સ્વામી વિવેકાનંદનું અમેરિકાનું અવલોકન

‘હવે મને અમેરિકન સંસ્કૃતિના હૃદયસમા ન્યૂયોર્કને જાગ્રત કરવામાં સફળતા મળી છે, પરંતુ એમાં પરિશ્રમ અત્યંત કરવો પડ્યો …. ન્યૂયોર્ક અને ઈંગ્લેન્ડ ખાતેનાં કાર્યમાં મેં મારી પાસેનાં લગભગ તમામ નાણાં ખરચી નાખ્યાં છે. હવે વસ્તુ સ્થિતિ એવી છે કે આ કાર્યો આપમેળે ચાલતાં રહેશે. હિંદુ વિચારોને અંગ્રેજીમાં ઉતારવા અનેે શુષ્ક તત્ત્વજ્ઞાન, અટપટાં પુરાણો અને વિલક્ષણ તથા વિસ્મયજનક માનસશાસ્ત્ર ઉપર આધારિત એવો સહેલો, સરળ અને લોકપ્રિય છતાં પ્રખર બુદ્ધિમાનોને પણ સંતુષ્ટ કરી શકે એવો ધર્મ રજૂ કરવો – આ કાર્યને તો જેઓએ આ વિષયમાં પ્રયત્ન કર્યો હોય તેઓ જ સમજી શકે.’

કોઈપણ નવો અને ભવ્ય વિચાર ત્યારે જ પોતાનાં મૂળિયાં દૃઢ કરી શકે કે જ્યારે હૃદયમાં એ ભાવ પ્રતિબિંબિત થયો હોય, મનમાં તેની મહત્તાની સંકલ્પના દૃઢ થઈ હોય. સ્વામી વિવેકાનંદનું કાર્ય ખરેખર ભવ્ય હતું અને એને માટે આવશ્યક એવાં પશ્ચિમના જગતમાં લોકોનાં મન અને હૃદયને એમણે જીતી લીધાં હતાં. એમણે રજૂ કરેલ તત્ત્વજ્ઞાનનો બોસ્ટન અને કેમ્બ્રિજના પ્રબુદ્ધજનો દ્વારા બુદ્ધિપૂર્વકનો સ્વીકાર થવો એ ખરેખર તેમની સફળતા માટે એક જટિલ કાર્ય બની રહ્યું અને અમેરિકામાં તેમજ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતમાં એમના આ વિચારો દૃઢમૂળ બન્યા. છતાંપણ આ ભાવ-આંદોલન વાસ્તવિક રીતે સુદીર્ઘકાળનું બને તે માટે તેમના પ્રયાસોમાં સતતપણે નવાનવા, સાચુકલા હૃદયવાળા સહભાગીદારો દ્વારા તેની કાર્યપૂર્તિ કરવાની આવશ્યકતા હતી.

આવી રીતે સ્વામી વિવેકાનંદે અમેરિકાના ન્યૂયોર્કમાં પ્રથમ વેદાંતકેન્દ્ર સ્થાપ્યું. જે અમેરિકનોનાં હૃદય એમને ભાવથી વર્યાં હતાં તેમણે આ કાર્યને સમર્થન આપ્યું. જેમણે વેદાંતનાં બીજના વિકાસ માટે ફળદ્રુપ ભૂમિ પૂરી પાડી એવા ભક્તો મેટ્રોપોલિટન બાૅસ્ટન જેવાં બીજાં અનેક સ્થળોએ સાંપડ્યા. પોતાના વિશ્વધર્મ પરિષદના પ્રસ્થાન બિંદુથી મૅટકાફ મેસેચ્યૂસેટ્સથી માંડીને કેમ્બ્રિજ સુધી કે જ્યાં ‘ચીફ આૅપરેશન્સ ઓફિસર-મુખ્ય કાર્યકારી સંવાહક’ તરીકે પોતાની સેવા આપતાં શ્રીમતી બુલ જેવાં કેટલાંયે સમર્થકોને સ્વામી વિવેકાનંદે આકર્ષ્યાં હતાં. સ્વામીજીની જેમ જ એમના સંન્યાસી બંધુઓ તેમની પાછળ અમેરિકામાં ગયા. તેમણે પણ બાૅસ્ટન વિસ્તારમાં વેદાંતના ભાવ-આંદોલન માટે નવા સમર્થકોને આકર્ષ્યા હતા.

