ભારતના પૂર્વમાં ઉત્તર કિનારે પરોઢ-સૂર્યનું પહેલું કિરણ જે ભાગ્યશાળી પ્રદેશ પર પડે છે, તે અરુણાચલ છે. તેના અંતિમ છેડે ભૂતાન અને તિબેટ સરહદે જોડાયેલું તવાંગ શહેર છે. અપાર-અફાટ વનસંપદા, માનસરોવરમાંથી નીકળે છે તેવી બ્રહ્મપુત્રા, કેમાંગ જેવા સિદ્ધોની કૃપા પ્રાપ્ત કરતું, સૌંદર્યથી ભરપૂર અરુણાચલ જોવાની જિજ્ઞાસા-ઉત્સુકતા ખૂબ હતી.

આપણે આઝાદ થયા ત્યારે તિબેટ સ્વતંત્ર દેશ હતો. આપણા ભારતની સીમા તિબેટ સાથે જોડાયેલી હતી. તે દુનિયાનું છાપરું છે. તિબેટ એટલે સ્વર્ગ ગણાય છે, દેવતાઓનો વાસ છે. આપોઆપ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેવા તિબેટને ૧૯૫૨માં ચીને હડપ કરી લીધું.

પરમ પૂજ્ય દલાઈલામા ૧૯૫૯માં લ્હાસાથી પગપાળા નીકળીને બૂમલાથી તવાંગમાં પ્રવેશ્યા. અરુણાચલ થઈને હિમાલયના ધરમશાળા કાંગડામાં આવી વસ્યા. તેમણે ભારતમાં શરણ લીધું. હવે આપણી સરહદ ચીન સાથેની ગણાય છે. ભારતનું આસ્થા બિન્દુ ડૈલમા માનસરોવર ચીનમાં જતું રહ્યું. નેપોલિયને કહેલું કે ચીન વિસ્તારવાદી છે, વિશ્વસનીય નથી. ૧૨૫ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે કહેલું કે ચીનનો ભરોસો ન કરાય. ૧૯૫૪માં ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર થયા, ત્યારે ભારતે આ કરાર વીસ વર્ષ માટે થાય તેવા ખૂબ પ્રયત્ન કર્યા; પણ ચીન માન્યંુ નહીં. ફ્કત આઠ વર્ષના કરાર થયા પછી ભારતે ફરીથી પ્રયત્ન કર્યો. પણ ચીને તો ૧૯૫૪થી જ ભારત પર આક્રમણ કરવાનું મન બનાવ્યું હતું.

ઓક્ટોબર, ૧૯૬૨માં ચીનાઓ પહાડોની ટોચો પરથી સૈન્યનાં ધાડાં ને ધાડાં તવાંગથી ઉપર બૂમલાથી ઊતરી આવ્યાં. ભારત આ યુદ્ધ માટે તૈયાર ન હતું, કારણ કે એને ચીન સાથે કરેલા પંચશીલના કરાર પર વિશ્વાસ હતો. છતાં અપૂરતાં શસ્ત્રો-હથિયારો સાથે ભારતના જાબાંઝ જવાનોએ મા ભારતીની રક્ષા કાજે ખૂબ આક્રમક્તાથી સામનો કર્યો. જસવંતસિંહ અને બાબા જોગીન્દરસિંહ જેવા વીસ બાવીસ વર્ષના બાહોશ જવાનોએ ૭૨ કલાક સુધી ચીનના સૈનિકોને રોકી રાખ્યા. તેમનાં હથિયારો છીનવીને ૩૦૦ ચીની સૈનિકો મારી નાખ્યા. આ વીરથી ચીનાઓ ડરતા હતા. આ સ્થળે પરમવીર શહીદ જસવંતસિંહનું સ્મારક છે. આજે ૫૩ વર્ષે પણ જસવંતગઢના વાૅર મેમોરિયલ જોયા બાદ સૈન્યના જવાનો એ જાબાંઝ વીર શહીદ જવાનોની સ્મરણકથાઓ સંભળાવે છે.

