રાજઘાટથી પ્રખ્યાત શૂલપાણેશ્વર ઝાડી પાર કરવાના ત્રણ રસ્તા છે. પ્રકાશા થઈને ગોરા કોલોની પહોંચવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ૩૦૦ કિ.મી. જેટલો રસ્તો ચાલવા માટે સહજ સરળ છે. બીજો, થોડાં ડુંગર, પહાડો, ગામડાંનો કાચો રસ્તો જે તોરલમલ અને ધડગાંવ થઈને ગોરા કોલોની પહોંચવાનો. આ રસ્તો પ્રમાણમાં થોડો કઠિન. આ રસ્તો પણ ૨૫૦ કિ.મી.નો છે. ત્રીજો, બીજાસન, કુલી, ઘોંઘસા, ભૌમાનાગાંવ, રાજપારડી થઈને ધડગાંવના રસ્તે ગોરા કોલોની પહોંચી શકાય. આ રસ્તો કઠિન પહાડોવાળો માર્ગ છે. ત્યાં બે ત્રણવાર શ્રીમા નર્મદાજીનાં દર્શન-સ્પર્શન થઈ શકે ! આ પથ પણ લગભગ ૧૫૦ કિ.મી. જેટલો લાંબો છે. પહેલાંના સમયમાં આશરે ઈ.સ.૨૦૦૮ સુધી પરિક્રમાવાળાને શૂલપાણેશ્વરની ઝાડીમાં આદિવાસીઓ લૂંટતા હતા. પરંતુ લખનગિરિ મહાત્માનાં પુરુષાર્થ, લગની, નર્મદાભક્તિથી અને શક્તિના પ્રતાપે આદિવાસી લોકોમાં પરિવર્તન આવ્યું છે. બોરખેડીમાં રહેતા આદિવાસી હીરાલાલ રાવત કહે છે કે ‘પહેલાંના સમયમાં એવો એકેય પરિક્રમાવાસી નહીં હોય કે જેને મેં લૂંટી લીધો ન હોય’, અને હવે તો તેના જ ઘરે પરિક્રમાવાસીને સદાવ્રત મળે છે ! એટલે હવે પરિક્રમાવાસીઓને એટલો લૂંટનો ભય રહેતો નથી.

લખનગિરિબાબા માટે આવી એક લોકવાયકા છે : તેઓ પરિક્રમા વખતે શૂલપાણેશ્વરની ઝાડી પાર કરતા હતા, ત્યારે તેમને પણ આદિવાસીઓએ લૂંટી લીધા હતા. મહારાજે વિચાર્યું કે આ પરિક્રમાવાળાઓ તો શ્રીનર્મદામૈયાના પરમ ભક્ત છે. તેમને આ અબુધ લોકો લૂંટી લે છે અને તકલીફ આપે છે. એ જોઈને મહારાજને ઘણું દુ :ખ થયું. તેમણે આ લોકોમાં પરિવર્તન લાવવાનો દૃઢ નિર્ધાર કર્યો. તેઓ પાછા આવ્યા અને શૂલપાણેશ્વરની ઝાડીમાં ઘોંઘસા પાસે કુટિયા બનાવી અને ઝાડીમાં વસતા આદિવાસી લોકોને સમજાવવા લાગ્યા. શરૂઆતમાં અહીંથી આ બલા ભાગી જાય એટલા માટે આ આદિવાસી લોકોએ મહારાજને ખૂબ હેરાન કર્યા. પણ આ અબુધ લોકોને ક્યાં ખબર હતી કે આ લખનગિરિ બાબા તો શ્રીમા નર્મદાના પરમ ભક્ત છે અને પહોંચેલા સાધુ મહાત્મા છે. એક વાર રૂઢિવાદી અને દુર્બુદ્ધિવાળા આદિવાસીઓ એકઠા થયા અને મહારાજનું કાસળ કેવી રીતે કાઢવું તેની યોજના ઘડી. એ યોજના પ્રમાણે આશ્રમમાં જઈને તેમનું અપહરણ કરી ખૂબ માર મારી હાથપગ ભાંગીને ખાઈમાં ફેંકી દીધા. બીજે દિવસે આશ્રમમાં આવીને જુએ છે તો મહારાજ તો સાવ સાજાનરવા પોતાના આસને બેઠા છે ! આ ઘટના પછી આદિવાસી લોકોમાં પૂજ્ય મહારાજ પ્રત્યે વધારે શ્રદ્ધા બંધાણી અને એમના ઉપદેશ પ્રમાણે ધીમે ધીમે નર્મદા પરિક્રમાવાસી ભક્તોને લૂંટવાનું બંધ થયું.

