ગતાંકથી આગળ…

ગુરુની આવશ્યકતા

ભારતમાં આપણે આધ્યાત્મિક જીવન માટે ગુરુની આવશ્યકતામાં માનીએ છીએ. હું જ્યારે પહેલીવાર યુરોપ ગયો, ત્યારે ધાર્મિક સમૂહોને એવું કહેતાં સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો કે તેઓ કોઈપણ જાતના વિશેષ પ્રશિક્ષણ વિના ભગવાનની સાથે વાર્તાલાપ કરે છે, ઈશ્વરીયવાણી સાંભળે છે તથા આધ્યાત્મિક નિર્દેશ પ્રાપ્ત કરે છે. મેં કેટલાક લોકોનું સૂક્ષ્મ ધ્યાનથી અવલોકન કર્યું અને જેવી અપેક્ષા રાખી હતી એવું જ જોવા મળ્યું કે તેવા લોકો પોતાનો જ અવાજ સાંભળતા હતા, જે ક્યારેક ક્યારેક શુભ રહેતો. ભગવાન અને ભગવદ્વાણી અપવિત્ર વ્યક્તિથી ઘણી દૂર હોય છે. એ સુપ્રશિક્ષિત અને શુદ્ધચિત્ત વ્યક્તિ અંતર્યામી ભગવાન સાથે વાર્તાલાપ અવશ્ય કરી શકે છે, પરંતુ અપવિત્ર અને અપ્રશિક્ષિત વ્યક્તિ જો એવો દાવો કરે, તો તે પોતાની જાતને જ છેતરે છે. આમ છતાં પણ તેઓ કહે છે કે તેમને કોઈ બાહ્ય સહાયતાની આવશ્યકતા નથી. મારા ગુરુ સ્વામી બ્રહ્માનંદજી કહેતા, ‘ચોરી કરવાનું શીખવા માટે પણ ગુરુની આવશ્યકતા રહે છે. તો પછી શું આ મહાન બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે ગુરુની આવશ્યકતા જ નથી ?’ (સ્પિરિચ્યુઅલ ટાૅક્સ – પૃ. ૪૨-૪૩)

આમાં કોઈ રહસ્ય નથી. લોકો રેડિયમ વિશે જાણવા માટે મેડમ ક્યુરી પાસે જાય છે, તેઓ અણુનું સ્વરૂપ સમજવા માટે રુધરફોર્ડ પાસે જાય છે. જે રીતે પ્રકૃતિ વિજ્ઞાનમાં એક સક્ષમ ગુરુની આવશ્યકતા છે, તે જ રીતે અધ્યાત્મવિજ્ઞાનમાં આત્મસાક્ષાત્કારની પદ્ધતિ શીખવા ગુરુના માર્ગદર્શનની નિતાંત આવશ્યકતા છે. આ વિષયમાં આપણે એવા ક્ષેત્રમાં યાત્રા કરીએ છીએ, જેના વિશે આપણે કંઈપણ જાણતા નથી. જે લોકો કોઈ ગુરુની આવશ્યકતા અનુભવતા નથી, તે સ્વયં બીજાના ગુરુ બનવા માટે અત્યંત વ્યગ્ર છે, એ બધાએ યાદ રાખવું જોઈએ કે એમણે એક આંધળો બીજા આંધળાને માર્ગ બતાવે એવો પ્રયત્ન ન કરવો જોઈએ.

હિન્દુ શાસ્ત્રોમાં ગુરુની આવશ્યકતા પર વારંવાર ભાર દેવામાં આવ્યો છે. ઉદાહરણ રૂપે ભગવદ્ગીતાને લો. ત્યાં પહેલાં શ્રીકૃષ્ણ અર્જુનને કોઈ આધ્યાત્મિક ઉપદેશ આપ્યા વિના યુદ્ધક્ષેત્રમાં લઈ જાય છે. ત્યારે અર્જુન શ્રીકૃષ્ણને વિનંતી કરે છે, ‘કાર્પણ્ય દોષ’ને કારણે મારું મન વિભ્રમિત થઈ ગયું છે અને હું ધર્મ વિશે નિર્ણય કરવામાં અસમર્થ છું. હું એક શિષ્યના રૂપે આપને નિવેદન કરું છું કે શરણાગત એવા મને ઉપદેશ આપો. (ગીતા – ૨.૭) શ્રીકૃષ્ણને ગુરુ રૂપે સ્વીકારીને જ દિવ્યગુરુ શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે. શંકરાચાર્યના ગ્રંથ ‘વિવેકચૂડામણિ’માં(૧૩૯) શિષ્ય ગુરુને પ્રાર્થના કરતાં કહે છે, ‘સ્વામી, હું સંસારસાગરમાં પડ્યો છું, કૃપા કરીને આ દુ :ખમાંથી મારો ઉદ્ધાર કરો.’