૧૯૬૨ના યુદ્ધમાં હિન્દીચીની ભાઈભાઈના નારાઓ વચ્ચે મળેલી માહિતી મુજબ લાખેક સૈનિકો શહીદ થયા હતા. બરફમાં ચાલવાથી ૩૦૦૦થી વધુ સૈનિકોના પગ સડી જતાં કપાવવા પડ્યા હતા.

ચીનાઓ બૂમલા સરહદથી છેક તેજપુર આસામમાં ૪૫૦ કિ.મી. અંદર સુધી ધસી આવેલા અને ભયંકર યુદ્ધ થયેલું. ભારતના સહયોગી દેશોએ ચીન પર વિમાનોથી બોમ્બવર્ષા કરવાની તૈયારી કરી. આંતરરાષ્ટ્રિય દબાણ વધવાને કારણે ચીને નમતું જોખ્યું. ૨૧-૨૨ નવેમ્બર, ૧૯૬૨ના રોજથી ચીની સૈન્ય પાછું ગયું.

અરુણાચલના લોકો કાપડ વણી સૈન્યને પૂરંુ પાડતા, બહેનો ખાવાનું બનાવી સૈન્યને પૂરું પાડતી. ઠેર ઠેર સૈનિકોની લાશો પડી. દેશ નિરાશામાં ડૂબી ગયો. દેશમાં સન્નાટો છવાયો. ચીનાઓએ હજારો એકર જમીન પચાવી પાડી, ત્યારે પ્રદીપજીએ રચેલ ગીત ‘એ મેરે વતન કે લોગોં…’ લતા મંગેશકરે ગાયું. આજ સુધી આ ગીત સાંભળીને ભારતના લોકોની આંખો રડે છે.

અમારી યાત્રા ગુવાહાટીથી ૧૪ નવેમ્બરના રોજ શરૂ થઈ અને ૨૪ નવેમ્બરે ગુવાહાટી પાછાં ફર્યાં, ત્યારે યાત્રા પૂરી થઈ. તવાંગયાત્રા ઘણી મહત્ત્વની છે. તીર્થયાત્રીઓ સમાન ભાવે કામાખ્યાદેવી, ભગવાન બુદ્ધ અને ગુરુનાનકદેવનાં દર્શન કરીને આગળ વધે છે. અમારા યાત્રાપ્રવાસમાં ભારતનાં ૧૧ રાજ્યોમાંથી ૧૨૫ યાત્રીઓ હતા. અમદાવાદથી ૩૮ યાત્રીઓ હતા. ૧૬-૧૧-૧૫ના રોજ અમદાવાદથી નીકળીને ગુવાહાટી પહોંચ્યાં હતાં.

ગુવા એટલે સોપારી અને હાટી એટલે બજાર. આસામ અને ગુજરાતની વચ્ચે રોટીબેટીનો વ્યવહાર પ્રાગૈતિહાસિક કાળથી ચાલ્યો આવે છે. શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને ઉષા ગાંધર્વવિવાહથી જોડાયાં હતાં. ઉષાના પિતા બાણાસુર અનિરુદ્ધને નાગપાશથી બાંધે છે. શ્રીકૃષ્ણ સૈન્ય સાથે દ્વારકાથી આસામના તેજપુર આવે છે. શિવભક્ત બાણાસુરને ભગવાન શંકર મદદ કરે છે. અહીં શ્રીકૃષ્ણ અને શિવજી વચ્ચે યુદ્ધ થાય છે અને પુષ્કળ લોહી વહે છે. એટલે તેજપુરનું નામ શોણિતપુર થઈ ગયું છે. અંતે બાણાસુર પુત્રીનાં લગ્ન અનિરુદ્ધ સાથે કરી સમાધાન કરે છે.

આ બધાં દૃશ્યો તેજપુરમાં સચવાયેલાં છે. ગુવાહાટીમાં કામાખ્યા મંદિર છે. એ શક્તિપીઠ છે. બ્રહ્મપુત્રાની વચ્ચે ટાપુ છે, ત્યાં ઉમાનંદ મહાદેવ છે.