બાૅસ્ટનના ઉપવિસ્તાર વેલ્થામમાં આ ભાવ-આંદોલનનું કાર્ય કેન્દ્રિત થયું. એનું કારણ એ હતું કે સ્વામી વિવેકાનંદે પહેલેથી જે વેદાંત-ભાવ-આંદોલનનાં બીજ રોપ્યાં હતાં તેની પરિપૂર્તિ પ્રવૃત્તિઓ દ્વારા થઈ હતી. પ્રારંભમાં સ્વામી સારદાનંદે આ પ્રવૃત્તિને વેગ આપ્યો. એક માહિતી પ્રમાણે સ્વામી વિવેકાનંદે વેલ્થામ કે મેસેચ્યૂસેટ્સની ક્યારેય મુલાકાત લીધી ન હતી. આમ છતાંપણ સ્વામી સારદાનંદના વ્યક્તિગત માર્ગદર્શનથી વેલ્થામ શિષ્યોના એક સમૂહનું કેન્દ્ર બની ગયું.

વેલ્થામનું સાંસ્કૃતિક વાતાવરણ

સ્વામી સારદાનંદજીની ૧૮૯૬-૯૭ દરમિયાનની મુલાકાતો બાદ એક સદીમાં વેલ્થામનાં વસ્તી, ઉદ્યોગો અને સંસ્કૃતિમાં ઘણી સંવૃદ્ધિ થઈ. ચાર્લ્સ નદીના પહોળા પટ પરના વેલ્થામના આ સ્થળે અમેરિકાની ઔદ્યોગિક ક્રાંતિનો આરંભ થયો. અમેરિકાની સર્વ પ્રથમ હાથવણાટની મીલો બાૅસ્ટન મેન્યુફેક્ચરીંગ કંપની દ્વારા સ્થપાઈ હતી. આને કારણે ૧૮૧૦ના દાયકામાં વેલ્થામની સમૃદ્ધિનાં દ્વાર ખૂલી ગયાં. કાપડ ઉત્પાદન ઉપરાંત વેલ્થામ ૧૮૫૦ના દાયકાનું દીવાલ ઘડિયાલ અને કાંડા ઘડિયાલના ઉત્પાદનનું સુખ્યાત કેન્દ્ર બન્યું. ઉદ્યોગોના વિકાસને લીધે સમૃદ્ધિ-સંપત્તિ વધ્યાં અને એના વિકાસને લીધે સંસ્કૃતિનો પણ વિકાસ થયો. ૧૮૯૦ના દાયકામાં વેલ્થામના સાંસ્કૃતિક વાતારવણને લીધે નિ :શુલ્ક જાહેર પુસ્તકાલય, ૧૫ ચર્ચ, ૧ મૅસોનિક લોજ, ૫ સાૅસાયટી, ડઝનેક સામાજિક અને સેવાભાવી ક્લબ, ૧ હોસ્પિટલ, વયોવૃદ્ધ વિધવાઓ માટે સંરક્ષણગૃહ અને નર્સાે માટેનું રાષ્ટ્રનું સર્વપ્રથમ સ્વતંત્ર તાલીમ કેન્દ્ર વગેરે સ્થપાયાં. વર્તમાન સમયમાં પણ વેલ્થામે સંસ્કૃતિ અને શિક્ષણના કેન્દ્ર તરીકે પોતાનું મહત્ત્વ જાળવી રાખ્યું છે. જીએન એકેડમી, યહૂદીઓ માટેની પ્રાથમિક શાળાની સાથે બ્રાન્ડીસ અને બેન્ટલે યુનિવર્સિટીઓ પણ ત્યાં આવેલી છે. આ શહેર સિમ્ફની ઓરકેસ્ટ્રા, મ્યુઝિયમ, ઐતિહાસિક ગૃહો, કલાની સંસ્થાઓ અને ભિન્ન દેશીય ઉત્સવોનું કેન્દ્ર બની ગયું છે.