આધ્યાત્મિક દીક્ષાનો પ્રભાવ

શ્રીરામકૃષ્ણ કહે છે, ‘અપરિવર્તનશીલ અક્ષરતત્ત્વનો સાક્ષાત્કાર કરવા અંતરાત્માનું જાગરણ આવશ્યક છે.’ આધ્યાત્મિક તથ્યોનું અધ્યયન અને તેની ચર્ચા પૂરતાં નથી. અંતર્જ્યાેતિનું પ્રત્યક્ષ દર્શન થવું જોઈએ. અંતરાત્માનું આ પ્રથમ જાગરણ કેવી રીતે થાય ? બ્રહ્મજ્ઞ-ગુરુ આધ્યાત્મિક દીક્ષા દ્વારા શિષ્યમાં આ જાગરણ કરે છે. બધા ધર્મોમાં સ્નાન, બેપ્ટિસ્મા, પવિત્ર જળ અથવા તેલનું સિંચન, પવિત્ર શાસ્ત્રાંશોનો પાઠ, પૂજા-અનુષ્ઠાન જેવી દીક્ષાની પ્રથાઓ છે. આ અનુષ્ઠાનોમાં દીક્ષિત વ્યક્તિ એ ધાર્મિક સમુદાયોના વિશેષ અધિકાર પ્રાપ્ત કરી લે છે. એમને સભ્ય રૂપે દીક્ષાપ્રથા દ્વારા સમ્મિલિત કરવામાં આવે છે. આ ઔપચારિક દીક્ષા જે આધ્યાત્મિક દીક્ષાની આપણે વાત કરીએ છીએ, તેનાથી ભિન્ન છે.

જ્યારે ઈસુ ખ્રિસ્તે કહ્યું, ‘જ્યાં સુધી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી, ત્યાં સુધી ઈશ્વરના સામ્રાજ્યનું દર્શન કરી શકતો નથી. (બાઇબલ, સેન્ટ જ્હોન- ૩.૩) ત્યારે એનંુ તાત્પર્ય આ જ હતું. પુનર્જન્મનો અર્થ છે આધ્યાત્મિક જાગરણ થવું, પોતાને દેહ સમજવો છોડીને આત્મા સમજવો. ‘જેમનો જન્મ દેહથી થયો છે, તે દેહ છે; જે પરમ આત્માથી જન્મ્યા છે તે આત્મા છે.’ (બાઇબલ, સેન્ટ પીટર- ૧.૨૩). ત્યાર પછી ઈસુએ એક શિષ્ય સેન્ટ પીટરને આ કથન સમજાવતાં કહ્યું હતું, ‘દૂષણીય બીજ દ્વારા પુનર્જન્મ નહીં, પરંતુ નિત્ય અને સ્થાયી ભગવાનના નામ રૂપી અદૂષણીય પવિત્ર બીજથી પુનર્જન્મ થવો.’ (બાઇબલ, સેન્ટ જ્હોન- ૩.૬). ગુરુ ભગવાનના નામનો સંચાર કરે છે, ભગવાનની શક્તિ નામ દ્વારા, મંત્ર દ્વારા આવે છે અને મંત્ર દ્વારા આત્માનું જાગરણ થાય છે.

ભારતમાં દ્વિજત્વની અવધારણા છે. દ્વિજ શબ્દનો એક અર્થ પક્ષી પણ છે. પહેલાં ઈંડું જન્મે છે, તેના પછી ઈંડામાંથી પક્ષીનું બચ્ચું જન્મે છે. એ કેટલાક દિવસ પછી મોટું થઈને પક્ષી બનશે. બધાં ઈંડાં પૂરાં સેવાતાં નથી, પક્ષીનાં બધાં બચ્ચાં મોટાં નથી થતાં. તેવી જ રીતે બધા લોકો આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત કરતા નથી. લોકો આધ્યાત્મિક વિકાસના વિભિન્ન સ્તરો પર રહે છે. એક પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોક છે- (अत्रि स्मृति- 141-42)

जन्मना जायते शूद्रः संस्कारात् द्विज उच्यते ।

वेदपाठी भवेद्विप्रः ब्रह्म जानाति ब्राह्मणः ।।

અર્થાત્ મનુષ્યનો શૂદ્ર કે અજ્ઞાનીના રૂપે જન્મ થાય છે. સંસ્કાર દ્વારા તે દ્વિજ (દ્વિજ એટલે બે વખત જન્મનાર) બને છે. સ્વાધ્યાય અને શાસ્ત્રપાઠથી તે વિપ્ર કે વિદ્વાન કે કવિ બને છે. બ્રહ્મને જાણ્યા પછી તે બ્રાહ્મણ બને છે. આધ્યાત્મિક દીક્ષાનો ઉદ્દેશ વ્યક્તિને સાચો બ્રાહ્મણ કે બ્રહ્મજ્ઞાની બનાવવાનો છે. ઉપનિષદ(બૃહદારણ્યક- ૩.૮.૧૦)માં કહેવામાં આવ્યું છે, ‘अथ य एतदक्षरं गागिर् विदित्वास्माल्लोकात् प्रैति स ब्राह्मणः – અર્થાત્ જે અક્ષર બ્રહ્મને જાણ્યા પછી આ સંસારમાંથી જાય છે, તે બ્રાહ્મણ છે.’ શ્રીરામકૃષ્ણના એક મહાન શિષ્ય મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદજી) એકવાર મને કહ્યું હતું, ‘જે કોઈ શ્રીરામકૃષ્ણના શરણે આવે છે તે વસ્તુત : બ્રાહ્મણ છે.’ (ક્રમશ 🙂

 

Total Views: 404

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.