ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે ત્યાંની પ્રજામાં કાળો કેર વર્તાવ્યો છે. લોકો ટપોટપ મરી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી મુજબ જો કોરોનાને કાબૂમાં લેવામાં નહીં આવે, તો વિશ્વની ૬૦ % જેટલી માનવ વસ્તીને તે પોતાના ભરડામાં લઈ શકે છે ! આ સદીમાં કોરોનાને વાયરસથી થતો સૌથી વધુ જીવલેણ રોગ ગણાવાયો છે. કોરોનાની હજુ સુધી કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી. આથી અટકાવ એ જ ઉપચાર છે.
કોરોના વાયરસ એ કોઈ એક વાયરસનું નામ નથી, પણ વાયરસ સમૂહ કે પ્રજાતિ છે. આ પ્રકારના વાયરસ પ્રાણીઓ અને મનુષ્યો બંનેમાં રોગકારક છે. કોરોના સમૂહના જુદા જુદા વાયરસ જુદી જુદી અસરો ઊભી કરે છે. અમુક સામાન્ય શરદી જેવાં લક્ષણો ઊભાં કરે છે જે વખત જતાં મટી જાય છે. પણ અમુક શ્વસનતંત્રને લગતી ખૂબ ગંભીર બીમારીઓ ઊભી કરે છે. હજુ થોડાં વર્ષો પહેલાં જ ત્રાટકનાર ‘સાર્સ’ તો યાદ જ હશે? આ સાર્સ (Severe Acute Respiratory Syndrome – SARS) અને તેના જેવો જ બીજો રોગ ‘મેર્સ’ (Middle East Respiratory Syndrome -MERS) આ બન્ને પણ કોરોના કુટુંબના વાયરસની જ દેન છે.
કોરોના કુળની ખાસિયત એ છે કે તેના એટેક પછી વ્યક્તિને શ્વસનતંત્રનાં અંગોની તકલીફો થવા લાગે : જેમ કે શ્વાસ લેવામાં તકલીફ પડે, નાક ગળે; શરદી, કફ અને ન્યૂમોનિયા જેવાં લક્ષણો જણાય અને તેની તીવ્રતા વધે ત્યારે વ્યક્તિ મોતને ભેટે છે. આમ, કોરોના એ કોઈ નવા પ્રકારનો વાયરસ નથી. પરંતુ ચીનમાં ફેલાયેલ કોરોના એ આ સમૂહમાં ચોક્કસ નવીન પ્રકારનો છે. ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં પ્રથમ વખત કોરોના સમૂહના એક વિશિષ્ટ વાયરસે લોકોમાં દેખા દીધી. આથી વિજ્ઞાનીઓએ આ નવતર કોરોના વાયરસને ‘૨૦૧૯-nCoV’ એવું નામ આપ્યું છે. તે COVID-૧૯ તરીકે પણ ઓળખાય છે. અને આથી જ એના મારણ કે રોકવાની કોઈ કારગર દવા હજુ સુધી હાથવગી નથી. બસ, બચાવ એ જ ઉપચાર છે.
કોઈ કોરોના વાયરસની ઝપટે ચડે ત્યારે સામાન્ય શરદી જેવાં લક્ષણો શરૂઆતમાં દેખાય. નાકમાંથી પાણી પડે, ગળું બળે કે દુ :ખે, કફ જામ્યો હોય એવું લાગે, શરદીનાં જ લક્ષણો દેખાય અને સાથે તાવ પણ આવે. આ લક્ષણો દેખાવાની સાથે જ ખૂબ ઝડપથી તીવ્રતા વધે અને ન્યૂમોનિયા થાય. વ્યક્તિને શ્વાસ ચડે અને શ્વાસ લેવામાં તકલીફ પડે. આ રોગથી વ્યક્તિનું મૃત્યુ નીપજે જ એવું નથી. પણ જો વ્યક્તિ વૃદ્ધ, કુપોષિત; ડાયાબિટીસ, કીડનીની બીમારી, હૃદયની બીમારી અન્ય કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત હોય અને કોરોના વાયરસનો ચેપ લાગે તો તેમની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ ઓછી હોવાથી મૃત્યુની સંભાવનાઓ વધી જાય છે.
