એક ગામડિયા નિરક્ષર બાળક રખતૂરામ (સ્વામી અદ્ભુતાનંદ)નું શ્રીરામકૃષ્ણદેવની લીલા સંદર્ભે કેવું ચમત્કારિક રૂપાંતરણ થયું તે તો સ્વામી અદ્ભુતાનંદજીની જીવનગાથામાંથી પસાર થાય, ત્યારે સાધકને માહિતી સાંપડે. ખુદ સ્વામી વિવેકાનંદજી લખે છે, ‘લાટુ મહારાજ એક મહાન ચમત્કાર છે. શ્રીશ્રી ઠાકુરના સ્પર્શ માત્રથી અભણ લાટુને સર્વોચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ થઈ.’ એવા જ બીજા ગુરુભાઈ સ્વામી તુરીયાનંદ લખે છે, ‘અમારામાંથી અધિકાંશ ગુરુભાઈઓએ જ્ઞાનના અગાધ જળમાંથી પસાર થવું પડ્યું છે, પરંતુ લાટુ મહારાજ તો હનુમાન સમાન કૂદકો મારી તે અગાધ જ્ઞાનથી ઉચ્ચતમ કક્ષાએ પહોંચી ગયા.’ તો ગિરીશચંદ્ર ઘોષ કહેતા, ‘ચંદ્રમાં પણ ડાઘ છે પરંતુ લાટુ તો એકદમ સોના સમાન છે. મેં આ પહેલાં કયારેય આવું શુદ્ધ ચારિત્ર્ય જોયું નથી. તેમનો સત્સંગ પ્રાપ્ત થવાથી માણસ પવિત્ર બની જાય છે.’
સ્વામી વિવેકાનંદ એક જગ્યાએ નોંધ લખતાં કહે છે, ‘લાટુએ જે સ્થિતિમાંથી આવીને જે આધ્યાત્મિક પ્રગતિ કરી છે અને આપણે જે સ્થિતિમાં રહીને આધ્યાત્મિક પ્રગતિ કરી છે, એ બંનેને સરખાવતાં જાણી શકાય છે કે તે આપણા કરતાં ઘણો વધારે મહાન છે… ફક્ત ધ્યાન-ધારણાની મદદથી જ લાટુ પોતાના મસ્તિષ્કને બરાબર રાખીને અતિ નિમ્ન ભૂમિકામાંથી ઉચ્ચતમ આધ્યાત્મિક ભૂમિકાનો અધિકારી બન્યો, આથી એની આંતરિક શક્તિ તથા તેના પ્રત્યે ઠાકુરની અસીમકૃપાનું દર્શન થાય છે.’ (ભક્તમાલિકા, ભાગ-૧, પૃ.૩૫૩)
રામ દ્વારા રક્ષિત એ રખતૂરામ (લાટુ મહારાજ)ની બાલ્યાવસ્થા અત્યંત કરુણાસભર હતી. પાંચ વર્ષની ઉંમરમાં તેમણે માતા-પિતાની છાયા ગુમાવી હતી. ‘હે મન, સીતારામનું ભજન કર્યે જા.’ લાટુ મહારાજની આ પંકિત તેમનામાં આધ્યાત્મિક પ્રગતિની સંભાવનાઓને ટોચ ઉપર મૂકી દે છે. તેમના કાકાની મદદથી તેમનું શેષ જીવન કોલકાતામાં વીત્યું.
પૂ.લાટુ મહરાજ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી રામચંદ્ર દત્તને ત્યાં ઘરકામ કરવા લાગ્યા. વિપરીત સંજોગોમાં પણ તેમનામાં રહેલી શ્રદ્ધા અને નૈતિકતાને કારણે તેઓ અચળ ઊભા રહી શક્યા. શ્રી રામચંદ્ર દત્તના રહેણાંકના ઘરમાં પૂ.લાટુ મહારાજને શ્રીરામચંદ્ર દત્તના મુખે એ દિવસો દરમિયાન મોટે ભાગે ઠાકુરનો ઉપદેશ આ પ્રમાણે સાંભળવા મળતો : ‘ભગવાન મન જુએ છે; કોણ શું કામ કરી રહ્યો છે, ક્યાં પડ્યો છે એ નથી જોતા.’ બીજી વખત એવું સંભળાયું, ‘જે વ્યાકુળ છે, જેને ભગવાન સિવાય બીજું કંઈ જ જોઈતું નથી તેની સમક્ષ ભગવાન જરૂર પ્રગટ થાય છે.’ બસ, લાટુના મગજમાં આ વાત અંકિત થઈ ગઈ. તેમના સરળ જીવને સ્વીકાર કરી લીધો કે હવે તો આધ્યાત્મિક માર્ગે વિહરવાની જાણે સીડી મળી ગઈ. જાન્યુઆરી, ૧૮૮૦ના શરૂઆતના એક રવિવારે તેઓ શ્રી રામચંદ્ર દત્તની સાથે શ્રીઠાકુરના દર્શનાર્થે દક્ષિણેશ્વર પહોંચ્યા. ૪૪ વર્ષના શ્રીરામકૃષ્ણની આંખોએ લાટુને આરપાર જોઈ લીધા અને તેમનું ભવિષ્ય ભાખ્યું, ‘આ છોકરામાં ભારોભાર ઈશ્વરદર્શનની તાલાવેલી જાગી છે. આ સામાન્ય છોકરો નથી. મને તેનામાં સાધુનાં લક્ષણ દેખાઈ રહ્યાં છે.’ પૂ.લાટુ મહારાજે પણ શ્રીઠાકુરનાં પ્રથમ દર્શનથી જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ભાવવિભોર બનીને તેમણે શ્રીરામકૃષ્ણનું તીવ્ર આકર્ષણ અનુભવ્યું.
