(ગતાંકથી આગળ…)

સ્વામીજી આ પત્રિકાના પ્રકાશન માટે કાગને ડોળે રાહ જોવા માંંડ્યા. છેવટે અધીર થઈ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને ૪ ઓક્ટોબર, ૧૮૯૫ના પત્રમાં લખ્યું, ‘મને લાગે છે કે મદ્રાસના લોકો સામયિક શરૂ કરવામાં નિષ્ફળ ગયા છે. હિન્દુ પ્રજામાં વ્યવહારકુશળતાની ખામી જ છે. જ્યારે તમે કોઈ કામ કરવાનુંં વચન આપો, ત્યારે તમારે તે બરાબર નિયત સમયે કરવું જોઈએ. નહિતર લોકોનો તમારામાંંથી વિશ્વાસ ઊઠી જાય.’ સ્વામીજીને શી ખબર કે આ દરમ્યાન ‘બ્રહ્મવાદિન્’નો પહેલો અંક ૧૪ સપ્ટે.ના રોજ પ્રકાશિત થઈ ગયો હતો અને ત્યારે જહાજમાં યાત્રા કરી રહ્યો હતો ! સ્વામીજીએ આ અંગેની પહોંચના સમાચાર લખ્યા અને પત્રિકા માટે અગત્યનાં સૂચનો પણ કર્ર્યાંં : ‘બ્રહ્મવાદિન્’ના બે અંકો મળ્યા. શાબાશ ! આવી જ રીતે કાર્ય કરતા રહો. પત્રિકાના મુખપૃષ્ઠને થોડું સુંદર બનાવવાનો પ્રયત્ન કરો અને સંક્ષિપ્ત સંપાદકીય મન્તવ્યોની ભાષાને થોડી સરળ પણ ભાવોેને ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કરો, ક્લિષ્ટ ભાષા અને છન્દોને કેવળ મુખ્ય લેખો માટે જ રહેવા દો.

સ્વામીજીની વેધક દૃષ્ટિ સદાય ‘બ્રહ્મવાદિન્’ પર રહેતી. અવારનવાર પત્રો લખી તેઓ આ વિષે મહત્ત્વનાં સૂચનો આપતા અને આર્થિક સહાય પણ મોકલતા. પત્રિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમણે આલાસિંગાને તેમાં જાહેરાતો છાપવાની સલાહ આપી હતી. પત્રિકાની આર્થિક દુર્દશાની જાણ થતાં તેમણે આલાસિંગાને ૧૮૯૬ની ૬ ઓગસ્ટે ઉત્સાહભર્યો પત્ર લખ્યો : ‘બ્રહ્મવાદિન્’ પત્ર નાણાભીડમાં આવી પડ્યું છે એ સમાચાર તમારા પત્ર દ્વારા જાણ્યા. જ્યારે હું લંડન પાછો ફરીશ, ત્યારે તમને સહાય કરવાનો પ્રયત્ન કરીશ. પત્રનું ધોરણ નીચું ઉતારવું નહિ જ. પત્રને ચાલુ રાખજો. થોડા જ વખતમાં હું તમને એવી રીતે સહાય કરીશ કે તમે આ શિક્ષકના વ્યવસાયની માથાકૂટમાંથી મુક્ત થઈ શકશો. ભય રાખશો નહિ. વત્સ ! ભાવિમાં મહાન કાર્યો થવાનાં છે, હિંમત રાખો. ‘બ્રહ્મવાદિન્’ તો એક રત્ન છે, એને નષ્ટ થવા દેવાય નહિ. અલબત્ત, આવું પત્ર હંમેશાં ખાનગી સહાયથી જ ચાલુ રાખી શકાય, અને ‘આપણે તેમ જરૂર કરીશું.’ થોડા મહિના વધુ તમારા કાર્યમાં ચીટકી રહો.’ આ પત્ર લખ્યાને ત્રીજે દિવસે, ૮મી ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ સ્વામીજીએ ફરી લખ્યું : ‘બ્રહ્મવાદિન્માં જે કાંઈ લખાય તે બધું જ દરેક જણે સમજવું જોઈએ એવું નથી, પરંતુ લોકોએ એટલે કે હિંદુઓએ સ્વદેશ-પ્રેમ અને સત્કર્મની દૃષ્ટિએ એના ગ્રાહક બનવું જોઈએ…બીજું, તમારા કાર્ય પ્રત્યે તમને પૂર્ણ નિષ્ઠા હોવી જોઈએ. એમ સમજીને કે ‘બ્રહ્મવાદિન્’ને સફળ બનાવવા ઉપર જ તમારી ‘મુક્તિ’ નિર્ભર છે. આ પત્રને તમારા ઇષ્ટદેવ ગણો અને પછી જુઓ કે તમને કેવી સફળતા વરે છે!’