કોરોનાગ્રસ્ત વ્યક્તિને આઈસોલેશનમાં રાખવા ખૂબ જરૂરી છે. ઘણી વખત એવું પણ બને કે કોરોનાનું નિદાન થાય એ પહેલાં તે વ્યક્તિના સંપર્કમાં ઘણા લોકો આવ્યા હોય અને આ બધા લોકોને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના એક સરખી રહે છે. આથી તે બધા લોકો માટે નિદાન અને પરીક્ષણ આવશ્યક ગણાય. કોરોના આપણે ત્યાં સદ્નસીબે હજુ સુધી ફેલાયો નથી, પરંતુ આજે દેશ-વિદેશમાં ફરતા, વેપાર-ધંધા કરતા લોકો દ્વારા આવા રોગનો ફેલાવો ઝડપથી થઈ શકે છે.
લોકો સામાન્ય વાયરલ શરદી-તાવમાં દવાઓ લેવા દોડે છે. એન્ટિબાયોટિક દવાઓ ખાય, એન્ટિબાયોટિક દવાઓ વાયરસથી થતા કોઈપણ રોગોમાં કામ આવતી નથી. પેરાસીટામોલ જેવી દવાઓ લેવાથી આપણને શરદીથી થતા દુ :ખાવામાં રાહત લાગે છે. પરંતુ તેનાથી શરદી મટી શકતી નથી. કોરોના સામે કારગત દવાઓ હજુ શોધાઈ નથી. અને કોઈપણ એન્ટિબાયોટિક દવાઓ કોરોનામાં કામ આવતી નથી. અને એટલે જ કોરોના સૌથી ઘાતક રોગોની શ્રેણીમાં મુકાયો છે.
સસ્તન અને બીજાં પ્રાણીઓમાં કોરોના વર્ગના વાયરસ હોય છે. ચીનમાં ફેલાયેલો ૨૦૧૯-nCoV નામક કોરોના વાયરસ ખરેખર પ્રાણીઓ દ્વારા વુહાનની એનીમલ માર્કેટમાંથી જ ફેલાયો છે, એવું ખાતરીપૂર્વક કહી શકાય એવા કોઈ પુરાવા હાલ પૂરતા તો વૈજ્ઞાનિકો પાસે નથી જ. હકીકતે વુહાનમાં ખતરનાક વાયરસ ઉપર કામ કરતી વાયરોલોજી લેબોરેટરી આવેલી છે. કેટલાક તર્કાે મુજબ ચીન ત્યાં કોરોના જેવાં જૈવિક હથિયારો બનાવતું હતું અને ત્યાંથી જ આ વાયરસ લીક થયો છે. એટલું તો ચોક્કસ છે કે પાળેલાં પ્રાણીઓ કે ઢોર-ઢાંખર કોરોનાનાં વાહક નથી કે આવો વાયરસ ફેલાવતાં નથી. ચીનમાં પણ પાલતુ પ્રાણીઓ પર હજુ સુધી કોઈ પ્રતિબંધ નથી મુકાયો. બલ્કે લોકો તેમનાં પાલતુ પ્રાણીઓને પણ માસ્ક પહેરાવતા નજરે પડે છે. જો કે મીટ માર્કેટ એટલે કે માંસ બજારમાં આવો વાયરસ ફેલાવવાની શક્યતા હોવાથી લોકોને ત્યાં ન જવાની અને આવી પ્રોડક્ટ વાપરવાથી દૂર રહેવાની સલાહ અપાય છે. ચીનમાં એનીમલ માર્કેટ કે માંસ બજારો બંધ કરાયાં છે.
કોરોનાની કોઈ કારગર દવા હજુ સુધી મળી ન હોવાથી બચાવ એ જ ઉપચાર છે. આથી કોરોના વાયરસનો ફેલાવો કેવી રીતે થાય છે તે
વિશે જાણવું ખૂબ જરૂરી છે. સૌ પહેલાં એ જાણો કે કોરોના વાયરસ એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો વાયરસ છે. કોરોના એરબોર્ન એટલે કે હવાથી ફેલાતો રોગ છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિના શ્વાસ, ગળફા, થૂંક, છીંક વગેરે દ્વારા આ વાયરસ ફેલાય છે. આથી નાકનું માસ્ક દ્વારા રક્ષણ કરવું જોઈએ. હાથને વારંવાર નાક કે આંખમાં ન અડાડૉ. જાહેર જગ્યાએ ગયા પછી ખાતી કે પીતી વખતે હાથને વારંવાર સાબુ-પાણીથી ધૂઓ. આલ્કોહોલયુક્ત ડીસઈનફેક્ટંટ કે સ્ટરીલાઈઝરનો ઉપયોગ કરો.
સોશ્યલ મીડિયાના કોરોનાના ભ્રામક મેસેજથી બચો
કોરોનાની વિભીષિકા જેમ જેમ ફેલાતી જાય છે તેમ તેમ તેને લગતી કેટલીય વાતો અને વિડિઓ સોશ્યલ મીડિયામાં ફેલાઈ રહ્યાં છે. ચીન
ભલે ૧૬૦૦-૧૭૦૦ નો મૃત્યુઆંક બતાવે, પણ દુનિયાના મોટાભાગના દેશો એવું માને છે કે મોતનો આંકડો ૧૫-૧૬ હજારને પાર ચોક્કસ હશે. લોકો કોરોના વિશેની હકીકતોને જાણ્યા વગર જ સાચા-ખોટા વિડિઓ અને મેસેજ વાયરલ કરી રહ્યા છે. કોરોનામાં ઢળી પડતાં ચાઈનીઝ લોકોના વિડિઓથી લઈને વુહાનનું એનીમલ માર્કેટ કે જે કોરોનાનું કહેવાતું ઉદ્ગમ સ્થાન છે, તેના વિડિઓ; ચીના લોકો ક્યાં અને કેવાં પ્રાણીઓ ખાય છે, તેના વિડિઓ સતત વાયરલ થઈ રહ્યા છે. આટલું ઓછું હોય તેમ કોરોના કેવી રીતે ફેલાય છે અને કોરોનાથી કેમ બચવું, ઘરેલુ ઔષધો જેવા તો કેટલાય સાચા-ખોટા વિડિઓ અને મેસેજ સોશ્યલ મીડિયામાં ફરતા થઈ ગયા છે. આવા ખોટા મેસેજ કોરોના કરતાં પણ ખતરનાક છે.
ચામાચીડિયાં કોરોના વાયરસ ફેલાવે છે
ફકત ચામચીડિયાં જ નહીં પરંતુ દરેક પશુ, પક્ષી અને મનુષ્ય અનેક રોગોના વાહક બની શકે છે. કોરોના ચામાચીડિયીંથી ફેલાયો છે એવા કોઈ પુરાવા મળ્યા નથી. આવી જ રીતે આપણી આજુબાજુ વસતાં કૂતરાં- બિલાડાં કે અન્ય પ્રાણીઓ પણ કોરોના વાયરસનાં વાહક છે એવા પણ કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એટલું ચોક્કસ છે કે મનુષ્ય જ કોરોનાનો સૌથી મોટો વાહક છે. આથી જો કોઈ લોકો છીંકતા, ખાંસતા કે નાક સાફ કરતા જોવા મળે તો તેનાથી દૂર રહો અને તમારાં નાક-મોંને ઢાંકી લો.
લસણ ખાવાથી કોરોના મટી જાય છે
સોશ્યલ મીડિયામાં ફરતા એક મેસેજમાં કહેવાયું છે કે લસણની કળીઓને પાણીમાં ઉકાળીને લેવાથી કોરોના મટી જાય છે ! ખુદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટતા કરવી પડી છે કે લસણમાં એન્ટિમાઈક્રોબીયલ ગુણ છે, એ વાત સાચી છે, પરંતુ લસણ ખાવાથી કોરોના સામે રક્ષણ મળે કે કોરોના થયું હોય અને મટી જાય, એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. લસણથી કોરોનાનો ઇલાજ શક્ય નથી. જો ખરેખર આ રીતે લસણ ખાવાથી જ કોરોના મટી જતો હોત, તો ચીન પોતાના બધાં રોગીઓને લસણનો ઉકાળો પિવડાવીને સાજા કરી દેત.