સંન્યાસીઓએ જ્યારે પરિક્રમા શરૂ કરી, ત્યારે ઓમકારેશ્વરના માર્કન્ડેય સંન્યાસ આશ્રમમાં તેમના હિતેચ્છુઓએ શૂલપાણેશ્વરની ઝાડી પાર કરવા તોરલમલવાળા મધ્યમ પથનું અવલંબન લેવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. સંન્યાસી, પી. સ્વામી તથા સાધુવેશે આવેલ ઈન્દોરના એકપગે ખોડંગીને ચાલતા બ્રાહ્મણ પંડિત અમીત શર્મા અને ત્યાગીજી શૂલપાણેશ્વરની ઝાડી પાર કરવા તૈયાર હતા. હવે રાજઘાટથી કયા રસ્તે ઝાડી પાર કરવી તેની વિમાસણમાં હતા. ત્યાગીજીએ પગે ચાલીને સમગ્ર ભારતવર્ષનું પરિભ્રમણ કર્યું હતું. તેમણે બધાને હિંમત, સાહસ, ઉત્સાહ અને દિલાસો આપવાનું શરૂ કર્યું, ‘અરે ! નર્મદામૈયા તો આપણી સાથે છે, પછી એમાં બીવાનું શું હોય ? ચાલો ચાલવા માંડીએ. વચ્ચે વચ્ચે નર્મદાનાં દર્શન, સ્નાન ઇત્યાદિ થતાં રહેશે. આપણે સૌ સાથે ચાલીશું, ભય શેનો?’ અમારી ચાર જણાની મંડળીએ કઠિન ગણાતા કુલી-ઘોંઘસાવાળા પથે ચાલીને શૂલપાણેશ્વરની ઝાડી પાર કરવાનો નિર્ધાર કર્યો. સંન્યાસીને પેલા એક પગની તકલીફવાળા પંડિત માટે ચિંતા થઈ, કારણ કે એવું સાંભળ્યું હતું કે આ પથમાં કેટલાય કઠિન ચઢાણવાળા પહાડો પાર કરવા પડશે. એટલે રસ્તો વિકટ છે. સંન્યાસીએ તો પંડિતજીના પિતાજીના, મિત્રોના વગેરેના ફોન નંબર લઈ લીધા, જેથી રસ્તામાં પંડિતજીને કંઈ થઈ જાય તો તેમના કુટુંબીજનોને જાણ કરી શકાય.

તા. ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૧૫ને રવિવારે બપોર પછી આ મંડળી ‘નર્મદે હર’ના નાદ સાથે રાજઘાટથી નીકળી પડી. સાંજ સુધીમાં કયું ગામ આવશે, એ વિશે કોઈ સ્પષ્ટ ખ્યાલ ન હતો. રસ્તામાં આવતા ગામોમાં સરપંચની ચુટણીના વિજેતા જાહેર થવાના હોવાથી ગામના લોકોમાં ઉમળકો અને ઉત્સાહ હતા.

તેઓના ઉત્સાહમાં પ્રોત્સાહિત થઈ અમે પણ આગળ ચાલવા મંડ્યા. જાણવા મળ્યું કે આગળ કલ્યાણપુર આવશે. ગામડાનો બારેક વર્ષનો છોકરો ડંકીએ પાણી પીતો હતો તેને પૂછ્યું, ‘અહીંથી કલ્યાણપુર કેટલું દૂર છે?’ તેણે કહ્યું, ‘બહુ દૂર નથી.’ વળી પૂછ્યૂં કે, ‘એકાદ

કિ.મી. હશે !’ આ છોકરો થોડા અણગમા સાથે બોલ્યો કે એ કિલોબિલોની કંઈ ખબર નથી, અહીં પાસે જ છે. કલ્યાણપુર તો આવ્યું પણ હજી સાંજ પડવાને વાર હતી. એટલે વળી પાછા પગ ઉપાડ્યા અને બે કિ.મી. પછી નંદગાંવ આવ્યું.