આલાસિંગાએ દિવસ-રાત પરિશ્રમ કરીને એક વર્ષ સુધી તો ‘બ્રહ્મવાદિન્’ પત્રને પાક્ષિક પત્રિકાના રૂપમાં પ્રકાશિત કર્યું. પછી તેને માસિક કરવાનું વિચાર્યું પણ સ્વામીજી સહમત ન થયા. ૨૨મી સપ્ટેમ્બર ૧૮૯૬ના પત્રમાં સ્વામીજીએ લખ્યું, ‘હું નથી ધારતો કે સામયિકને અત્યારના તબક્કે માસિકમાં ફેરવવાનું ઠીક થશે, સિવાય કે તમને ખાતરી હોય કે એનું કદ સારી રીતે વધારી શકાશે. અત્યારે તો એ સામયિક્નું કદ અને સામગ્રી અત્યંત નિકૃષ્ટ કક્ષાનાં છે. હજી પણ એક અત્યંત વિશાળ વણખેડાયેલું ક્ષેત્ર પડેલું છે. દા.ત. તુલસીદાસ, કબીર, નાનક તથા દક્ષિણ ભારતના સંતોનાં જીવન અને કાર્ય અંગેના લેખો. એ લેખો કોઈ ઢંગધડા વગરની શિથિલતાભરી શૈલીમાં નહિ, પરંતુ ઠરેલી અને વિદ્વત્તાભરી શૈલીમાં લખાવા જોઈએ. વસ્તુત : સામયિકનો આદર્શ એ હોવો જોઈએ કે એ વેદાંતનો ઉપદેશ આપનાર સામયિક બનવા ઉપરાંત ભારતીય સંશોધન અને પાંડિત્યનું સામયિક પણ બની રહે; અલબત્ત, ધર્મ સાથે તો એ સંબંધ ધરાવતું હોય જ. તમારે ઉત્તમ લેખકોને મળીને એમની કલમ દ્વારા કાળજીપૂર્વક લખાયેલા લેખો મેળવવા જોઈએ. પૂરા ઉત્સાહપૂર્વક કાર્ય કર્યે જાઓ.’ આલાસિંગાએ સ્વામીજીનાં સૂચનોને અમલમાં મૂકવાનો અથાક પ્રયત્ન કર્યો. પણ છતાંય થોડા સમય પછી આ પાક્ષિક પત્રિકા માસિક પત્રિકામાં પરિવર્તન પામીને આલાસિંગાના દેહાવસાન પછી તો ૧૯૧૪માં) બંધ થઈ ગઈ.

આ છે ‘બ્રહ્મવાદિન્’ની કથા-આદર્શવાદ, આત્મ-પ્રકાશ અને આત્મ-વિસ્તારનો કઠોર સંઘર્ષ, પણ તેના બાહ્ય કલેવરે પ્રશંસાનું અજસ્રવર્ષણ પ્રાપ્ત કર્યું હતું. દેશ-વિદેશમાં આ પત્રિકાએ ઘણું સમ્માન પ્રાપ્ત કર્યું હતું. ૨૦ ફેબ્રુઆરી ૧૮૯૬ના ‘મદ્રાસ ટાઇમ્સ’ સંવાદપત્રમાં પ્રો. મેક્સમૂલરે આ પત્રિકાને ભારતની આગવી પત્રિકાના રૂપમાં માન્ય કરતાં લખેલું, ‘He (Swami Vivekananda) was instrumental in establishing Brahmavadin of Madras, which is an enlightaned exponent of the Vedanta, is the leading magazine of India.’