ડૉ. વોર્સેસ્ટર અને વેલ્થામની નર્સીંગ સ્કૂલ

વેલ્થામની સમૃદ્ધ સંસ્કૃતિના સ્થાપક રૂપે વોર્સેસ્ટર કુટુંબે મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ સુખી અને સમૃદ્ધ જમીનદાર કુટુંબ વેલ્થામના ઉત્તરભાગમાં વસ્યું હતું… સ્વામી સારદાનંદજીના સમયના વેલ્થામને સમજવા આપણે વેલ્થામમાં સ્થપાયેલી નર્સીંગ સ્કૂલના સ્થાપક ડૉ. વોર્સેસ્ટરના પ્રદાન પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. આ નર્સીંગ સ્કૂલ અમેરિકાની હોસ્પિટલોથી સાવ અલગ એવું તાલીમ કેન્દ્ર હતું. પોતાના માંદા પાડોશીઓની સેવામાં એમની માતાએ કરેલા અથાક સેવા પ્રયાસોથી પ્રેરાઈને તેઓ માનતા થયા કે ગ્રામ્ય વિસ્તાર અને નિમ્ન આવક ધરાવતા શહેરીજનો માટે નર્સીંગની સૌથી વધારે જરૂર છે. એટલે જ એમણે ૧૮૮૫માં એક વિસ્તૃત અભ્યાસક્રમ સાથે આ નર્સીંગ સ્કૂલની સ્થાપના કરી. એમાં આરોગ્ય, પોષક આહાર, અસ્થિતંત્ર, શરીરશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મસાજ, જન્મેલાં શિશુ અને વૃદ્ધોની સેવા અને કાળજી જેવા વિષયો હતા. આ અભ્યાસક્રમ પૂરો થયા પછી પરિચારિકાઓ મોટી હોસ્પિટલમાં જોડાઈ શકતી કે પોતે સ્વતંત્ર વ્યવસાય કરતી… ૧૮૯૬માં ફ્લોરેન્સ નાઈટીંગેલે નર્સીંગ સ્કૂલના શિક્ષાર્થીઓને ઉદ્દેશીને પ્રેરણા આપતો એક પત્ર લખ્યો હતો –

લંડન,

ડિસેમ્બર ૨૩, ૧૮૯૬

વહાલી પરિચારિકા બહેનો,

પ્રભુ તમને દરેકને આશીર્વાદ આપે અને આપણી આ પરિચારિકાઓ પરની પ્રભુની અમીકૃપા એટલે શું ? શું એનો અર્થ એવો નથી થતો કે પવિત્ર પ્રભુ કે આત્માના મંદિર રૂપ માનવના દેહની સેવા કરવી ?… આપણું બધું કાર્ય એમનામાં (માનવપ્રભુની સેવામાં) આરંભાવું જોઈએ, ચાલુ રહેવું જોઈએ અને પૂર્ણ થવું જોઈએ…

ઉપર્યુક્ત પત્ર અને ડૉ. વોર્સેસ્ટરના વિચારોમાં સ્વામી વિવેકાનંદના ‘માનવસેવા એ જ પ્રભુસેવા’, ‘નારીકેળવણી’ અને ‘નિષ્કામ કર્મયોગ’ના આદર્શનું સામ્ય જોવા મળે છે. આ બન્ને વિચારસરણીની સામ્યતા તેમજ ભાવની નિકટતાને ધ્યાનમાં રાખીને સ્વામી સારદાનંદે વેલ્થામની નર્સીંગ સ્કૂલની મુલાકાત લીધી હતી. સ્વામી શારદાનંદ ડૉ. વોર્સેસ્ટરને મળ્યા અને આખી નર્સીંગ સ્કૂલને નિહાળી.

સાયકોમેથ ક્લબ

વિક્ટોરીયન અમેરિકાએ બાળકોની કેળવણી સહિત પ્રૌઢશિક્ષણમાં આગેકૂચ કરી. તત્કાલીન સમયમાં સ્ત્રીઓ ભાગ્યે જ કાૅલેજમાં જતી. સ્વવિકાસ માટે આવી ક્લબનું માધ્યમ ઉપયોગી થતું. વેલ્થામ ઉપરાંત ઘણાં શહેરોમાં આવી ક્લબ ઊભી થઈ. તેમાં પ્રાયોજિત શૈક્ષણિક કાર્યક્રમો અને સામાન્ય રસરુચિની પ્રવૃત્તિઓ યોજાતી. આધ્યાત્મિક જીવન માટે થોડા મિત્રો વધારે સારી સમજણ કેળવવા મળતા. ૧૮૯૬ની સભામાં કુમારી નેન્સી એસ.બોન્ડ અને બીજી ૧૨ સ્ત્રીઓ ઉપસ્થિત હતી. પ્રથમ તો ૨૦ સભ્યોનો મર્યાદિત સમાવેશ થતો. પણ થોડા જ સમયમાં એ સંખ્યા ૫૦ સુધી પહોંચી ગઈ. સાયકોમેથ શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી નિપજાવેલો છે અને એનો અર્થ થાય છે આત્મજ્ઞાન. ૧૮૯૬-૯૭માં મહિનામાં બે વાર બપોર પછી એની સભા થતી. તેમાં તુલનાત્મક ધર્મની ચર્ચા થતી. મુખ્યત્વે ઈસુ ખ્રિસ્તના આદર્શાેની ઉચ્ચતર કક્ષાએ વાતો થતી. આ સભાના પ્રથમ વર્ષે અમેરિકાના પ્રબુદ્ધજનો ઉપરાંત સ્વામી સારદાનંદજીનાં વ્યાખ્યાનો થયાં. વેલ્થામ વિમેન્સ ક્લબ અને સાયકોમેથ ક્લબ વચ્ચે ઘનિષ્ઠ સંપર્ક સંબંધ હતો. અમેરિકામાં સ્વામીજીએ વર્ણવેલા નારીકેળવણી પરના મહત્ત્વને અમેરિકામાં કેવી રીતે કાર્યાન્વિત કર્યું એ વાત આપણે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં જોઈએ : ‘અમેરિકામાં સ્ત્રીઓને જેટલા હક્કો છે તેટલા દુનિયામાં બીજી કોઈપણ જગ્યાએ નથી; ધીરે ધીરે તેઓ બધુંય પોતાના હાથમાં લેવા લાગી છે અને વિચિત્ર વાત તો એ છે કે સંસ્કારી સ્ત્રીઓની સંખ્યા સંસ્કારી પુરુષો કરતાં ઘણી વધારે છે… આપણા નિમ્નવર્ગના લોકોની એક માત્ર સેવા કરવી તે છે તેમને પોતાની ગુમાવેલી વ્યક્તિમત્તાને ઉન્નત બનાવવા કેળવણી આપવાની.’