ગુવાહાટીથી ૧૯ નવેમ્બરના રોજ નીકળીને તેજપુર રોકાયાં. ત્યાંથી દિરાંગ રોકાયાં. દિરાંગથી ઉપર જસવંતગઢમાં વાૅર મેમોરિયલ જોઈને તવાંગ પહોંચ્યાં. આસામ અને અરુણાચલની સીમા ભાલુકપોંગ થઈને બોઝાડિયા ગયાં. અમારી સાથે ત્યાંથી તિબેટિયનો જોડાયા. તવાંગનું ઉષ્ણતામાન ૪ ડિગ્રી હતું. ઠંડી ખૂબ લાગે, યાત્રીઓ ધ્રૂજી ઊઠે એવું વાતાવરણ. અહીં બૌદ્ધમંદિરમાં લામાઓએ અમને ભોજન આપ્યું. ત્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જોયો. સરકીટ હાઉસમાં સાંજનું ભોજન લીધું. ત્યાં વાૅર મેમોરિયલ અને લાઈટ સાઉન્ડ શો હતાં.

૨૨ નવેમ્બરે તવાંગથી ૫૦ કિ.મી. ઉપર જવા નીકળ્યાં. અહીં ઓક્સિજન ઓછો પડતો હતો. રસ્તામાં જસવંતગઢ મેમોરિયલ જોયું. ત્યાંથી હિમાલયની ટોચે આવેલ બુમલા પહોંચ્યાં. એ દિવસે બરફ પડેલો. વાતાવરણ ખુશનુમા હતું. સૂર્ય તપતો રહ્યો, ઠંડી તો હતી જ. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

અહીં શીખ બટાલીયન ખડે પગે રહીને સરહદની રક્ષા કરે છે. સેનાના જવાનો જ ફોટા પાડે છે, આપણે જાતે ફોટા ન પાડી શકીએ. બૂમલા પહોંચતાં પહેલાં રસ્તાઓમાં લમેટામાં અને બીજાં સ્થળે સૈન્યે અમારું સ્વાગત કર્યું. મેજર એ. કે. સિંહે કહ્યું કે સૈન્ય સાથે ભારતના લોકો ભાવાત્મક રીતે જોડાયેલા છે, તેથી સૈન્યને ઉત્સાહ-પ્રેરણા મળે છે. એ માટે સૈન્ય ગૌરવ અનુભવે છે. પાછા ફરતી વખતે ટેંગામાં સૈન્યે અમને ભોજન આપ્યું. ત્યાર પછી અમે ભાલુકપોંગમાં રોકાયાં. ત્યાંથી કાઝીરંગા નેશનલ પાર્ક જોયો. શિલોંગની કુદરતી સંપદા અને અપાર વનરાજી, સ્વચ્છતા અને પાકા રસ્તા જોઈને અમે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. ત્યાં એલિફંટા ધોધ જોયો, ત્યાંથી ચેરાપુંજી ગયાં. ત્યાંના રામકૃષ્ણ મિશનની શાળાકોલેજોમાં ૧૦૦૦૦ જેટલાં ભાઈબહેનો અભ્યાસ કરે છે. મેઘાલયના આદિવાસીઓની જરૂરિયાત રામકૃષ્ણ મિશન પૂરી પાડે છે. ૧૯૩૧થી આ સંસ્થા અહીં સેવાકાર્ય કરે છે.

અરુણાચલના તવાંગમાં ‘જીવો અને જીવવા દો’નામની સંસ્થા લોકોને શાકાહારી બનાવવાનું કાર્ય કરે છે. લોકો ખેતી કરે છે, શાકભાજી ઉગાડે છે અને ગાય તેમજ યાક પાળે છે.

(સૌજન્ય : શ્રીશક્તિ આરાધના,ફેબ્રુઆરી-૨૦૧૬)

 

Total Views: 189
By Published On: March 1, 2020Categories: Jayshreebahen Trivedi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram