એકને જાણો અને તમે બધું જાણી શકશો. એકડાની જમણી બાજુએ મૂકેલાં મીંડાંનું મૂલ્ય સેંકડો અને હજારોમાં થાય છે પણ, એ એકડાને ઉઠાવી લો તો, એ બધાં મૂલ્યહીન બની જાય છે. એ અનેક મીંડાંની કિંમત એ એકને લઈને જ છે. પહેલાં એક, પછી અનેક. પહેલાં શિવ પછી જીવો અને જગત.
પહેલાં પ્રભુને પામો. પછી પૈસો પ્રાપ્ત કરો. પણ એનાથી ઊલટું ન કરો. આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સંસારી જીવન જીવો તો, તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો.
તમે સમાજસુધારાની વાત કરો છો ? ભલે, તે તમે ઈશ્વરને પ્રાપ્ત કર્યા પછી પણ કરી શકો. યાદ રાખો કે, ઈશ્વરને પામવા માટે પ્રાચીન કાળના ઋષિઓએ સંસારનો ત્યાગ કર્યો હતો. એ એક જ વસ્તુ આવશ્યક છે. તમે ચાહો તો બીજી બધી વસ્તુઓ આવી પડશે. પ્રથમ ઈશ્વરદર્શન કરો. તે પછી, ભાષણોની ને સમાજસુધારાની વાત કરો.
શહેરમાં નવા આવનારે સૌ પ્રથમ, પોતાના રાતવાસા માટે આરામદાયક જગ્યા શોધવી જોઈએ. અને એ મળ્યા પછી માલસામાન રાખીને નિશ્ચિંત બનીને એ શહેરનાં જોવાલાયક સ્થળોએ જઈ શકે. નહીં તો, રાતે અંધારામાં સારું ઠેકાણું શોધતાં ખૂબ મુશ્કેલી પડે. એ જ રીતે, ઈશ્વરમાં પોતાનું સનાતન સ્થાન નિશ્ચિત કર્યા પછી જ, આ સંસારરૂપી વિદેશમાં આવનાર નિર્ભય રીતે પોતાની રોજિંદી પ્રવૃત્તિ કરી શકે. નહીં તો, જ્યારે મોતનો ભયંકર અને કાળો ઓળો એના પર ઊતરશે ત્યારે, એણે ઘણી યાતનાઓ ભોગવવી પડશે.
(‘શ્રીરામકૃષ્ણ અમૃતવાણી’, પૃ.૪)
Your Content Goes Here