આ સાયકોમેથ ક્લબ બાૅસ્ટનમાં બીજી ઘણી સંસ્થાઓ સાથે સંલગ્ન હતી, એમાં સારા બુલની કેમ્બ્રિજ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. આ બધા પર સ્વામી વિવેકાનંદની અમીકૃપા થઈ હતી.

વેલ્થામ અને ગ્રીનેકર વચ્ચેનો સંબંધ

ભારતમાંથી નીકળ્યા પછી ૧ એપ્રિલ, ૧૮૯૬ના રોજ સ્વામી સારદાનંદજીની વેલ્થામની યાત્રા શરૂ થઈ. થોડા મહિના તેઓ ઇંગ્લેન્ડમાં રહ્યા અને ન્યૂયોર્કમાં ૨ જુલાઈએ પહોંચ્યા. માત્ર પાંચ જ દિવસ પછી તેમણે અમેરિકાના ગ્રીનેકરમાં પોતાનું પ્રથમ વ્યાખ્યાન આપ્યું. ગ્રીનેકર એ સ્થળ અને ભાવધારા બન્ને માટેનું નામ હતું. તેનાં મૂળ પ્રેરક મોઝેસ ફાર્મર (૧૮૨૦-૧૮૯૩)નાં પુત્રી સારા ફાર્મર (૧૮૪૪-૧૯૧૬) હતાં. પ્રો. ફાર્મર વિદ્યુતશાસ્ત્રના શોધક હતા અને ૧૮૯૩ના શિકાગોના વિશ્વમેળાના પ્રદર્શનમાં એમનું સંશોધન મુકાયું હતું. કુમારી ફાર્મર વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત ન હતાં. આ આદર્શથી પ્રેરાઈને મેઈનમાં આવેલ પોતાની માલિકીના ઈલિયટ નામના સ્થળે દર ઉનાળે તેઓ આવી સભાઓ યોજતાં. આ કાર્યમાં એમનાં સહાયિકા હતાં કુમારી સારા બુલ (૧૮૫૦-૧૯૧૧). કુમારી સારા બુલના મનમાં ગ્રીનેકરનાં બીજ એમનાં માતા શ્રીમતી બુલે રોપ્યાં હતાં. ગ્રીનેકરના આદર્શાે સમય જતાં બદલાયા. શરૂઆતમાં તો આધ્યાત્મિકતા તરફ જ એનું વલણ હતું. સ્વામી વિવેકાનંદે અહીં જુલાઈ-ઓગસ્ટ ૧૮૯૪માં બે સપ્તાહ ગાળ્યાં હતાં. ગ્રીનેકરની આધ્યાત્મિકતા વિશે એમણે આમ લખ્યું હતું : ‘ગઈકાલે ભયંકર વાવાઝોડું ફૂંકાયેલ; તેણે તંબુઓની સારી ‘સારવાર’ કરી ! જે મોટા તંબુમાં વ્યાખ્યાનો ગોઠવ્યાં હતાં, તે આ સારવારથી એટલો બધો આધ્યાત્મિક બની ગયો કે પવિત્ર માનવદૃષ્ટિથી તે સંપૂર્ણ અદૃશ્ય થઈ ગયો! અને લગભગ બસો ખુરશીઓ તો ભાવસમાધિમાં આમતેમ નૃત્ય કરવા લાગી હતી!’ (ક્રમશ 🙂

 

Total Views: 175
By Published On: April 1, 2020Categories: Jayant Sarkar, Joseph Piddle0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram