સંન્યાસીનો સુખદાયી સંસ્પશર્

એ વખતે સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. એક વખત હિમાલયન રાજ્યનાં મહારાણી બેલુર મઠમાં તેમને મળવા આવ્યાં. તેમણે મહારાજશ્રીની પાવનકારી પવિત્રતા વિશે ઘણું સાંભળ્યું હતું. આવ્યા પછી તેમણે સ્વામીજીને ખાનગીમાં એમની રૂબરૂ મુલાકાત લેવાની વિનંતી કરી અને એ વિનંતી ગ્રાહ્ય રહી. સ્વામી વિશુદ્ધાનંદજીના ખંડનું બારણું બંધ કર્યું. તેમણે સ્વામીજીને પ્રણામ કર્યા અને બેસી ગયાં. તેમણે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં અને થોડા સમય સુધી શાંત મને પોતાની આંખોમાંથી આંસુ વહાવતાં રહ્યાં. પછી પોતાને સંયમમાં લાવીને કહ્યું, ‘સ્વામીજી, હવે મારા મનને શાંતિ થઈ. મારા ઘરે કોઈ એવું સ્થાન ન હતું કે જ્યાં મારા વ્યથાથી ભરેલા હૃદયને ખાલી કરી શકું. તમારી ઉપસ્થિતિમાં મને શાંતિ મળી છે. મહારાજ, મને આશીર્વાદ આપો !’

એક પણ શબ્દ બોલ્યા વિના તેઓ સ્વામી વિશુદ્ધાનંદજીની સામે થોડો સમય બેઠાં રહ્યાં. પછી મહારાજને ભાવપૂર્વક પ્રણામ કરીને તેમના ખંડમાંથી શાંતિથી બહાર નીકળ્યાં.

સંન્યાસીની તબિયત બરાબર છે એ કેવી રીતે જાણવું.

સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી હતા. રામકૃષ્ણ સંઘના મુખ્ય મથક બેલુર મઠના કાર્યાલય ભવનના એક ખંડમાં રહેતા હતા. હું એ કાર્યાલયમાં કામ કરતો એક યુવાન સંન્યાસી હતો. એ વખતે ઘણા ફ્લુથી પીડાતા હતા. સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ તે વખતે આશરે સીત્તેર વર્ષની ઉંમરના હતા અને તેમને કમનસીબે ફ્લુ થયો. પરિણામે બેત્રણ દિવસ સુધી પથારીમાં પડ્યા રહેવું પડ્યું. જેવો તાવ ઊતર્યો કે તરત જ તેમણે પૂરેપૂરો સમય પોતાના કાર્યાલયનું કામ શરૂ કરી દીધું. એ સમય દરમિયાન કોલકાતાના ઉદ્‌બોધન આશ્રમના અધ્યક્ષ વિશ્વાશ્રયાનંદ તેમની તંદુરસ્તીના ખબરઅંતર પૂછવા આવ્યા. સ્વામી વીરેશ્વરાનંદજીને તેમણે પૂછ્યું, ‘મહારાજ, આપની તબિયત તો બરાબર છે ને ? મેં સાંભળ્યું હતું કે તમને ફ્લુ થયો છે.’

પોતાના મુખ પરના હાસ્ય સાથે સ્વામી વીરેશ્વરાનંદે સામો પ્રશ્ન પૂછ્યો, ‘સંન્યાસી સાજો છે કે માંદો એ કેવી રીતે જાણવું એની તમને ખબર છે ?’ સ્વામી વિશ્વાશ્રયાનંદે યુક્તિપૂર્વક જવાબ આપ્યો, ‘મહારાજ, સંન્યાસી સારાસાજા છે એ કેમ કહેવું, એ આપ જ કહો.’

સ્મિત સાથે સ્વામી વીરેશ્વરાનંદે જવાબ આપ્યો, ‘જો સંન્યાસી પથારીમાં હોય ને પોતાનું માથું પણ ઊંચંુ ન કરી શકતો હોય તો જાણવું કે તે માંદો છે. પરંતુ જો તે પોતાની પથારીમાં બેસી શકતો હોય તો જાણવું કે તે સારોસાજો છે.’

એ વખતે સ્વામી વીરેશ્વરાનંદના કાર્યાલયમાં હું હાજર હતો અને એ રસપ્રદ સંવાદ મેં સાંભળ્યો હતો. જેમણે પોતાનું જીવન ઈશ્વરને સમર્પણ કરી દીધું છે તેમણે સ્વામી વીરેશ્વરાનંદજી જેમ કાર્ય કરતા હતા તેમ સામાન્ય માંદગી હોવા છતાંપણ એ કરવા તત્પર રહેવું જોઈએ, એ વાત હું એમની પાસેથી શીખ્યો.

 

Total Views: 236

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.