total Views: 389

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.