નંદગાંવમાં પરિક્રમાવાસીઓ માટે કોઈ ધર્મશાળા ન હતી. ગામમાં મંદિરનું નવિનીકરણનું કામ ચાલુ હતું. સ્થળ થોડું ગંદંુ હતું, પણ બીજો કોઈ ઉપાય પણ ન હતો. જેમ તેમ કરી આસન લગાડી શકાય તેટલી સફાઈ કરી. મંદિરમાં જતી વખતે દૂરથી એક બહેને અમારી મંડળીને જોઈ હતી. ત્રણ સાધુઓ અને એક જટાધારીને જોઈને એ બહેનના મનમાં ભક્તિભાવ જાગ્યો. થોડી જ વારમાં કપ-રકાબી સાથે ચા લઈને હાજર થઈ ગયાં. ખૂબ પ્રેમથી ચા પાયો. વાતચીત કરતાં ખબર પડી કે તેઓ દરજીકામ કરે છે. સાધારણ અવસ્થા છે. બહેને કહ્યું, ‘મહારાજ, મારો દીકરો નવ વર્ષનો છે, તે ખૂબ જ ચંચળ અને તોફાની છે. મારું કહ્યું માનતો નથી. તમે કંઈક ઓસડિયું આપો ને?’ અમે કહ્યું, ‘એને અહીં લઈ આવો.’ એ સાંભળીને તેમણે કહ્યું, ‘બાબા, કદાચ એ નહીં આવે.’ આ બહેનના કુટુંબની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી, પણ મન ઉદાર હતું, એ તેમની વાતો પરથી જાણવા મળ્યું. ગમે તે હોય પણ અમે તો નર્મદામૈયાને પ્રાર્થના કરી કે તેના બાળકને સારું થઈ જાય. બહેને કહ્યું, ‘હું આપ સૌ માટે શાક-રોટલી લાવીશ.’ તે સાંભળીને ત્યાગીજી બોલી ઊઠ્યા, ‘મારા માટે ન લાવતાં, હું તો એકટાણું કરું છું એટલે મારાથી અન્ન ન ખવાય.’ ત્યાગીજી ખરેખર એકટાણું જ કરતા હતા, પણ બીજે ટાણે દૂધ અને ફરાળી વાનગી શોધતા રહેતા. બહેન અમારા માટે શાક-ભાખરી લઈ આવ્યાં. ત્યાગીજી બધું જોતા હતા. તેમણે એ બહેનને આજ્ઞા કરતા હોય તેમ કહ્યું, ‘તમે મારા માટે શીંગદાણા-ગોળ લઈ આવો.’ બહેન તો સાંભળીને ડઘાઈ ગયાં. બહેને કહ્યું, ‘મહારાજ, એ બધું અત્યારે ઘરે નથી અને એ ખરીદવા વધારાના પૈસા પણ મારી પાસે નથી.’ રાત્રીભોજન આપીને તેઓ તરત ભાગી ગયાં. અમને ત્યાગીજી પર ગુસ્સો આવી ગયો. ‘અરે ! તમે એકટાણું ન કરી શકતા હો તો કંઈક થોડું અન્ન લઈ લેવું જોઈએ. એ બહેન ત્રણને બદલે ચારના ભાખરી-શાક લાવત. એ ફરાળી વાનગી ક્યાંથી લાવે?’ સંન્યાસીએ વિચાર્યું, ‘ફરાળ માટે વલખાં મારતા બાબાઓએ એકટાણાં કરવા કરતાં બે વાર સાદું ભોજન લેવું સારું ન ગણાય ?’ આવી જ સ્થિતિ આગળના કુલીગામમાં થઈ હતી. કુલીગામમાં કામતદાસને ત્યાં રાત્રીભોજન લેવાનું થયું. કુલીના મહારાજે ઘણી મહેનત કરી ભોજનપ્રસાદ બનાવ્યો. એ વખતે પણ ત્યાગીજીએ કહ્યું, ‘મારે તો એકટાણું છે, કંઈ ફરાળી વાનગી હોય તો લાવો.’