કોરોના વાયરથી લોકો તાત્કાલિક મૃત્યુ પામે છે
જે વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તેમાં શેરીઓ, ગલીઓ, શોપીંગ મોલ કે જાહેર જગ્યાએ લોકોને ટપો-ટપ ઢળી પડતાં બતાવાયાં છે. એટલે સાહજિક એવો ખ્યાલ આવે કે જેવો કોરોનાનો ચેપ લાગે કે તરત વ્યક્તિ મૃત્યુ પામે છે. પરંતુ આવું નથી. કોરોનાનો ચેપ લાગ્યા પછી તરત તેનાં લક્ષણો દેખાતાં નથી. જ્યારે કોઈપણ ચેપ લાગે છે અને રોગાણું શરીરમાં ઘૂસે છે, ત્યાર પછી તે રોગનાં લક્ષણો અને શરીરમાં રોગથી નુકસાન કરવાનું શરૂ કરે તેને કેટલોક સમય લાગે છે. આ સમયને ‘ઈંક્યુબેશન પીરીયડ’ કહેવાય છે. કોરોના વાયરસ માટેનો ઈંક્યુબેશન પીરીયડ ૧ થી ૧૨.૫ દિવસ ગણાવાયો છે જે ૧૪ દિવસ સુધી લંબાઈ શકે છે. આ રીતે જોઈએ તો શરીરમાં ૨૦૧૯-nCoV ઘૂસે અને તેનાં લક્ષણો દેખાય તે માટે સરેરાશ ૫-૬ દિવસનો સમય લાગે છે. એટલે જે લોકોએ શરૂઆતમાં કોરોનાનાં લક્ષણોને સામાન્ય શરદી-તાવનાં લક્ષણો ગણી તેના પર ધ્યાન ન આપ્યું હોય, તેવા લોકોને શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ થાય અને અચાનક ઢળી પડે તેવું બની શકે. પરંતુ એનો અર્થ એ નથી કે સાજા-સારા વ્યક્તિના શરીરમાં વાયરસ ઘૂસતાંવેંત જ તે મૃત્યુ પામે છે.
વિવિધ હર્બલ ઉકાળા કોરોના વાયરસ મટાડે છે
સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિવિધ મેસેજમાં એવું પણ કહેવાય છે કે અલગ અલગ પ્રકારની ઔષધિઓના ઉકાળા બનાવીને પીવાથી કોરોના સામે રક્ષણ મળે છે. ઘણાં લોકો માને છે હર્બલ ટી, ગ્રીન ટી, અમુક-તમુક વનસ્પતિ કે જે સામાન્ય શરદી-તાવમાં ફાયદાકારક છે તે લેવાથી કોરોના મટી જાય છે; પણ વિશ્વ આરોગ્ય સંસ્થાના રીપોર્ટ પ્રમાણે ઔષધીય ઉકાળા, હર્બલ ટી, ગ્રીન ટી, વિટામીન સીની કેપ્સ્યુલ, મલ્ટીવિટામીનની ગોળીઓ કે જાતે જ લેવાતી એન્ટિબાયોટિક દવાઓ કોરોના વાયરસ સામે રક્ષણ આપવામાં મદદગાર સાબિત થતી નથી. ઊલટું, કદાચ તે નુકસાન પહોંચાડી શકે તેવી સંભાવનાઓ વધુ છે.
કોરોના-ચેપ ચીનથી આવતા લોકો જ લગાડે છે
એવું બિલકુલ જરૂરી નથી કે ચીનથી આવેલા પ્રવાસીઓ કોરોના ફેલાવી શકે છે. ચીનમાં અન્ય દેશોના પ્રવાસીઓ પણ આવ-જા કરે છે. એટલે કોરોનાનો ચેપ અન્ય દેશોમાં ફેલાવાની પણ સંભાવનાઓ છે. જેમ કે તાજેતરમાં જાપાનમાં કોરોનાના કેટલાક પોઝીટીવ કેસનું નિદાન થયું. એટલે એ જરૂરી નથી કે કોરોના ચીનથી આવેલા લોકોથી જ ફેલાય. કોઈ પણ બીજા દેશનો પ્રવાસ કરીને આવનારા લોકોમાં પણ કોરોનાનો ચેપ હોઈ શકે. એટલે વિદેશ પ્રવાસ કરીને આવનારી કોઈપણ વ્યક્તિએ પોતાનું હેલ્થ ચેક-અપ કરાવવું જોઈએ. એ આમ તો એરપોર્ટ ઉપર ફરજિયાત થાય જ છે. વધુમાં જેમને વારંવાર એરપોર્ટની મુલાકાત અને દેશમાં પણ વિમાની મુસાફરી કરવાની થતી હોય તેવા લોકોમાં કોઈક રીતે ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. તેથી આવા લોકોએ શરદી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો દેખાય તો તેના પ્રત્યે બેદરકારી ન દાખવવી કે તેને છુપાવવાં નહીં. પરિવારજનોએ પણ તેમને તાત્કાલિક મેડીકલ ચકાસણી માટે પ્રોત્સાહન આપવું જોઈએ.
Your Content Goes Here