ગતાંકથી આગળ…
પરમ લક્ષ્ય પ્રાપ્ત કરનાર અથવા ઓછામાં ઓછું એની નજીક પહોંચનાર જ તેની પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. આધ્યાત્મિક જીવનમાં સમ્યક્દર્શન વિશે આવું કહેવાયું છે :
મોટા ભાગના લોકો આત્મતત્ત્વ વિશે સાંભળી શકતા નથી. મોટા ભાગના લોકો સાંભળીને સમજી શકતા નથી. આત્મતત્ત્વનો વક્તા આશ્ચર્યજનક હોય છે, એને જાણનારો આશ્ચર્યજનક હોય છે. કુશળ આચાર્ય દ્વારા અનુશિષ્ટ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરનાર ધન્ય છે.(કઠ.- ૧.૨.૭)
આત્મતત્ત્વનું જ્ઞાન કોઈ નિમ્નકોટિના વ્યક્તિના કહેવાથી પૂરી રીતે પ્રાપ્ત થતું નથી, કારણ કે એ વિશે વિભિન્ન ધારણાઓ હોય છે. આત્મા અણુથી પણ અણુતર અને અતર્ક્ય છે. અનુભૂતિ સંપન્ન આચાર્ય દ્વારા કહેવામાં આવે તો મુમુક્ષુ વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્ત કરે છે અને પુન : જન્મ ગ્રહણ કરતી નથી. (કઠ. – ૧.૨.૮)
મુમુક્ષુ કર્મ દ્વારા પ્રાપ્ય સ્વર્ગાદિ લોકોનાં સુખોની પરીક્ષા કરે. ત્યાર પછી એનાથી વિરક્ત થઈને ચિરંતન આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા વિનમ્રતાપૂર્વક શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુની નજીક જાય. આવા પ્રશાંતચિત્ત, સમયુક્ત, વિનયથી અવનત શિષ્યને વિદ્વાન આચાર્ય તત્ત્વત : તે બ્રહ્મવિદ્યા આપે છે, જેનાથી અક્ષરબ્રહ્મ (પુરુષ)ને સમ્યક્ રૂપે જાણી શકાય છે. (મુંડક. – ૧.૨.૧૨,૧૩)
ગુરુનું કાર્ય :
આત્મસાક્ષાત્કારનો અર્થ શો છે ? એનો અર્થ જીવ અને પરમાત્માનું મિલન છે. જીવનનાં વિભિન્ન અનુભવો અને દુ :ખોમાંથી પસાર થઈને જીવ પરમાત્માની નજીક પહોંચે છે અને અંતે એની સાથે એકત્વનો અનુભવ કરે છે. આ પ્રક્રિયાનું ઉપનિષદમાં (મંુડક- ૩.૧.૧,૨) સુંદર વર્ણન કર્યું છે :
સુવર્ણ પાંખવાળાં તથા નિત્યસાથી બે પક્ષી એક જ વૃક્ષની ડાળીઓ પર રહે છે. એમાંથી એક વૃક્ષનાં કટુ અને સુસ્વાદિત ફળો ખાય છે. બીજું ખાધા વિના શાંત ભાવે નિરખતું રહે છે. આત્મસ્વરૂપથી વિસ્મૃત મોહગ્રસ્ત જીવ સાંસારિક જીવનમાં લિપ્ત બનીને દુ :ખ ભોગવે છે. પરંતુ જ્યારે તે ઉપાસ્ય ઈશ્વરને પોતાના આત્માના રૂપે જાણે છે તથા તેનો મહિમા જુએ છે ત્યારે તે શોકરહિત થઈ જાય છે.
આપણે પોતાના દિવ્ય સ્વરૂપને ભૂલી ગયા છીએ. એટલે ભગવાનની નીકટ જવાને બદલે આપણે આ સંસારમાં વધારે ને વધારે ફસાતા જઈએ છીએ. કોઈના દ્વારા આપણને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન કરાવાવું જોઈએ. ગુરુ આ કાર્ય કરે છે. ગુરુનું કાર્ય શિષ્યને અનાદિ અજ્ઞાનનિદ્રામાંથી જગાડીને પરમાત્માના પથને નિદર્શિત કરવાનું છે. ગુરુ ખ્રિસ્તી પાદરી જેવા નથી કે જે માનવ અને ભગવાનની વચ્ચે ઊભા રહે છે. ગુરુ શબ્દનો વ્યુત્પત્તિપરક અર્થ છે- અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાનનું પ્રદાન કરનાર આધ્યાત્મિક પથપ્રદર્શક. તેઓ આપણી પોતાના વિશે પોષિત વિપરીત માન્યતાઓને દૂર કરીને મોહનિદ્રાનો ભંગ કરવામાં સહાયક બને છે.