‘મદ્રાસની ‘બ્રહ્મવાદિન્’ પત્રિકા પાછળ સ્વામી વિવેકાનંદનો જ હાથ હતો. વેદાન્તની પ્રબુદ્ધ વ્યાખ્યા કરતી ભારતની આ એક આગવી પત્રિકા છે.’

‘બ્રહ્મવાદિન્’ પત્રિકાનું સ્તર એટલું ઊંચું થઈ ગયેલું કે ભારત અથવા વિદેશમાં સામાન્ય પ્રજામાં એનું લોકપ્રિય થવું મુશ્કેલ હતું. અતિશય પાંડિત્યપૂર્ણ લેખો, ક્લિષ્ટ ભાષા, સંસ્કૃતનો વધારે પડતો ઉપયોગ વગેરે માટે આલાસિંગાને સતર્ક કરતાં સ્વામીજીએ આલાસિંગાને ૨૩ માર્ચ, ૧૮૯૬ ના પત્રમાં લખેલું : ‘મારી સફળતાનું કારણ મારી લોક્પ્રિય શૈલી છે, કોઈપણ ઉપદેશકની મહત્તા એની ભાષાની સાદાઈ છે.’

આ કારણે આલાસિંગા તથા તેમના બીજા મદ્રાસી મિત્રોએ (જેમાં ડૉ.નંજુન્દા રાવ મુખ્ય હતા) મળીને સામાન્ય પ્રજા તથા યુવાવર્ગ માટે એક બીજી અંગ્રેજી પત્રિકા પ્રકાશિત કરવાનો વિચાર કર્યો. સ્વામીજીએ આનું અનુમોદન કરતાં અને અગત્યનાં સૂચનો આપીને ડૉ. નંજુન્દા રાવને એક પ્રેરણાદાયી પત્રમાં લખ્યું : ‘તમે જે પત્રિકા પ્રગટ કરવાનું ધારો છો તેના પ્રત્યે મારી સંંપૂર્ણ સહાનુભૂતિ છે અને એને આગળ ધપાવવા માટે મારાથી બનતું હું કરીશ. ‘બ્રહ્મવાદિન્’ની જ પદ્ધતિએ ચલાવીને તમારે તેને સ્વતંત્ર બનાવવું જોઈએ; માત્ર શૈલી તથા વિષયોને ઘણાં વધુ લોકભોગ્ય બનાવવાં. દાખલા તરીકે, સંસ્કૃત સાહિત્યમાં અહીંતહીં, ચારે બાજુએ વિખરાયેલ પડેલી પેલી અદ્‌ભુત કથાઓ ફરીથી લખીને તેમને લોકપ્રિય બનાવવાની તક તમે સ્વપ્નમાંય ન ધાર્યું હોય તેના કરતાં વધુ મોટી છે. આવી વાર્તાઓનું લેખન એ તમારા સામયિકની એક ખાસ વિશિષ્ટતા હોવી ઘટે. વખત મળશે ત્યારે હું પણ મારાથી બનશે એટલી વાર્તાઓ લખીશ. પત્રને પાંડિત્યપૂર્ણ બનાવવાનોે જરાપણ પ્રયાસ કરશો નહિ : એ માટે તો ‘બ્રહ્મવાદિન્’ પત્ર છે. આમ કરશો તો મારી ખાતરી છે કે તમારું માસિક ધીમે ધીમે જગતમાં બધે પોતાનો રસ્તો કરતું જશે. ભાષા બને તેટલી સરળ વાપરજો તો તમને જરૂર સફળતા પ્રાપ્ત થશે. એ સામયિકનો મુખ્ય હેતુ વાર્તાઓ દ્વારા સિદ્ધાન્તોનો ઉપદેશ આપવાનો હોવો જોઈએ. એને તત્ત્વજ્ઞાનથી ભરપૂર બિલકુલ બનાવશો નહિ…વીરતાપૂર્વક આગળ ધપો, એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશાં સર્વોચ્ચ વસ્તુને વળગી રહો. મક્કમ બનો. ઈર્ષ્યા અને સ્વાર્થવૃતિને તિલાંજલિ આપો. (ક્રમશ 🙂

 

Total Views: 434

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.