શ્રી ઠાકુરે એ વખતે કહેલું કે જે નિત્યસિદ્ધ હોય છે તેમને પ્રત્યેક જન્મમાં જ્ઞાન હોય છે. તેઓ જાણે પથ્થરોથી રુંધાયેલા ફુવારા છે. કડિયો આમતેમ ખોદતાં ખોદતાં જેવો કોઈ એક જગ્યાનો પથ્થર હઠાવે છે કે તેવો જ ફુવારો ફરફર પાણી ઉછાળતો ફૂટી નીકળે છે. બસ, લાટુનું જીવન આવું જ છે. આ શ્રીઠાકુરનાં મહાવાકયો લાટુ મહારાજ માટે હતાં. શ્રીઠાકુરના સ્પર્શથી તેમનું જીવન જ બદલાઈ ગયું. શ્રીઠાકુરે તેમનામાં રહેલી અગાધ આધ્યાત્મિક જિજ્ઞાસાને પ્રેરકબળ આપ્યું. તેઓશ્રી જાણી ગયા હતા કે લાટુ મહારાજમાં અગાધ શક્તિ પડેલી છે. શ્રીરામકૃષ્ણ તેમને ‘લેટો’ કે ‘નેટો’ કહી સંબોધતા. શ્રીરામકૃષ્ણની મુલાકાત પછી અવારનવાર તેમના સત્સંગથી તેમનું મન ઈશ્વરચિંતનમાં ડૂબવા લાગ્યું, સાંસારિક કાર્યો નિરર્થક લાગ્યાં.
વર્ષ ૧૮૮૧માં શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયરામે દક્ષિણેશ્વર કાયમ માટે છોડ્યું, આથી શ્રીરામકૃષ્ણદેવે શ્રી રામચંદ્રને હૃદયના સ્થાને લાટુને
કાર્યભાર સોંપવાનું કહ્યું. લાટુ મહારાજે ગુરુના પ્રત્યેક આદેશને શિરોમાન્ય માની સેવા કરવાનું શરૂ કર્યું.
૧૮૮૨માં એક દિવસ સંધ્યા સમયે લાટુને સૂતેલા જોઈ શ્રીરામકૃષ્ણદેવે ટકોર કરી, ‘આ સમયે સૂઈ રહીશ તો ધ્યાન કયારે કરવાનો ?’ આ એક જ ટકોરને લાટુ મહારાજે હૃદયમાં ઉતારીને જીવનપર્યંત રાત્રે સૂવાનંુ ત્યજી દીધું. લાટુમહારાજ શ્રી ઠાકુરને પિતાતુલ્ય માની તેમની સેવામાં મગ્ન થયા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદે આ વાતનો સ્વીકાર કરીને કહ્યું, ‘સમર્પણભાવથી પ્રેમમય સેવા કેવી હોય તે મેં લાટુ પાસેથી જાણ્યું.’
શ્રીરામકૃષ્ણના મુખે નીકળતું પ્રત્યેક વાક્ય લાટુ માટે અંતિમ અને પાલનકારી બની જતું. દક્ષિણેશ્વરના વસવાટ દરમિયાન સવારે ઊઠતાંવેંત
જ શ્રીઠાકુરનું મુખ જોવાની લાટુ મહારાજની પ્રતિજ્ઞા હતી. એ વખતે જો ઠાકુર પોતાના ઓરડામાં ન હોય તો તેઓ કોઈ બીજાનું મોઢું ન
જોવાઈ જાય એ બીકે પોતાની આંખો બંધ કરીને બોલાવ્યા કરતા, ‘આ ક્યાં ચાલ્યા ગયા?’ આખરે શ્રીઠાકુર આવીને તેમને દર્શન આપી જતા.
શ્રીમા શારદાદેવીની સેવા કરવાનો અધિકાર બહુ ઓછા લોકોને મળેલો તે પૈકીના લાટુ મહારાજ એક હતા. શ્રી લાટુ મહારાજ કહેતા, ‘સાધકે બને તેટલો સાધુસંગ કરવો જ જોઈએ. તેમની જ કૃપાથી ભગવત્કૃપા સુલભ બને છે.’
તેમના જીવનનો અંતિમ સમય વારાસણીમાં વીત્યો હતો. ભકિતમાં દાસ્યભાવનું જ્વલંત ઉદાહરણ એટલે સ્વામી અદ્ભુતાનંદજી. જીવનપર્યંતની કરેલી આધ્યાત્મિકતાની સાધના અને અનુભૂતિઓનું પ્રત્યક્ષ દર્શન એટલે સ્વામી અદ્ભુતાનંદજી. એમણે ૨૪ એપ્રિલ, ૧૯૨૦ ના રોજ તેઓ મહાસમાધિ પામ્યા.
તેમનાં શ્રી ચરણોમાં શત્ શત્ વંદન.
Your Content Goes Here