પોતાને ઘેટું સમજનાર સિંહની વાર્તા શ્રીરામકૃષ્ણ કહેતા. એક વાર એક સિંહણે ઘેટાંના ટોળા પર હુમલો કર્યો, પરંતુ ગોવાળે એનો સામનો કર્યો એટલે તે સિંહણ એક બાજુએ પડી ગઈ અને એક સિંહબચ્ચાને જન્મ આપીને મરી ગઈ. ગોવાળને એ બચ્ચાની દયા આવી અને તે એને ઘેટાંની સાથે પાળવા માંડ્યો. સિંહનું બચ્ચું ઘેટીનું દૂધ પીવા લાગ્યું અને ઘેટાંની જેમ બેં.. બેં.. કરવા માંડ્યું. તે ઘાસ ખાતાં પણ શીખી ગયું. થોડાંક વર્ષો પછી એક સિંહે એ ઘેટાંના ટોળા પર હુમલો કર્યો અને તેણે એક સિંહને ઘેટાંની જેમ જ વર્તતો જોયો. આ જોઈને તેને ઘણી નવાઈ લાગી. તે તો ઘેટા જેવા સિંહને પકડીને એક તળાવની નજીક ઘસડીને લાવ્યો. પછી પેલા સિંહે તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ બતાવ્યું. પછી મોટા સિંહે પેલા જુવાન ઘેટા જેવા સિંહના મોઢામાં માંસનો ટુકડો મૂક્યો અને તેને કહ્યું કે તે ઘેટું નથી, પરંતુ વાસ્તવમાં એક સિંહ જ છે. આ સાંભળીને પેલા જુવાન સિંહે પોતે ઘેટું છે એવી ભ્રમણા ત્યજી દીધી અને પોતાના વાસ્તવિક સિંહ સ્વરૂપનું જ્ઞાન ફરીથી મેળવ્યું.(શ્રીરામકૃષ્ણ કથામૃત)
સ્વામી બ્રહ્માનંદજી ગુરુની તુલના રાજાના મંત્રી સાથે કરતા : ‘એક ગરીબ માણસે મંત્રીને સાત દરવાજાવાળા મહેલમાં રહેનારા રાજાની મુલાકાત કરાવી દેવા વિનંતી કરી. મંત્રીએ એની વિનંતી સ્વીકારી અને એક પછી એક દરવાજામાંથી પસાર થઈને લઈ જવા માંડ્યા. પ્રત્યેક દરવાજે એક સુસજ્જ અધિકારીને ઊભેલો જોઈને દરેક વખતે પેલો ગરીબ માણસ મંત્રીને પૂછતો કે શું આ રાજા છે ? સાતમા દરવાજાને પાર કરીને રાજસી વૈભવમાં પ્રતિષ્ઠિત રાજાની પાસે પહોંચતાં પહેલાં દર વખતે ‘નહીં’ એવો એના પ્રશ્નનો ઉત્તર મંત્રી આપતો રહ્યો. રાજાને જોઈને એ ગરીબ માણસ બીજો કોઈ પ્રશ્ન પૂછતો નથી.’ મહેલના દરવાજા અને ગલીઓમાંથી લઈ જવા તેને કોઈ માર્ગદર્શકની આવશ્યકતા હતી. સ્વામી બ્રહ્માનંદજી કહે છે કે ગુરુ પણ આવા જ હોય છે. રાજાના મંત્રીની જેમ તે શિષ્યને આધ્યાત્મિક વિકાસની ભિન્ન ભિન્ન અવસ્થાઓમાંથી લઈ જઈને અંતે પરમાત્માની નીકટ પહોંચાડી દે છે.’ (ઇટરનલ કમ્પેનિયન- પૃ.૨૫૦)
માનવ-વ્યક્તિત્વ એકની ભીતર એક ભવનો અને પ્રાંગણોથી રચાયેલ એક મોટા મહેલ જેવું છે. પરમાત્મા ગુરુના રૂપે આપણી નજીક આવે છે અને આપણે સ્થૂળ શરીર, મન, ભાવનાઓ, વિચાર અને મનોભાવ જ નથી, પરંતુ નિત્ય આત્મા છીએ, એવો અનુભવ કરવામાં ગુરુ આપણને મદદ કરે છે. અજ્ઞાત પ્રદેશમાં ભ્રમણ કરતી વખતે માર્ગ જાણનાર એક પથપ્રદર્શક હોય તો સારું. ગુરુ પણ એ પથપ્રદર્શક છે કે જે આપણને ગંતવ્ય સ્થાન સુધી લઈ જઈને આપણને ત્યાં છોડી દે છે. (ક્રમશ 🙂
Your Content Goes Here