સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ…
યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ અંતરંગ પ્રિય પાર્ષદ શ્રી ‘મ.’ નો જન્મ ૧૪ જુલાઈ, ઈ.૧૮૫૪માં બંગાબ્દ ૧૨૬૧, ૩૧ અષાઢ, શુક્રવારે થયો હતો. તે દિવસે નાગપંચમી, શતભિષા નક્ષત્ર હતાં. એમનું જન્મસ્થળ કોલકાતા મહાનગરીના સિમુલિયા પલ્લીમાં આવેલ શિવનારાયણદાસ લેન. એ જ મહોલ્લામાં શ્રીરામકૃષ્ણના યુગવિપ્લવી અગ્રણી પાર્ષદ વિશ્વવિખ્યાત સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. મોટા થઈને શ્રી ‘મ.’ ૧૩/૨, ગુરુપ્રસાદ ચૌધરી લેન, પિતાના નવા ભવન ‘ઠાકુરવાડી’માં રહ્યા હતા. આ જ ઠાકુરવાડીમાં શ્રી શ્રીમા ઠાકુરાણીએ નિત્ય સેવા-પૂજા માટે શ્રીઠાકુરની છબિની પ્રતિષ્ઠા કરી અને ક્યારેક ક્યારેક મહિનાથી વધારે સમય માટે આવીને ત્યાં રહેતાં. આ જ સ્થળ પર શ્રી ‘મ.’ એ મહાસમાધિ પ્રાપ્ત કરી હતી.
શ્રી ‘મ.’ એવું આ ખાનગી નામ એમણેે પોતે જ ગ્રહણ કર્યું. એમનું પિતૃદત્ત નામ છે મહેન્દ્રનાથ ગુપ્ત. ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમને ‘માસ્ટર’ કહીને બોલવતા, એટલે શ્રીરામકૃષ્ણ ભક્ત-પરિવારમાં તેઓ છે ‘માસ્ટર મહાશય’ નામથી સુપરિચિત. ‘મણિ’, ‘મોહિની મોહન’, ‘એક ભક્ત’, આ બધાં તખલ્લુસથી તેઓ ‘કથામૃત’માં પરિચિત છે.
પિતા શ્રી મધુસૂદન ગુપ્ત અને માતા સ્વર્ણમયીદેવી બંને સ્વધર્મનિષ્ઠ, સરળ અને અમાયિક હતાં. કહેવાય છે કે દીર્ઘકાળ સુધી શિવની આરાધનાના ફળથી આ મધ્યમવર્ગી વૈદ્ય બ્રાહ્મણ-દંપતીએ પુત્ર રૂપે મહેન્દ્રનાથને પ્રાપ્ત કર્યા હતા. પિતા શ્રીમધુસૂદન કોલકાતા હાઇકોર્ટમાં કામ કરતા હતા. એમનાં ચાર પુત્રો અને ચાર કન્યાઓમાંથી મહેન્દ્રનાથ છે તૃતીય સંતાન. નાના પુત્ર કિશોરી પણ શ્રીરામકૃષ્ણના કૃપાપાત્ર સેવક છે. અતિ શૈશવ સમયે મહેન્દ્રનાથ ગુરુ-મહાશયની સાધારણ બ્રાહ્મસમાજ મંદિર પાસેની પાઠશાળામાં ભણતા. ગુરુ મહાશય ક્યારેક ક્યારેક એમને ખોળામાં લઈને ઘરે મૂકવા આવતા. પછી તેઓ વિખ્યાત હેયર સ્કૂલમાં ભણ્યા. આ જ સ્કૂલમાં ભણતી વખતે ત્રીજા ધોરણથી (૧૮૬૭ ઈ.) શ્રી ‘મ.’ ડાયરી લખતા; એ પણ એમને કોઈએ કહ્યું નહોતું, પોતાની બુદ્ધિથી જ લખતા. જૂની ડાયરીમાં એક પાના પર લખ્યું છે, ‘આજે સવારે ઊઠીને પિતા અને માને ભૂમિષ્ઠ થઈને પ્રણામ કર્યા.’ બીજી એક જગ્યાએ લખ્યું છે, ‘આજે સ્કૂલના રસ્તે રોજની જેમ ઠનઠનિયાવાળી મા કાલીનાં અને શીતળા માતાનાં દર્શન કર્યાં.’ પંદર વર્ષ પછી શ્રીરામકૃષ્ણ સાથે મિલન થવાથી (૧૮૮૨, ૨૬ ફેબ્રુઆરી) આ જ ટેવના કારણે શ્રીરામકૃષ્ણ કથામૃતનો પ્રાદુર્ભાવ થયો. આ સ્કૂલમાં ભણતી વખતે જ તેઓ બ્રાહ્મસમાજના નેતા કેશવસેન પ્રત્યે આકર્ષાયા. શ્રીઠાકુરની સાથે મિલન થયા પૂર્વે કેશવસેન જ શ્રી ‘મ.’ ના મુખ્ય ‘હીરો’ હતા. ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, માઇકલ મધુસૂદન દત્ત વગેરે શ્રી ‘મ.’ના અન્ય ‘હીરો’ હતા. કેશવસેનની ભીતરના શ્રીરામકૃષ્ણના જીવંત દૈવીભાવ પ્રવાહનો સ્પર્શ જ આ આકર્ષણનું કારણ હતો. આ વીરપૂજાનું નિરવસન થયું શ્રીરામકૃષ્ણમાં.
શ્રી ‘મ.’એ એન્ટ્રન્સ પરીક્ષામાં સમગ્ર વિશ્વવિદ્યાલયમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. પ્રેસિડેન્સી કોલેજમાંથી એફ.એ.ની પરીક્ષામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું, એ પણ ગણિતનું પેપર ન આપ્યા છતાં. બી.એ.માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. સુવિખ્યાત અંગ્રેજી પ્રાધ્યાપક ટાૅની સાહેબ શ્રી ‘મ.’ ને ખૂબ ચાહતા. તેઓ વિલાયત ગયા પછી પણ શ્રી ‘મ.’ સાથે હંમેશાં પત્રવ્યવહાર કરતા. ‘કાયદાશાસ્ત્ર’નો અભ્યાસ કરતી વખતે તેમણે પાઠ્યપુસ્તકો ઉપરાંત મનુ, યાજ્ઞવલ્કય, બૃહસ્પતિ વગેરે ઋષિઓ રચિત સંહિતાઓનો પણ અભ્યાસ કર્યો. એ સિવાય વિદ્યાર્થી-અવસ્થામાં જ એમણે પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર, સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર વગેરે વિષયોમાં પાંડિત્ય પ્રાપ્ત કરી લીધું. સંસ્કૃત, પુરાણ અને શાસ્ત્રાદિ વિષયો પર એમનું વિશેષ પ્રભુત્વ હતું. કુમારસંભવ, શકુંતલા, ભટ્ટી કાવ્ય, ઉત્તર રામચરિત વગેરેના શ્લોકો શ્રી ‘મ.’ને કંઠસ્થ. કાલિદાસને તેઓ અતિ ઉચ્ચ સ્થાન આપતા. ઋષિઓનાં તપોવનોનું વર્ણન એમને ક્ંઠસ્થ હતું, ષડ્દર્શનો એમણે જોયાં-જાણ્યાં હતાં, જૈન અને બૌદ્ધ દર્શન પણ વાંચ્યાં હતાં, જ્યોતિષ અને આયુર્વેદનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો.