આ સાંભળીને કામતદાસની કમાન છટકી. અહીં નંદગાંવનાં પેલાં ભલાંભોળાં બહેન ન હતાં કે કંઈ ન બોલે. કામતદાસે તો ત્યાગીજીને ઉધડા લીધા અને કહ્યું, ‘આ બધા ઢોંગ છોડૉ. અહીં કંઈ તારા ગુરુ કે દાદાગુરુ ફરાળી વાનગી રાખી ગયા છે ?’ ત્યાગીજીની તો કાપો તોયે લોહી ન નીકળે એવી દશા થઈ. વાસ્તવમાં ત્યાગીજી વધારે પડતું બોલતા અને તેમાં પોતાની ત્યાગની ભાવના તેમજ આત્મપ્રશંસા વધુ કરતાં. તદુપરાંત મારા માર્ગદર્શન અને કહેવાથી આ લોકો ઝાડીના આ રસ્તે ચાલે છે એવું મિથ્યાભિમાન. આ દિવસથી તો ત્યાગીજીના મોઢે જાણે કે તાળું જ લાગી ગયું. એમની ચંચળતા અને ઉગ્રતા જાણે અદૃશ્ય થઈ ગયાં! પરિક્રમામાં અનુભવોનું વિશ્લેષણ કરતાં એવું લાગ્યું કે આ બાબતમાં ત્યાગીજીનો દોષ ન હતો, ભૂખ ભૂંડી છે.

ઓમકારેશ્વરના માર્કન્ડેય આશ્રમથી શરૂ થયેલ પરિક્રમા અમરકંટક સુધી આવતા સંન્યાસીએ આશરે ૨૪૦૦ કિ.મી. જેટલું અંતર કાપ્યું હતું. હવે પરિક્રમા પૂર્ણ કરવા અમરકંટકથી ઓમકારેશ્વરના દક્ષિણતટે આશરે ૧૨૦૦ કિ.મી. અંતર બાકી રહ્યું હતું. આ ૨૪૦૦ કિ.મી.ની યાત્રા દરમિયાન સંન્યાસી પાસે થોડા ઘણા પૈસા રહેતા. આ પૈસાથી ક્યારેક ચપ્પલ લેવાં પડે, વળી ક્યારેક ટૂથપેસ્ટની જરૂર પડે, ક્યારેક ભૂખ લાગે તો ચા-બિસ્કિટ લઈ શકાય. તેમજ સાથે ને સાથે નર્મદા કિનારે નાનાં નાનાં બાળગોપાળને પીપરમેન્ટ જેવું આપવા થોડા ઘણા પૈસા સાથે રાખતા. પરંતુ ઓમકારેશ્વર (દક્ષિણતટ)થી અમરકંટક સુધીની ૨૪૦૦ કિ.મી.ની યાત્રા પછી સંન્યાસી પર પણ આ ત્યાગીજી તેમજ બીજા કેટલાક ત્યાગી પરિક્રમાવાસીઓનો પ્રભાવ પડ્યો.

સંન્યાસીએ હવે અમરકંટકથી ઓમકારેશ્વર (દક્ષિણતટ) ૧૨૦૦ કિ.મી. જેટલી યાત્રા દરમિયાન પોતાની પાસે પૈસા નહીં રાખે તેમજ રોજ એક ટંક ભોજન લેશે એવું નક્કી કર્યું. રોજ ૧૫-૨૦ કિ.મી. ચાલવાનું, પોતાનો સામાન ઉપાડવાનો એટલે દેહકષ્ટ થાય અને એક જ ટંક ભોજન લેવાનું ! આ પરિક્રમા દરમિયાન સંન્યાસીને હવે ખબર પડી કે ભૂખ એટલે શું ! સાંજે તો પેટમાં લાય લાગી જાય ! સંન્યાસી પણ ત્યાગીજીની જેમ સાંજે ફરાળ માટે વલખાં મારવા માંડ્યા ! એક સમયે ફરાળ માગવા કે શોધવા માટે ત્યાગીજી પર જે સંન્યાસી ગુસ્સો કરતા હતા, એ જ સંન્યાસીના આવા હાલ થયા !

પરિણામે ઉદાસીનતા છવાઈ જતી. આ એક ટંક ભોજનનું વ્રત માંડ માંડ વીસ દિવસ ચાલ્યું. અને પછી તો ફરાળ માટે વલખાં મારતા. બીજાને તકલીફ આપવા કરતાં બધાને જે મળે એવું બે વાર સાદું ભોજન કરી લેવાનો સંન્યાસીએ નિર્ણય લીધો. આમ છતાંય આ ૧૨૦૦

કિ.મી. દરમિયાન પોતાની પાસે પૈસા ન રાખવાની ટેક તો શ્રી શ્રીમાએ અનાયાસે પૂરી કરાવી.

 

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.