શ્રી ‘મ.’ને વિલાયત જઈને આઇ.સી.એસ.ભણવાની ઇચ્છા હતી. તે દિવસોમાં તેઓ આવું સ્વપ્ન સેવતા : ‘ધુમ્મસમાં જહાજ ભૂમધ્ય સાગરમાં ચાલી રહ્યું છે અને પાયજામો પહેરીને તેઓ ‘ડેક’ (તૂતક) પર ફરી રહ્યા છે.’ વાક્ પંડિત સુરેન્દ્રનાથ બેનર્જી આઇ.સી.એસ. પાસ કરીને જે સમયે કોલકાતાના તાલતલાના મકાનમાં રહેતા હતા, એ સમયે શ્રી ‘મ.’ એમની પાસે જઈને લાંબા સમય સુધી વિદેશના સમાચાર મેળવ્યા કરતા. પ્રેસિડેન્સી કોલેજમાં ભણતી વખતે શ્રી ‘મ.’ કોઈ પરિષદના મંત્રી (સેક્રેટરી) હતા અને એના સભાપતિ (પ્રેસિડેન્ટ) હતા સુરેન્દ્રનાથ. એ કારણે બંને વચ્ચે વિશેષ પ્રીતિ સ્થપાઈ.
બી.એ. ભણતી વખતે જ (૧૮૭૩ ઈ.) શ્રી ‘મ.’ એ કેશવસેનનાં સંબંધી ભગિની શ્રીમતી નિકુંજદેવી સાથે વિવાહ કરી લીધા. ઉત્તર જીવનમાં શ્રી ‘મ.’નાં ધર્મપત્ની પણ શ્રી ઠાકુર અને શ્રી શ્રીમાનાં વિશેષ સ્નેહ, પ્રીતિ અને કૃપાલાભ મેળવીને ધન્ય થયાં હતાં. વિવિધ કારણોસર શ્રી ‘મ.’ એ અભ્યાસ પૂરો થતાં પહેલાં જ કામ કરવાનું સ્વીકારવું પડ્યું. સૌ પ્રથમ એમણે એક મોટા બ્રિટિશ વેપારીની ઓફિસમાં કામ કર્યું. પછી એમણે શિક્ષાવ્રત ગ્રહણ કર્યું. આ જ હતું એમનું જન્મગત કર્મ. જશોહર જિલ્લામાં નડાઇલ હાઇસ્કૂલમાં થોડો સમય હેડમાસ્ટર રહીને તેઓ કોલકાતા આવી ગયા. ત્યાં એમણે સીટી અને રિપન કોલેજિયર સ્કૂલ, મેટ્રોપાૅલિટન સ્કૂલ અને શાખા સ્કૂલ, એરિયન, ઓરિયેન્ટલ સેમિનેરી, મોડલ સ્કૂલ જેવી અનેેક સ્કૂલોમાં હેડમાસ્ટર રૂપે કામ કર્યું. એ સિવાય તેઓ સીટી અને રિપન કોલેજમાં અંગ્રેજી, ઇતિહાસ, દર્શન તથા અર્થશાસ્ત્રનું વિશેષ અધ્યાપન પણ કરતા રહ્યા. ઘણા સમય સુધી તેમણે એક-એક ક્લાક કરીને ત્રણ સ્કૂલોમાં એકી સાથે હેડમાસ્ટર રૂપે કાર્ય કર્યું.
એમનું અધ્યાપનકૌશલ અપૂર્વ અને અસાધારણ હતું. તેઓ વિદ્યાર્થીના માનસિક સ્તર સુધી ઊતરી આવતા. પછી ધીરે ધીરે પ્રેમસહિત એમની ભીતર જ્ઞાનનો પ્રવેશ કરાવતા. જીવનના અંતિમ પચ્ચીસ વર્ષો કરતાં પણ વધારે સમય સુધી શ્રી ‘મ.’ વિખ્યાત મોર્ટન સ્કૂલના અધ્યક્ષ અને અધિકારી રહ્યા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમને ‘રેક્ટર મહાશય’ કહીને બોલાવતા. માતૃભાષામાં શિક્ષણ આપવાની ચર્ચા જ્યારે કોલકાતા વિશ્વવિદ્યાલયમાં ચાલી રહી હતી, એ પહેલાં જ શ્રી ‘મ.’ એ પોતાની સ્કૂલમાં પોતાની ભાષા (બંગાળી)માં શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું હતું.
શ્રી ‘મ.’ના કર્મજીવનનાં લગભગ દસ વર્ષ વીત્યાં ન વીત્યાં, ત્યાં તો મા વિનાના વિશાળ પરિવારની જે દશા થાય છે, તે ગુપ્ત પરિવારમાં પણ દેખાઈ. એમની એવી દશા થઈ ગઈ કે શાંતભાવવાળા શ્રી ‘મ.’ પારિવારિક કલહથી નિરાશ થઈને, થાકીને આ પૃથ્વી પરથી સદાને માટે વિદાય થઈ જવાની વાત વિચારવા લાગ્યા. એક દિવસ મનની આ અવસ્થા ચરસમીમા સુધી પહોંચી ગઈ. પછી નક્કી કરી લીધું કે વધુ વિલંબ ન કરતાં, અત્યારે જ આ મરણાન્ત અવસ્થાનું અવલંબન કરવું પડશે. શનિવારનો દિવસ હતો. રાત્રે દસ વાગ્યા પછી ગૃહત્યાગ કરવા માટે તૈયાર થયા. સહધર્મિણી શ્રીમતી નિકુંજદેવી જાણી ગયાં, એટલે એમને એકલા ન છોડતાં સાથે થયાં. બીજા કોઈની જાણ બહાર બંને ઘોડાગાડી કરી રાજપથ પર બહાર નીકળી પડ્યાં. તેઓ શ્યામબજાર પહોંચ્યાં, ત્યાં ડૉ. કાલીના ઘરની પાસે ઘોડાગાડીનું એક પૈડું તૂટી ગયું. તેમને પાસેના એક મિત્રના ઘરે આશ્રય લેવો પડ્યો. મિત્ર વિચારવા લાગ્યો કે રાત્રે આ વળી કેવી આપત્તિ આવી પડી ! પરંતુ શ્રી ‘મ.’ આ વાત જાણતા હોવા છતાં પત્નીને ત્યાં રોકીને પાસેના એક ઊંઘતા ઘોડાગાડીવાળાને વધારે પૈસા આપવાનું કહી બોલાવી લાવ્યા. ત્યારે રાત્રિના બાર વાગ્યા હતા. આ ગંભીર રાત્રિમાં પણ શ્રી ‘મ.’ વરાહનગરમાં રહેતાં તેમનાં બહેનના ઘરે પહોંચ્યા. શ્રીઠાકુરના ચિકિત્સક ઈશાન કવિરાજ બહેનના પતિ હતા. ટોલ્સટોયના ગૃહત્યાગ સાથે શ્રી ‘મ.’ના ગૃહત્યાગનો કોઈ સંબંધ હોઈ શકે ખરો? શ્રી ‘મ.’ ભક્તોને કેટલીય વાર ટોલ્સટોયના ગૃહત્યાગની વાતો આગ્રહ અને પ્રીતિપૂર્વક વાંચીને સંભળાવ્યા કરતા.
શ્રી ‘મ.’નું શરીર અવસન્ન અને મન હતું નિરાશાપૂર્ણ. વિખ્યાત કવિ શૈલીની જેમ એમણે નક્કી કરી લીધું હતું કે આ સંસારમાં જીવિત રહેવું, એ એક વિડમ્બના માત્ર. મનની અંદર મચેલા આ તોફાનને લઈને બીજા દિવસે રવિવારે એક બાગથી બીજા બાગમાં ફરવા લાગ્યા. સાથે હતા એમના ભાણેજ સિદ્ધેશ્વર. એમણે કહ્યું, ‘મામા, ગંગા કિનારે એક સુંદર બગીચો છે, એ બાગ જોવા જઈશું ? ત્યાં એક પરમહંસ છે.’ ગંગાતીરે પરમશોભાથી મંડિત આ ઉત્તમ ગુલાબકુંજે ભયંકર માનસિક ઝંઝાવાત અનુભવતા શ્રી ‘મ.’ નું મન હરી લીધું. શ્રી ‘મ.’ પુષ્પ જુએ છે, સૂંઘે છે અને વિચારે છે કે અહા ! કેટલાં સુંદર પુષ્પ! (ક્રમશ 🙂
Your Content Goes Here